આશુતોષને ખૂબ નવાઈ લાગી રહી હતી. અચાનક આ બધું શું થઈ ગયું એ એની સમજમાં નહોતું આવી રહ્યું. કદાચ એ દોદોહી અને ટીનાને હથિયાર બનાવી એમને આપસમાં લડી મરવા કે એકબીજાને ભયંકર નુકશાન પહોંચાડવા ઈચ્છતો હતો એ વાતની નિર્ઝરને જાણ થઈ ગઈ હોય અને એણે જ આશુતોષને એમની કંપનીને લગતા દરેક નંબર પર બ્લૉક કરી દીધો હોય એ શક્ય હતું. આમ તો આ જે થયું એનાથી આશુતોષને નિરાંતનો અનુભવ થવો જોઈતો હતો પણ એવું ન થયું. એના મનમાં એક છુપો ભય આકાર લઈ રહ્યો હતો. આ બધું આટલી સરળતાથી પૂરું થઈ જાય એ વાત એના માન્યમાં નહોતી આવી રહી. ક્યાંક આ નિર્ઝરનો કોઈ પ્લાન તો નહીં હોય? એ જો ઇચ્છે તો ખૂબ જ સરળતાથી આશુતોષનું મર્ડર કરી શકે!
થોડુંક વિચાર્યા બાદ આશુતોષે એક નિર્ણય લીધો ને એણે મહેન્દ્રને ફોન જોડ્યો. એનો નંબર પણ પહોંચથી બહાર બતાવતો હતો. એણે દસેક મિનિટ રહીને ફરી નંબર જોડ્યો તો પણ, “તમે ડાયલ કરેલો નંબર હાલ પહોંચની બહાર છે” એવું સંભળાયું. એણે એની સાથે કામ કરતા એક બીજા કર્મચારીને ફોન કર્યો ને એને મહેન્દ્રને ફોન લગાડવા કહ્યું તો એ બીજા કર્મચારીને પણ આઉટ ઓફ રિચ બતાવ્યું. એણે મહેન્દ્રને વોટ્સેપ પર એક મેસેજ મોકલ્યો.
હાય મહેન્દ્ર તારો ફોન કેમ આઉટ ઓફ રિચ બતાવે છે? તું ક્યાં છે? તું સુરક્ષિત તો છે ને?
મેસેજ મોકલ્યાની દસ મિનિટ બાદ પણ એની નીચે દેખાતી સિંગલ ટિક ડબલ નહોતી થઈ. મતલબ કે મહેન્દ્રના ફોનમાં આશુતોષનો મેસેજ પહોંચ્યો જ નહોતો. બની શકે કે એના ફોનનું નેટ બંધ હતું કે પછી એ જે એરિયામાં હતો ત્યાં નેટવર્ક જ નહોતું.
એ રાત્રે કંટાળીને પછી આશુતોષે બાઈક કાઢી હતી. એ એ જ જ બિલ્ડિંગમાં ગયો હતો જ્યાં મહેન્દ્ર એને પહેલી વખત લઈ ગયો હતો. એ બિલ્ડિંગ જ્યાં આ બધી સ્ત્રી રોબોટ્સ રહેતી હતી. જ્યાં એની દોદોહી રહેતી હતી. એણે જોયું કે દરવાજે સિક્યોરિટી ગાર્ડ નહતો. એ સીધો અંદર ચાલ્યો ગયો તો આખી બિલ્ડિંગ ખાલી હતી. બધા બારણે તાળું મારેલું હતું. બધી લાઈટ્સ બંધ હતી.
“મહેન્દ્ર...મહેન્દ્ર....તું અંદર છે?" એણે દરેક માળ પર જઈ જોર જોરથી બૂમ પાડી પણ એકેય ફ્લેટની અંદરથી જરા સરખો પણ સંચાર ન થયો.
એ જ્યાં દોદોહી રહેતી હતી એ ફ્લેટ આગળ આવ્યો ને બારણે જોરથી લાત મારી. બારણું તો ના ખુલ્યું પણ એને પગમાં માર વાગ્યો. એણે એનું હેલ્ડલ ચાર પાંચ વખત જોરથી ગુમાવ્યું. એ ના તૂટ્યું. હતાશ થઈ એ પાછો વળી ગયો.
