Vrushali - 1 in Gujarati Love Stories by Vishakha Bhatt books and stories PDF | વૃશાલી (કર્ણ ની અર્ધાંગિની) - પ્રકરણ 1

Featured Books
Categories
Share

વૃશાલી (કર્ણ ની અર્ધાંગિની) - પ્રકરણ 1

સંધ્યા ધીમે ધીમે ઢળી રહી હતી. આકાશના અંતિમ કિરણો જાણે દિવસને વિદાય આપી રહ્યા હતા, પરંતુ રાધામાના હૃદયમાં શાંતિનો એક પણ કિરણ નહોતો.
તુલસીક્યારા પાસે દીપ પ્રગટાવવાનો સમય થઈ ગયો હતો. હાથમાં દીપ હતો, વાટ પણ તૈયાર હતી, છતાં રાધામાનું ચિત્ત એક ક્ષણ માટે પણ સ્થિર થતું ન હતું. વારેવારે તેઓ દ્વાર સુધી જઈ નગરના માર્ગ તરફ જોતા અને ખાલી માર્ગ જોઈને ફરી પાછા ફરી આવતા.
શ્રેષ્ઠીઓના રથો એક પછી એક નગરમાં પ્રવેશી રહ્યા હતા. કોઈ રથ પસાર થતો ત્યારે રાધામાનું હૃદય આશાથી ધબકી ઊઠતું—‘કદાચ આ રથમાં મારો કર્ણ હશે...’
પરંતુ દરેક વખતે આશા અધૂરી રહી જતી.
કર્ણ હજી આવ્યો નહોતો.
થોડા દિવસ પૂર્વે કર્ણ જીદે ચઢીને પિતાશ્રી અધિરથ સાથે કૌરવ-પાંડવોની પ્રતિસ્પર્ધામાં ભાગ લેવા ગયો હતો. તે દિવસથી જ રાધામાના હૃદયમાં એક અજાણી શંકા ઘર કરી ગઈ હતી.
તેમને પોતાના પુત્રની શક્તિ પર અવિશ્વાસ નહોતો.
અવિશ્વાસ હતો તો માત્ર આ જગત પર.
‘મારો કર્ણ ભલે કેટલો પણ પરાક્રમી હોય, પરંતુ જગત તેને કઈ દૃષ્ટિએ જોશે?’
આ પ્રશ્ન વારંવાર તેમના મનને વીંધી જતો.
એવામાં બાજુમાં રહેતો કાર્તિક ત્યાંથી પસાર થયો.
“હે કાર્તિક!”
રાધામાના સ્વરમાં છુપાયેલી વ્યાકુળતા સાંભળીને કાર્તિક તરત તેમની પાસે આવ્યો.
“શું થયું, રાધામાતા?”
“વત્સ, શું તને કર્ણ ક્યાંય દૃષ્ટિગોચર થયો? હજી સુધી મારો પુત્ર પરત ફર્યો નથી.”
કાર્તિકે તેમને આશ્વાસન આપતાં કહ્યું,
“ના રાધામાતા, હજી તેનું દર્શન થયું નથી. આપ ચિંતા ન કરો. તે પિતાશ્રી અધિરથ સાથે જ ગયો છે. કોઈ કાર્યવિશેષને કારણે વિલંબ થયો હશે. તેઓ પરત ફરતાં જ હું આપને સમાચાર આપીશ.”
કાર્તિકના શબ્દો આશ્વાસન આપતા હતા, એટલી જ વારમાં ગંગામા ત્યાં આવી પહોંચ્યાં.રાધામાના ચહેરા પરની ચિંતા જોઈ તેમણે હળવું સ્મિત કરતાં કહ્યું,
“રાધા પુત્રી, જળથી ભરેલો કળશ તૈયાર રાખજે. આજે તારા પુત્ર તારે વધાવવો પડશે ને ?.”
રાધામા થંભી ગયાં.
“વધામણાં?”
તેમના સ્વરમાં આશ્ચર્ય કરતાં વધુ આશા હતી.
“શેનાં, ગંગામા? શું સમાચાર છે?”
ગંગામા હસ્યાં.
“અરે પુત્રી, આજે તો તારા માટે આનંદનો દિવસ છે. તું ખરેખર ભાગ્યશાળી છે, જેને આવો પુત્ર પ્રાપ્ત થયો છે.”
આટલું સાંભળતાં જ રાધામાના મનમાં જાણે અનેક દ્વાર એકસાથે ખુલી ગયા.
‘શું થયું હશે?’
‘શું કર્ણે પ્રતિસ્પર્ધામાં ભાગ લીધો હશે?’
‘શું તેણે અર્જુનને પડકાર્યો હશે?’
અને પછી જ તેમના મનમાં બીજી જ ચિંતા ઊભી થઈ.
‘પરંતુ તેને ભાગ લેવા કોણ દે?’
‘જો તેણે અર્જુનને પડકાર્યો હશે તો?’
‘કોઈએ મારા પુત્રનું અપમાન તો નહીં કર્યું હોય?’
માતાનું મન વાયુવેગે દોડતું હતું આજે....
‘અને જો... જો મારા કર્ણે પોતાનું પરાક્રમ સાબિત કર્યું હશે તો?’
આ વિચાર સાથે તેમના હૃદયમાં ગર્વની એક નાની જ્યોત પ્રગટી.
પરંતુ તરત જ બીજી આશંકાએ તેને ઢાંકી દીધી.
‘મારા પુત્રની યોગ્યતા જોઈને કોઈના મનમાં દ્વેષ તો નહીં જાગ્યો હોય?’કોઈ એ તેને પ્રતાડિત તો નહીં કર્યો હોય ને ???

