Empty sky – a sound that kept echoing. books and stories free download online pdf in Gujarati

ખાલી આકાશ - એક અવાજ જે ગૂંજતો રહ્યો

પ્રકરણ ૫
નિર્ણાયક રાત

રાત્રિના બે વાગ્યા હતા. દરિયો તેને બોલાવી રહ્યો હતો પણ આર્યનની દરિયા પાસે જવાની હિંમત ન થઈ! એ ઘરે પરત ફર્યો. 

દરિયાકિનારાથી પરત ફરીને એ હવે મુંબઈના કુર્લા સ્ટેશન પાસેના રેલવે ટ્રેક પર આવી પહોંચ્યો હતો. 

આ રેલવે ટ્રેક અત્યારે કોઈ સ્મશાન જેવો નિર્જન ભાસતો હતો. શહેરનો કોલાહલ અહીં આવીને થંભી જતો હતો. માત્ર થોડા અંતરે બળતા પીળા સોડિયમ લેમ્પ્સનો ઝાંખો, માંદલો પ્રકાશ લોખંડના પાટા પર પડી રહ્યો હતો, જેનાથી એ પાટા કોઈ કાળા સાપની જેમ લાંબે સુધી લહેરાતા દેખાતા હતા. આકાશમાં વાદળોનો જમાવડો હતો, પણ તારા ક્યાંય ગાયબ હતા. આખું આકાશ એક કાળા કપડા જેવું લાગતું હતું, જે પૃથ્વી પરની બધી આશાઓને કાયમ માટે ઢાંકી દેવા માંગતું હતું.

આર્યન ટ્રેકની બાજુમાં પડેલા અણીદાર પથ્થરો પર જઈને બેઠો હતો. તેના ચહેરા પર કોઈ ભાવ નહોતો. ન ડર, ન પસ્તાવો. જે માણસ જિંદગીની બધી જ બાજીઓ હારી ચૂક્યો હોય, તેના ચહેરા પર ભય નહીં પણ એક વિચિત્ર પ્રકારની 'શૂન્યતા' હોય છે. આ એ શાંતિ હતી જે વિનાશક તોફાન પહેલા વાતાવરણમાં છવાઈ જાય છે.

તેણે તેના ખિસ્સામાંથી છેલ્લીવાર તેનો ફોન કાઢ્યો. સ્ક્રીન પર તિરાડો હતી અને બેટરી સાવ લો હોવાથી લાલ લાઈટ લબક-ઝબક થતી હતી. તેણે કોન્ટેક્ટ લિસ્ટ ખોલ્યું. આંગળીઓ 'મા' ના નામ પર અટકી, પણ હિંમત ન ચાલી.

"જે લોકો મને જીવતા ન સમજી શક્યા, તે મરતી વખતે મારી પીડા શું સમજવાના હતા?" તે સ્વગત બબડ્યો અને ફોન બાજુ પર મૂકી દીધો.

તે ધીમેથી ઊભો થયો અને ટ્રેકની બરાબર વચ્ચે જઈને ઊભો રહ્યો. ઠંડો, ભેજવાળો પવન તેના ચહેરાને અથડાઈ રહ્યો હતો. પાટા નીચેના પથ્થરો તેના ફાટેલા જૂતામાંથી પગમાં ખૂંચતા હતા, પણ તેને હવે કોઈ શારીરિક પીડાનો અહેસાસ થતો નહોતો. તેની અંદર ચાલી રહેલું માનસિક યુદ્ધ બહારની દુનિયા કરતા ક્યાંય વધુ ભયાનક હતું. તેને યાદ આવ્યું કે, કેવી રીતે એક પછી એક દરવાજા તેના મોઢા પર બંધ થયા હતા. ખન્ના શેઠનું એ ચાલી વચ્ચે કરેલું અપમાન, પેલા શુક્લાજીના ઝેરીલા ટોણા, અને ભૂખના કારણે પેટમાં થતી એ અસહ્ય બળતરા... આ બધું હવે એક બિહામણા સપના જેવું લાગતું હતું.