એણે ફ્લેટ પર જઈ એનું ઘર તપાસ્યું. જે જે વસ્તું પર વિચિત્ર નામવાળી કંપનીનો લોગો હતો એ દરેક વસ્તુ ત્યાંથી ગાયબ હતી. એના કેટલાય કપડાં, જૂતા, અમુક પરફ્યુમ, વાસણો હવે ત્યાં ન હતા. એણે કિચનમાં તપાસ કરી. પહેલાં ત્યાં અમુક બિસ્કિટ અને રેડી ટુ કૂક ના પાઉચ પડ્યા રહેતા હતા જે અહીં કામ કરતી છોકરીઓએ ઓનલાઇન ઓર્ડર કરી મંગાવ્યા હતા, જેની પર નિર્ઝરની કંપનીનો લોગો હતો, એ પણ હવે ત્યાં ન હતા. આશુતોષને કશું જ સમજાઈ નહોતું રહ્યું કે અચાનક આ બધું કેવી રીતે થઈ ગયું. એણે નિર્ઝરને છેલ્લો મેસેજ મોકલ્યો ત્યારે એણે ટીના અને દોદોહી બંનેને એના જીવનમાંથી હંમેશા માટે દૂર કરી દેવા કહ્યું હતું. એ પછી નિર્ઝરે એને સામે મેસેજ મોકલ્યો હતો પણ પોતે જ એને જોવાનું ટાળ્યું હતું. હવે એને એ વાતનો અફસોસ થઈ રહ્યો હતો.
રહી રહીને એને થતું હતું કે કંઈક તો ગરબડ છે. એના એક માત્ર ધમકી ભર્યા મેસેજથી નિર્ઝર કે એની કંપનીવાળા ગભરાઈ જાય અને આમ કલાકોમાં એમના બિસ્તરા પોટલા ઉઠાવી ગાયબ થઈ જાય એ શક્ય નહોતું. એના ફોનમાંથી એ લોકોના બધાજ કોન્ટેક્ટ, ચેટ્સ, કૉલ લોગ કે ફોટા પણ એમણે રહેવા નહોતા દીધા. એને સૌથી વધારે મહેન્દ્રની ચિંતા સતાવી રહી હતી. એ સુરક્ષિત તો હશે ને? હવે આગળ શું થશે, એ લોકો ફરી એનો સંપર્ક કરશે?
બીજે દિવસે સવારે ઉઠતાંની સાથે જ એણે ફોન હાથમાં લઈ એમાંના મેસેજ ચેક કર્યા. નિર્ઝર નામ એના ફોનમાંથી ભૂંસાયેલું જ રહ્યું હતું. એણે જોયું કે એનું સવારે ચાલવા જવા માટેનું મોર્નિંગ અલાર્મ પણ વાગ્યું નહતું. એ રોજ કરતા પાંચ મિનિટ મોડો ઉઠ્યો હતો. એણે મહેન્દ્રને મોકલેલો મેસેજ ચેક કર્યો. ત્યાં હજી સિંગલ ટિક હતી. એણે મહેન્દ્રને કૉલ કર્યો. સામેથી ફોન સ્વીચ ઑફ હોવાનું સંભળાયું.
એ ઊભો થયો. ફોન ચાર્જિંગમાં મૂક્યો. બાથરૂમમાં જઈ નહાઈને કમર પર ટુવાલ લપેટી બહાર આવ્યો. એણે જોયું કે એના ફ્લેટનો દરવાજો હજી બંધ હતો. એ કિચનમાં ગયો. ત્યાં હજી થોડાક ઇન્સ્ટન્ટ ચાના શેષે પડ્યા હતા. એણે એમાંથી એક ઉઠાવ્યું ને ચા તૈયાર કરી. ચા પી એ બેડરૂમમાં ગયો. એના જૂના કપડાં હજી વાળીને કબાટમાં ગોઠવાયેલા પડ્યા હતા. એણે એમાંથી એક જોડ ઉઠાવી ને તૈયાર થઈ ઓફિસ જવા નીકળી ગયો.
જેવો એ નવરો પડતો કે એની નજર મોબાઈલ પર જતી. નિર્ઝરનો મેસેજ જોવા એની આંખો તરસી રહી હતી. એણે નવા આવેલા બધા મેસેજ તપાસ્યા. એક પણ મેસેજ કોઈ અજાણ્યા નંબર પરથી નહોતો આવ્યો. એણે ઓફિસના પટાવાળાને ફોન કરીને કહી દીધું કે એનું ટિફિન પહેલા જ્યાંથી આવતું હતું ત્યાંથી ચાલું કરાવી દે. ઓફિસના ઘણા બધા એકલા રહેતા લોકો માટે એક જ જગ્યાએથી ટિફિન આવતું હતું.
