The ghost of WiFi in Gujarati Comedy stories by Jiya books and stories PDF | વાઈફાઈ નું ભૂત

The Author
Featured Books
Categories
Share

વાઈફાઈ નું ભૂત

ગોકુળધામ જેવી અમારી "મોગરા એપાર્ટમેન્ટ" માં દર મહિને કંઈક ને કંઈક તોફાન થાય જ. ક્યારેક પાણી, ક્યારેક લાઈટ, અને આ મહિને તો હદ જ થઈ ગઈ.

આ મહિને તોફાનનું નામ હતું - _વાઈફાઈ_.

થયું એવું કે સોસાયટીના સેક્રેટરી બાબુભાઈએ મિટિંગમાં જાહેરાત કરી કે "મિત્રો, હવે આપણે બધા ભેગા થઈને એક જ વાઈફાઈ કનેક્શન લઈશું. 500 રૂપિયા મહિને, સ્પીડ 200 MBPS. દરેકને ફાયદો અને બિલ પણ અડધું."

આ સાંભળીને બધા પહેલા તો રાજી થઈ ગયા. પણ પછી સૌથી મોટો સવાલ આવ્યો - રાઉટર કોના ઘરે મૂકવું?

_પહેલો દાવેદાર: કાકા_ 
કાકા તરત ઉભા થયા અને બોલ્યા "મારા ઘરે મૂકો. હું સવારે 4 વાગ્યે ઉઠી જાઉં છું. પૂજા-પાઠ કરું એટલે નેટ પણ પવિત્ર અને ફાસ્ટ રહે. કોઈ તોફાન નહીં કરે."
બધા ખડખડાટ હસી પડ્યા.

_બીજો દાવેદાર: છોટુ_ 
ધોરણ 10 માં ભણતો છોટુ પણ ઉભો થયો. બોલ્યો "અંકલ પ્લીઝ મારા ઘરે મૂકો. મારે રોજ ઓનલાઈન ક્લાસ છે. મારું આખું ફ્યુચર એમાં જ છે."
બાબુભાઈએ ચશ્મા ઠીક કરતા કહ્યું "બેટા તારું ફ્યુચર PUBG અને Free Fire માં છે એ આખી સોસાયટીને ખબર છે."

આખરે 1 કલાકની ચર્ચા પછી નક્કી થયું કે રાઉટર બાબુભાઈના ઘરે જ રહેશે. કારણ કે સેક્રેટરી પાસે જ બધાની ચાવી હોય.

બીજા દિવસથી જ ધમાલ શરૂ થઈ ગઈ. 
રાતે બરાબર 12 વાગ્યે કાકાનો ફોન આવ્યો. "બાબુભાઈ, નેટ કેમ નથી આવતું? મારે ભજન અને પ્રવચન ડાઉનલોડ કરવાના છે."
બાબુભાઈ અડધી ઊંઘમાં બોલ્યા "કાકા, હમણાં સુઈ જાઓ. સવારે કરી લેજો."

સવારે 7 વાગ્યે છોટુનો મેસેજ. "અંકલ મારો 7 વાગ્યાનો મેથ્સનો ક્લાસ મિસ થઈ ગયો. તમે રાઉટર બંધ કરી દીધું?"7
બાબુભાઈએ જવાબ આપ્યો "હા બેટા, હું તો રાતે 10 વાગ્યે જ બંધ કરી દઉં છું. નહીંતર બિલ બહુ વધી જાય."

ત્રીજા દિવસે તો હદ જ થઈ ગઈ. આખી સોસાયટીનું નેટ એકદમ ગાયબ. 
ગભરાઈને બધા બાબુભાઈના ઘરે દોડ્યા. દરવાજો ખોલ્યો તો જોતા જ રહી ગયા. રાઉટરની બાજુમાં બાબુભાઈની પત્ની બેન બેઠા હતા અને રાઉટર ઉપર રૂમાલ સુકવતા હતા.

બધા પૂછે "બેન આ શું કરો છો?"
બેન શાંતિથી બોલ્યા "આ મશીનમાંથી બહુ ગરમી નીકળે છે ને. એટલે મેં વિચાર્યું કે રૂમાલ સુકવી દઉં. વીજળી પણ બચે."

બાબુભાઈનું બીપી એકદમ વધી ગયું. એટલામાં છોટુ બોલ્યો "અંકલ એક મિનિટ. તમારા વાઈફાઈનું નામ 'Mogri@123' છે ને? મારા પાડોશી કાકાએ એવું જ નામ 'Mogri@123_2' રાખીને આપણું નેટ ફ્રી માં ચલાવે છે."

બધા ચોંકી ગયા. એટલા માટે સ્પીડ કાચબા જેવી હતી!

હવે શું કરવું? તરત જ બાબુભાઈએ ઈમરજન્સી મિટિંગ બોલાવી. 3 કડક નિર્ણય લેવાયા.
1. રાઉટર હવે સીડીના લોકરમાં રહેશે. ચાવી ફક્ત બાબુભાઈ પાસે.
2. Password દર 3 દિવસે બદલાશે. અને નવો Password ફક્ત બાબુભાઈ જ આપશે.
3. રાતે 11 થી સવારે 6 સુધી નેટ બંધ રહેશે. નીતિનું નામ "સૂતો તો સુખી".

બીજા દિવસે સવારે સૌથી મોટો ઝટકો. લોકરનું તાળું તૂટેલું હતું અને રાઉટર ગાયબ. 
બધા ગભરાઈ ગયા. હવે પોલીસને બોલાવવી પડશે એવું લાગ્યું.

એટલામાં કાકા એન્ટ્રી મારી. હાથમાં રાઉટર લઈને. બોલ્યા "ગભરાઓ મા. મેં રાતે 3 વાગ્યે જોયું કે એક બિલાડી લોકર ખોલીને રાઉટર સાથે રમતી હતી. મેં બચાવી લીધું. હવે એ મારા ઘરે એકદમ સુરક્ષિત છે."

બાબુભાઈ ગુસ્સામાં બરાડ્યા "કાકા એ બિલાડી નહીં, છોટુ હતો માસ્ક અને મોજા પહેરીને!"

અવાજ સાંભળીને છોટુ બાબુભાઈના ઘરની ખુરશી નીચેથી બહાર નીકળ્યો અને બોલ્યો "સોરી અંકલ" 😂

છેલ્લે થાકીને બધાએ નિર્ણય લીધો કે ભેગું વાઈફાઈ નહીં ચલાવવું. દરેક ઘરે પોતાનું અલગ-અલગ વાઈફાઈ.

આજે પણ મોગરા એપાર્ટમેન્ટમાં 10 જુદા-જુદા વાઈફાઈ ચાલે છે. પણ મજાની વાત એ છે કે બધા Password ફક્ત એક જણને ખબર છે - છોટુને. કારણ કે હોશિયાર છોકરાએ બધાના ફોનમાંથી Password Save કરી લીધા છે.

_નીતિ:_ "આ દુનિયામાં મફતનું નેટ અને સગા સંબંધ, બંનેમાં Password વારંવાર બદલતા રહો તો જ સુખી રહેવાય."

_સમાપ્ત_