"બસ હવે બહુ થયું... આ નાટકનો અંત આવવો જોઈએ." તેણે મનોમન પોતાનો ફેંસલો સંભળાવ્યો.
તેને લાગ્યું કે, આ દુનિયામાં તે એક ભૂલ છે. તે અહીં એક વધારાનું પાત્ર છે જેને લેખકે વાર્તામાં ખોટી રીતે મૂકી દીધું છે અને જેની કોઈને જરૂર નથી. તે કલ્પના કરવા લાગ્યો કે, જ્યારે ટ્રેન આવશે ત્યારે શું થશે? એક ક્ષણનું તીવ્ર દર્દ, એક લોખંડના અથડાવાનો જોરદાર અવાજ, અને પછી બધું જ કાયમ માટે શાંત... ન કોઈ ભાડાની ચિંતા..., ન કોઈ નોકરીની શોધ..., ન કોઈ રિજેક્શન લેટરનો ડર.... તેને આ વિચારમાં એક અજીબ, પાશવી મુક્તિ દેખાઈ!

એટલામાં, દૂર ક્ષિતિજ પર એક તેજસ્વી પ્રકાશનો પૂંજ દેખાયો. ટ્રેનનું એન્જિન અંધકારને ચીરતું પ્રચંડ ગતિએ તેની તરફ ધસી રહ્યું હતું. લોખંડના પાટામાં ધ્રુજારી શરૂ થઈ. એ ધ્રુજારી આર્યનના પગના તળિયાથી લઈને તેના હૃદયના ધબકારા સુધી પહોંચી. જેમ જેમ ટ્રેન નજીક આવતી ગઈ, તેમ તેમ તેનો કર્કશ અવાજ પર્વત જેવો મોટો થતો ગયો. એ અવાજ જાણે અંધારામાં ગર્જના કરતો હતો, "આવ... મારી પાસે આવ, હું તારી બધી જ ભૌતિક પીડાઓનો અંત લાવી દઈશ."

આર્યને તેની આંખો મિંચી દીધી. તેણે જીવનનો છેલ્લો શ્વાસ ઊંડો લીધો. ગળે ડૂમો ભરાયો હતો. પણ એ જ ક્ષણે, જ્યારે ટ્રેન માત્ર થોડાક મીટર જ દૂર હતી, ત્યારે તેની અંદર કંઈક અચાનક વીજળીની જેમ ચમક્યું. તેને મરવાનો ડર નહોતો લાગ્યો, પણ પોતાની લાચારી પર એક અત્યંત તીવ્ર સૂગ ચડી. તેને તેની વૃદ્ધ માતાનો કરચલીવાળો ચહેરો યાદ આવ્યો. એ માતા જે હજી પણ ગામડાના ઉંબરે બેસીને તેના સુખી ભવિષ્યના સમાચારની રાહ જોઈ રહી હતી.

"જો હું અત્યારે મરી જઈશ, તો હું સાબિત કરી દઈશ કે, હું ખરેખર નકામો હતો," એક અવાજ તેની અંદર ગુંજ્યો. તેને ગ્લાનિ થઈ કે, તે મરવા માટે પણ આ ટ્રેનનો જ સહારો લઈ રહ્યો છે. કારણ કે, તેની પાસે પોતાની શરતો પર જીવવાની હિંમત નથી.

ટ્રેન સાવ નજીક આવી પહોંચી. એન્જિનના હોર્નનો અવાજ કાન ફાડી નાખે તેવો હતો અને હેડલાઈટનો પ્રકાશ તેની આંખોને આંજી રહ્યો હતો. મોત તેની સામે જ ઉભું હતું. પણ અંતિમ સેકન્ડમાં, તેના અસ્તિત્વના મૂળભૂત જીજીવિષાના સંવેદનો જાગી ઉઠ્યા..!!

આર્યનના પગ આપોઆપ જ ટ્રેક પરથી નીચે કૂદી પડ્યા. તે ધબ દઈને બાજુની ગંદી અને પથરાળ જમીન પર પછડાયો. ટ્રેન એક ભયાનક ગર્જના અને પવનના વંટોળ સાથે તેની બાજુમાંથી પસાર થઈ ગઈ. પવનના એ તેજ ઝાપટાએ આર્યનને ધૂળ અને કાંકરીમાં રગદોળી નાખ્યો.

