નમસ્તે મિત્રો આજે એક એવી હકીકત તમારી સામે લઈને આવ્યો છું...જે ભવિષ્યમાં થવા વાળી વેદના શાયદ હતી ...કે કોઈ પુનઃ જન્મ નો અધૂરો સફર કે પછી ખાલી ભ્રમ .... તમે જ નક્કી કરો..
( સોલંકી મનોજભાઈ )
(8401523670)
યુદ્ધ ગમે ત્યાં હોય—દેશની સરહદો પર કે ઘરના ચાર ખૂણા વચ્ચે—ત્યાં સુધી જીત અસંભવ છે જ્યાં સુધી અંદરનો 'ગદ્દાર ન પકડાય
આશુ અને મનુની જિંદગીનું આ પ્રકરણ એવા વળાંક પર છે જ્યાં પ્રેમ માત્ર લાગણી નથી, પણ એક એવી કઠિન પરીક્ષા બની જાય છે જેમાં પોતાના જ પડછાયા સામે લડવું પડે છે.
ગામમાં ડૉક્ટર તરીકે સેવા આપતી આશુ અને તેની જિંદગીનો પાયો બનેલો મનુ—બંને વચ્ચે હવે શબ્દો ઓછા અને ગેરસમજોનું ધુમ્મસ વધારે રહેવા લાગ્યું હતું. એક જ છત નીચે રહેવા છતાં બંને વચ્ચે જાણે અઘોષિત યુદ્ધ છેડાઈ ગયું હતું. આશુને થતું કે મનુ તેની સવાલોથી ભરેલી દિનચર્યા અને જવાબદારીઓને સમજી નથી શકતો, જ્યારે મનુના મનમાં એ વાતનું દર્દ હતું કે આશુ હવે તેની સાથે પેલી જૂની મુસાફરી જેવી હૂંફ નથી વહેંચતી.
એક સાંજે વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો અને ઘરની લાઈટ જતી રહી હતી. અંધારામાં બંને સામસામે બેઠા હતા, પણ બંને વચ્ચેનું અંતર અંધારા કરતાં પણ ઘાટું હતું.
આશુએ ધીમા પણ ભારે અવાજે વાત શરૂ કરી, "મનુ, આપણે સમાજ સામે લડી લીધું, ગામના વિરોધ સામે લડી લીધા, પણ આ ઘરની ચાર દીવાલોની અંદર આપણે રોજેરોજ કેમ હારી જઈએ છીએ? કોણ છે જે આપણને જીતવા નથી દેતું?"
મનુએ દીવાડિયાના અંજવાળામાં આશુના ચહેરા સામે જોયું. તેને અચાનક એ જૂની વાત યાદ આવી ગઈ—યુદ્ધ ગમે ત્યાં હોય, સરહદ પર કે ઘરના ખૂણે, ત્યાં સુધી જીત અસંભવ છે જ્યાં સુધી અંદરનો ગદ્દાર ન પકડાય.
મનુએ હસીને ભારે હૈયે કહ્યું, "આશુ, આપણે બાહ્ય દુશ્મનોને તો ક્યારેય જીતવા ન દીધા, પણ આપણા સંબંધોનો અસલી 'ગદ્દાર' તો આપણો પોતાનો 'અહંકાર' છે. જ્યારે પણ કોઈ વાત થાય છે, ત્યારે તું કે હું સાચા સાબિત થવા મથીએ છીએ, જીતવા માટે લડીએ છીએ... અને આ ચક્કરમાં આપણો પ્રેમ દરરોજ હારી જાય છે."
આશુ સ્તબ્ધ થઈ ગઈ. તેના મનમાં બેઠેલી જીદ અને રોષ ઓગળવા લાગ્યા. તેણે સમજાયું કે જે શત્રુને તેઓ બહાર શોધી રહ્યા હતા, તે તો તેમના જ મનમાં અહંકાર અને શંકાનું રૂપ લઈને બેઠો હતો.
