સવારે વહેલા ઉઠીને બસ સ્ટેશન પહોંચી ગયા ત્યાં થી હસન ની બસ લીધી,સવારે જે રીતે ઠંડી પડી રહી હતી જાણે આખા ગાત્રો ઢીલા કરી દે પણ કોઈ માથાકૂટ કે ઘોંઘાટ નોતો ને ઉપરથી આજુબાજુ નું લેન્ડસ્કેપ આમ જોયા જ કરવાનું મન થાય.હસન 3 કલાક ના અંતરે આવેલું શહેર છે,ત્યાં પહોંચીને KSRTC ના કલોક રૂમ માં સામાન રાખીને બેલુર ની બસમાં બેઠા, આજુબાજુ બસ હરિયાળી જ હરિયાળી હતી ને એમાં ધીમો ધીમો વરસાદ પડવાની શરૂઆત થઈ , થોડી વાર પછી તડકો આવ્યો .આ પહાડી વિસ્તાર નહોતો પણ વૃક્ષો ની આચ્છાદન શરૂ એવું હતું.આજુબાજુ ના ખેતરોને ત્યાંના લોકો પોતાની રોજિંદી બાબતો માં હતા પણ એમને નિરખવા ને આખી અલગ ભૂમિમાં વિહરવું જાણે અદ્ભુત અનુભવ હતો.
અમે બેલુર માં છન્નાકેશવ મંદિર પહોંચી ગયા , હોયસલા સામ્રાજ્ય દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું છે અને વિજયનગર સામ્રાજ્યના અવશેષોનો અહીં બાંધકામમાં ઉપયોગ કરવામાં આવ્યો છે , મંદિર માં વિષ્ણુ જી નું એક સ્વરૂપ સ્થાપિત છે પણ આ મંદિર ની દરેક દીવાલો માં પથ્થર માં એટલું સરસ મૂર્તિઓ ની કોતરણી જેમ પ્રભુ વિષ્ણુના અવતારો જેવા કે વરાહ , નરસિંહ વગેરે પણ દર્શાવેલા છે , શ્યામ રંગની મુખ્ય મૂર્તિ છે , આજુબાજુમાં ભૂદેવી અને મહાલક્ષ્મી દેવીના પણ મંદિર આવેલા છે જે પરિસર માં તમારું હોય અદ્ભુત અનુભવ બનાવે છે .
ત્યાંથી અમે હલીબીડુ ગયા જ્યાં પ્રભુ હોયસલેશ્વર નું પ્રાચીન મંદિર છે , જે બનતા સદી થી વધારે સમય લાગ્યો છે , એ તો ઉત્તમ કલાકૃતિ ને મનમોહક સ્થાપત્યશૈલી નું ઉદાહરણ છે , મહાદેવના બે શિવલિંગ અને મહાકાય કદના નંદી સાથે મંદિર માં દરેક સ્થાને એવી કોતરણી કરવામાં આવી છે કે તમારી દ્રષ્ટિ નવી ગાથાઓ શરૂ જ રહે .આમ સતત આ મૂર્તિઓ ની કંડારવાની પદ્ધતિ વિશે પણ આપણને ઘણું કુતૂહલ નીપજે, ત્યાં તો આમ જોરદાર વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો ને એમાં જે ત્યાંનું કુદરતી સૌંદર્ય ખીલી ઊઠ્યું હતું ને એમાં પણ આસપાસના આ સ્થાપત્યો તમને એવી અદ્ભુત અનુભૂતિ કરાવે જાણે આપણે કોઈ ભૂતકાળ ની સદીના મનુષ્ય હોઈએ ને એમાં આપણી મનોસ્થિતિમાં પણ શાંત શાંત તરંગો જાણે આખા ચેતાતંત્ર ને ઝાકઝોળી નાખે, આખા અંતરમાં ટાઢક પથરાઈ જાય.બસ એમાં પણ અમારા એક મિત્રને ત્યાંથી ફટાફટ નીકળવાનું પણ હતું એટલે અમે પણ થોડી ઉતાવળથી ત્યાંથી એને ટ્રેનમાં બેસાડ્યો.
ત્યાંથી અમે ફરીથી હસન આવ્યા અને ચાલતા ચાલતા એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં બાજી, ઈડલી વડા અને ફિલ્ટર કોફીને આરોગીને હસનમ્બા માતા ના મંદિર પહોંચી ગયા. શહેર તરીકે અહીંની શાંતિ ખૂબ જ અદ્ભુત હતી આમ તો નામ પણ ના સાંભળ્યું હોય એવામાં અહીંની આબોહવા, થોડું કોઝી કલ્ચર એમ આ કોમ્બિનેશન ગમી તો જાય જ એવો છે.
હસનમ્બા મંદીર માં મા હસનમ્બા બિરાજે છે જેનો અર્થ થાય છે હસતી મા અંબા, દેવી શક્તિનું એક સ્વરૂપ. મંદીર વર્ષ માં માત્ર એકવાર દિવાળીના ઉત્સવ નિમિતે ખુલે છે જ્યાં દેવીના લોકો દર્શન કરવા આવે છે.અહીં ભગવાન શંકરનું પણ મંદિર છે જે શિવલિંગ સ્વરૂપે નહી પરંતુ ડાક ડમરુ ને એમના સ્વરૂપ ની મૂર્તિ સ્વરૂપે છે જેમણે સિદ્ધેશ્વર સ્વામી તરીકે ઓળખવામાં આવે છે.અહીં રાવણની 9 માથા વાળી મૂર્તિ છે જે પ્રભુ ની સ્તુતિ કરે છે અને 10મુ માથું વીણા વગાડે છે .ત્યાંથી અમે તિરુપતિ જવા રાત્રે નીકળી ગયા , અમારી બેંગલોર સુધી ની ટ્રેન હતી . ત્યાં અમે અંજીર અને પરંપરાગત મીઠાઈઓ નો સ્વાદ માણ્યો.