ટ્રેન જતી રહી. પાછળ રહી ગઈ માત્ર એન્જિનની લાલ લાઈટ અને હવામાં ઉડેલી કાળી ધૂળ. .!!

આર્યન ત્યાં જ પથ્થરો પર ઊંધા મોઢે પડ્યો રહ્યો. તેનું શરીર ધ્રૂજતું હતું. તે રડવા માંગતો હતો, પણ તેની આંખોમાંથી આંસુને બદલે એક વિકૃત હાસ્ય નીકળ્યું. તે પાગલની જેમ જોરજોરથી હસવા લાગ્યો. એ હાસ્યમાં કોઈ ઉલ્લાસ નહોતો, પણ પોતાની જ કાયરતા પરનો અત્યંત કરુણ કટાક્ષ હતો!

"હું એટલો નકામો અને કમનસીબ છું કે, આ કાળમુખી ટ્રેન પણ મને સ્વીકારવા તૈયાર નથી!" તે અંધારામાં જોરથી ચીસ પાડી ઉઠ્યો.

તે પોતાની જાત પર હસતો રહ્યો અને પછી જમીન પર માથું પછાડીને રડતો રહ્યો. સ્ટેશનના એ ગંદા ખૂણામાં પડેલો આર્યન અત્યારે માનવ ગરિમાના સૌથી નીચલા સ્તરે હતો. તેને પોતાની લાચારી અને મોતનો ડર બંને પર સખત ધિક્કાર આવ્યો.

તે આખી રાત ત્યાં જ ટ્રેકની બાજુમાં બેસી રહ્યો. તેના કપડાં ફાટી ગયા હતા, ગંદા થઈ ગયા હતા, ચહેરા પર ધૂળ અને પરસેવો જામી ગયા હતા. પણ એ રાતે તેની અંદર જૂનો આર્યન મરી ગયો હતો અને કંઈક નવું, કઠોર જન્મી રહ્યું હતું. તેને સમજાઈ ગયું કે, મોત તેને સરળતાથી મળવાનું નથી. હવે તેની પાસે માત્ર એક જ વિકલ્પ બચ્યો હતો...અને તે હતો જીવન જીવવાનો...

એણે મનોમન નક્કી કર્યું કે, ભલે ગમે તેવું નરક જેવું અને અપમાનજનક જીવન હોય, પણ હવે તેણે એ લડીને જીવવું જ પડશે.

જ્યારે સવારનો પહેલો ધૂંધળો પ્રકાશ મુંબઈના આકાશમાં ફૂટ્યો, ત્યારે આર્યન ભારે શરીરે ઊભો થયો. તેના પગ હજી પણ કાંપી રહ્યા હતા, પણ તેની નજરમાં એક વિચિત્ર પ્રકારની પથ્થર જેવી કઠોરતા આવી ગઈ હતી. તે ફરી પોતાની એ સાંકડી ખોલી તરફ ચાલવા લાગ્યો.

તેને ખબર નહોતી કે, આવતીકાલનો સૂરજ તેના માટે કઈ આફત લઈને આવશે, પણ તે એટલું ચોક્કસ જાણતો હતો કે, તે હવે એ જૂનો, ડરપોક આર્યન રહ્યો નથી. આ 'નિર્ણાયક રાતે' તેને મોતની સાવ નજીક લાવીને જીવવાની એક નવી, ભલે કડવી પણ સાચી હકીકત સમજાવી દીધી હતી.

આ એ રાત હતી જેણે તેની જિંદગીના 'નિષ્ફળતા' નામના પહેલા પ્રકરણનો લોહીના અક્ષરે અંત આણ્યો અને એક અજાણ્યા, સંઘર્ષમય અને આકસ્મિક ભવિષ્યના બીજા પ્રકરણની શરૂઆત કરી. હવે તે ભિખારી બનવા તૈયાર હતો, મજૂર બનવા તૈયાર હતો, પણ લાચાર બનીને મરવા તૈયાર નહોતો...!!!