અક્કર્મી નું દૈવ
સૌરાષ્ટ્રના કોઈ એક સમૃદ્ધ નગરમાં શેઠ ધનપાલ અને તેમનાં ધર્મપત્ની કમળાબહેન રહેતાં હતાં. શેઠ ધનપાલની ગણના નગરના પ્રતિષ્ઠિત વેપારીઓમાં થતી હતી. લક્ષ્મીજીની તેમના પર અસીમ કૃપા હતી, પરંતુ દાનવીરતા અને વિવેક તેમના સ્વભાવ માં હતું. તેમણે પોતાની એકની એક લાડકવાયી દીકરી, ચારુમતીના લગ્ન ઘણા કોડથી એક ઊંચા અને ખાનદાન પરિવારના યુવાન, જયંત સાથે કર્યા.
પરંતુ વિધાતાના લેખ પર કોણ મેખ મારી શકે? પરિશ્રમ વગર મળેલ પિતાજીના પૈસા તેને પછી ન શક્યા. લગ્નના થોડા જ સમયમાં જયંતને કુસંગત લાગી. તે જુગાર અને મદિરાના રવાડે ચડી ગયો. જોતજોતામાં બાપદાદાની સઘળી સંપત્તિ તેણે વ્યસનની હોળીમાં સ્વાહા કરી દીધી. પરિણામે, જે દીકરી ફૂલોની સેજ પર સૂતી હતી, તે ચારુમતીના નસીબમાં હવે કાંટાળી કેડીઓ પથરાઈ ગઈ. ઘરમાં ખાવાના પણ સાંસા પડવા લાગ્યા.
દીકરીની આ દારુણ દશા જોઈને માતા કમળાબહેનનું કાળજું કપાઈ જતું. તેઓ રોજ શેઠ ધનપાલને આજીજી કરતાં, "તમે તો આખા ગામના દુખિયાંના બેલી છો, સૌની મદદ કરો છો, તો પછી આપણી જ દીકરી આટલી હદે દુઃખી છે ત્યારે તમે કેમ હાથ જોડીને બેઠા છો? થોડી આર્થિક મદદ કરો તો દીકરીનું ઘર ફરી બેઠું થાય."
ત્યારે શેઠ ધનપાલ ગંભીર સ્વરે કહેતા, "કમળા, જ્યાં સુધી વ્યક્તિ પોતે પુરુષાર્થ કરવાની તૈયારી ન બતાવે અને પ્રયત્ન ન કરે તો તેનો ભાગ્યોદય ન થાય, ત્યાં સુધી બહારની કોઈ પણ મદદ પાણીમાં પથ્થર નાખી પુલ બનાવવા બરાબર છે. આજે હું જમાઈને ધન આપીશ તો તે ફરીથી જુગારમાં ઉડાવી દેશે. સોબત બદલાશે તે સમય આવ્યે બધું આપોઆપ ઠીક થશે."
अहो विचित्रं विधातुश्चरितम्, न हि किञ्चिदपि प्रयोजनं विना।
यस्य यत् लिखति ललाटपट्टके, तत् तस्य भवति नान्यथा क्वचित्॥ ભર્તુહરિ
વિધાતાનું ચરિત્ર ખરેખર અદભુત છે, અહીં કશું જ કારણ વિના બનતું નથી. જેના લલાટ પર જે લખાયેલું હોય છે, તે જ તેને પ્રાપ્ત થાય છે, તેમાં ક્યારેય કોઈ ફેરફાર થતો નથી.
એક દિવસ શેઠ ધનપાલ વેપાર અર્થે બહારગામ ગયા હતા. બરાબર એ જ સમયે જમાઈ જયંત સાસરે આવ્યો. જમાઈને આંગણે આવેલો જોઈને કમળાબહેનના હરખનો પાર ન રહ્યો. તેમણે જયંતનો ખૂબ આદર-સત્કાર કર્યો. જયંત જ્યારે વિદાય લેવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે કમળાબહેનના માતૃહૃદયમાં એક યુક્તિ સૂઝી. તેમણે વિચાર્યું કે જો સીધા પૈસા આપીશ તો જયંત વ્યસનમાં ઉડાવી દેશે, પરંતુ જો હું મીઠાઈમાં સોનાની મહોરો છુપાવીને આપું અને દીકરીને ખાનગીમાં સંદેશો મોકલાવી દઉં, તો દીકરીનું જીવન સુધરી જશે.
આવું વિચારીને કમળાબહેને શુદ્ધ દેશી ઘીના પાંચ કિલો મોતીચૂરના લાડુ બનાવડાવ્યા અને દરેક લાડુની વચ્ચે એક-એક સોનાની અશર્ફી (મહોર) છુપાવી દીધી. તેમણે જયંતને કંકુતિલક કરી, ભેટ-સોગાદ સાથે લાડુનું એ કિંમતી પોટલું હાથમાં સોંપ્યું અને વળાવ્યો.
જયંત સાસરેથી નીકળ્યો તો ખરો, પણ થોડે દૂર જતાં તેના આળસુ અને સ્વાર્થી મનમાં વિચાર આવ્યો, "આ પાંચ કિલોનું ભારે પોટલું ઊંચકીને ઘર સુધી કોણ લઈ જાય? આના કરતાં નજીકની જ કોઈ મીઠાઈની દુકાને આ લાડુ વેચી દઉં, તો રોકડા પૈસા પણ મળી જશે અને ભાર પણ હળવો થશે!"