લંચ બ્રેકમાં એનું ટિફિન આવી ગયું. એણે રીંગણ બટેટાનું શાક, રોટલી અને દાળભાત ખાઈ લીધા. છેલ્લા થોડાક દિવસોથી એને રોજ નવી નવી વાનગી જમવાની ટેવ પડી ગઈ હતી એ યાદ આવી ગયું. દોદોહી યાદ આવી ગઈ. દિલમાં એક અજીબ સૂનકાર અનુભવાયો. શું એણે છેલ્લા મેસેજમાં દોદોહી સાથેના લગ્નનો કોન્ટ્રાક્ટ તોડવાનું લખ્યું હતું એટલે નિર્ઝરે સાચે જ એને એની કંપનીના દરેક એકાઉન્ટમાંથી બ્લૉક કરી દીધો હશે? એ સારી રીતે જાણતો હતો કે છેલ્લે આવું જ કંઈક થવાનું હતું. દોદોહી જો જીવનભર એની સાથે રહી હોત તો?
બપોરે જમવાનું પતાવી એણે અડધા દિવસની રજા લીધી. એ પહેલા તે એક મોબાઇલ શોપમાં ગયો ને ત્યાંથી એક નવો ફોન એક નવા સિમ્કાર્ડ સાથે ખરીદ્યો. જૂના ફોનમાંથી ફક્ત કામના નંબર જ એણે નવા ફોનમાં નાખ્યા અને એનો નવો નંબર નજીકના માણસોને મોકલી આપ્યો. એણે એનો જૂનો ફોન સ્વીચ ઑફ કરી બેગમાં એક ખાનામાં મુકી દીધો.
એ બેંકમાં ગયો. એણે એનું એક નવું એકાઉન્ટ ખોલાવ્યું અને એમાં ઓનલાઈન ટ્રાન્જેક્શન બંધ રાખ્યું. જૂના એકાઉન્ટમાં જે કંઈ રૂપિયા પડ્યા હતા એ નવા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી એ એકાઉન્ટમાં જરૂર પૂરતું જ બેલેન્સ રાખ્યું. એણે નવા બેંક એકાઉન્ટ સાથે એનો નવો ફોન નંબર જોડ્યો હતો.
દસથી પણ વધારે વાર વિચાર કર્યા બાદ એણે નિર્ણય લીધો ને એ પોલીસ સ્ટેશનની સીડીઓ ચઢ્યો. એણે ત્યાં મહેન્દ્ર નામનો એનો મિત્ર છેલ્લા બે દિવસથી ગાયબ હોવાની ફરિયાદ નોંધાવી. એણે મહેન્દ્રનો ફોન નંબર પણ લખાવ્યો.
બે દિવસ બાદ એને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યો હતો. એમની તપાસ અનુસાર મહેન્દ્રનો ફોન છેલ્લે ચારેક દિવસ પહેલા જુહુ બીચ પર એક્ટિવ થયો હતો ત્યારબાદ એ બંધ આવતો હતો. એમના કહેવા મુજબ બની શકે છે કે મહેન્દ્રનો ફોન ખોવાઈ ગયો હોય કે પછી જાણીને જ એણે એને દરિયા કિનારે ક્યાંક ફેંકી દીધો હોય અને હાલ એ એક્ટિવ ના હોય.
“મહેન્દ્ર પાસે અચાનક જ અહીંથી ચાલ્યા જવાનું એકેય કારણ નહતું. એણે જો જવું જ પડે એમ હોત તો મને એકવાર જરૂર જણાવ્યું હોત." આશુતોષે કહ્યું. “મને તો લાગે છે કે એની સાથે કંઈક ગલત થયું છે."
“જુઓ મિસ્ટર, જ્યારે પણ આપણી જાણીતી વ્યક્તિ અચાનક ગુમ થઈ જાય એટલે આપણને ચિંતા થાય અને અશુભ વિચારો આવે એ શક્ય છે. એનો મતલબ એમ નથી કે ખરેખર એવું જ થયું હોય. જો મહેન્દ્રને અકસ્માત નડ્યો હોત અને એ કોઈક હોસ્પિટલમાં દાખલ કરાયો હોત તો અમને અત્યાર સુધીમાં જાણ થઈ ગઈ હોત. મને તો એવું લાગે છે કે એ પોતે જ આ શહેર છોડી ચાલ્યો ગયો છે." ઇન્સ્પેક્ટર સચિન ગોડબોલે કહી રહ્યો.
“એ એની જાતે આ શહેર છોડીને નથી ચાલ્યો ગયો એ માટેના મારી પાસે ચોક્કસ કારણો છે." આશુતોષે પછી ધીરે ધીરે એની સાથે હમણાં થોડાક મહિનામાં જે કંઈ બની ગયું હતું એ બધું જ કહ્યું.