બંનેએ પોતાના મનના એ ગદ્દાર એટલે કે અહંકારને જાહેરમાં સ્વીકારીને પોતાનાથી અલગ કરી દીધો. એ રાત્રે કોઈ જીત કે હાર નહોતી રહી, માત્ર એકબીજા માટેનો સમર્પિત સ્વીકાર હતો. જ્યારે અંદરનો શત્રુ પકડાઈને બહાર ફેંકાઈ ગયો, ત્યારે હારનો સિલસિલો હંમેશ માટે થંભી ગયો અને સાચા પ્રેમનો વિજય થયો.
.
વરસાદની એ રાત્રે આશુ અને મનુ વચ્ચેનો અંદરનો 'ગદ્દાર' એટલે કે અહંકાર અને શંકા ભલે ખુલ્લા પડી ગયા હતા, પણ સવારનો સુરજ કંઈક નવું જ તોફાન લઈને ઉગ્યો.
ગામની હોસ્પિટલમાંથી આશુ પર એક અર્જન્ટ ફોન આવ્યો. ગામમાં કોઈ મોટી દુર્ઘટના ઘટી હતી અને ડૉક્ટર તરીકે આશુનું તાત્કાલિક પહોંચવું જરૂરી હતું. મનુએ જ્યારે તેને જવાની ઉતાવળ કરતા જોઈ, ત્યારે તેના મનમાં જૂની શંકાનો કીડો ફરી સળવળ્યો—શું આશુ ખરેખર હોસ્પિટલના કામથી જાય છે, કે પછી મારી સાથે રહેવાથી બચવાનો આ તેનો નવો રસ્તો છે?
આશુએ ઘરના ઉંબરે ઊભા રહીને મનુની આંખોમાં જોયું. તે મનુના મનમાં ચાલી રહેલા એ અદ્રશ્ય તોફાનને પારખી શકી. અંદરનો ગદ્દાર ભલે રાત્રે પકડાયો હોવાનું લાગતું હતું, પણ તેના મૂળ એટલાં ઊંડા હતા કે તે આટલી સહેલાઈથી મરવાનો નહોતો.
"તું હજુ પણ મારા પર શંકા કરે છે, મનુ?" આશુનો અવાજ ધ્રૂજ્યો, છતાં તેણે દરવાજો ખોલીને બહાર પગ મૂક્યો.
મનુએ તેને રોકવા માટે હાથ લંબાવ્યો, પણ તેનો જ અહંકાર ફરી વચ્ચે આવી ગયો. આશુ વરસાદમાં પલળતી ગામના રસ્તા તરફ નીકળી ગઈ, અને પાછળ મનુ ઘરના ખાલી ખૂણામાં એ જ સવાલ સાથે એકલો રહી ગયો—જે યુદ્ધ જીતી લીધાનું લાગતું હતું, તે ખરેખર જીત હતી કે પછી હારની શરૂઆત?
જુઓ આગળ શું થયું...
બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને હોસ્પિટલના અર્જન્ટ કેસમાં ગયેલી આશુ મોડી રાત સુધી પાછી નહોતી ફરી. મનુ ઘરના અંધારા ખૂણામાં એકલો બેઠો બેઠો વિચારોના ભંવરમાં ડૂબેલો હતો. ગઈ રાત્રે જે અહંકારને તેમણે ઘરની બહાર કાઢ્યાની ખુશી મનાવી હતી, તે અહંકાર અને શંકા આજે વધારે મજબૂત થઈને પાછા ફર્યા હતા. મનુના મનમાં સતત એક જ વાત ખૂંચતી હતી કે આશુ ખરેખર દર્દીઓની સેવા માટે ગઈ હતી કે પછી તેની સાથે રહેવું તેને હવે બોજરૂપ લાગવા માંડ્યું છે?
બીજી તરફ, હોસ્પિટલની ભાગદોડ અને ગંભીર દર્દીઓની વચ્ચે આશુ પણ તૂટી ગઈ હતી. એક ડૉક્ટર તરીકે તેણે અનેક જીવ બચાવ્યા હતા, પણ પોતાના ઘરના વેરવિખેર સંબંધોની સારવાર કરવામાં તે લાચાર હતી. એ જ સમયે, હોસ્પિટલના રેસ્ટ રૂમમાં બેઠેલી આશુને ભૂતકાળનું એક સત્ય યાદ આવ્યું—મનુ અને તેને બંનેને એવા લોકો જ જરાય નહોતા ગમતા જે મોઢા પર કઈક અને પીઠ પાછળ કઈક રાખીને જૂઠું બોલતા હોય. તેઓ હંમેશાં સ્પષ્ટ અને પારદર્શક સંબંધોના હિમાયતી રહ્યા હતા.
