Andherpue - the mestrious village in Gujarati Horror Stories by Nayana Viradiya books and stories PDF | અંધેરપુર - એક રહસ્યમય ગામ - ભાગ 3

Featured Books
Categories
Share

અંધેરપુર - એક રહસ્યમય ગામ - ભાગ 3

કાળવક્ર મંદિરના દ્વાર પર ઊભો હતો.
તેના દરેક પગલાં સાથે ધરતી ધ્રૂજતી હતી. આકાશમાં વીજળીઓ ગર્જતી હતી અને અંધેરપુરની સીમાઓ તૂટવા લાગી હતી.
પવન, છાયારાજ અને ઋષિ અનંત તેની સામે ઊભા રહ્યા.
કાળવક્ર હસ્યો.
"તમે ત્રણેય ભેગા થઈ જાઓ તો પણ મને હરાવી શકતા નથી."
એટલું કહી તેણે પોતાના હાથમાંથી કાળા અગ્નિનો પ્રચંડ ગોળો છોડ્યો.
પવને અગ્નિમણિની શક્તિથી તેને અટકાવ્યો.
છાયારાજે પોતાના અંધકારથી એ શક્તિને બંધનમાં લીધી.
અને ઋષિ અનંતે મંત્રોચ્ચાર કરીને પ્રકાશનો એક વિશાળ સ્તંભ ઊભો કર્યો.
ત્રણે શક્તિઓ પહેલી વાર એક થઈ.
એક ભયંકર વિસ્ફોટ થયો.
ધૂળ શમી ત્યારે...
કાળવક્રને પહેલી વાર ઘા લાગ્યો હતો.
તે ગુસ્સાથી ગર્જી ઊઠ્યો.
"તો હવે મારી સાચી શક્તિ જુઓ!"
તેનું શરીર ધીમે ધીમે પર્વત જેટલું વિશાળ બનવા લાગ્યું.
તેની આંખોમાંથી કાળા વંટોળ નીકળવા લાગ્યા.
ઋષિ અનંતનો ચહેરો ગંભીર થઈ ગયો.
"પવન... હવે માત્ર એક જ રસ્તો બચ્યો છે."
"કયો રસ્તો?" પવને પૂછ્યું.
ઋષિ અનંતે જવાબ આપ્યો,
"સંતુલન શક્તિને સંપૂર્ણ જાગૃત કરવા માટે એક દિવ્ય આત્માનું બલિદાન આપવું પડશે."
પવન તરત જ બોલ્યો,
"તો મારો જીવ લઈ લો."
છાયારાજે તેનો હાથ પકડી લીધો.
"ના."
તે હસ્યો.
"આ ભૂલ મેં સદીઓ પહેલાં કરી હતી. હવે તેને સુધારવાનો સમય મારો છે."
ઋષિ અનંત કંઈ બોલે એ પહેલાં જ...
છાયારાજ આગળ વધ્યો.
તેણે પોતાની બંને હથેળીઓ આકાશ તરફ ઊંચી કરી.
તેના શરીરમાંથી કાળો પ્રકાશ બહાર નીકળીને ધીમે ધીમે સોનેરી પ્રકાશમાં બદલાવા લાગ્યો.
સદીઓનો અંધકાર ઓગળવા લાગ્યો.
છાયારાજે પવન તરફ જોઈને છેલ્લે કહ્યું
"યાદ રાખજે... પ્રકાશ અને અંધકાર ક્યારેય શત્રુ નહોતા. અસંતુલન જ સૌથી મોટો શત્રુ છે."
આ શબ્દો સાથે જ તે પ્રકાશમાં વિલીન થઈ ગયો.
તેની શક્તિ સીધી પવનના હૃદયમાં સમાઈ ગઈ.
પવનના કપાળ પર એક નવું તેજસ્વી ચિહ્ન પ્રગટ થયું.
કાળવક્ર પહેલી વાર ગભરાઈ ગયો.
"અશક્ય...!"
પવને આંખો ખોલી.
તેની આંખોમાં હવે સૂર્ય અને ચંદ્ર બંનેનું તેજ ઝળહળી રહ્યું હતું.
અંતિમ યુદ્ધની છેલ્લી ક્ષણ શરૂ થઈ ગઈ હતી.
પવન ધીમે ધીમે કાળવક્ર તરફ આગળ વધ્યો.
તેના દરેક પગલાં સાથે ધરતી પર સુકાઈ ગયેલા ફૂલો ફરી ખીલવા લાગ્યા. કાળા વાદળો પાછળ ખસવા લાગ્યા.
કાળવક્ર ગર્જ્યો.
"તું મને હરાવી નહીં શકે! હું ડર, લોભ અને અહંકારમાંથી જન્મ્યો છું. જ્યાં સુધી મનુષ્યમાં આ ત્રણ રહેશે, ત્યાં સુધી હું જીવતો રહીશ."