જેને મહેનત જ નથી કરવી તેના નસીબમાં જ દરિદ્રતા જ લખી હોય, આવાને સાક્ષાત લક્ષ્મી પણ હાથતાળી આપી જાય છે. જયંતે રસ્તામાં આવતી એક પ્રખ્યાત મીઠાઈની દુકાને જઈને, સાવ સસ્તા ભાવે એ લાડુનું પોટલું દુકાનદારને વેચી દીધું અને મળેલા પૈસા ખિસ્સામાં મૂકીને સીધો જુગારના અડ્ડા તરફ રવાના થઈ ગયો. અહીં તો 'આવેલી લક્ષ્મી ચાંદલો કરવા જાય, ત્યારે કપાળ ધોવા બેસવા' જેવો ઘાટ સર્જાયો!
न हि कश्चित् कृतं कर्म कर्तुमिच्छति दुर्मतिः।
दैवेन हृतबुद्धिस्तु यत् करोति तदेव हि॥ મહાભારત
કોઈ પણ દુર્બુદ્ધિ મનુષ્ય જાણીજોઈને પોતાનું અહિત કરતું કર્મ કરવા ઈચ્છતો નથી, પરંતુ જ્યારે દૈવ (ભાગ્ય) તેની બુદ્ધિ હરી લે છે, ત્યારે તે એવું જ અવળું કાર્ય કરી બેસે છે.
સંજોગોની વક્રતા તો જુઓ! સાંજના સમયે શેઠ ધનપાલ બહારગામથી પરત ફરી રહ્યા હતા. ઘર તરફ જતા રસ્તામાં તેમને વિચાર આવ્યો કે ઘરે જતાં-જતાં કમળા માટે મોતીચૂરના લાડુ લેતો જાઉં. યોગાનુયોગ, શેઠ એ જ મીઠાઈની દુકાને ઊભા રહ્યા જ્યાં જયંતે લાડુ વેચ્યા હતા. શેઠે લાડુ માંગ્યા, એટલે દુકાનદારે હમણાં જ આવેલા તાજા અને શુદ્ધ ઘીના લાડુનું એ જ પોટલું શેઠ ધનપાલને પધરાવી દીધું!
શેઠ ધનપાલ ઘરે પહોંચ્યા અને કમળાબહેનના હાથમાં લાડુનું પોટલું મૂક્યું. પોટલું જોતા જ કમળાબહેનના પગ નીચેથી જમીન સરકી ગઈ! તેમણે ધ્રૂજતા હાથે એક લાડુ ફોડીને જોયો, તો અંદરથી ચમકતી સોનાની અશર્ફી નીકળી. કમળાબહેને કપાળ કૂટ્યું અને રડતાં-રડતાં સવારથી બનેલી તમામ ઘટના શેઠ ધનપાલને કહી સંભળાવી.
ત્યારે શેઠ ધનપાલે શાંત ચિત્તે સ્મિત કરતાં કહ્યું, "જોયું કમળા? મેં તને પહેલેથી જ કહ્યું હતું ને! જ્યાં સુધી વ્યક્તિ પોતાની જાતને બદલવાનો નિશ્ચય ન કરે અને પરસેવો પાડીને કમાવાનું ન વિચારે, ત્યાં સુધી કુદરત પણ તેની મદદ કરતી નથી. આ સોનાની મહોરો ન તો આપણા જમાઈના નસીબમાં હતી, કે ન તો પેલા મીઠાઈવાળાના નસીબમાં! 'દાણે-દાણે પર લિખા હૈ ખાનેવાલે કા નામ.' જેનું જેટલું ભાગ્ય, તેને તેટલું જ મળે છે."
લલાટે લખ્યા લેખ કદી મિથ્યા થતા નથી,
પુરુષાર્થ વિના ભાગ્યના દ્વાર ખુલતા નથી;
મળે છે સૌને અહીં સમય અને કર્મ મુજબ,
અધૂરા ઘડા કદી પારકા જળે ભરાતા નથી.
ખરેખર, જીવનમાં સુખ અને દુઃખ એ એક જ સિક્કાની બે બાજુ છે.
पश्चाद् याति यथा दोला, तथाग्रेऽपि प्रधावति।
समं सुखं च दुःखं च, धैर्यं धार्यं हि जीवने॥
જેમ હિંચકો જેટલો પાછળ જાય છે, તેટલો જ આગળ પણ ધપે છે; તેવી જ રીતે જીવનમાં સુખ અને દુઃખ બંને સમાન રીતે આવતા-જતા રહે છે. માટે, જીવનમાં હંમેશા ધીરજ ધારણ કરવી જોઈએ.
વાર્તા સારાંશ: માતાની અપાર મમતાએ દીકરીના ઉદ્ધાર માટે મોતીચૂરના લાડુમાં સોનાની મહોરો છુપાવી, પરંતુ આળસુ જમાઈના દુર્ભાગ્યે એ અમૂલ્ય ખજાનાને રસ્તામાં જ વેચી માર્યો. વિધાતાની અકળ લીલા એવી રચાઈ કે સાંજ પડતાં એ જ સોનાના લાડુ ફરી શેઠના જ ઘરે પાછા ફર્યા—જે સાબિત કરે છે કે પુરુષાર્થ વિનાનું ભાગ્ય અને સમય પહેલાં મળેલું ધન ક્યારેય ટકતું નથી.