પ્રકરણ ૯
દ્વંદ્વ
જુહૂના એ આલીશાન એપાર્ટમેન્ટના ૨૨મા માળેથી મુંબઈ કોઈ જાદુઈ નગરી જેવું લાગતું હતું. કાચની વિશાળ પારદર્શક દીવાલોની બહાર અનંત અરબી સમુદ્ર ઘુઘવાટા કરી રહ્યો હતો, પણ આર્યન માટે એ અવાજ અજાણ્યો હતો. તેના હાથમાં રહેલા મોંઘા સિરામિક મગમાંથી કોફીની ભીની સુગંધ હવામાં ભળતી હતી, જે સેન્ટ્રલ એસીની સૌમ્ય અને કૃત્રિમ ઠંડક સાથે એક વિચિત્ર સંગાથ રચી રહી હતી.
માત્ર અડતાલીસ કલાક પહેલાંની સ્મૃતિઓ તેના મગજમાં હજી તાજી હતી. એ જ શરીર, જે આજે રેશમી વસ્ત્રોમાં સજ્જ હતું, બે દિવસ પહેલાં કુર્લાની સાંકડી અને ગંધાતી ગલીઓમાં પરસેવે રેબઝેબ થઈને અથડાતું હતું. ત્યારે ચાલતી વખતે પગમાં જે થાક હતો, તે ભૂખનો હતો; અને આજે જે ધ્રુજારી હતી, તે અનિશ્ચિતતાની હતી.
શહેરની રોશની નીચેથી મનોહર લાગતી હતી, પણ આર્યનને એ રોશનીમાં પોતાની ઓળખ ખોવાઈ જતી હોય તેવું લાગતું હતું.
આખું શહેર જેને 'નેશનલ સેલિબ્રિટી' માનીને તેના પર આફરીન હતું, તે યુવાન અંદરથી સાવ ખાલીપો અનુભવી રહ્યો હતો. આ વૈભવ, આ શાંતિ અને આ ઊંચાઈ...!!! બધું જ જાણે ઉધાર લીધેલું હોય તેવું લાગતું હતું!
જે ગરીબી તેને કાયમ ડરાવતી હતી, તેના કરતા આ અચાનક આવેલી સફળતા તેને વધુ ભયભીત કરી રહી હતી. તેને લાગતું હતું કે, જો તે ભૂલથી પણ આંખ પલકાવશે, તો આ ૨૨મો માળ અદ્રશ્ય થઈ જશે અને તે ફરી પાછો કુર્લાની એ જ ધૂળ અને ધુમાડા વચ્ચે ઊભો હશે.
તેના કાચના ટેબલ પર પડેલો નવો આઈફોન સતત રણકી રહ્યો હતો. એજન્સીના મેનેજરો, પત્રકારો અને મોટા મોટા બિઝનેસમેન તેને મળવા માટે પડાપડી કરી રહ્યા હતા. પણ આર્યન જ્યારે બાલ્કનીના કાચમાં પોતાનું પ્રતિબિંબ જોતો, ત્યારે તેને સામે એક અજાણ્યો માણસ દેખાતો.
તેણે પહેરેલા બ્રાન્ડેડ શર્ટની કિંમત તેના અગાઉના છ મહિનાના મકાન ભાડા જેટલી હતી. આ બધું જોઈને તેને ગર્વ થવાને બદલે એક વિચિત્ર પ્રકારનો અપરાધભાવ થઈ રહ્યો હતો. તેની અંદર એક તીવ્ર 'દ્વંદ્વ' શરૂ થયું હતું....સત્ય અને સુખ વચ્ચેનું યુદ્ધ..!!
તેની અંદરનો એક અવાજ કહેતો હતો, "આર્યન! તને તારી વર્ષોની મહેનત અને દુઃખનું આ ફળ મળ્યું છે. કુદરતે તને મરતા બચાવ્યો. કારણ કે, તારે આ વૈભવ જોવાનો હતો. તો હવે તું આ આરામનો આનંદ માણ. તેં ઘણું સહન કર્યું છે, હવે તારો વારો છે દુનિયા પર રાજ કરવાનો."