પવને તલવાર નીચે મૂકી દીધી.
ઋષિ અનંત આશ્ચર્યમાં પડી ગયા.
"પવન! શું કરે છે?"
પવને શાંતિથી કહ્યું,
"તલવારથી અંધકારને હરાવી શકાય... પરંતુ અંધકારને જન્મ આપતી ભાવનાઓને નહીં."
તેણે આંખો બંધ કરી.
છાયારાજનું બલિદાન, દાદા વીરપ્રતાપની શીખ, માતા-પિતાનો પ્રેમ અને ઋષિ અનંતનું જ્ઞાન..
આ બધું એક શક્તિ બનીને તેના હૃદયમાં પ્રગટ થયું.
તેમાંથી પ્રકાશનું એક વર્તુળ નીકળ્યું.
પણ એ પ્રકાશ કાળવક્ર પર હુમલો કરતું નહોતું 
...
તે તેના હૃદયને સ્પર્શતો હતો.
કાળવક્રની ગર્જના ધીમે ધીમે શાંત થઈ ગઈ.
તેનું વિશાળ શરીર તૂટવા લાગ્યું.
તેની આંખોમાં પહેલી વાર ક્રોધ નહીં...
પણ પસ્તાવો દેખાયો.
"હું... હું પણ ક્યારેય પ્રકાશનો જ એક અંશ હતો..."
એટલું બોલીને કાળવક્ર પ્રકાશમાં વિલીન થઈ ગયો.
આકાશ સ્વચ્છ થઈ ગયું.
અંધેરપુર પર વર્ષો પછી પ્રથમ વખત સૂર્યનો સંપૂર્ણ પ્રકાશ પડ્યો.
ગામના લોકો બહાર નીકળ્યા.
વટવૃક્ષની નીચેનું ભોંયરું હંમેશ માટે બંધ થઈ ગયું.
પથ્થરની મૂર્તિઓ જીવંત મનુષ્યોમાં બદલાઈ ગઈ અને ગામ શાપમાંથી મુક્ત થઈ ગયું.
ઋષિ અનંત પવન પાસે આવ્યા.
"હવે તું દુનિયાને આ ગામનું રહસ્ય કહી શકે છે."
પવને થોડીવાર  મૌન રહીને ઉત્તર આપ્યો.
"ના."
"કેમ?" ઋષિએ પૂછ્યું.
પવન સ્મિત કરીને બોલ્યો,
"કેટલાક રહસ્યો દુનિયાથી છુપાવવા માટે નથી હોતા...
પણ દુનિયાને બચાવવા માટે હોય છે."
તે દિવસે અંધેરપુર નકશામાંથી ગાયબ થઈ ગયું.
જાણે એ ગામ ક્યારેય અસ્તિત્વમાં જ ન હતું.
વર્ષો પછી, કેટલાક મુસાફરો જંગલમાં ભટકતા ભટકતા એક જૂનું વટવૃક્ષ જોઈને કહેતા
"અહીં કોઈ ગામ હતું એવું લાગે છે..."
પણ તેમને ક્યારેય કોઈ પુરાવો મળતો નહીં.
માત્ર પવનમાં ક્યારેક એક અવાજ સંભળાતો
"રહસ્યોનો અંત નથી હોતો... તેઓ માત્ર નવા રક્ષકની રાહ જોતા હોય છે."
અંતિમ યુદ્ધને દસ વર્ષ વીતી ગયા હતા.
દુનિયા માટે અંધેરપુર માત્ર એક લોકકથા બની ગયું હતું.
પરંતુ એક રાત્રે, ભારતના જુદા જુદા શહેરોમાં એક જ ઘટના બની.
બરાબર મધરાત્રે 12:12 વાગ્યે કેટલાક લોકોના મોબાઇલમાં એક અજાણ્યો સંદેશ આવ્યો.
"અંધેરપુર પાછું આવી ગયું છે."
સંદેશ મોકલનારનું નામ નહોતું.
સરનામું નહોતું.
માત્ર એક જ કોરડિનેશન હતા.
જે કોઈએ એ  શોધ્યા...
તેમને નકશામાં માત્ર ઘનઘોર જંગલ દેખાતું હતું.
અમદાવાદમાં રહેતી અનાયા, એક યુવા પુરાતત્વવિદ્, આ રહસ્યથી ખૂબ આકર્ષાઈ.
તે વર્ષોથી ગાયબ થયેલી સંસ્કૃતિઓ પર સંશોધન કરતી હતી.
જ્યારે તેણે સ્થાનાંક પર જવાનું નક્કી કર્યું, ત્યારે તેના ગુરુએ તેને રોકવાનો પ્રયાસ કર્યો.
