Empty sky – a sound that kept echoing. books and stories free download online pdf in Gujarati

ખાલી આકાશ - એક અવાજ જે ગૂંજતો રહ્યો

પ્રકરણ ૬
અચાનક મળેલી તક

નિર્ણાયક રાત્રિના એ ભયાનક અનુભવ પછી આર્યન બે દિવસ સુધી પોતાની ખોલીમાં જ કેદ રહ્યો. તે નહોતો કંઈ બોલતો, નહોતો કંઈ ખાતો. તેના શરીરમાં કોઈ શક્તિ બચી નહોતી, પણ મનમાં એક વિચિત્ર પ્રકારની જડતા હતી. એ રાત્રે રેલવે ટ્રેક પરથી પાછા ફર્યા પછી તેને એક પરમ સત્ય સમજાઈ ગયું હતું..!!

મરવું સહેલું નથી, પણ જીવવું તો એનાથી પણ અઘરું છે! ત્રીજા દિવસે સવારે જ્યારે પેટમાં ફરી ભૂખની આગ ભભૂકી, ત્યારે તેણે બહાર નીકળવાનું નક્કી કર્યું. તેના નસીબે કદાચ તેને મરતા બચાવ્યો હતો, તો જીવવા માટે છેલ્લી એક તક પણ સુરક્ષિત રાખી હતી.

કુર્લાની એક સાંકડી અને ગંધાતી ગલીમાં તેને તેનો એક જૂનો પરિચિત મિત્ર 'અશરફ' મળ્યો. અશરફ નાની-મોટી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓમાં મજૂરો પૂરા પાડવાનું કામ કરતો હતો. 

આર્યનની બેઠેલી આંખો અને ઉતરેલો ચહેરો જોઈને તેણે પૂછ્યું, "કેમ! આર્યન ભાઈ? બહુ ખરાબ હાલત લાગે છે. શું વાત છે? કંઈ કામ જોઈએ છે?"

આર્યને શુષ્ક ગળે માત્ર હકારમાં માથું ધુણાવ્યું.

"જો ભાઈ! લોઅર પરેલની એક ફાઈવ સ્ટાર હોટલમાં એક મોટો કોર્પોરેટ સેમિનાર છે. અમારે સ્ટેજ સેટ કરવા અને ખુરશીઓ ગોઠવવા માટે હેલ્પર્સની જરૂર છે. સાંજ સુધીનું કામ છે, પાંચસો રૂપિયા રોકડા અને પેટ ભરીને જમવાનું મળશે. બોલ! આવવું છે તારે?"

પાંચસો રૂપિયા અને જમવાનું..!! 

આર્યન માટે અત્યારે આ દુનિયાની સૌથી મોટી લોટરી હતી. તેણે અશરફનો હાથ પકડી લીધો અને તરત જ હા પાડી દીધી.

હોટલનું નામ સાંભળીને જ આર્યનની અંદર રહેલો 'એવરેજ' છોકરો થોડો ગભરાયો. 'ધ ગ્રાન્ડ પેલેસ'. મુંબઈની એ વૈભવી હોટલ જ્યાં પ્રવેશવા માટે પણ નસીબ જોઈએ!

જ્યારે તે ત્યાં પહોંચ્યો, ત્યારે તેની ફાટેલી ચંપલ અને મેલા કપડાં જોઈને ગેટ પરના સિક્યુરિટી ગાર્ડે તેને અટકાવ્યો.

"એય! ક્યાં ઘૂસે છે? મજૂરોનો ગેટ પાછળ છે, ત્યાંથી જા." ગાર્ડે ધિક્કારથી કહ્યું.

અશરફના ઇશારા અને સુપરવાઈઝરના કહેવાથી તેને અંદર જવા દેવામાં આવ્યો. હોટલની અંદરનું વાતાવરણ આર્યનની દુનિયાથી બિલકુલ અલગ હતું. મખમલી ગાલીચા, ઝુમ્મરોનો સ્વર્ગીય ઝળહળાટ અને હવામાં ફેલાયેલી મોંઘા વિદેશી પરફ્યુમની સુગંધ!

આર્યનનું કામ સ્ટેજ પર મોટા પડદા લગાવવાનું, ખુરશીઓ લાઈનમાં ગોઠવવાનું અને સાઉન્ડ સિસ્ટમના ગૂંચવાયેલા વાયરો ખેંચવાનું હતું. તે ભૂખ્યા પેટે પણ પૂરી તાકાતથી કામ કરી રહ્યો હતો. આ સેમિનાર દેશના જાણીતા ઉદ્યોગપતિઓ અને યુવા સાહસિકો માટે હતો. વિષય હતો—'સફળતાના શિખરે કેવી રીતે પહોંચવું?'  સ્ટેજ પર મોટા અને સોનેરી અક્ષરે લખ્યું હતું, "IGNITE YOUR INNER FIRE" (તમારી અંદરની અગ્નિ પ્રજ્વલિત કરો).

