Sat Samandar par bhag-11 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | સાત સમંદર પાર - ભાગ 11

Featured Books
Categories
Share

સાત સમંદર પાર - ભાગ 11

મિલાપ પ્રિયાંશીને પોતાનું મહેલ જેવું ઘર બતાવવા લાગ્યો અને એ બહાને તે તેને પોતાના રૂમમાં લઈ ગયો અને ક્યારનો અધીરો બનેલો તેણે પોતાની પ્રિયાંશીને પોતાની બાહુપાશમાં જકડી લીધી.. અને તેને કહેવા લાગ્યો કે, "તને ખબર છે આજે હું કેટલો ખુશ છું.. મને એવું લાગે છે કે જાણે મને જન્નતનું સુખ મળી ગયું... જ્યારે મેં તને પહેલી વાર જોઈ ત્યારે જ તું મારા દિલમાં વસી ગઈ હતી અને મને તારી સાથે પહેલી નજરનો પ્રેમ થઈ ગયો હતો..અને મેં ત્યારે જ નક્કી કરી લીધું હતું કે લગ્ન કરીશ તો હું તારી સાથે જ કરીશ.. અને જો આજે મારી એ ઈચ્છા પણ ભગવાને પૂરી કરી.. હું તેનો ખૂબજ આભારી છું હવે હું નિશ્ચિંતપણે યુ એસ એ જઈ શકીશ અને મારા પપ્પાની ઈચ્છા પ્રમાણે આગળનું સ્ટડી પણ પૂરું કરી શકીશ એટલે હવે તેમનાં જીવને પણ શાંતિ.. તેમનું સ્વપ્ન પણ સાકાર થશે..અને પછીથી તે પોતાની પ્રિયાંશીને ખૂબ જ ખૂબ જ વ્હાલ કરવા લાગ્યો...પ્રિયાંશી પણ હવે મિલાપના પ્રેમમાં તરબોળ થઈ ચૂકી હતી...થોડી ક્ષણો બંને એકબીજાનામાં ખોવાયેલા રહ્યા અને એટલામાં મિલાપના ફીઆએ તેને બૂમ પાડીને બહાર બોલાવ્યો...બંને જણાં જરા સ્વસ્થ થઈને રૂમની બહાર આવ્યા અને મિલાપના ફીઆએ ઘરમાં બધાનું મોં મીઠું કરાવ્યું...મિલાપને તો આખું જગ જીત્યો હોય તેટલો આનંદ થયો હતો...હવે તેને પ્રિયાંશીના મમ્મી-પપ્પાને મનાવીને તેમની "હા" પડાવવાની હતી... બીજે દિવસે રાત્રે થોડો સમય લઈને તે પ્રિયાંશીના મમ્મી-પપ્પાને મળવા માટે તેમનાં ઘરે પહોંચી ગયો. આજ્ઞાંકિત દિકરાની જેમ જઈને તુરંત જ તે પ્રિયાંશીના મમ્મી પપ્પા બંનેને પગે લાગ્યો. થોડી વાર આડી-અવળી વાતો ચાલી. મિલાપ અવઢવમાં પડેલો હતો કે વાતની શરૂઆત કઈ રીતે કરવી..તે તેનાં મમ્મી પપ્પાની વાતોમાં હા માં હા ભરતો હતો પરંતુ તેનાં મનમાં કંઈક કેટલીયે ગડમથલ ચાલતી હતી.‌.હૈયાની વાત હોઠ સુધી આવી ગઈ હતી..હવે તો મનમાં ચાલી રહેલી મૂંઝવણ બહાર નીકળવા માટે જાણે બળાપો ફૂંકી રહી હતી..પોતે પોતાની જાતે એકલો જ પોતાના લગ્નનું માંગુ લઈને આવી ગયો છે તે વાત પણ અત્યારે તેને શરમજનક લાગી રહી હતી..પરંતુ હવે સાહસ કર્યા સિવાય છૂટકો પણ નહોતો તેવું તેનું અંતર મન તેને કહી રહ્યું હતું..કઈ રીતે બોલવું..? શું બોલવું..? કંઈ જ સમજણ પડતી નહોતી કઈ રીતે વાતની શરૂઆત કરવી કંઈ જ સમજાતું નહોતું...વળી એવો ડર પણ લાગતો હતો કે પ્રિયાંશીના મમ્મી પપ્પા મારી વાતને નકારી તો નહીં કાઢે ને..? મને ઉતારી તો નહીં પાડે ને..?પછી મનમાં થયું જે હોય તે આવ્યો છું તો વાત કરીને જ જવું છે..જે થશે તે જોયું જશે.‌.અને મનમાં ને મનમાં ભગવાનનું નામ લઈને પ્રિયાંશીના પપ્પાની સામે જોઈને છેવટે તેણે બોલવાની હિંમત કરી, "અંકલ, તમે પ્રિયાંશીને આગળ ભણાવવા નથી માંગતા ?""હે ભગવાન આ શું પૂછ્યું મેં...