સમયનું ચક્ર
-રાકેશ ઠક્કર
ભાગ-૧
આઝાદી પછીના નવાબી શહેર જામનગરની સાંજ જાણે ઈતિહાસના પટારામાંથી બહાર નીકળેલા કોઈ ધીમા સંગીત જેવી હતી. શહેરની દીવાલો પર હજુ પણ જૂના નવાબી કાળના મોટા ગુંબજો, અને પથ્થરની કોતરણીવાળા દરવાજાઓની છાપ અકબંધ હતી. રસ્તાઓ હજુ ડામરના નહોતા થયા, કાચા અને રેતાળ પંથ પર સાંજના સમયે ઊડતી ધૂળમાં સૂર્યાસ્તના કેસરી રંગો ભળી એક અજબની ઉદાસી અને સુંદરતા ઊભી કરતા હતા. સાંજ પડતાં જ મસ્જિદોમાંથી ગુંજતી અઝાનનો અવાજ અને બજારના ચોકમાં ગૌધૂલિ વેળાએ વાગતા ઢોલ-નગારાનો અવાજ હવામાં એકરસ થઈ જતા. એ જમાનાના એ નવાબી શહેરમાં સમય જાણે પોતાની ધીમી ચાલથી વહેતો હતો, જ્યાં દરેક ગલી અને દરેક દીવાલ એક અલગ જ દાસ્તાન બયાન કરતી હતી.
આ જ શહેરની એક સાંકડી અને ધૂળિયા રસ્તેથી એક યુવતી પસાર થઈ રહી હતી. એનું નામ વૈદેહી હતું. વૈદેહીનું ઘર શહેરના એકદમ છેવાડે આવેલા ગરીબ અને જીર્ણ મહોલ્લામાં હતું. એના પિતા એક સરકારી કચેરીમાં સાધારણ કારકુન તરીકે કામ કરતા હતા અને ઘરની આર્થિક સ્થિતિ એવી હતી કે બે ટૂંક રોટલી મેળવવા માટે પણ કઠિન સંઘર્ષ કરવો પડતો હતો.
વૈદેહીના પગમાં પહેરેલી ચંપલની રબરની પટ્ટીઓ ઘણી જગ્યાએથી ઘસાઈ ચૂકી હતી અને શરીર પર પહેરેલો સૂતરાઉ સાદો સલ્વાર કુરતો પણ વારંવાર ધોવાને કારણે ફિક્કો પડી ગયો હતો. છતાંય કુદરતે એને એવું અસાધારણ, અદભુત અને આંખો અંજાઈ જાય તેવું સૌંદર્ય આપ્યું હતું કે ગરીબીની કોઈ પણ રેખા એના તેજને ઝાંખું નહોતી કરી શકતી.
એની લાંબા કાળા કેશની લટો, જે હવાની સાથે હળવાશથી ઉડતી હતી અને એની હરણ જેવી મોટી, ઘેરી અને સહેજ ઉદાસ આંખો કોઈપણનું ધ્યાન ખેંચવા માટે પૂરતી હતી. એના દેહનો આકાર કોઈ દક્ષિણ ભારતીય આરસપહાણમાંથી કંડારેલી સુંદર મૂર્તિ સમાન હતો. કમરની પાતળી અને અદભુત વળાંકવાળી રેખાઓ (Curves), છાતીનું ઉભરતું યૌવન અને ચાલવામાં રહેલી એક ખાસ પ્રકારની નજાકત એના સમગ્ર વ્યક્તિત્વને અત્યંત મોહક અને ઉત્તેજક બનાવતી હતી. એ જ્યારે ચાલતી ત્યારે એના શરીરનું દરેક અંગ એક અજ્ઞાત અહંકાર અને સુંદરતાના નશાની ગવાહી આપતું હતું, જે નવાબી શહેરના ધનિકોની નજરોને પોતાની તરફ ખેંચવા માટે પૂરતું હતું. એ પોતાની ગરીબીથી કંટાળેલી હતી પણ એના ચહેરા પરની નજાકત અને તીક્ષ્ણ નયનોમાં એક એવું આકર્ષણ હતું જે કોઈના પણ હોશ ઉડાવી શકે.