સચિન ગોડબોલે પહેલા તો આશુતોષને તાકી રહ્યો. એની આખી રામકહાણી સાંભળી લીધા બાદ એણે એની વાત સાબિત કરી શકે એવી એક સાબિતી માંગી.
“મારી પાસે નિર્ઝર સાથેની વોટ્સેપ ચેટ હતી. એનો ફોન નંબર હતો. સુખી, રુચિ અને ટીના બધાનો જે નંબર પરથી સંપર્ક થતો એ નંબર પર કરાયેલ કૉલ લોગ હતો પણ એ બધું જ પછી એને મેળે ડિલીટ થઈ ગયું. મારા જૂના ફોન પરથી તમે માહિતી મેળવી શકો એમ હો તો હું એ જૂનો મોબાઈલ ફોન તમને આપતો જાઉં છું. મારા ફોનમાંથી ઉડાડી દેવાયેલ ચેટ, ફોટા, વગેરે તમે પાછા મેળવી શકો તો આ આખો કેસ તમને સમજાઈ જશે."
સચિન ગોડબોલે હજી આશુતોષ સામે ધારીને જોઈ રહ્યો હતો. થોડુંક વિચાર્યા બાદ એ સહેજ મલકાઈ રહ્યો હતો. એને કદાચ આશુતોષ પાગલ લાગી રહ્યો હતો. “હા, તો મિસ્ટર આશુતોષ તમારું કહેવું છે કે એક દિવસ અચાનક જ તમારા ફોન પર એક અજાણી યુવતીનો મેસેજ આવ્યો હતો. એણે તમને અમુક સવાલ પૂછ્યા અને કેટલાક કામ કરવાનું કહ્યું. તમને એ કામ કરવાની મજા આવી એટલે તમે એ પૂરા કર્યા. એ બદલ તમને દરેક કામ બાદ ઇનામ પણ મળ્યા. તમારી મુલાકાત પછી એક છોકરી સાથે કરાવાઈ જે દેખાવે બિલકુલ પરી જેવી રૂપાળી હતી. તમને એની સાથે લગ્ન કરવા લલચાવવામાં આવ્યા અને તમે લલચાઈ ગયા. એની સાથે લગ્ન કરવાની શરત રૂપે નિર્ઝરે ફરી તમને ઇલેવન ટાસ્ક્સ આપ્યા જેનો બે મહિના સુધી તમારે અમલ કરવાનો હતો. બે મહિના સુધી તમે એ બધા ટાસ્ક્સ પૂરા કર્યા. પછીથી તમને જાણ થઈ કે એ છોકરી," ઇન્સ્પેક્ટરે ફાઇલમાં લખેલું નામ વાંચ્યું ને કહ્યું, “એ છોકરી દોદોહી, માનવ નહીં પણ એક રોબોટ હતી, એક સ્ત્રી રોબોટ. તમે લગ્ન માટે આનાકાની કરવા લાગ્યા. એ જ સમયે મહેન્દ્ર પણ આમાં સંડોવાયો. એણે તમારા માટે તમારા ઘરેથી ટિફિન લઈ આવતી છોકરી જોઈ હતી ને એ એના પ્રેમમાં પડી ગયો હતો. એણે એ છોકરીનો પીછો કર્યો ને એ જગ્યા શોધી કાઢી જ્યાં એ રહેતી હતી. એ જ જગ્યાએ ઘણી બધી સ્ત્રીઓ રહેતી હતી અને તમારા કહેવા અનુસાર એ બધી સ્ત્રી રોબોટ હતી. પછીથી મહેન્દ્ર એની પટાવાળાની નોકરી છોડી એ રોબોટ્સ સાથે કામ કરવા એમને ત્યાં ચાલી ગયો. એક દિવસ અચાનક પછી તમારા ફોનમાંથી બધું જ ગાયબ થઈ ગયું. તમારા ઘરમાંથી પણ એમની બધી જ નિશાનીઓ દૂર કરી દેવાઈ. હવે તમને શંકા છે કે મહેન્દ્રને નિર્ઝરે કે એના રોબોટે પતાવી દીધો છે. આટલે સુધી મેં જે કહ્યું એ બધું બરાબર છે?"
“હા, ઇન્સ્પેક્ટર એકદમ સાચું કહ્યું. હવે તમે મારી વાત બરાબર સમજ્યા." આશુતોષે ઉત્સાહથી કહ્યું.