તે મનમાં ને મનમાં બબડવા લાગ્યો અને પોતાની જાતને કોશવા લાગ્યો હવે કંઈ ન થાય બેટા, તીરમાંથી નીકળેલું બાણ અને મુખમાંથી નીકળી ગયેલા શબ્દો કદી પાછા આવતા નથી..તેને મનમાં થયું કે પ્રિયાંશીના પપ્પાને થશે કે આને પ્રયાંશીની શું પંચાત.‌‌."પોતાને પૂછવું હતું કંઈક બીજું અને ગભરામણમાં ને ગભરામણમાં પૂછી રહ્યો હતો કંઈક બીજું... પ્રિયાંશી પણ તેનો આ પ્રશ્ન સાંભળીને વિચારમાં પડી ગઈ કે આ આવું કેમ પૂછે છે...તે તો મારા મમ્મી પપ્પાની સાથે અમારા લગ્નની વાત કરવા માટે આવવાનો હતો અને મારો હાથ માંગવાનો હતો તેને બદલે આ બધું શું પૂછી રહ્યો છે.મિલાપના મનમાં ચાલી રહેલી ગડમથલથી બિલકુલ બેખબર હસમુખભાઈએ તેને શાંતિથી જવાબ આપ્યો કે, "જો બેટા, પ્રિયાંશી અમારી દીકરી નહિ પણ દિકરો જ છે. અમે તેને તેના જીવનના પોતાના નિર્ણયો લેવાની જવાબદારી તેને પોતાને જ આપી છે. તે ખૂબજ ડાહી અને હોંશિયાર છે તે જે કંઈ પણ વિચારશે કે નક્કી કરશે તે જરાપણ ખોટું કે ખરાબ નહિ જ હોય અમને તેની ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે એટલે અમે આ નિર્ણય પણ તેની ઉપર જ છોડ્યો છે..."હવે મિલાપના મનને ઘણી રાહત લાગી મનમાં જાણે તેનાથી બોલાઈ ગયું, "હાંશ" અને તે વિચારવા લાગ્યો કે હવે કોઈ પણ નિર્ણય જ્યારે પ્રિયાંશીને જ લેવાનો છે ત્યારે હું નિશ્ચિંત છું તે મારી સાથે જ લગ્ન કરશે...અને પછી તેણે બીજો પ્રશ્ન પૂછવાની હિંમત કરી કે હવે વાંધો નહિ બેટા આપણે ખુશીથી આગળ વધો...ધીમે રહીને તે બોલ્યો કે અંકલ અને આન્ટી મારે તમને એક વાત કહેવી છે..હસમુખભાઈ અને માયાબેન બંનેએ આતુરતાથી પૂછ્યું કે, "એવી શું વાત છે બેટા?"મિલાપે પહેલાં તો પોતાનું ગળું ખંખેર્યું અને વાતની શરૂઆત કરતાં કહ્યું કે, મને પ્રિયાંશી ખૂબ ગમે છે. તેને પણ હું ગમું છું અને હું તેની સાથે લગ્ન કરવા ઈચ્છું છું. જો આપની ઈચ્છા હોય તો હું મારા મમ્મી-પપ્પાને લઈને આપના ત્યાં આવી શકું છું..?"હસમુખભાઈ અને માયાબેન તો રાજીના રેડ થઈ ગયા. બંને એકબીજાની સામે જોવા લાગ્યા. એકદમથી શું જવાબ આપવો તે બંનેમાંથી કોઈને કંઈ સૂઝ્યું નહીં. પરંતુ માયાબેન થોડા વધારે ચાલાક અને હોંશિયાર હતાં તેમને મનમાં થયું કે એમ દીકરીને પૂછ્યા વગર કઈ રીતે હા પાડી દેવાય એટલે તે હળવેથી બોલ્યા કે, "સારું બેટા, હું પ્રિયાંશી સાથે વાત કરી લઈશ પછી આગળ શું કરવું તે આપણે નક્કી કરીશું." મિલાપને પણ પ્રિયાંશીની મમ્મીનો આ જવાબ એકદમ યોગ્ય લાગ્યો અને તે ફરીથી ઉભા થતાં થતાં પોતાના સંસ્કાર પ્રમાણે પ્રિયાંશીના મમ્મી પપ્પા બંનેને પગે લાગીને નીકળી ગયો.મિલાપના ગયા પછી માયાબેન અને હસમુખભાઈ બંનેએ એકબીજાની સામે જોયું અને જાણે પતિ પત્નીએ એકબીજાની સાથે મનમાં જ વાત કરી લીધી હોય કે આપણે તો સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે આવા સુખી સંપન્ન પરિવારમાંથી આપણાં ઘરે લગ્નનું માંગુ આવશે..પરંતુ પ્રિયાંશી હતી જ એટલી બધી દેખાવડી અને હોંશિયાર કે તેનાં માટે બધું જ શક્ય હતું..