પરંતુ, આજે તેમની હાલત એવી થઈ ગઈ હતી કે બંને એકબીજા સામે સાચા દેખાવા માટે, પોતાના મનની કડવાશ છુપાવવા માટે અને સંબંધોના નાટકને ટકાવી રાખવા માટે અસંખ્ય નાના-મોટા જૂઠ બોલી રહ્યા હતા. મનુ મનોમન શંકા કરતો પણ આશુને હસમુખા ચહેરા સાથે 'બધું ઠીક છે' કહેતો, અને આશુ અંદરથી થાકી ગયા છતાં મનુને ખુશ રાખવા માટે નકલી મુસ્કાન પહેરી લેતી. તેઓ બંને જેને સૌથી વધુ નફરત કરતા હતા—એટલે કે 'જૂઠ' અને 'ઢોંગ'—આજે પોતાના જ પ્રેમની રક્ષા કરવા માટે એ જ જૂઠનો સહારો લઈ રહ્યા હતા.
સવારના પાંચ વાગ્યાની આસપાસ આશુ થાકેલા ચહેરે ઘરમાં દાખલ થઈ. ઘરના ઉંબરે ઊભેલા મનુએ તેને જોતા જ પૂછ્યું, "આટલી વાર કેમ થઈ, આશુ? સાચે જ દર્દીઓ વધારે હતા, કે પછી તારે મારી સાથે આ ઘરમાં એક ક્ષણ પણ વધુ નથી વિતાવવી?"
આશુએ આજે ગુસ્સે થવાને બદલે એક ઊંડો શ્વાસ લીધો. તેની આંખોમાં આંસુ હતા પણ હોઠ પર એક અજબની સચ્ચાઈ હતી. તેણે મનુના હાથને પોતાના હાથમાં લીધો અને ધ્રૂજતા અવાજે કબૂલાત કરી, "મનુ, તું સાચો છે. ગઈ કાલે રાત્રે જ્યારે હું ગઈ ત્યારે માત્ર હોસ્પિટલની જ અર્જન્સી નહોતી, પણ મારા મનમાં એક ડર પણ હતો—તારા સવાલોથી ભાગવાનો ડર. મેં તને કહ્યું કે હું માત્ર કામથી જાઉં છું, પણ મારું મન તારી શંકાઓથી દૂર ભાગવા માગતું હતું. આપણે એ જ જૂઠ બોલ્યા જે આપણને ક્યારેય સ્વીકાર્ય નહોતું."
.
સવાર નો સૂરજ તો ઊગી ગયો હતો, પણ આશુ અને મનુના સંબંધોના આકાશમાં હજુ પણ કાળી ડાઘ જેવી અનિશ્ચિતતા છવાયેલી હતી. બંનેએ પોતાના જૂઠ અને અહંકારને સ્વીકારી લીધા હતા, પણ એ સ્વીકાર કોઈ જાદુઈ દવા નહોતો જે એક જ રાતમાં વર્ષોની કડવાશ ધોઈ નાખે.
એક અઠવાડિયું એવું વીત્યું જાણે ઘરની દરેક વસ્તુ ભારે થઈ ગઈ હોય. બંને એક જ છત નીચે રહેતા, સાથે ચા પીતા અને ક્યારેક નજર પણ મળતી, પણ વચ્ચેનો એ સહજ સંવાદ કાયમ માટે ખોવાઈ ગયો હતો. હવે ગુસ્સો કે ઝઘડા નહોતા થતા—એનાથી પણ ખરાબ એ હતું કે હવે મૌન છવાઈ ગયું હતું. એવું મૌન, જે શબ્દો કરતાં પણ વધુ પીડાદાયક હતું.