“ઓકે તો હવે મને એ કહો કે મારે આ કેસમાં ગુનો કોની સામે નોંધવો? નિર્ઝર સામે? જે માણસ જ નથી. જે એક સોફ્ટવેર છે કે રામજાણે શું છે. એ વિદેશી કે ચાઇનીઝ નામવાળી કંપની સામે જેનું નામ પણ તમે ભૂલી ગયા છો? હું ફરિયાદ કોની સામે કરું? કોની તપાસ કરું? મહેન્દ્ર તમારાથી જ કંટાળીને દૂર ચાલ્યો ગયો હોય અને એની હવે તમારી સાથે વાત કરવાની ઈચ્છા ન હોય એટલે જ એણે ફોનનો નંબર બદલી લીધો હોય એવી શક્યતા વિશે હું કેમ ના વિચારું?”
“મને કશું જ સમજાઈ નથી રહ્યું એટલે તો હું તમારી પાસે આવ્યો છું. તમે મારા જૂના ફોન પરથી ડિલીટ થઈ ગયેલા મેસેજિસ અને ફોન નંબર પાછા મેળવો, મારા છેલ્લા છ મહિનાના કોલ લોગ્સ મેળવી તપાસો અને જુઓ કે એ નંબર કોના છે."
“એ જૂના નંબર મેળવી પણ લઈએ તો હવે એ કોઈ કામમાં નહીં આવે. એ કોઈક ફેંક નામથી રજીસ્ટર્ડ થયેલા નંબર હશે ને હાલ એ કામ પણ નહીં કરતા હોય. એમણે એ સિમ્કાર્ડ ક્યારનાય ફેંકી દીધા હશે."
આશુતોષ હતાશ થઈ ઇન્સ્પેક્ટર સામે જોઈ રહ્યો પછી કહ્યું, “મારા એકાઉન્ટમાંથી એમની કંપનીના બેંક એકાઉન્ટમાં દર મહિને અમુક રકમ ઇ.એમ.આઇ રૂપે ચૂકવાઈ હતી. તમે એ બેંક એકાઉન્ટ શોધી તપાસ કરી શકો.”
“એ બેંક એકાઉન્ટ પણ હવે બંધ થઈ ગયા હશે અને એ કોઈ અજાણ્યા ગરીબ માણસ પાસેથી ભાડે લીધેલા હશે.”
“સીધું કહોને કે તમને આ કેસમાં કોઈ રસ જ નથી.” ઓચિંતો જ આશુતોષનો અવાજ ઊંચો થઈ ગયો, “હું એક મોટા ક્રાઇમ વિશે વાત કરી રહ્યો છું ને તમે મને સપોર્ટ કરવાને બદલે કામ ના કરવાના બહાના શોધી રહ્યા છો? આજે તમે મારી વાત પર વિશ્વાસ નથી કરી રહ્યા પણ યાદ રાખજો ભવિષ્યમાં એ માટે તમે પસ્તાશો."
“અવાજ નીચે રાખીને વાત કરો મિસ્ટર. હું તમારી વાત સમજી રહ્યો છું એટલે જ આટલી શાંતિથી છેલ્લા બે કલાકથી તમારી સાથે ચર્ચા કરી રહ્યો છું." સચિન ગોડબોલે એ પહેલા ઊંચા સાદે કહ્યું પછી શાંતિથી ઉમેર્યું, “મને લાગે છે કે તમને કોઈ માનસિક બીમારી છે. મુંબઈ જેવા મહાનગરમાં એકલા રહેતા અને નશો કરતા યુવાનો ક્યારેક ફ્રસ્ટેટ થઈ જાય છે અને એમની માનસિક હાલત બગડે છે. તમારી સાથે પણ એવું જ કંઈક બન્યું લાગે છે. મારું માનો તો તમે કોઈ સાયકાયટ્રિસ્ટ પાસે જઈ સારવાર લો."
“ઓહ, તમને લાગે છે કે હું ગાંડો થઈ ગયો છું? છેલ્લા કેટલાક મહિનાથી મારી સાથે જે જે બની રહ્યું હતું એ બધું ફક્ત મારા મગજમાં ચાલી રહ્યું હતું. એને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા જ નહતી?" આશુતોષ અકળાઈને બોલી રહ્યો.
“હા, મને એવું લાગે છે."