આર્યનને આ બધું જોઈને મનોમન હસવું આવતું હતું. તે વિચારી રહ્યો હતો કે, "જે લોકોના બેંક બેલેન્સમાં કરોડો રૂપિયા છે, તેમને 'ઈનર ફાયર'ની શું જરૂર છે? અસલી આગ તો મારા પેટમાં લાગી છે, જે મને પાંચસો રૂપિયા માટે મજૂરી કરાવી રહી છે!"

સાંજના છ વાગ્યા. સેમિનાર શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી હતી. હોલ ધીમે ધીમે સૂટ-બૂટ પહેરેલા ભદ્ર વર્ગના મહેમાનોથી ભરાઈ ગયો હતો. અચાનક આયોજકોમાં નાસભાગ મચી ગઈ. જાણવા મળ્યું કે, જે મુખ્ય 'મોટીવેશનલ સ્પીકર' આવવાના હતા, તેમની ફ્લાઈટ મોડી પડી હતી અને તે મુંબઈના ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા.

ઈવેન્ટ મેનેજર વિકાસ પરસેવે રેબઝેબ હતો. "સર! પાંચસોથી વધુ બિઝનેસમેન રાહ જોઈ રહ્યા છે, જો સ્ટેજ ખાલી રહેશે તો કંપનીનું નામ ખરાબ થશે!" તેણે પોતાના આસિસ્ટન્ટ પર બૂમ પાડી.

તે જ સમયે, આર્યન સ્ટેજ પર એક છેલ્લું માઈક સ્ટેન્ડ ચેક કરી રહ્યો હતો. તેના હાથમાં માઈક હતું અને ટેકનિશિયને તેને ઇશારો કર્યો કે, અવાજ ચેક કર. આર્યન ધીમેથી બોલ્યો, "હેલો... ચેક... માઈક ટેસ્ટિંગ..."

તેનો અવાજ ગંભીર, ઘેરો અને અત્યંત પ્રભાવશાળી હતો. એ અવાજ આખા હોલમાં ગુંજ્યો.

સંજોગોવશાત, તે જ સમયે સ્ટેજની ઓટોમેટિક લાઈટો ચાલુ થઈ અને મેઈન સ્પોટલાઈટ સીધી આર્યન પર પડી. હોલમાં બેઠેલા લોકોને લાગ્યું કે, કદાચ આ જ કોઈ સ્પીકર છે જે અનોખી રીતે પ્રસ્તાવના આપવા આવ્યો છે.

વિકાસે સ્ટેજની પાછળથી આર્યનને જોયો. તેને દેખાયું કે, આ છોકરાનો અવાજ મજબૂત છે અને લોકો તેની સામે અપેક્ષાથી જોઈ રહ્યા છે. તેને અત્યારે કોઈ મોટો વક્તા નહીં, પણ માત્ર એ 'ખાલી સ્ટેજ' દસ મિનિટ ભરે તેવો માણસ જોઈતો હતો. તે દોડતો સ્ટેજની નીચે આવ્યો અને આર્યનનો પગ ખેંચીને ધીમેથી કહ્યું, "સાંભળ! ભાઈ! જે બોલવું હોય તે બોલ, બસ દસ મિનિટ લોકોને વ્યસ્ત રાખ. તને આ કામના વધારાના હજાર રૂપિયા મળશે!"

આર્યન હેબતાઈ ગયો, "પણ સર, હું શું બોલું? હું તો અહીં મજૂરી કરવા આવ્યો છું..."

"કંઈ પણ બોલ! તારી લાઈફ વિશે, આ ગરીબી વિશે... બસ માઈક છોડતો નહીં!" વિકાસે તેને લગભગ ધક્કો માર્યો.

આર્યનના હાથ ધ્રૂજવા લાગ્યા. સામે હજારો આંખો તેની તરફ જોઈ રહી હતી. તે પાંચસો રૂપિયાની મજૂરી કરવા આવ્યો હતો અને હવે તેને દેશના સૌથી સફળ લોકો સામે બોલવાનું હતું! તે ભાગવા માંગતો હતો, પણ તેને પેલી 'નિર્ણાયક રાત' યાદ આવી. જો તે મોતની સામેથી પાછો ફરી શકતો હોય, તો આ તો માત્ર એક સ્ટેજ હતું..!

તેણે માઈક ટાઈટ પકડ્યું. લાઈટોની રોશનીમાં તેને સામે બેઠેલા લોકોના ચહેરા સ્પષ્ટ દેખાતા નહોતા. તેણે ઊંડો શ્વાસ લીધો અને બોલવાનું શરૂ કર્યું.

"સફળતા કેવી રીતે મેળવવી... એ મને ખબર નથી."
આર્યનનું પહેલું વાક્ય માઈકમાં ગુંજ્યૂ અને આખા હોલમાં પિન-ડ્રોપ સાયલન્સ થઈ ગયું. 

સામાન્ય રીતે મોટીવેશનલ સ્પીકર્સ 'તમે જીતી શકો છો' થી શરૂઆત કરતા હોય છે, પણ આ મેલા કપડાંવાળા યુવાને 'મને ખબર નથી' થી શરૂઆત કરી હતી.

"હું અહીં સ્ટેજ પર સેટિંગ કરવા આવ્યો હતો. મારા ખિસ્સામાં અત્યારે માત્ર સાત રૂપિયા છે અને પેટમાં ભૂખની આગ છે. સામે દીવાલ પર લખ્યું છે 'Ignite your Inner Fire'... પણ સાહેબ, જ્યારે આગ પેટમાં લાગે છે ને, ત્યારે અંદરની બધી જ સુંદર લાગણીઓ બળીને રાખ થઈ જાય છે. મેં હજારો ઇન્ટરવ્યુ આપ્યા, સેંકડો વાર રિજેક્ટ થયો. મુંબઈમાં 'એવરેજ' હોવું એ ગુનો છે."

તેણે આગળ બોલવાનું શરૂ કર્યું. તેણે પોતાની ગલીની વાત કરી, મકાનમાલિકના અપમાનની વાત કરી અને એ રેલવે ટ્રેકના પાટાની વાત કરી જ્યાં તે બે દિવસ પહેલા ઊભો હતો. તેણે કોઈ બનાવટ ન કરી, કોઈ પુસ્તકનું જ્ઞાન ન વહેંચ્યું. તેની વાતોમાં એ સાચુ દર્દ હતું જે એસી હોલમાં બેઠેલા લોકોએ ક્યારેય અનુભવ્યુ નહોતું.

"તમે અહીં સફળતાના મંત્રો લેવા આવ્યા છો, પણ હું અહીં જીવતા રહેવાનો સંઘર્ષ લઈને આવ્યો છું. સફળતા એ નથી જે તમારા બેંક બેલેન્સમાં દેખાય છે, સફળતા એ છે કે, જ્યારે તમે બધું જ હારીને ટ્રેનના પાટા પર ઉભા હોવ અને છતાં છેલ્લી ક્ષણે પાછા વળીને કહો કે, ના, મારે હજી લડવું છે!"

આયોજકો પડદા પાછળ આશ્ચર્યથી એકબીજા સામે જોઈ રહ્યા હતા. ઓડિયન્સમાં બેઠેલા લોકો મંત્રમુગ્ધ હતા. એક મજૂરના વેશમાં ઉભેલો આ ૨૬ વર્ષનો યુવાન આજે એવું સત્ય પીરસી રહ્યો હતો જે કોઈ પુસ્તકમાં નહોતું..!!

જ્યારે આર્યને પોતાની વાત પૂરી કરી, ત્યારે આખું ઓડિટોરિયમ પાંચ સેકન્ડ માટે સાવ શાંત રહ્યું. અને પછી... એક પ્રચંડ તાળીઓનો ગડગડાટ શરૂ થયો જેણે હોલની દીવાલો ગજવી મૂકી. લોકો પોતાની સીટ પરથી ઉભા થઈ ગયા અને આર્યનને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું.

આ અચાનક મળેલી તક આર્યનના જીવનની સૌથી મોટી લોટરી સાબિત થઈ. તેને ખબર નહોતી કે, આ દસ મિનિટ તેના જીવનના આવનારા દસ વર્ષો નક્કી કરી નાખશે!! 

આર્યન સ્ટેજ પરથી નીચે ઉતર્યો ત્યારે તેના હાથ હજી પણ ધ્રૂજતા હતા, પણ તેની આંખોમાં પહેલીવાર એક 'ચમક' હતી!

આર્યન બોલતો રહ્યો અને પહેલીવાર તેને લાગ્યું કે, તેનું 'ખાલી આકાશ' હવે ધીરે ધીરે કોઈ અજાણ્યા પ્રકાશથી ભરાઈ રહ્યું છે. તેને સમજાઈ ગયું હતું કે, દુનિયા પાસે હવે તેને સાંભળ્યા વગર છૂટકો નથી.