એક સાંજે આશુ હોસ્પિટલથી પરત ફરી ત્યારે ટેબલ પર એક કાગળ અને તેની સાથે તેની સ્ટેથોસ્કોપ મૂકેલી હતી. મનુ ત્યાં હાજર નહોતો, પણ તેની ડાયરી ખુલ્લી હતી જેમાં તેણે લખ્યું હતું:
"આશુ, આપણે આપણા અંદરના ગદ્દારને પકડી લીધો, આપણા જૂઠ પણ ખુલ્લા કરી દીધા... પણ ક્યારેક સત્ય એટલું ભારે પડી જાય છે કે તેને ઉંચકી શકાતું નથી. આપણે એ સ્વીકારી લીધું કે આપણે એકબીજાથી ડરીએ છીએ, પણ એ ડરને જીતી નથી શક્યા. શંકાના જે છોડ પર આપણે પાણી પાયું છે, તે હવે વટવૃક્ષ બની ગયો છે. તારી સાથે રહેવું પણ હવે એક સજા જેવું લાગે છે અને તારાથી દૂર જવાનો વિચાર પણ મોત સમાન છે."
આશુએ કાગળ હાથમાં લીધો ત્યારે તેની આંખોમાંથી આંસુ વહીને શાહી પર પડી રહ્યા હતા. તે દોડીને રૂમમાં ગઈ, પણ મનુનો સામાન અને તેની કબાટ ખાલી હતી. મનુ જતો રહ્યો હતો—કોઈને કહ્યા વગર, કોઈ અલવિદા વગર.
ટેબલ પર માત્ર એક નાની ચિઠ્ઠી બાકી હતી: "માફ કરજે આશુ, આપણું સાચું હોવું જ કદાચ આપણા અલગ થવા માટે પૂરતું હતું."
આશુ ઉંબરે આવીને ઊભી રહી. બહાર ફરીથી વરસાદનું ઝરમર ઝાપટું શરૂ થઈ ગયું હતું. રસ્તો સૂનો હતો, સામે કોઈ નહોતું, બસ હવાની એક ઠંડી થપેડ હતી જે તેના ભીના ગાલને સ્પર્શીને નીકળી ગઈ. જીત કોની થઈ અને હાર કોની? એ સવાલ કાયમ માટે હવામાં અધ્ધર લટકી ગયો.
સમય વીતતો ગયો અને મનુ ને ગયે વર્ષો થઈ ગયા સવારના સૂસવાટા મારતા પવનો સાથે શિયાળાની ઠંડી વધુ તીવ્ર બની ચૂકી હતી, પણ આશુના જીવનમાં તો જાણે કાયમી પતઝડ બેસી ગઈ હતી.
મનુના ગયા પછી દુનિયા માટે તે ભલે એક સફળ ડૉક્ટર હતી, પણ પોતાના જ ઘરમાં તે શ્વાસ લેતી એક લાશ સમાન બની ગઈ હતી.
હવે ચારેય તરફથી મેણા-ટોણાનો દોર શરૂ થઈ ગયો હતો. હોસ્પિટલના કોરિડોરમાં સ્ટાફની ફુસફુસાટ અને પાડોશીઓની ઝેરી નજરો આશુની રોજની સવાર બનતી. લોકો મોઢેથી તો ન કહેતા, પણ એમની આંખોમાં એક જ સવાલ તકલાદી બનીને ઘૂમતો—"જે સ્ત્રી પોતાના ઘરને નથી સાચવી શકી, તે દર્દીઓને શું બચાવશે?"
એક સ્ત્રી હોવાના નાતે સમાજે તેને દોષી ઠેરવવામાં કોઈ કસર નહોતી છોડી. લોકોના આ ટોણાં તેના હૃદય પર રોજ એક નવો ઘા કરતા, પણ એ ઘા કરતાંય વધુ પીડાદાયક તો મનુની ગેરહાજરી હતી.
ઘરનો ખૂણેખૂણો હવે મનુની યાદોથી ભરેલો હતો. ડાઇનિંગ ટેબલ પર મૂકેલું તેનું અડધું ચાનું કપ, કબાટમાં લટકતા તેના કપડાં અને ટેબલ પર પડેલું એ સ્ટેથોસ્કોપ—બધું ત્યાં નું ત્યાજ મનુ ની યાદ માં પડ્યું હતું જાણે હમને આવશે...એવી આશા...
