વર્તમાન:
આશુતોષ આજે વહેલો ઑફિસેથી ઘરે આવી ગયો હતો. અનન્યા સાથેના લગ્નને ત્રણ વરસ થઈ ગયા હતા. એને હવે જિંદગીથી કોઈ ફરિયાદ નહતી. જે કંઈ એની પાસે હતું એમાં જ એ ખુશ હતો. પાછલું બધું જ ભૂલીને એ નવા જીવનમાં આગળ વધી ગયો હતો. એ ચાવી ભરાવી દરવાજો ખોલવા જ જતો હતો કે હાથ અડતા જ એ આપોઆપ ખુલી ગયો. એને આશ્ચર્ય થયું કે રોજ આઠ વાગ્યા પછી જ ઘરે આવતી અનન્યા આજે વહેલી આવી ગઈ હતી. એણે એને સરપ્રાઈઝ આપવા વિચાર્યું અને ધીરેથી બિલકુલ અવાજ કર્યા વગર ઘરમાં પ્રવેશ્યો...
આશુતોષ બેડરૂમનાં આડા કરેલ બારણા બહાર ઊભો રહી ગયો હતો. અંદરથી કપડાંના સળવળાટનો આછો અવાજ આવી રહ્યો હતો. એણે વિચાર્યું કે અનન્યા કપડાં બદલી રહી હશે. એણે બારણું સહેજ ઉગાડયું ને અંદર નજર કરી, અનન્યાએ એનું ટોપ ઉતારીને પલંગ પર ફેંકી દીધું હતું. પેન્ટ પરથી બેલ્ટનું બકલ ખોલ્યા બાદ એણે પેન્ટની ઝીપ અને બટન પણ ખોલી નાંખ્યા હતા અને પેન્ટને કમર પરથી નીચે સરકાવી દીધું હતું. પત્નીની પેન્ટી પર નજર જતા જ આશુતોષની નસોમાંનું લોહી ગરમ થવા લાગ્યું હતું. બેડરૂમની અંદર દોડી જઈ અનન્યાને બાહોમાં ભરી ચુંબનોથી ગૂંગળાવી નાંખવાની ઈચ્છા જોર કરી રહી હતી. એ એવું જ કરવા આગળ વધવાનો હતો કે એણે જોયું કે અનન્યાએ એની ડુંટીમાં એક વાયર ખોસી એ વાયરનો બીજો છેડો પ્લગમાં ભરાવી સ્વીચ ચાલું કરી હતી. એના આખા શરીરમાંથી એક આછો સફેદ પ્રકાશ આવી રહ્યો હતો. એની આંખો લાઇટની નાની બત્તી હોય એમ ઝગારા મારી રહી હતી.
આશુતોષ દરવાજે જ અટકી ગયો, એની આંખોએ જે જોયું એ હકીકત છે એમ માનવા એનું મન તૈયાર નહતું. ઘડીભર માટે એ સુન્ન થઈ ગયો હતો. એના શરીરમાં ઉઠેલા પ્રેમાવેગ એક ઝાટકે ઠંડો પડી ગયો હતો, કદાચ હંમેશને માટે ઠંડો પડી ગયો હતો. એને થતું કે કાશ આ એક સપનું હોય. હમણા એની આંખ ખૂલી જાય અને ભાન થાય કે આ એક બિહામણું સપનું હતું...અનન્યા? મારી અનન્યા માણસ છે એ કોઈ હ્યુમન રોબોટ ના જ હોય શકે. એણે પોતાના હાથે એક ચૂંટલી ખણી, એ સપનું નહોતું.
ધીમા પગલે ને હારેલા, ભારે, મને એ બેડરૂમના બારણેથી પાછો વળી ગયો. એનું મગજ બહેર મારી ગયું હતું. શું રિએક્ટ કરવું એ એને સમજાઈ નહોતું રહ્યું. એ બેઠકખંડમાં આવ્યો ને સોફામાં ફસાડાઈ પડ્યો. બરાબર એજ સમયે એના મોબાઈલ પર એક મેસેજ આવ્યો હતો, એણે સ્ક્રીન પર જોયું કોઈ અજાણ્યા નંબર પરથી એ મેસેજ આવ્યો હતો. એને હાલ કોઈ પણ મેસેજ જોવાની ઇચ્છા નહતી. એ કશું જ વિચારી શકે એવી હાલતમાં નહતો, ત્યાં ઓચિંતી જ એની નજર મોબાઈલની સ્ક્રીન પર ગઈ હતી. એમાં આવેલા મેસેજના નોટિફિકેશનની પહેલી લાઇન જોઈ એ જાણે સફાળો ભાનમાં આવ્યો હતો. એણે તરત જ એ મેસેજ પર ક્લિક કર્યું ને મેસેજ ખૂલ્યો,
“હાઈ આશુતોષ માય લવ, નિર્ઝર હિયર,
કેમ છે તું?
તે હાલ બેડરૂમમાં જે જોયું એને ભૂલી જજે, એમાં જ તારી ભલાઈ છે! માણસો અને માનવ-રોબોટ્સ વચ્ચેના સંબંધ કે રોબોમાનવની દુનિયા પર અસર વિષય બાબતે જો તારે ચર્ચા કરવી હોય તો તું મારી સાથે વાત કરી શકે છે. હું હંમેશા તારા માટે અહીં જ હાજર રહીશ. “
આશુતોષે આગળ કંઈ જવાબ આપ્યા વગર એનો મોબાઈલ ફૉન નીચે મૂકી દીધો.
*
આ અંત નહીં શરૂઆત છે, એક એવી દુનિયાની જ્યાં માનવ અને રોબોટ્સ વચ્ચે ભેદ કરવો મુશ્કેલ હશે! – નિર્ઝર
*
'11 ટાસ્ક્સ' મારી નવલકથા અહીં પૂરી થઈ. આપને વાંચવાની મજા આવી કે નહીં એ મને જરૂરથી જણાવશો. અહીં કોપી પેસ્ટ કરતી વખતે ફોન્ટ્સ બદલાઈ જાય છે. આ નવલકથા મેં અલગ અલગ ફોન્ટ્સ વાપરી લખી છે. નિર્ઝર અને આશુતોષ બંનેના મેસેજ જુદી જુદી રીતે, અલગ ફોન્ટ વાપરી, લખ્યા છે જેથી વાંચવાની થોડીક વધારે મજા આવે પણ અહીં એ બધું એકરસ થઈ ગયું એનો અફસોસ છે.
આ વાર્તા પુસ્તક રૂપે નવભારત સાહિત્ય મંદિર તરફથી છપાઈ ચૂકી છે. આપ હાર્ડ કોપીમાં એને વાંચવા ચાહો અગર તો કોઈને ગિફ્ટ આપવા ઈચ્છો તો નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી ખરીદી શકો છો.
આટલે સુધી વાંચ્યા બાદ નવલકથાને 5 સ્ટાર રેટિંગ ચોક્કસથી આપો એવી મારી નમ્ર વિનંતી!
હાલો, ત્યારે ફરીથી મળીશું એક નવી નવલકથા સાથે,
જય શ્રીકૃષ્ણ 🙏
- નિયતી કાપડિયા “નિર્ઝર”