“હું તમને કહી રહ્યો છું કે નિર્ઝર નામની એક સ્ત્રી જે હકીકતે એક સોફ્ટવેર છે એ મારા ફોનમાં ઘૂસી જઈ મને મેસેજ મોકલી રહી હતી, એણે જ મને જણાવ્યું હતું કે એમની કંપની બિલકુલ માણસો જેવા જ લાગતા રોબોટ્સ બનાવી રહી છે અને ભવિષ્યમાં એ લોકોના રોબોટ્સ અને માણસો વચ્ચે ફરક કરવો મુશ્કેલ પડશે.” એ થોડીકવાર શાંત રહી ઇન્સ્પેક્ટર સામે જોઈ રહ્યો પછી કહ્યું, “ઓહ ગોડ, તમને મારી એકેય વાત પર વિશ્વાસ નથી બેસી રહ્યો, રાઇટ? તમારા મને હું જ એક સાયકોપેથ છું, મારું મગજ ફરી ગયું છે! સરસ, હવે આગળ વાત કરવાનો કોઈ ફાયદો નથી." આશુતોષ ઊભો થઈ ગયો ને એણે એની બેગ હાથમાં લીધી.
“મને તારા પ્રત્યે પૂરી સહાનુભૂતિ છે. મેં તારી વાત સાંભળી ત્યારે જ તારી સોશ્યલ મીડિયા એક્ટિવિટી પર નજર નાંખવા મારા એક માણસને કહ્યું હતું. સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા મારા એ માણસે જણાવ્યું કે તારા ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તું નિર્ઝર નામની એક લેખિકાને ફોલો કરે છે. એ લેખિકા વિવિધ વિષયો પર નવલકથા અને વાર્તાઓ લખતી હોય છે. ઘણીવાર મોટીવેશનલ ક્વોટ્સ પણ શેર કરતી હોય છે. મને લાગે છે કે તું એ લેખિકા નિર્ઝરને તારા મગજમાં કોઈ અલગ જ વ્યક્તિત્વ તરીકે કલ્પી રહ્યો છે. બની શકે છે કે તું જે કહી રહ્યો છે એ વિષય પર એણે કોઈ વાર્તા લખી હોય જેને વાંચીને તું એને તારા મનના કોઈક ખૂણે સાચી માની બેઠો છે અને હવે નિર્ઝરને લઈને વિવિધ કલ્પના કરી રહ્યો છે."
“વન્ડરફુલ! થૅન્ક યુ સો મચ ઇન્સ્પેક્ટર. તમારે પોલીસ નહીં પણ ડોક્ટર હોવું જોઈતું હતું એ પણ એક સાયકોલોજીસ્ટ!" આશુતોષ દાઢમાં બોલ્યો અને ત્યાંથી નીકળવા જ જતો હતો કે સચીન ગોડબોલેએ કહ્યું,
“એક કામ કર, હાલ તું મહેન્દ્રનો કોઈ પત્તો નથી એ મતલબની એફ.આઈ.આર. લખાવ અમે એની તપાસ ચાલુ કરીએ પછી આગળનું જોયું જશે.” ઇન્સ્પેક્ટરે પછી આશુતોષને ખૂણામાં આવેલા એક ટેબલ તરફ હાથ કરી ત્યાં જવા ઈશારો કરતા કહ્યું, “અનન્યા, આની મિસિંગ પર્સનની એફ.આઈ.આર. લખી લેજે."
આશુતોષ એક લેડી કોન્સ્ટેબલ બેઠી હતી એ તરફ આગળ વધ્યો અને ટેબલ આગળ જઈ સહેજ તોછડા અવાજે પૂછ્યું, “તમે જ મારી કમ્પ્લેઇન લખવાના છો?"
“હા,” મોઢું નીચું રાખીને એક ચોપડામાં કશુંક જોઈ રહેલી એક છોકરીએ આશુતોષ સામે જોઈ મીઠું મલકાતા કહ્યું, “આપ બેસો અને શાંતિથી રિપોર્ટ લખાવો.”
આશુતોષને જાણે અચાનક કંઈક થવા લાગ્યું હતું. એ જ્યારે દોદોહીને પહેલીવાર મળ્યો હતો ત્યારે થયું હતું એવું જ પણ થોડું અલગ, થોડુંક વધારે આનંદ આપનારું. એણે જ્યારે લાવણ્યાને પહેલીવાર જોઈ હતી અને એના મનમાં ચારેકોર જે આનંદ આનંદ વ્યાપી ગયો હતો એવો જ આનંદ એ હાલ અનુભવી રહ્યો હતો પણ એ આનંદની માત્રા અત્યારે પહેલા કરતા અનેકગણી વધારે હતી. એ શાંતિથી ટેબલને સામે છેડે આવેલી ખુરશી ખેંચી ત્યાં બેસી ગયો. એણે ધીરે ધીરે પોતાની વાત કહેવી ચાલુ કરી. અનન્યા ખૂબ રસ લઈને એની વાત સાંભળી રહી હતી. પહેલા તો એણે મહેન્દ્ર લાપત્તા હોવાની ફરિયાદ નોંધી અને પછી આશુતોષ જે કહેતો ગયો એ સાંભળતી ગઈ. આશુતોષને થયું કે ઇન્સ્પેક્ટર કરતા આ લેડી કોન્સ્ટેબલ સો ગણી વધારે સમજદાર અને માનવીય છે. એ મારી દરેક વાત સાંભળી ને સમજવાનો પ્રયત્ન કરી રહી છે એમ નહીં કે મને પાગલ કહી ભગાડી મૂક્યો. એફ.આઈ.આર. રજીસ્ટર કરાવી એ ઘરે જવા નીકળ્યો એ પહેલા એની પાસે અનન્યાનો ફોન નંબર આવી ગયો હતો. એણે જ એ નંબર આપી કહ્યું હતું કે કંઈક બીજું મહત્વનું યાદ આવે તો મને ફોન કરીને જાણ કરજો.
