Someone lost theirs. books and stories free download online pdf in Gujarati

કોઈક પોતાનું છૂટી ગયું

લેખક પરિચય
હું એક એવી લેખિકા છું, જે માને છે કે દરેક લાગણીને અવાજ આપવો શક્ય નથી હોતો, પરંતુ તેને શબ્દોમાં ઉતારવી ચોક્કસ શક્ય છે.
મારા માટે લેખન માત્ર શબ્દોનું જોડાણ નથી, પરંતુ મનમાં રહેલી લાગણીઓ, વિચારો અને અનુભવોને કાગળ પર જીવંત કરવાની એક સુંદર રીત છે.
મને એવા વિષયો પર લખવાનું ગમે છે, જે સીધા હૃદય સુધી પહોંચે. સંબંધો, લાગણીઓ, પ્રેમ, વિયોગ અને જીવનની એવી હકીકતો, જેને દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક અનુભવે છે.
મારું માનવું છે કે દરેક વ્યક્તિની અંદર એક એવી વાર્તા હોય છે, જે કદાચ દુનિયાને ક્યારેય સંભળાતી નથી.
પુસ્તક પરિચય
જીવનમાં દરેક વિદાય એકસરખી નથી હોતી. કેટલીક વિદાય એવી હોય છે, જ્યાં વ્યક્તિ આપણી સાથે હોવા છતાં આપણાથી દૂર થઈ જાય છે, અને કેટલીક એવી હોય છે જ્યાં વ્યક્તિ દુનિયામાં જ રહેતી નથી.
કેટલાક લોકો સંબંધો તોડીને ચાલ્યા જાય છે. ક્યારેક સંજોગો તેમને આપણાથી દૂર કરી દે છે, તો ક્યારેક તેમનું બદલાઈ જવું આપણને તેમની પાસેથી દૂર કરી દે છે. તેઓ કદાચ એક દિવસ પાછા આવે, માફી માગે, ફરીથી સંબંધ જોડવાની ઇચ્છા પણ રાખે; પરંતુ એકવાર દિલમાંથી ઊતરી ગયેલા દરેક વ્યક્તિને ફરી પહેલાં જેવું સ્થાન આપી શકાય એવું જરૂરી નથી.
બીજી તરફ, કેટલાક લોકો એવા હોય છે જેમને મૃત્યુ આપણી પાસેથી છીનવી લે છે. તેમની સાથે ફરી વાત કરવી, તેમને એકવાર જોઈ લેવા કે અધૂરી રહી ગયેલી વાતો પૂરી કરવી હવે શક્ય નથી હોતું. તેમની ગેરહાજરીને કોઈ હાજરી પૂરી કરી શકતી નથી.
      કોઈક પોતાનું છૂટી ગયું…

કેટલાક લોકો આપણને છોડીને ચાલ્યા જાય છે, તો કેટલાકને કુદરત આપણાથી છીનવી લે છે.

ફરક માત્ર એટલો જ છે કે એક વાર ગુમાવેલી વ્યક્તિને આપણે આખી જિંદગી શોધતા રહીએ છીએ, જ્યારે બીજી વ્યક્તિને ફરી ક્યારેય શોધી શકવાના નથી.

આ પુસ્તક એવા જ લોકોની વાત છે.

એ લોકોની, જેઓ ક્યારેક આપણી જિંદગીનો સૌથી સુંદર હિસ્સો હતા. કોઈ આજે પણ આ દુનિયામાં છે, પણ આપણા સંબંધોમાં નથી. તો કોઈ એવો છે, જે હવે આ દુનિયામાં જ નથી, છતાં આપણી યાદોમાં આજે પણ જીવંત છે.

કોઈની રાહ જોવાનું બંધ કરવું સહેલું નથી હોતું અને કોઈની યાદોમાંથી બહાર આવવું પણ એટલું સહેલું નથી હોતું.

કારણ કે જે લોકો દુનિયા છોડીને જાય છે, તેઓ પાછા નથી આવતા; અને જે લોકો દિલમાંથી ઊતરી જાય છે, તેઓ કદાચ પાછા આવે, પણ આપણે તેમને ફરી એ જ સ્થાન આપી શકતા નથી.

આ પુસ્તક કોઈને ભૂલી જવાની વાત નથી કરતું. આ તો એ સ્વીકારવાની વાત છે કે દરેક પોતાનું લાગતું વ્યક્તિ કાયમ માટે આપણું રહેતું નથી.

કેટલાક છૂટી જાય છે, કેટલાક છીનવાઈ જાય છે…

અને આપણે? આપણે બસ તેમની યાદો સાથે જીવતાં શીખી જઈએ છીએ.
કેટલીક વ્યક્તિઓ આપણા જીવનમાં એટલી ખાસ હોય છે કે તેમની સાથે જોડાયેલી નાની નાની વાતો પણ આપણા માટે ખૂબ જ કિંમતી હોય છે. પરંતુ ક્યારેક તેમની કેટલીક ભૂલો, તેમનું વર્તન અને બોલાયેલા કેટલાક શબ્દો આપણને તેમનાથી દૂર કરી દે છે. કહેવાય છે ને કે, "વાત મોટી હોય તો માણસ ભૂલી જાય અને માણસ મોટો હોય તો વાત ભૂલી જાય." પરંતુ હંમેશાં આવું શક્ય નથી હોતું.

ક્યારેક વ્યક્તિ એટલી વહાલી હોય છે કે તેની ભૂલોને માફ કરવાનું મન થાય છે, પણ એ ભૂલો એટલી ઊંડી અસર કરી જાય છે કે તેમને ભૂલી શકાતી નથી. બીજી તરફ, વાતને ભૂલી જવા માગીએ તો પણ એ વ્યક્તિ સાથે જોડાયેલી લાગણીઓ આપણને રોકી લે છે.
          કોઈકપોતાનુંછૂટી ....