પણ બીજો અવાજ, જે કદાચ તેના આત્માનો હતો, તે કાનમાં ચીસ પાડીને કહેતો, "શું તું ખરેખર સફળ છે? તે તો માત્ર તારી પીડાને બજારમાં વેચી છે. લોકો તને એટલે પ્રેમ કરે છે. કારણ કે, તે તારી લાચારીનું પ્રદર્શન સમાજની સામે કર્યું છે. શું તું આ અચાનક મળેલી સફળતાને ખરેખર લાયક છે? શું તું આજે હજી પણ એ જ હારેલો માણસ નથી કે, જે માત્ર બે દિવસ પહેલા રેલવે ટ્રેક પર પોતાની જિંદગીનો સોદો કરવા માટે ગયો હતો?"
એણે હવે વિચારવાનું બંધ કર્યું. એ પોતાના બેડ પર આડો પડ્યો. આમ ને આમ જ બપોર થઈ ગઈ.
એજન્સીની ટીમ હવે તેને મળવા આવી પહોંચી હતી. ટીમના હેડ, મિસ્ટર ખન્નાએ અત્યંત ઉત્સાહમાં તેની સામે કેટલાક કાગળો અને કોન્ટ્રેક્ટ્સ મૂક્યા.
"આર્યન, માય બોય! તારો વિડિયો હજી પણ ટ્રેન્ડિંગમાં નંબર વન છે." ખન્નાએ કોફીનો સિપ લેતા કહ્યું. "હવે આપણે આ લોખંડ ગરમ છે ત્યારે જ હથોડો મારવો પડશે. અમે તારા માટે આવતા મહિનામાં દસ મોટા શહેરોમાં સેમિનાર પ્લાન કર્યા છે. તારે બસ એ જ વાત બોલવાની છે જે તે એ દિવસે સ્ટેજ પર બોલી હતી. થોડું 'ડ્રામેટિક' બનાવજો, સંવાદોમાં થોડો ગરીબીનો ભાવ ઉમેરજો, અને હા... જો સ્ટેજ પર થોડું રડી શકો તો લોકો પાગલ થઈ જશે. લોકોને રડતા અને લડતા ગરીબો બહુ ગમે છે."
ખન્નાના આ નિર્દય શબ્દો સાંભળીને આર્યનને શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ. 'થોડું રડજો..?'
તેની પીડા કોઈ નાટક નહોતું, તેનું સત્ય કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ નહોતી. તેને સમજાઈ રહ્યું હતું કે, આ દુનિયા હવે તેના ભૂતકાળને અને તેના આંસુઓને એક 'પ્રોડક્ટ' બનાવીને વેચી રહી છે. લોકો તેને એક જીવતા માણસ તરીકે નહીં, પણ એક 'બ્રાન્ડ' તરીકે જોઈ રહ્યા છે જેની નિષ્ફળતામાંથી પણ પૈસા કમાઈ શકાય...!!
તેણે ધીમેથી ગળું સાફ કરીને પૂછ્યું, "સર! પણ જો મારે હવે એવું ન બોલવું હોય તો? જો મારે હકીકત બદલવી હોય તો? હવે તો મારી પાસે પૈસા છે, હું હવે લાચાર નથી."
ખન્ના મોટેથી હસ્યા અને આર્યનના ખભા પર હાથ મૂક્યો, "જો દોસ્ત! આ જ તો ભૂલ છે. લોકોને તારું સત્ય ગમે છે, પણ માત્ર ત્યાં સુધી જ્યાં સુધી એ તેમને મનોરંજન પૂરું પાડે. તારે એ જ ગરીબી અને એ જ સંઘર્ષ વારંવાર વેચવાનો છે. ભલે તારી પાસે હવે પૈસા હોય, પણ તારે સ્ટેજ પર 'ગરીબ' દેખાવું પડશે. લોકો તને જોવા નથી આવતા, તેઓ તારા દુઃખને જોવા આવે છે. આ જ બિઝનેસ છે."
આર્યન ચૂપ થઈ ગયો. તેને લાગ્યું કે, તે એક એવા ચક્રવ્યૂહમાં ફસાઈ રહ્યો છે જ્યાંથી બહાર નીકળવું હવે અશક્ય છે. તેની પાસે હવે અઢળક પૈસા હતા, રાતોરાત મળેલી પ્રસિદ્ધિ હતી, પણ તેની 'વાણીની સ્વતંત્રતા' અને તેનું 'સ્વમાન' છીનવાઈ રહ્યા હતા. તેને લાગ્યું કે, તે લોકોની સહાનુભૂતિ મેળવીને એક મોટું જૂઠ જીવી રહ્યો છે. જે આર્યન ક્યારેય જૂઠું બોલીને નાની નોકરી પણ ટકાવી શક્યો નહોતો, તે આજે જૂઠું બોલીને આખા દેશનો સેલિબ્રિટી બનવાની તૈયારી કરી રહ્યો હતો.