એ રાત્રે એણે ફરી પેરેડાઇઝ ભોજનાલયમાં જઈ રાતનું ખાણું લીધું અને એનું બંધ થઈ ગયેલું ખાતું ફરી ખોલાવ્યું હતું. રાતના એ ફ્લેટમાં સુવા ગયો ત્યારે એકલતા એને ફોલી ખાવા લાગી. એણે કોઈક ને ફોન કરવા વિચાર્યું. કોને ફોન કરવો? ઘરે મમ્મી કે ભાઈ સાથે વાત કરવામાં એક પ્રોબ્લેમ હતો. એ લોકો એના અવાજ પરથી જાણી લેત કે આશુતોષનો મૂડ ઑફ છે ને પછી એ લોકો કારણ પૂછત. એમને જણાવવા જેવો એક પણ જવાબ હાલ આશુતોષ પાસે નહતો. એને અનન્યાને કૉલ કરવાનું મન થઈ રહ્યું હતું પણ એમણેમ કોઈ કારણ વગર એક પોલીસવાળીને કૉલ કરતા એનું મન પાછું પડી રહ્યું હતું.
અચાનક આશુતોષને યાદ આવ્યું કે એની બિલ્ડિંગમાં ઘણી જગ્યાએ સીસીટીવી લાગેલા છે. એમાંથી એના ઘરે કે એની બિલ્ડિંગમાં રુચિ, સુખી અને ટીનાને આવતીજતી જોઈ શકાય. પછી તરત થયું કે એ વિડિઓ ફૂટેજ પણ ડીલીટ થઈ ગયો હશે. એની ઓફિસના સીસીટીવીમાં પણ એમ જ થયું હતું. કામમાં આવે એવું બધું જ ફૂટેજ ડિલીટ થઈ ગયું હતું. ડિલીટ થઈ ગયેલું કન્ટેન્ટ પાછું મેળવી શકાય તો ઘણું બધું જાણી શકાય. આખરે આશુતોષને બહાનું મળી ગયું...એણે અનન્યાને ફોન કરી એની ઓફિસ અને ફ્લેટના સીસીટીવી કેમેરાનું છેલ્લા બે મહિનાનું ફૂટેજ જોવા રિકવેસ્ટ કરી હતી. અનન્યાએ એની વાત પર તરત જ એક્શન લેવાનું વચન આપ્યું હતું.
આશુતોષના ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં હવે અનન્યાનું નામ અને નંબર હતો. એણે એનું વોટ્સેપ ડીપી ચેક કર્યું. લીંબુ જેવા પીળા રંગની સાડીમાં અનન્યાનો હસી રહેલો સુંદર, ગુલાબી ચહેરો દેખાયો અને આશુતોષ ફરીથી એક સમજાય નહીં એવા વહેણમાં તણાવા લાગ્યો.
બે મહિના સુધી આશુતોષે અનન્યા સાથે મહેન્દ્ર બાબત વાતચીત કરી હતી. એ લોકો મળ્યા હતા. આશુતોષના જૂના ફોનમાંથી, એની ઓફિસ અને ફલેટના સીસીટીવી કેમેરામાંથી જે કન્ટેન્ટ ડિલીટ થયું હતું એ પાછું મળ્યું હતું પણ એમાં એ લોકો જે શોધી રહ્યા હતા એ વિડિઓ, ફોટા કે ચેટ નહોતા. નિર્ઝર અને એની સાથે જોડાયેલી તમામ વાત, વસ્તું અને વ્યક્તિઓ સુધ્ધા જાણે એક એવું સપનું હતા જે હવે પૂરું થઈ ગયું હતું. અનન્યાએ આ બે મહિના આશુતોષને પૂરેપૂરો સાંભળ્યો હતો, સંભાળ્યો હતો. એની વાતો બાકીના બધા પોલીસવાળાને ગપ્પું કે એનું પાગલપણું લાગતી હતી. એક અનન્યા જ એવી હતી જેણે આશુતોષની દરેક વાતને હકીકત રૂપે જોવા, સમજવાની. તસ્દી લીધી હતી.