"અનાયા, ત્યાં જઈશ નહીં."
"શા માટે?" અનાયાએ પૂછ્યું.
ગુરુએ એક જૂનો ફોટોગ્રાફ તેના હાથમાં આપ્યો.
ફોટો લગભગ પચાસ વર્ષ જૂનો હતો.
ફોટામાં એક જંગલ દેખાતો હતો...
અને પાછળ એક ગામ.
ફોટાના પાછળના ભાગમાં માત્ર એક જ વાક્ય લખેલું હતું
"જે અંધારવાસને શોધે છે... અંધારવાસ તેને શોધી લે છે."
તેમ છતાં અનાયા નીકળી પડી.
ત્રણ દિવસની મુસાફરી પછી તે જંગલમાં પહોંચી.
સાંજ પડતાં અચાનક જંગલમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું.
તેનો કંપાસ ફરવા લાગ્યો.
મોબાઇલ બંધ થઈ ગયો.
અને થોડા જ પળોમાં...
ધુમ્મસની વચ્ચેથી એક પથ્થરનું સ્વાગતદ્વાર દેખાયું.
તેના પર સોનાના અક્ષરોમાં લખેલું હતું—
"અંધારવાસમાં તમારું ફરી સ્વાગત છે."
અનાયાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું.
"ફરી?"
"પણ હું તો અહીં પહેલી વાર આવી છું..."
એટલામાં પાછળથી એક ગંભીર અવાજ આવ્યો.
"ના... તું પહેલી વાર નથી આવી."
અનાયાએ ધીમે ધીમે પાછળ જોયું.
ત્યાં એક વૃદ્ધ ઊભા હતા.
તેમની આંખોમાં અજોડ શાંતિ હતી.
અને ગળામાં...
એ જ ચાંદીનું લોકેટ હતું, જે વર્ષો પહેલાં પવન પહેરતો હતો.
વૃદ્ધ સ્મિત કરીને બોલ્યા—
"સ્વાગત છે... દીકરી."
"હું પવન છું.
"તમે... પવન ?"
તેની સામે ઊભેલો માણસ લગભગ સિત્તેર વર્ષનો લાગતો હતો.
પણ અંતિમ યુદ્ધને તો માત્ર દસ વર્ષ જ થયા હતા.
"આ કેવી રીતે શક્ય છે?" અનાયાએ પૂછ્યું.
પવન હળવું સ્મિત કરીને બોલ્યો,
"અંધેરપુરમાં સમય દુનિયા જેવો નથી વહેતો. અહીં દસ વર્ષ બહારના હોય... તો અંદર પચાસ વર્ષ પણ વીતી શકે."
અનાયા કંઈ સમજે તે પહેલાં જ આખા ગામમાં ઘંટનો અવાજ ગુંજી ઊઠ્યો.
ઠણ... ઠણ... ઠણ...
પવનનો ચહેરો ગંભીર બની ગયો.
"એ આવી ગયા..."
"કોણ?"
"જેને અમે વર્ષો પહેલાં બંધ કર્યા હતા."
અચાનક ગામના બધા લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડવા લાગ્યા.
બાળકો રડવા લાગ્યા.
આકાશ કાળું થઈ ગયું.
વટવૃક્ષના મૂળ ફરી એકવાર ધ્રૂજવા લાગ્યા.
જે ભોંયરું હંમેશ માટે બંધ થઈ ગયું હતું...
તે ફરી ખુલવા લાગ્યું.
અંદરથી કાળો ધુમાડો નહીં...
પણ હજારો ધીમા અવાજો સંભળાવા લાગ્યા.
"અમને મુક્ત કરો..."
"અમને પાછા આવવા દો..."
અનાયા ધીમે ધીમે ભોંયરાની નજીક ગઈ.
તે અંદર જોવા ઝૂકી...
અને ચીસ પાડી.
ભોંયરામાં હજારો કાચના અરીસા હતા.
દરેક અરીસામાં એક અલગ માણસ દેખાતો હતો.
પણ એક અરીસામાં...
અનાયા પોતે જ દેખાતી હતી.
ફરક માત્ર એટલો હતો કે...
અરીસામાં દેખાતી અનાયાની આંખો સંપૂર્ણ કાળી હતી.
તે સ્મિત કરીને બોલી—
"હું તારી રાહ જ જોઈ રહી હતી."
એટલું કહી અરીસામાં રહેલી અનાયાએ પોતાનો હાથ બહાર કાઢ્યો...
અને કાચની દીવાલને પાર કરીને સાચી દુનિયામાં પ્રવેશી ગઈ.
હવે...
એક નહીં...
બે અનાયા સામસામે ઊભી હતી.
અને સાચી અનાયા કોણ હતી...
એ વાત પવનપણ ઓળખી શક્યો નહીં.