11 TASKS - 39 in Gujarati Drama by Niyati Kapadia Nirjhar books and stories PDF | 11 ટાસ્ક્સ - Chapter 39

Featured Books
Categories
Share

11 ટાસ્ક્સ - Chapter 39

આશુતોષ સહેજ મર્માળુ હસ્યો અને પછી દોદોહીનો હાથ પકડી કહ્યું, “ના, એ નિર્ણય હું તારા પર છોડુ છું. જો તને લાગે કે તારા પતિની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને ખરીદી કરવી જોઈએ તો જ તું એમ કરજે, હું તને ફોર્સ નહીં કરું.”
“હું ઇચ્છું છું કે તને મદદરૂપ થાઉ પણ મને એ કેવી રીતે કરવું એ વિશે માહિતી નથી. હું ફક્ત અમારી કંપનીના સ્ટોરમાંથી જ વસ્તુઓ ખરીદવા ટેવાયેલી છું. મને ત્યાંથી એવી રીતે જ ખરીદી કરવાની ટ્રેનિંગ અપાઈ છે." દોદોહીએ સહેજ નિરાશાના ભાવ ચહેરા પર લાવી કહ્યું.
“અરે ડાર્લિંગ તું બિલકુલ ચિંતા ન કર, હું છું ને. તું તારી કંપનીની ટ્રેનિંગ ભૂલી જા હું તને એક નવી જ દુનિયા દેખાડીશ. એક વધારે સુંદર, વધારે આનંદી દુનિયા." આશુતોષે દોદોહીને ગાલે હાથ મૂકીને કહ્યું.
એ બપોરે આશુતોષ જરૂરી હોય એવા કામ પતાવીને ઑફિસેથી વહેલો નીકળી ગયો હતો. ફ્લેટ પર જઈને એણે દોદોહીને કામે લગાડી હતી. નિર્ઝરે જે જે વસ્તુઓ વિચિત્ર નામવાળી એની કંપનીમાંથી મોકલી હતી એ દરેકને દોદોહીએ એવી રીતે ખરાબ કરી હતી કે એ કંપની ફોલ્ટ જ લાગે અને એને ફરી રિપેર કરવાનું ખૂબ મોંઘુ પડે એવું હોય કે શક્ય જ ન હોય.
એ સાંજે પછી આશુતોષ દોદોહીને લઈને ત્યાંના લોકલ માર્કેટમાં ગયો હતો. એમણે ત્યાંથી ઘર માટેની જરૂરી કેટલીય નાની મોટી વસ્તુઓના ભાવ જોયા હતા અને એ કેવી રીતે, ક્યારે, ખરીદી શકાય એનું પ્લાનિંગ કર્યું હતું. એ લોકો કપડાંની નાની નાની દુકાને અને મોલ્સમાં પણ ફર્યા હતા. દોદોહીએ છોકરીઓ માટેની વસ્તુઓ આટલા બધાં સસ્તા ભાવે મળતી પહેલી વખત જ જોઈ હતી. એની કંપની તરફથી વેચાતી એક સામાન્ય લિપસ્ટિક પણ ત્રણ હજારથી નીચેના ભાવે નહોતી આવતી. એની કંપનીની નેઈલપોલીસ જે અઢી હજારમાં આવતી હતી એના જેવો જ રંગ એને મોલમાંથી અઢીસો રૂપિયામાંથી મળી ગયો હતો. બંનેની ગુણવત્તા પણ સરખા જેવી હતી. એની કંપનીની પ્રોડક્ટ ચામડી પર કોઈ પ્રકારનું નુકશાન નહીં કરે અને લાંબા સમય સુધી ટકી રહેશે એની ગેરંટી આપતી હતી. આશુતોષે એને સમજાવ્યું કે એ ક્યાં સાચુકલી માનવ છે. એની ચામડી પર નુકશાન થવાનું જ નથી ને કદાચ થાય તો પણ એને રિપેર કરવાનો ખર્ચ આ બધી પ્રોડક્ટ કરતા ઓછો જ આવવાનો!"