આશુતોષ! વિતેલા બે મહિનામાં એ છસ્સો વાર અનન્યાના પ્રેમમાં પડી ચૂક્યો હતો! આશુતોષે જ્યારે પહેલીવાર અનન્યાને જોઈ ત્યારે એને એમાં બે ચહેરાની ઝાંખી થઈ હતી, એક તો એના સ્કૂલ સમયની લાવણ્યા અને બીજી દોદોહી! પહેલી નજરે જ એને એવું લાગેલું જાણે એ જીવનભર જે શોધી રહ્યો હતો એ શોધ અહીંયા પૂરી થઈ. એના દિલમાં દોદોહીના ગયા બાદ જે ખાલીપો છવાયો હતો ત્યાં અનન્યાને જોતા જ એક અજાણ્યો આનંદ રેલાવા લાગ્યો હતો. આશુતોષના દિલને પ્રેમમાં પડી જવાની આદત હતી અને એ આદતે જ આજે એને પાછલા દરેક ગમમાંથી ઉગારીને ફરી બેઠો થવા તૈયાર કર્યો હતો. એ ફરી એકવાર પ્રેમમાં પડી ગયો હતો અને આ વખતે એને લાગી રહ્યું હતું કે આ જ એના જીવનનો છેલ્લો પ્રેમ છે!
અનન્યાને જીવનમાં કંઈક કરી દેખાડવું હતું. મધ્યમવર્ગમાંથી આવતી એ છોકરીના સપનામાં ખૂબ મુશ્કેલ હોય એવો એક કેસ સોલ્વ કરવાની ઇચ્છા હતી. એને લાગતું હતું કે આશુતોષ જે કહી રહ્યો છે એ સાચું હોય શકે છે. ભવિષ્યમાં માનવો સાથે ભળી જાય એવા રોબોટ્સ બનાવવાનું ચાલુ થઈ ગયું હોય અને એમાં કોઈ કંપનીને સારી એવી સફળતા મળી હોય એ એને મન અશક્ય નહતું. એ લોકો રોબોટ્સ બનાવે એ ગુનો ન હતો પણ રોબોટ્સ બનાવવા પાછળ નિર્દોષ માણસોનો ભોગ લે કે એમની ભાવનાઓ સાથે છેતરપિંડી કરે ત્યારે આ લેડી કોન્સ્ટેબલને એમને અટકાવવા જરૂરી લાગતું હતું. મહેન્દ્ર અને આ આખા કેસને લઈને આશુતોષ અને એની વચ્ચે ઘણીબધી ચર્ચા ચાલી રહી હતી. આશુતોષને સમજવાનો અને સમજાવવાનો પ્રયાસ કરતા કરતા અનન્યા એની તરફ આકર્ષાઈ હતી...બંને એકમેકના પ્રેમમાં પડ્યા હતા...ને એક શુભ દિવસે એ બંને લગ્નગ્રંથિથી જોડાઈ ગયા હતા. આશુતોષને જાણે બમ્પર લોટરી લાગી હતી. લાવણ્યા, એનો પહેલો પ્રેમ, દોદોહી એનો સૌથી સુંદર પ્રેમ, જ્યારે અનન્યા એ બંનેનું મિશ્રણ અને એનો છેલ્લો પ્રેમ બની એના જીવનમાં આવી ચઢી હતી. એ ખુશ હતો.
વરસ વીત્યા બાદ પણ એ કેસ હજી સોલ્વ નથી થયો. મહેન્દ્રને જમીન ગળી ગઈ કે આકાશમાં ઊડી ગયો? એના વિશે આજે પણ કોઈ જ જાણકારી નથી મળી. સુખી, રુચિ, ટીના, દોદોહી અને નિર્ઝર – આ બધાની યાદ હજી આશુતોષના મનમાં સંગ્રહાયેલી પડી છે. આજે પણ એ કોઈક નવી યુવતીને મળે, કોઈકના ઘરે યુવાન કામવાળી જુએ કે રસ્તામાં જતાઆવતા કોઈ સુંદર છોકરીને જુએ ત્યારે જે પહેલો વિચાર એના મનમાં એ જ આવતો હોય છે કે આ ખરેખર માણસ હશે કે કોઈ હ્યુમન રોબોટ?