આશુની આખો માં ઇન્તજાર હતો સૌથી મોટું દર્દ એ હતું કે સમયની સાથે મનુ પ્રત્યેનો પ્રેમ ઓછો નહોતો થયો, પણ એ પ્રેમનો પાયો જ હચમચી ગયો હતો. જે સંબંધ પર તેણે આંખ બંધ કરીને ભરોસો કર્યો હતો, તે જ વિશ્વાસની ઇમારત ઈર્ષા અને શંકાના વાવાઝોડામાં કડડભૂ થઈને ધરાશાયી થઈ ગઈ હતી.
મનુના ગયા પછી આશુના મનમાં એક સત્ય ધીમે-ધીમે સ્પષ્ટ થઈ રહ્યું હતું—શરીરથી અલગ થવું એ કદાચ દુઃખદ હતું, પણ આત્માથી વિશ્વાસ ઉઠી જવો એ તો મોત કરતાંય બદતર હતું. હવે તેને મનુના ગુસ્સા કે શંકા પર રોષ નહોતો આવતો, પણ એક અસહ્ય ખાલીપો વ્યાપી ગયો હતો. જે માણસના મોઢેથી નીકળેલી દરેક વાત પર તેને આંખ બંધ કરીને ભરોસો હતો, આજે એ જ માણસની યાદો પરથી ભરોસો ઊઠી ગયો હતો.
એક રાત્રે, જ્યારે વરસાદની બુંદો બારીના કાચને અથડાઈ રહી હતી, ત્યારે આશુથી ના રહેવાયું. તેણે મનુની એ જ જૂની ડાયરી હાથમાં લીધી, જેમાં તેણે પોતાની પીડા લખી હતી. આશુએ ડાયરી સામે જોઈને હળવા અવાજે કહ્યું, "મનુ, તું શંકા કરીને ચાલ્યો ગયો, પણ તું એ ન સમજી શક્યો કે સવાલ મારા ચરિત્ર પર નહોતો, સવાલ આપણા વર્ષોના વિશ્વાસ પર હતો."
બહાર અંધારું ગાઢ થઈ ચૂક્યું હતું અને ભીની માટીની સુગંધ સાથે વિરહની આગ વધુ ભડકી રહી હતી. પ્રેમ હતો, યાદોના પહાડ જેવા પડછાયા હતા,
આંસુઓની ધારા હતી, પણ જે સૌથી મહત્વની ચીજ હતી—એટલે કે 'વિશ્વાસ'—તે હંમેશ માટે રાખ થઈ ગયો હતો.
જીવવું હવે એક મજબૂરી બની ગઈ હતી, જ્યાં શ્વાસ તો ચાલતા હતા પણ જીવ ક્યાંક ખોવાઈ ચૂક્યો હતો.
સમયનું ચક્ર ફરતું રહ્યું. શિયાળાની એ ધ્રૂજાવતી ઠંડી હવે વૈરાગ્યની ઉદાસીનતામાં પલટાઈ ચૂકી હતી. આશુ માટે ઘરની ચાર દીવાલો હવે માત્ર એક યાદ નહોતી, પણ આત્માને કોરી ખાતી ચિતા બની ગઈ હતી. લોકોના કટાક્ષ અને સમાજના ઝેરી મેણાં-ટોણાંથી કંટાળીને અને મનુની યાદોના આ ભયંકર વંટોળથી છુટકારો મેળવવા આશુએ એક દિવસ અચાનક હોસ્પિટલની નોકરી છોડી દીધી. ઘર, સાધન-સામગ્રી અને સંસારના તમામ સંબંધોનો ત્યાગ કરીને તે હિમાલયની કોઈ અજ્ઞાત ગુફાઓ અને ઋષિકેશના ઘાટો તરફ નીકળી ગઈ.