હસમુખભાઈ કંઈ પણ બોલે તે પહેલાં જ માયાબેન બોલી ઉઠ્યા કે, "સાંભળો છો તમે ગમે તેટલા સુખી સંપન્ન ઘરેથી માંગુ આવ્યું હોય પરંતુ આપણે એકવાર બરાબર ખાત્રી કરીને આપણી પિયુને પૂછી તો લેવું જ પડે.." માયાબેનની વાતમાં હસમુખભાઈએ પણ સંમતિ આપી...બીજી એક વાત જે દીકરીના માતા પિતા બંનેને સતાવે તેવી હતી કે પોતે કંઈ એટલાં બધાં સુખી નહોતાં કે મોટા માણસના મોભા પ્રમાણેના વ્યવહાર કરી શકે કે પોતાની દીકરીને પણ મસમોટો કરિયાવર આપી શકે... આ વિચારે હસમુખભાઈ થોડાં ઢીલાં પડી ગયા અને મોટા ઘેર દીકરી પરણાવતાં તેમને થોડો સંકોચ પણ થવા લાગ્યો... માયાબેન પણ વિચારતાં હતાં કે કાલ ઊઠીને મારી દીકરીને કોઈ કંઈ સંભળાઈ ન જાય એ પણ જોવું પડે. તેમને લાગ્યું કે એ બાબતે મિલાપ સાથે જરા પહેલાં જ વાત કરી લીધી હોત તો સારું હતું. એ દિવસે તો આખા દિવસે અને રાત્રે ઊંઘમાં પણ બંને જણાં આમ જ વિચારતાં વિચારતાં સૂઈ ગયા. બીજે દિવસે હસમુખભાઇએ છેવટે હસમુખભાઈએ મનોમન નક્કી કરી લીધું કે, દીકરી પિયુ માટે આવું રૂડું રૂપાળું માંગુ આવ્યું છે તો જતું કરવું નથી, હું ગમે ત્યાંથી ઉછીના પાછીના કરીને પણ બધા વ્યવહાર વિચાર અને દીકરીનો કરિયાવર બધું પાર પાડીશ અને દીકરીને ખુશી ખુશી વળાવીશ...અને સવાર સવારમાં ચા પીતાં પીતાં જ હસમુખભાઈએ માયાબેનને કહ્યું કે, "આજે તું પિયુને શાંતિથી પૂછી લેજે કે તેની શું ઈચ્છા છે?"માયાબેને વિચાર્યું કે પિયુ સાંજે જોબ ઉપરથી ઘરે આવશે ત્યારે જ તેને મિલાપ વિશે પૂછીશ એટલે આખો દિવસ તેને પોતાની લાઈફ માટે કેવો લાઈફ પાર્ટનર જોઈએ છે તે વિચારવાનો સમય મળે...નિત્ય ક્રમ મુજબ સાંજે ૭.૩૦ વાગ્યે પ્રિયાંશી હોસ્પિટલથી ઘરે આવી ગઈ અને નાહિ-ધોઈને તૈયાર થઈને શાંતિથી બેઠી હતી ત્યારે માયાબેને વાત કાઢી કે, "બેટા પિયુ, મિલાપ તને ગમે છે અને લગ્ન માટે તે શું વિચાર્યું છે..? તારી શું ઇચ્છા છે..? તારી ઈચ્છા છે તેની સાથે લગ્ન કરવાની..?"પ્રિયાંશી થોડી શરમાઈ ગઈ હતી..પરંતુ મમ્મી સાથે આ વિશે વાત કરવી જરૂરી હતી..તે પોતાની મોમને વળગી પડી અને તેને કહેવા લાગી કે, "પહેલાં તો મારું ચાલે તો હું લગ્ન જ ન કરું અને તને અને પપ્પાને છોડીને ક્યાંય ન જાઉં...પણ હું એવું બધું કંઈક કહીશ એટલે તું પાછું તારું જૂનું પુરાણું ભાષણ ચાલુ કરી દઈશ કે દીકરી ને તો પરણવું જ પડે અને દીકરી તો પારકા ઘરે જ શોભે અને દીકરી તો પારકી થાપણ કહેવાય.. વગેરે.. વગેરે.." અને તેણે એક ઊંડો શ્વાસ લીધો અને તે આગળ બોલી, "એટલે આપણાં હાથમાં તો હવે કંઈ છે નહીં.. પણ હા મમ્મી મારે લગ્ન માટે કોઈ ઉતાવળ નથી. મિલાપ મને ગમે છે ખૂબ ડાહ્યો અને હોંશિયાર છોકરો છે અને ભવિષ્યમાં મારી પડખે ઉભો રહે તેવો લાગણીશીલ અને સમજદાર પણ છે.. તેના મમ્મી પપ્પા પણ ખૂબ જ ખાનદાન છે. અને મહત્વની વાત એ છે કે, તે મને ખૂબ ચાહે છે એટલે મને તેની ઉપર ખૂબ વિશ્ર્વાસ છે.. પરંતુ મારે ઉતાવળથી લગ્ન નથી કરી લેવા બસ હમણાં તો મારે પ્રેક્ટિસ જ કરવી છે.." અને તેણે એક ઊંડો શ્વાસ લીધો...વધુ આગળના ભાગમાં.‌‌..~ જસ્મીના શાહ 'સુમન'    દહેગામ    14/7/26