સાંજે આઠ વાગ્યે એ લોકો ફ્લેટ પર પહોંચ્યા ત્યારે ટીનાએ આવીને સાંજની રસોઈ બનાવી લીધી હતી. આશુતોષે જોયું કે ટીનાએ કઢી, પુલાવ અને મેથીના ગોટા બનાવ્યા હતા. એણે એ વસ્તુઓ દોડોહીને ચખાડતા કહ્યું, “આ કુક પાછળ આટલો બધો ખર્ચ કરીને પણ છેલ્લે ખાવાની તો કઢી, એ પણ પાછી ખારીદવ..."
“એ લેડી રોબોટ પણ આવું કેમ કરે છે?”
“એ તારાથી બળે છે ડાર્લિંગ! એ તારી ઈર્ષા કરે છે અને એનો બદલો વાળવા જ એ મને પરેશાન કરી રહી છે."
“ટીના મારી ઇર્ષા શા માટે કરે?”
“એને એમ છે કે તું આટલી સુંદર છે, ગુલાબી ચામડી વાળી બિલકુલ એક ઢીંગલી જેવી જ્યારે કે એ સહેજ ડાર્ક સ્કિન અને ભરાવદાર શરીર વાળી. એને હું ગમું છું. એ આ ઘરમાં આવી ત્યારથી કોઈ ને કોઈ બહાને મને ગળે લગાડી કિસ કરવાના બહાના શોધે છે. બે વખત એ એવું કરી ચૂકી છે મેં એને રોકી અને હું ગુસ્સે થયો તો કહે કે તું દોદોહી જેવી નાજુક પૂતળીને છોડીને મારી સાથે ઈન્જોય કર. હું તને એવી મજા કરાવીશ કે તું એ આરસની પૂતળીને ભૂલી જઈશ. મેં એને ચોખ્ખું કહ્યું કે હું દોદોહીને ચાહું છું અને તું અમારી વચ્ચે આવવાનો પ્રયત્ન ના કર. એ મને સામે કહે કે હું પણ તને ચાહવા લાગી છું અને એક રોબોટ જ્યારે પ્રેમમાં પડે ત્યારે શું કરી શકે એ હું તને બતાવીશ."
આશુતોષ ઘડીક ચૂપ રહીને દોદોહીનાં હાવભાવ જોઈ રહ્યો પછી કહ્યું, “સાચું કહું તો મને એની બીક લાગે છે. એ જો મારી પર બળજબરી કરે તો હું એક માનવ થઈને સુપર ઇન્ટેલિજેન્ટ રોબોટને કેવી રીતે રોકી શકવાનો? મને તો લાગે છે કે એ મને હેરાન કરવા નહીં પણ મનેય એના જેવો જાડિયો બનાવવા આવું ઘી–તેલથી તરબોળ ખાવાનું બનાવે છે. તું મને બચાવવા એક કામ ન કરી શકે? તે જેવી રીતે એ બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને બગાડી મેલ્યા એવું જ કંઈક આ ટીના સાથે..." એણે જાણીને આગળનું વાક્ય અધૂરું મૂકી.
“સોરી ડાર્લિંગ, હું ટીનાને કોઈ પણ પ્રકારનું નુકશાન નહીં પહોંચાડી શકું. એ અમારી કંપનીના રુલ્સ વિરૂધ્ધનું છે. હું જો કોઈ પણ રોબોટને ખરાબ કરું તો મારી કંપની એને મારામાં આવી ગયેલો ફોલ્ટ માની મને રિપેરિંગમાં મોકલી આપશે. એ લોકો મારો બધો જ ડેટા ભૂસી નાંખી મને ફેકટરી મોડમાં નાંખી દેશે. જો એવું થાય તો હું તને પણ ભૂલી જઈશ. મને હાલનું કશું જ યાદ નહીં હોય."