તેમણે ગંગામાના ચહેરા તરફ જોયું.
 પણ ગંગામાની આંખોમાં ચિંતા નહોતી.
માત્ર આનંદ હતો.
ત્યારે રાધામાના મનમાં ધીમે ધીમે વિશ્વાસ જન્મ્યો.
‘ગંગામા આટલા આનંદથી વધામણાંની વાત કરે છે, તો અવશ્ય કંઈક શુભ બન્યું છે.’
એ જ ક્ષણે દૂરથી ઘોડાઓના પગલાંનો અવાજ સંભળાયો.
રાધામાનું હૃદય ધબકી ઊઠ્યું.
તેમની આંખો નગરના માર્ગ પર સ્થિર થઈ ગઈ.
રથ ધીમે ધીમે ગૃહ સમીપ આવીને ઊભો રહ્યો.
અને પછી...
રથમાંથી કર્ણ ઊતર્યો.
એ ક્ષણે રાધામાને જાણે શ્વાસ પાછો મળ્યો.


કર્ણ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તેમની પાસે દોડી આવ્યો અને ચરણોમાં મસ્તક મૂકી દીધું.


“મા! હવે તારા સર્વ સ્વપ્નો હું પૂર્ણ કરીશ. મને આશીર્વાદ આપ. કુમાર દુર્યોધને મને અંગરાજની પદવી આપી છે.”
‘અંગરાજ...’
આ શબ્દ રાધામાના કાનમાં પડ્યો અને તેમની આંખો ભીની થઈ ગઈ.



જે પુત્ર માટે તેઓ વર્ષોથી સમાજની વક્રદૃષ્ટિ સહન કરતાં આવ્યા હતા, આજે એ જ પુત્રને સમાજે રાજમુકુટ આપ્યો હતો.
પરંતુ આનંદ સાથે એક માતાનો સ્વભાવસિદ્ધ પ્રશ્ન પણ ઊભો થયો.
“અંગરાજ? તને? દુર્યોધને? પરંતુ શા માટે, પુત્ર?”
ત્યાં જ અધિરથ પણ રથમાંથી ઊતર્યા અને કહેવા લાગ્યા,
“રાધા, કર્ણે આજે પ્રતિસ્પર્ધામાં ભાગ લેવાનો નિશ્ચય કર્યો હતો. તેણે પ્રતિસ્પર્ધામાં અર્જુનને પડકાર પણ આપ્યો.”
“અર્જુનને પડકાર?”
રાધામાની ધડકન જાણે એક ક્ષણ માટે થંભી ગઈ.
“પુત્ર, અર્જુનને આપણે પડકાર ન આપીએ. તે તો અતિ કુશળ ધનુર્ધર છે, શબ્દવેધી બાણ ચલાવવામાં પણ નિપુણ છે.”
અધિરથે ધીમા સ્વરે કહ્યું,
“રાધા, પડકાર ન આપવો જોઈએ એ વાત સાચી હતી. મને પોતાને પણ ભય લાગ્યો હતો. પરંતુ કર્ણે અર્જુનને પડકાર આપ્યો.”
“પછી?”
રાધામાના સ્વરમાં ચિંતા સ્પષ્ટ હતી.
અધિરથે આગળ કહ્યું,
“ગુરુ દ્રોણાચાર્યે તેને અટકાવ્યો. તેમણે કહ્યું કે આ સભામાં માત્ર રાજા અથવા રાજકુમાર જ પ્રતિસ્પર્ધામાં ભાગ લઈ શકે. તેથી કર્ણને ભાગ લેવાની અનુમતિ આપી શકાય નહીં.”અધિરથે સમગ્ર ઘટના કહી.