તે રાત્રે તેણે પોતાના જૂના ફોનમાંથી તેની માતાનો નંબર જોડ્યો. ગામડામાં રહેતી તેની માતા માટે આ બધું જાદુ જેવું હતું.
"મમ્મી, હું આર્યન બોલું છું..." તેનો અવાજ થોડો ભારે હતો.
"બેટા! મારા લાલ! મેં તને ટીવી પર જોયો. તું તો મોટો માણસ બની ગયો. આખા ગામમાં તારી જ વાતો થાય છે. શુક્લાજી કહેતા હતા કે, મારો દીકરો મુંબઈનો નવો હીરો છે. મને ખબર હતી કે, તું એક દિવસ મારું નામ રોશન કરીશ." માતાનો અવાજ હરખ અને ગર્વથી છલકાતો હતો.
આર્યન કશું બોલી ન શક્યો. તે તેની માતાને કેવી રીતે કહે કે, તેનો દીકરો આજે પણ અંદરથી એટલો જ ખાલી છે જેટલો પહેલા હતો? તે કેવી રીતે સમજાવે કે, આ રોશની, એસી ફ્લેટ અને મોંઘી ગાડીઓ પાછળ એક એવો માણસ છુપાયેલો છે જે પોતાની જાતને રોજ અરીસામાં ધિક્કારે છે? તેણે કોઈ બહાનું કાઢીને ફોન મૂકી દીધો અને ફરી બાલ્કનીમાં જઈને ઊભો રહ્યો.
બહાર મુંબઈનું આકાશ દેખાતું હતું. શહેરના પ્રકાશ અને ધુમ્મસના કારણે આકાશ ઝાંખું અને કદરૂપું લાગતું હતું. તેને અચાનક યાદ આવ્યું કે, કુર્લાની એ ગલીઓમાં પથ્થર પર બેસીને જ્યારે તે આકાશ જોતો, ત્યારે એ વધુ સાચું, કાળું અને વિશાળ દેખાતું હતું. અહીં આ લક્ઝરી ફ્લેટમાં બધું જ સુંદર હતું, પણ કશું જ સાચું નહોતું.
તેના મનમાં સતત એક યુદ્ધ ચાલી રહ્યું હતું. એક બાજુ ગરીબીનું એ ભયાનક નરક હતું જે તેણે વર્ષો સુધી ભોગવ્યું હતું, જ્યાં ભૂખ અને અપમાન સિવાય કંઈ નહોતું. અને બીજી બાજુ આ સુંદર જૂઠ હતું જે તેને રાજા જેવું જીવન આપી રહ્યું હતું. શું તે પોતાના આત્માને વેચીને આ ભૌતિક સુખ ભોગવી શકશે? કે પછી તે ફરીથી એ જ ગલીઓમાં પાછો જશે જ્યાં અભાવ તેની રાહ જોતો હતો?
આર્યન મુંઝવણમાં હતો. તે દુનિયા માટે 'હીરો' બની ગયો હતો, પણ તેની અંદરનો 'માણસ' હજી પણ એ જ હારેલો, તૂટેલો અને ડરેલો આર્યન હતો જે ટ્રેનના પાટા પર ઊભો હતો. આ દ્વંદ્વ તેને અંદરથી ખાઈ રહ્યો હતો. તેને સમજાઈ ગયું હતું કે, સફળતા મેળવવી કદાચ ભાગ્યનો ખેલ છે, પણ એ સફળતાના બોજ નીચે પોતાના 'સત્ય'ને સાચવી રાખવું એ જીવનનો સૌથી કઠિન પડકાર છે.
તેણે ડાયરી ખોલી અને ધ્રૂજતા હાથે પહેલી વાર એક વાક્ય લખ્યું:
"સફળતાનો માસ્ક પહેરવો સહેલો છે, પણ એ માસ્કની પાછળ પોતાનો અસલી શ્વાસ લેવો મુશ્કેલ છે."