“અરે બાપરે! તું ટીનાને કોઈ નુકશાન નહીં કરતી એનો રસ્તો હું પોતે વિચારી લઈશ. પ્રેમમાં જાન જાય તોય મને મંજૂર છે. માન્યું કે અમ માનવીમાં તમારી જેમ રિપેરિંગ સિસ્ટમ નથી હોતી. અહીંયા તો એક વાર મૃત્યું પામો એટલે આ દુનિયામાંથી હંમેશને માટે ગયા પણ એ જીવન જ કેવું જેમાં તું મારી સાથે ન હોય. એ હવે શક્ય જ નથી. આઈ લવ યુ અને ગમ્મે તેવી પરિસ્થિતિમાં હું તારું ભલું જ ઈચ્છીશ. ભલે મારું ગમ્મે તે થાય હું તને ઊની આંચ પણ નહીં આવવા દઉં."
આશુતોષ એટલો લાગણીમય થઈ આ બધું કહી રહ્યો હતો કે દોદોહી જેવી રોબોટ પણ એનામાં વિશ્વાસ કરવા લાગે.
એ રાત્રે દોદોહી ઘરે જવા નીકળી તે પહેલા આશુતોષે એને એક ગાઢ આલિંગન અને હોઠ પરનું લાંબુ, તસતસતું ચુંબન આપ્યું હતું. એણે એને કહ્યું હતું કે આવતીકાલે એ સવારે વહેલી એને ઘરે આવી જાય. બંને સવારનો નાસ્તો સાથે જ લેશે. આશુતોષ ઓફિસ જવા નીકળી જાય પછી કદાચ  ઘરની ખરાબ થયેલી વસ્તુઓ લેવા કોઈ આવે ત્યારે ઘરે કોઈક હાજર હોય એ જરૂરી છે. દોદોહી આશુતોષની વાત સાથે સહમત થઈ હતી.
એ રાતે પછી સૂતા પહેલા આશુતોષે નિર્ઝર સાથેની ચેટ ઓપન કરી હતી. એના આવેલા મેસેજિસ વાંચ્યા વગર જ એણે એને એક નવો મેસેજ મોકલ્યો હતો.
“હાઈ નિર્ઝર,
હમણાં ખૂબ વ્યસ્ત હોવાથી તારો એક મેસેજ જોઈ શક્યો નથી એ બદલ સોરી. તારી કંપની તરફથી આવેલી દરેક વસ્તુમાં કોઈ ને કોઈ ફોલ્ટ છે. એ બધું જ હજી ગેરંટી પિરિયડમાં હોવાથી હું ઇચ્છું છું કે તું એ બધું પાછું મંગાવી લે અને મને મારા ભરેલા રૂપિયા પાછા આપી દે.”
લગભગ એક મિનિટ બાદ સામેથી નિર્ઝરનો જવાબ આવ્યો,
“એ શક્ય જ નથી આશુતોષ. અમારી કંપની તરફથી કોઈ પણ પ્રોડક્ટની બનાવટમાં ખામી રહી જ નહીં શકે. એ છતાં તું કહે છે તો હું એ બધું જ પાછું મંગાવી એકવાર ચેક કરાવી લઈશ.
એક વાત મને સમજાઈ નથી રહી. તારા ઘરમાં દોદોહી શું કરી રહી હતી? એ રસોડામાં ટીનાને એના કામમાં ટોકી રહી હતી. એણે ત્યાં જાતે રસોઈ પણ બનાવી હતી. મેં જોયું કે એ તારા ઘરની બધી વસ્તુઓ સાથે કોઈક તો રમત કરી રહી હતી જેથી એ ખરાબ થઈ ગઈ. એ આ બધી હરકત કોના કહેવા પર કરી રહી છે આશુતોષ?”
“લે, હવે દોદોહી ક્યારે શું કરશે એની મને શું ખબર પડે? એ તો એક સુપર ઇન્ટેલિજન્ટ રોબોટ છે તો ભલા હું એને કેવી રીતે કંઈક નવું શીખવી શકું? હું થોડો કોઈ સોફ્ટવેર એન્જિનિયર છું? જો તમારી કંપનીની રોબોટ જ મારા ઘરની મોંઘાભાવની વસ્તુઓ બગાડે તો તમારે એ રોબોટ પાછો ન મંગાવી લેવો જોઈએ?”
