મારા ન કહેવા પહેલા તો તમે પપ્પાને પૈસા આપી દીધા હતા. મારે તમને કહેવું જ ન હતું કે પપ્પા પૈસા માગે છે. પરંતુ પપ્પાએ તમને સીધી વાત કરી અને તમે પૈસા આપી દીધા. મને ગમ્યું તો ખરું કે તમે પપ્પાને પૈસા આપ્યા. પણ મને શંકા હતી કે એ પૈસા પાછા આવશે કે નહીં ? આમ તો પપ્પા પાસે જમીન વેચેલી એના પૈસા હોવા જોઈતા હતા એમને કેમ પૈસા માગવાની જરૂર પડી એ મને સમજાતું ન હતું. ત્યારે કંઈ મોબાઈલ ફોનનો જમાનો ન હતો કે હું પપ્પા ને સીધી ફોન કરીને પૂછી લઉં. ને જ્યારે પણ પપ્પા ના ઘરે જાઉં ત્યારે ઘરમાં બધા હાજર હોય એટલે હું પપ્પાને કંઈ પૂછી પણ નહોતી શકતી. મને કોલેજની નોકરી મળ્યાને બે વર્ષ થયા હતા હવે મને કોલેજમાં કન્ફર્મ કરી દેશે એવું કહ્યું હતું. પણ જ્યારે મેં ઓફિસમાં વાત કરી ત્યારે મને કહેવામાં આવ્યું કે હવે નિયમ બદલાય ગયા છે હવે ત્રણ વર્ષ પછી કન્ફર્મ કરશે. એટલે મારે સારો પગાર મેળવવા માટે હજી એક વર્ષ રાહ જોવાની હતી. મને થોડું દુઃખ થયું પણ પછી પોતાની જાતને જાતે જ સમજાવી દીધું કે કંઈ વાંધો નહીં હું અત્યારે જે મહેનત કરું છું એનાથી જરૂરિયાતો પૂરી તો થાય છે ને. કોઈ કામ અટકતું નથી. હા, એટલું છે કે મારી પાસે નવરાશની એક પણ પળ મળતી ન હતી. વળી, શાળા શરૂ થતા એક નવું ટેન્શન આવી ગયું. પહેલાં દિકરાના ટયુશનનો સમય બપોરે શાળા છૂટ્યા પછીનો હતો. પણ હવે, એમણે સાંજનો સમય કરી દીધો. એનું છૂટવાનું રાતે થયું પણ જવા માટેની મુશ્કેલી ઊભી થઈ. કારણ કે એ બાર વાગ્યે છૂટી જાય અને ટ્યુશનનો સમય સાંજે છ થી નવનો થઈ ગયો. એટલે એને ડે કેરમાં પણ ન મુકાય નહીંતર એ તો સવારનો નીકળે તે સીધો રાતે જ ઘરે આવે. એટલે ફરી પાછું વિચારવાનું થયું કે હવે શું કરવું? શાળા એ આવવા જવા માટે તો એને દિકરીની જે વાન હતી એમાં ગોઠવી દેવાય પણ પછી ઘરેથી ટયુશન જવા માટે એણે ફરી પહેલાની જેમ બસ સ્ટોપ સુધી આવવું પડે અને બસ મળે તો એમાં બેસીને એ ટ્યુશન જઈ શકે. પણ અત્યારે વાત એ હતી કે પહેલાં તો હું એની સાથે જતી હતી હવે એણે એકલાએ જવું પડે. એને પૂછ્યું કે શું તે જઈ શકશે ? આમ પણ તમે કહ્યું કે તમે ઘરે હશો ત્યારે તો તમે જ એને ટ્યુશને લઈ જશો એટલે તમે જ્યારે ઘરે ન હોવ ત્યાર પૂરતું જ આ ટેન્શન હતું. અઠવાડિયાના બે કે ત્રણ દિવસ. એણે હા પાડી કે હું કરી લઈશ. આમ, ફરી દોડધામના દિવસ શરૂ થયા. તમે જ્યારે ઘરે હોવ ત્યારે તમે એને ટ્યુશન લઈ જતાં અને નવ વાગ્યે જ્યારે એ છૂટે ત્યારે એને લઇને આવતા જેથી પેટ્રોલનો ખર્ચો વધી ન જાય. તમે ન હોવ ત્યારે હું સાંજે ઘરે ટયુશન પતાવીને એને લેવા જતી. ત્યારે રાતે નવ વાગ્યે ગામથી નીકળવું અને આવવું એ બંને અઘરું હતું. પણ હિંમત રાખીને એ દિવસો પસાર કર્યા. કોઈ વખત મમ્મી પપ્પાના ઘરે જતી તો મમ્મી કહેતી કે પૈસા પતી ગયા. ભાઈ કંઈ કરતો નથી. દુકાનમાં પણ બરાબર ધ્યાન ન આપે. પપ્પા ને એમ જ કહે કે તમે બધું મારા નામ પર કરી દો. અને રોજ લડાઈ કરતો. મને એમ થયું કે ભાઈ શું કામ આવું કરતો હશે ? પપ્પા ન હોય ત્યારે બધું જ તો એનું છે પછી કેમ આવી અધીરાઈ કરતો હશે. મારાથી બેનને પણ વાત ન કરાય. એ તો તરત જ લડાઈ ઝઘડો ઊભો કરી દે. અને વળી, મમ્મી પણ ના પાડે કે બેનને ન કહેતી. ને હું માની લેતી. મેં મમ્મીને કહ્યું પણ હતું કે આ બધું ક્યાં સુધી ચાલશે ? તો મમ્મી કહેતી ખબર નહીં.