રાધામા નિઃશબ્દ સાંભળતાં રહ્યાં.
દરેક શબ્દ સાથે તેમના હૃદયમાં ગર્વ વધતો ગયો.
પરંતુ જ્યારે તેમણે સાંભળ્યું કે દ્રોણાચાર્યે કર્ણને માત્ર એટલા માટે રોક્યો કે તે રાજા કે રાજકુમાર નહોતો, ત્યારે તેમના હૃદયમાં વર્ષો જૂની પીડા ફરી જાગી.
‘મારો પુત્ર... માત્ર જન્મના અજાણ્યા રહસ્યને કારણે કેટલું બધું સહન કરશે?એમનું મન ડૂબવા માંડ્યું
એજ પળે કર્ણે કહ્યું આગળ સાંભળ ને માં 

અધીરથે કહ્યું પરંતુ એ જ સમયે કુમાર દુર્યોધન ઊભો થયો અને તેણે કહ્યું—જો પ્રતિસ્પર્ધામાં ભાગ લેવા માટે યોગ્યતા માત્ર રાજા કે રાજકુમાર હોવી જ હોય, તો હું કર્ણને આજથી અંગદેશનો રાજા ઘોષિત કરું છું. ત્યારબાદ તેણે કર્ણને અંગરાજનું રાજ્ય અર્પણ કર્યું.”
રાધામાનો સ્વર હવે જાણે સ્વપ્નમાં તરતો હોય તેમ ધીમો થઈ ગયો.
“પછી શું થયું, પુત્ર?”
અધિરથે કહ્યું,
“દ્રોણાચાર્યે તો કર્ણને પ્રતિસ્પર્ધામાં ભાગ લેવા દીધો નહીં. પરંતુ દુર્યોધને તેને પોતાનો મિત્ર માની લીધો અને આજથી અંગદેશનો રાજા બનાવી દીધો.”
રાધામાની આંખોમાં અશ્રુ આવી ગયાં.
“આપણા ભાગ્યના દ્વાર તો જાણે આજે જ ખૂલી ગયા. સૂર્યાસ્ત સમયે આપણા આંગણે સૂર્યદેવે પોતાની અતિ કૃપા વરસાવી હોય તેમ લાગે છે. જાણે આપણા ઘરમાં સૂર્યોદય થયો હોય...”
એટલું કહી રાધામા તરત જ તુલસીક્યારા પાસે ગયાં. તેમણે હાથ જોડ્યા અને આંખો મીંચી પ્રાર્થના કરી,
“હે તુલસીમાતા, મારા કર્ણની રક્ષા કરજો. રાજકારણ અને રાજકીય ષડયંત્રોથી મારા પુત્રને સદા દૂર રાખજો. તેના માર્ગમાં આવનારા દરેક સંકટથી તેનું રક્ષણ કરજો.”
તેમની પાછળ ઊભેલો કર્ણ ખડખડાટ હસી પડ્યો.
“મા! મને જે મળ્યું છે, તે મારી યોગ્યતાના કારણે મળ્યું છે. અને મારી યોગ્યતા દુર્યોધને જોઈને પારખી છે. તેમાં ષડયંત્ર શું છે? મા, તને તારા પુત્રની યોગ્યતા પર વિશ્વાસ નથી? તને તારા પુત્રની યોગ્યતા પર ગર્વ નથી?”
રાધામા કંઈ બોલ્યાં નહીં. તેમણે માત્ર કર્ણને પોતાના હૃદયસર નજીક ખેંચી લીધો.
એટલી જ વારમાં શેરીના અને આસપાસના અનેક લોકો ત્યાં એકત્ર થવા લાગ્યા. સૌના મુખ પર આનંદ હતો.
જે રાધેયને તેઓ અત્યાર સુધી માત્ર સારથીપુત્ર તરીકે ઓળખતા હતા, તે જ આજે તેમની આંખો સામે અંગદેશનો રાજા—અંગરાજ કર્ણ બનીને ઊભો હતો.