જેવી વૈદેહી શહેરના મુખ્ય ચાર રસ્તા અને સિનેમાઘરની નજીકની ગલીમાંથી પસાર થઈ, રોડની પાટા પર બેઠેલા એ નવાબી શહેરના નવરા અને બેકાર યુવાનોની નજર એના પર પડી ગઈ. એ જમાનાના એ અલ્લડ અને આવારા છોકરાઓ માટે સાંજનું મુખ્ય મનોરંજન ગલીમાંથી પસાર થતી યુવતીઓની મશ્કરી કરવાનું હતું.
જેવો વૈદેહીનો પડછાયો એ જૂની ચાની હોટલના ઓટલા પર પડ્યો, તરત જ એક યુવાને મોંમાંથી લાંબી સીટી વગાડી.“અરે ઓ સાહેબજાદી! આજે તો નવાબી શહેરની સડક પર સોનાનો સૂરજ ઉગ્યો છે કે શું? જરા આમ જોતા તો જાવ!”
બીજા ખૂણે બેઠેલા એક મવાલીએ ખોંખારો ખાતા કટાક્ષ કર્યો,“અરે ભાઈ, કપડાં ભલે ફાટેલા રબરની સ્લીપરમાં હોય, પણ નખરાં તો કોઈ નવાબની બેગમ જેવા જ છે ને!”
સાથે બેઠેલા બીજા છોકરાઓ ખડખડાટ હસી પડ્યા અને અશ્લીલ ઈશારા કરવા લાગ્યા. એ નવરા યુવાનોના ખોંખારા, સીટીઓ અને હાસ્યનો અવાજ આખી ગલીમાં ગુંજી ઉઠ્યો.
વૈદેહીનું લોહી ઉકળી ઉઠ્યું. એના ગાલ ગુસ્સા અને શરમથી લાલ થઈ ગયા. એણે થોડીવાર માટે પોતાના પગ થંભાવી દીધા અને એ યુવાનો તરફ એક એવી તીક્ષ્ણ, તિરસ્કારભરી અને આગઝરતી નજરે જોયું કે પેલી સીટી વગાડનાર યુવાનની હસતી હસી અડધા રસ્તે જ ગળામાં રૂંધાઈ ગઈ. વૈદેહીની આંખોમાં ડર નહોતો પણ એક અહંકાર અને ગુસ્સો હતો કે ‘મારી ગરીબી ભલે આજની મજબૂરી છે, પણ તમારો આ તિરસ્કાર હું ક્યારેય સહન નહીં કરું!’
એણે માથું ઊંચું કરીને વધુ કડકાઈથી પોતાના પગ ઉપાડ્યા. ક્યારેય કોઈની પરવા ન કરતી વૈદેહી પોતાના મનમાં બળબળાટ કરી રહી હતી: ‘આ ગરીબી... આ ધૂળ... આ નીચી માનસિકતા ધરાવતા લોકો... એક દિવસ એવો આવશે જ્યારે આ જ શહેરના લોકો મારા પગમાં ઝૂકશે. હું આ ગરીબીની રેખાઓને કાયમ માટે ભૂંસી નાખીશ!’
એ સાંજે વૈદેહીના મનમાં જે અહંકાર અને મહત્ત્વાકાંક્ષાનું બીજ રોપાયું હતું, એને ખબર નહોતી કે આ સુંદરતા અને અહંકારનો આ રસ્તો આગળ જઈને એને કયા ભયાનક તોફાન તરફ ધકેલવાનો છે. ધૂળ ઉડાવતી એ સાંજે વૈદેહી પોતાના ઘરના જીર્ણ દરવાજા તરફ આગળ વધી ગઈ પણ નવાબી શહેરની એ ગલીઓ અને એ યુવાનોની નજરો એના કાનમાં હજુ પણ ગુંજી રહી હતી.
ક્રમશ: