પ્રકરણ ૭
પહેલું ભાષણ
સ્ટેજ પરની દૂધિયા સફેદ સ્પોટલાઈટ જ્યારે આર્યનના ચહેરા પર પડી, ત્યારે તેને થોડી ક્ષણો માટે કશું જ દેખાયું નહીં. તેની આંખો અંજાઈ ગઈ હતી અને મગજ બહેર મારી ગયું હતું. સામે એક વિશાળ કાળો ખાલીપો હતો, જેમાંથી હજારો લોકોના શ્વાસ લેવાનો અને કપડાંના ઘસારાનો એક અજીબ અવાજ આવતો હતો. તેના હાથમાં રહેલું માઈક લોખંડના સળિયા જેવું ભારે અને ઠંડુ લાગતું હતું. તેના પરસેવે રેબઝેબ હાથ માઈક પર લપસી રહ્યા હતા. તેના મનમાં માત્ર એક જ વિચાર ચાલતો હતો, "આર્યન, તું અહીં શું કરી રહ્યો છે? તું તો મજૂર છે, તારું સ્થાન સ્ટેજની પાછળ છે, સામે નહીં."
તેના કાનમાં પોતાના જ હૃદયના ધબકારા નગારાની જેમ વાગી રહ્યા હતા. તેના પગ ધ્રૂજી રહ્યા હતા અને તેને એવું લાગ્યું કે, હમણાં જ સ્ટેજનું આ પાટિયું તૂટી જશે અને તે પાતાળમાં ગરકાવ થઈ જશે.
એર-કંડિશનરની ઠંડી હવા હોવા છતાં, તેના કપાળ પરથી પરસેવાનું એક ટીપું સરકીને તેની આંખમાં ગયું, પણ તેને લૂછવાની હિંમત પણ તેનામાં નહોતી. તેને એવું લાગ્યું કે, જાણે અંધારામાં બેઠેલા હજારો લોકો તેની ગરીબી અને તેના ફાટેલા નસીબની મજાક ઉડાવવા માટે ટાંપીને બેઠા છે. તેની જીભ તાળવે ચોંટી ગઈ હતી અને ગળામાં જાણે કાંટા ઉગ્યા હોય તેમ શબ્દો બહાર નીકળતા પહેલા જ ગૂંગળાઈ રહ્યા હતા.
આયોજક વિકાસે સ્ટેજની પાછળથી ગભરાટમાં ઇશારો કર્યો અને હોઠ ફફડાવીને ધીમેથી કહ્યું, "શરૂ કર! ભાઈ... મહેરબાની કરીને કંઈ પણ બોલ! બસ મૌન ન રહીશ, લોકો અધીરા થઈ રહ્યા છે! થોડીવાર માટે પ્લીઝ સ્ટેજ સંભાળી લે."
આર્યને પોતાનું ગળું સાફ કર્યું. જ્યારે તે માઈકની નજીક ગયો, ત્યારે સ્પીકરમાંથી આવતો તેના શ્વાસનો અવાજ પણ આખા હોલમાં ગુંજ્યો. તેનો અવાજ થોડો ફાટેલો હતો, પણ તેમાં એક એવી ગંભીરતા હતી જે કોઈ ભાષણકળાના ક્લાસમાં શિખવાડેલી નહીં પણ જિંદગીના કડવા અનુભવોમાંથી ગાળેલી હતી. તેણે માઈક પાસે જઈને ધીમેથી, ધ્રૂજતા અવાજે શરૂઆત કરી.
"તમે બધા અહીં સફળતાના મંત્રો શીખવા આવ્યા છો, ખરું ને? પણ હું અત્યારે જે કપડાંમાં તમારી સામે ઉભો છું અને મારા હાથ પર જે ડાઘા છે, તે જોતા તમને લાગતું હશે કે, હું કોઈ ખોટી જગ્યાએ આવી ગયો છું. સાચું કહું તો... હું પોતે પણ અત્યારે એ જ વિચારું છું."
હોલમાં એક હળવું હાસ્ય ફેલાયું. લોકોએ તેને એક મજાક તરીકે લીધો, પણ આર્યન અટક્યો નહીં. તેનું હૃદય હવે જોરથી ધબકી રહ્યું હતું પણ હવે તેને કશાનો ડર નહોતો. જેણે બે રાત પહેલા મોતનો ઠંડો સ્પર્શ અનુભવ્યો હોય, તેને વળી લોકોના અભિપ્રાય કે હાસ્યનો ડર કેવો! આર્યનને પણ હવે કોઈ ડર નહોતો.
તેણે આગળ વધતા કહ્યું, "આ સ્ટેજ પર અત્યારે કોઈ એવો મોટો માણસ હોવો જોઈતો હતો, જેણે લાખોનું ટર્નઓવર કર્યું હોય અને જે તમને કહેત કે, સવારે પાંચ વાગ્યે ઉઠો, સકારાત્મક વિચારો અને દુનિયા જીતી લો. પણ હું?!! હું એ ગલીમાંથી આવું છું જ્યાં સવારે પાંચ વાગ્યે લોકો નળ પર પાણી ભરવા માટે લોહીલુહાણ થતા હોય છે. હું એ રૂમમાંથી આવું છું જ્યાં સકારાત્મક વિચાર કરવા માટે પહેલા પેટમાં એક ટંકનું અન્ન હોવું જરૂરી છે. મને સફળતા વિશે કંઈ જ ખબર નથી, કારણ કે, મેં જિંદગીમાં માત્ર હાર અને નિષ્ફળતા જ જોઈ છે."
હવે હોલમાં સન્નાટો છવાઈ ગયો હતો. લોકોના હાથમાં રહેલા સ્માર્ટફોન, જે અત્યાર સુધી મેસેજ ટાઈપ કરવામાં વ્યસ્ત હતા, તે નીચે નમી ગયા. દરેક વ્યક્તિ આ અજીબ, મેલા કપડાંવાળા 'વક્તા' ને સાંભળવા માટે ઉત્સુક બની હતી.
આર્યને હવે તેની વાણીને વેગ આપ્યો, "શું તમને લાગે છે કે, હારી જવું એટલે કોઈ મોટો પ્રોજેક્ટ ફેલ જવો? ના! હારી જવું એટલે જ્યારે તમે રાત્રે રેલવે ટ્રેક પર ઉભા હોવ અને સામેથી આવતી ટ્રેનની લાઈટ તમારી આંખોમાં પડતી હોય, ત્યારે તમને એ લાઈટમાં ભય નહીં પણ 'આશા' દેખાય! જ્યારે તમને લાગે કે, મરવું એ જીવવા કરતા સસ્તું અને શાંતિદાયક છે, ત્યારે તમે ખરા અર્થમાં નિષ્ફળ છો. મેં એ પાટા પર ઉભા રહીને મોતની ગંધ અનુભવી છે. મેં ભૂખના કારણે પોતાના આત્મસન્માનને કચડાતા જોયું છે."
તેણે પોતાની ફાટેલી સ્લીવ બતાવીને ગર્જના કરી, "આ મજૂરીના નિશાન છે. હું અહીં સ્ટેજ પર પડદા લગાવવા આવ્યો હતો, પણ નિયતિએ મને પડદાની સામે લાવીને ઊભો કરી દીધો!
લોકો કહે છે કે, 'સ્કાય ઇઝ ધ લિમિટ', પણ સાહેબ, જેની પાસે માથું ઢાંકવા માટે છત નથી, તેના માટે તો આ આખું આકાશ ખાલી છે. એ ખાલી આકાશમાં તમે ગમે તેટલા સપનાના પતંગ ઉડાડો, જો સંજોગોની દોરી કાચી હશે તો તે કપાઈને ગટરમાં જ જશે."
આર્યન કોઈ પ્રવચન નહોતો આપી રહ્યો, તે પોતાની અંદર દબાયેલો વર્ષોનો લાવા ઠાલવી રહ્યો હતો. તેના શબ્દોમાં કોઈ કૃત્રિમતા નહોતી.