“ડોન્ટ એક્ટ સ્માર્ટ આશુતોષ. મને સમજાય છે કે તું શું કરી રહ્યો છે.”
“હું શું કરી રહ્યો છું? જરાક મને પણ સમજાવશો?”
“તું એને ગલત કામ કરવા પ્રેરી રહ્યો છે. જે કામ કરવાની અમારી કંપનીએ એને ના કહી છે એ જ તું એની પાસે કરાવી રહ્યો છે. એ જો અમારા શીખવેલા રૂલ્સ અને રેગ્યુલેશન ભૂલી જશે તો એ ગમ્મે ત્યારે તારા માટે ખતરો સાબિત થઈ શકે છે.”
“તમે લોકોએ મારી પાસેથી ભૂલથી કોઈ લિંક ઓપન કરાવીને મને ફસાવ્યો છે એ મને યાદ છે. તમારી કંપની કે એની કોઈ પણ પ્રોડક્ટ પર વિશ્વાસ કરવાનું મેં ક્યારનુંય છોડી દીધું છે.”
“અમે તને નથી ફસાવ્યો. જેણે પણ તારી પાસે અમારી કંપનીની લિંક મોકલી હતી એણે એક પેપર પર તારી સહી પણ લીધી હતી, તે શું આંખો બંધ કરીને સહી કરી આપી હતી?. તું તારી મરજીથી દોદોહી સાથે આગળ વધવા તૈયાર હતો. અમે તને કોઈ દબાણ નહોતું કર્યું. હજી નથી કરી રહ્યા. તું ઇચ્છે ત્યારે દોદોહી સાથે લગ્ન કરવાની ના કહી શકે છે. એ બદલ તારે ખાલી પચાસ લાખ રૂપિયા આપવાના થશે.”
“પચાસ લાખ રૂપિયા? શેને માટે?”
“તારી પસંદની, તને જોતા જ ગમી જાય, જેના 121 ગુણ તારી સાથે મેચ થતા હોય એવી એક રોબોલેડી બનાવવા કહી પાછળથી એ સોદો રદ કરવાનો દંડ છે એ.”
“પચાસ લાખ! તારી સાથે વાત કરવી જ વ્યર્થ છે. તું બસ એટલું કર કે તારી કંપની તરફથી આવેલી દરેક વસ્તુ મારા ઘરેથી પાછી મંગાવી લે. જે રિપેર થાય એવી હોય એને રિપેર કરાવી પાછી મોકલ ને જે રિપેર થાય એવી ન હોય એના બદલામાં મેં ભરેલા રૂપિયા પરત આપ.”
“ઠીક છે આવતી કાલે સવારે એક ટ્રક આવીને તારા ઘરેથી બધો ડેમેજ સમાન લઈ જશે.”
એ રાત્રે આશુતોષે પછી ટીનાને ફૉન જોડ્યો.
“હેલો, ટીના?"
“એક મિનિટ રાહ જુઓ ટીના લાઇન પર આવે છે..." સામેથી રેકોર્ડેડ અવાજ આવ્યો ને પછી થોડી વારે ટીના લાઇન પર આવી,
“યસ સર,"
“કાલે તું થોડીક વહેલી આવી જઈશ. મારે ઑફિસ જલદી જવાનું છે."
“ઓકે સર. હું આવી જઈશ.”
આશુતોષે કૉલ કટ કરી મોબાઇલ ફોન એના પલંગની બાજુવાળા ટેબલ પર મૂક્યો ત્યાં જ એક મેસેજ આવ્યો હતો. એણે ફરી ફોન હાથમાં લીધો. નિર્ઝરનો મેસેજ હતો.
“તે આવતી કાલે ટીનાને વહેલા કેમ બોલાવી છે? ઓફિસમાં એવું કોઈ કામ નથી આવી પડ્યું કે તારે જલદી નિકળવું પડે?”
“ભલે કામ ના આવી પડ્યું હોય મારે થોડા વહેલા જવું હોય તો? હવે આમાં મારે તારી રજા લેવાની છે?”
“તે આવતી કાલે સવારે દોદોહીને પણ તારે ત્યાં બોલાવી છે! હું જાણી શકું કે શા માટે?”
“ના.”
આશુતોષે ત્રણ હસતા ઇમોજી મોકલ્યા અને પછી લખ્યું,
“આવતી કાલે મારા ઘરમાંથી તમારી કંપનીનો ફોલ્ટી માલ લેવા એક ટ્રક આવશે એવું તે જ કહ્યું હતું ને? એ ટ્રક આવે ત્યારે મારા ઘરમાં કોઈક તો હાજર જોઈએ કે નહીં?”
“એ સમયે ટીના ત્યાં હાજર હશે. એમાં દોદોહીની જરૂર નથી.”
“એવું તને લાગે છે કેમ કે તું એક સોફ્ટવેર માત્ર છે, તારામાં કોઈ લાગણીઓ નથી. હું અને દોદોહી હવે એકમેકના ગળાડૂબ પ્રેમમાં છીએ. અમને કોઈક ને કોઈ બહાને મળવાનું ગમવાનું અને એ માટે અમે પ્રયત્ન પણ કરીશું.”
“તું કદાચ ભૂલી રહ્યો છે કે દોદોહી સાચુકલી માણસ નથી.”
“એટલે તું એમ કહેવા માંગે છે એક રોબોટ ભલે ગમે એટલો ઇન્ટેલિજન્ટ બની જાય એનામાં ક્યારેય માનવીય લાગણીઓ નહીં જ આવી શકે. એ ક્યારેય કોઈને માટે પ્રેમ, નફરત કે ગુસ્સા જેવી લાગણી નહીં અનુભવે.”
“ના, હું એવું નથી કહેતી. અમારી કંપની એવા રોબોટ્સ બનાવવા પ્રયત્ન કરી રહી છે જે માણસોની એકદમ નજીક હોય. એ માણસોની જેમ જ વિચારી શકે, એમની રીતે સમજીને નિર્ણય લઈ શકે. જે ફક્ત એમને ખરીદનારના હાથનું એક મશીન બનીને ન રહી જાય અને એ માટે જ અમે ઘણા બધા પ્રયોગ કરી રહ્યા છીએ.. દોદોહી જેવા રોબોટ ને તારે ત્યાં મોકલવી એ પણ અમારો એક પ્રયોગ જ છે અને એ થકી અમે એનામાં જો કોઈ ખામી રહી ગઈ હોય તો એ સુધારવા પ્રયત્ન કરીશું. હજી અમારો પ્રયોગ ચાલી રહ્યો છે, એ પૂરો નથી થઈ ગયો એટલે જ હું તને ચેતવું છું કે તું એનાથી થોડોક સંભાળીને રહે.”
“સંભળીને રહું એટલે? તને એમ છે કે દોદોહી કે ટીના મારી પર હલ્લો કરી શકે, મને નુકશાન પહોંચાડી શકે?”
“99% કેસમાં એ શક્ય નથી. હું તને સાવધ રહેવા કહું છું એ છોકરીઓ સાથે વધારે ઇમોશનલ થવા બાબતે. એમને એ લાગણીના પ્રવાહમાં ઢસડી જવા બાબતે. તું એમની લાગણી સાથે રમી રહ્યો છે એ મને સમજાઈ રહ્યું છે. એ બંનેના મનમાં તારા માટે લાગણી હોય એ સારી વાત છે પણ એ લાગણી સર્જાયા બાદ આગળ એ બંને શું નિર્ણય લેશે એની પર અમારો કોઈ કંટ્રોલ નથી. એ તને નુકશાન પહોંચાડી શકે છે, એમને પોતાને પણ નુકશાન પહોંચાડી શકે છે.”
“ઠીક છે હું સાવધ રહીશ. થૅન્ક યુ.”
આશુતોષે ફોન મૂક્યો ને પલંગ પર આડો પડ્યો.