તેણે આગળ કહ્યું, "તમે અહીં 'મોટીવેશન' લેવા આવ્યા છો ને? લો! આ છે મારું મોટીવેશન. કાલે સવારે મકાનમાલિકને ભાડું ક્યાંથી આપીશ એ ચિંતા! આ પેટની ભૂખ, જે મને મરવા પણ નથી દેતી અને જીવવા પણ નથી દેતી! જો તમે જીવતા છો અને તમારી પાસે હજુ પણ એકવાર સંઘર્ષ કરવાની તાકાત છે, તો એ જ તમારું સૌથી મોટું મોટીવેશન છે. બાકી બધું તો બજારમાં વેચાતા ચળકતા પુસ્તકોના પાના છે જે એસી ગાડીઓમાં વાંચવા સારા લાગે છે!"
દસ મિનિટ પૂરી થઈ ગઈ હતી. મુખ્ય સ્પીકર હજી આવ્યા નહોતા, પણ કોઈને તેમની ગેરહાજરી સાલી રહી નહોતી. આર્યનની આંખોમાં પાણી આવી ગયું હતું. તેણે માઈક સ્ટેન્ડ પર મૂક્યું અને નીચું જોઈને તે સ્ટેજની પાછળ જવા લાગ્યો. તેને લાગ્યું કે, તેણે કદાચ કંઈક ખોટું બોલી દીધું છે, કદાચ આ શિષ્ટ લોકો તેને બહાર કાઢી મૂકશે.
પણ જેવી તે સ્ટેજની છેલ્લી સીડી ઉતર્યો, આખું ઓડિટોરિયમ ગાજી ઉઠ્યું. હજારો લોકો ઉભા થઈને પાગલની જેમ તાળીઓ પાડી રહ્યા હતા. 'સ્ટેન્ડિંગ ઓવેશન' જે મોટા મોટા વક્તાઓને વર્ષોની મહેનત પછી મળે છે, તે આજે એક સામાન્ય મજૂરને મળી રહ્યું હતું. લોકોની આંખોમાં આદર હતો. તેઓએ આજે 'સક્સેસ સ્ટોરી' નહીં, પણ લોહી-પરસેવાથી લખાયેલી 'સ્ટ્રગલ સ્ટોરી' સાંભળી હતી.
સ્ટેજ પાછળ આયોજક વિકાસે આર્યનને લગભગ તેડી જ લીધો, "ભાઈ, તું કોણ છે? તેં તો કમાલ કરી દીધી! લોકો તો તારા દિવાના થઈ ગયા છે."
આર્યન હજી પણ ધ્રૂજી રહ્યો હતો. તેણે માત્ર એટલું જ પૂછ્યું, "સાહેબ! પેલા પાંચસો રૂપિયા અને વધારાના હજાર મળશે?"
વિકાસે હસીને તેના ખિસ્સામાં બે હજારની નવી નોટો મૂકી દીધી. "આ તારી મજૂરી નથી આર્યન, આ તારા સત્યની કિંમત છે."
આર્યન માટે એ માત્ર કાગળના ટુકડા નહોતા, પણ તેના અસ્તિત્વની પહેલી જીત હતી. તેને ખબર નહોતી કે, હોલના છેલ્લે ખૂણે બેઠેલા એક યુવાને આ આખું ભાષણ રેકોર્ડ કરી લીધું છે.
આર્યન હોટલની બહાર નીકળ્યો. મુંબઈની એ જ ગલીઓ હતી, પણ આજે તેને 'ખાલી આકાશ' થોડું ઓછું ડરામણું લાગતું હતું. તેણે પહેલીવાર અનુભવ્યું કે, તેના અવાજમાં દુનિયાને હલાવવાની તાકાત છે. તે રાત્રે તે વડાપાઉં નહીં, પણ શાંતિથી રોટલી ખાઈને સૂતો. તેને ખબર નહોતી કે, સવારે જ્યારે તે જાગશે, ત્યારે આખું ઇન્ટરનેટ તેના અવાજથી ગુંજતું હશે!