જ્યાં ક્યારેક જીવ ધબકતો હતો, ત્યાં હવે માત્ર એક જ તરસ હતી—મનુના એ ભ્રમ અને શંકાનો અંત લાવવાની, અથવા તો આ અસહ્ય પીડામાંથી હંમેશ માટે મુક્ત થવાની. આશુનું આ અચાનક અદ્રશ્ય થઈ જવું મનુના અહંકાર અને તેની શંકાના પાયાને હચમચાવી ગયું. જે શંકા અને નફરતના ઝેરથી મનુ આશુથી દૂર ભાગ્યો હતો, એ જ નફરત હવે સમય જતાં તેના પોતાના જ અસ્તિત્વને કોરી ખાતી આગ બની ગઈ.
આશુના ચાલ્યા જ્યા પછી મનુના જીવનમાંથી રંગો હંમેશ માટે છીનવાઈ ગયા. જે નાસ્તિક મનુ દુનિયાને માત્ર ભૌતિક સ્વાર્થ અને સંજોગોનો ખેલ માનતો હતો, તે આંતરિક તૂટાપાથી ગાંડો થઈ ગયો. તેણે ક્યારેય ભગવાન કે નસીબ પર વિશ્વાસ નહોતો કર્યો, પણ આશુની ગેરહાજરીના ખાલીપાએ તેને અંદરથી કોરી નાખ્યો. ગુસ્સા અને શંકામાં તેણે જે સ્ત્રીને છોડી હતી, હવે એ જ સ્ત્રીની તલાશમાં તે ભટકવા લાગ્યો.
નફરતની આગમાં સળગતો મનુ એક દિવસે અખાડાઓ, સાધુઓની ધૂણીઓ અને હિમાલયના ઓગળતા બરફ વચ્ચે ભટકતા ભટકતા એક વરદાન સમાન જગ્યાએ પહોંચ્યો. ત્યાં જંગલની એક કુટિર પાસે, તપસ્યામાં લીન અને આંખોમાં અનંત શૂન્યતા ભરેલી આશુ તેને મળી ગઈ. મનુને જોઈને આશુના ચહેરા પર કોઈ ગુસ્સો કે નફરત નહોતી, પણ એક નિર્લેપ શાંતિ હતી જે મનુને વધુ ડરાવી રહી હતી.
મનુએ દોડીને આશુ પાસે જાય છે અને પશ્ચાતાપના આંસુ સાથે માફી માંગવા પ્રયત્ન કર્યો, પણ આશુએ તેને રોકી દીધો. મનુનો અહંકાર તૂટી ચૂક્યો હતો. તેણે ધ્રૂજતા અવાજે કહ્યું, "આશુ... મારી શંકાએ, મારી નફરતે આપણું બધું જ બરબાદ કરી નાખ્યું. હું તને જીવતા જીવ મારી શંકાથી મારી નાખી..."
આશુએ મનુની આંખોમાં જોઈને ધીમેથી કહ્યું, "મનુ, તું મારી સાથે નફરત કરવા નીકળ્યો હતો, પણ તું એ નહોતો જાણતો કે જેને તું નફરત સમજતો હતો, એ જ તારી અંદર રહેલો સૌથી ગાઢ પ્રેમ હતો. તારી શંકા અને નફરત એ માત્ર એ વાતનો ડર હતો કે તું મારા વગર જીવી નહીં શકે."
એ ક્ષણે, વર્ષોથી નાસ્તિક રહેલા મનુની આંખો ખૂલી ગઈ. તેને સમજાણું કે દુનિયાના ધર્મો કે ઈશ્વર ભલે અલગ હોય, પણ આ જગતનું સૌથી મોટું સત્ય અને પરમ શક્તિ જો કોઈ હોય, તો તે માત્ર 'પ્રેમ' છે. જેને પામવા માટે તે વર્ષોથી નફરતના રસ્તે દોડતો હતો, એ પ્રેમ તો ક્યારનોય તેના પોતાના જ ભીતર વિરહ બનીને વહી રહ્યો હતો.
સમયના અંતિમ પડાવ પર પહોંચીને મનુને સમજાયું કે જીવનનો આખો સાર માત્ર પ્રેમ જ છે—જેનાથી તે આખી જિંદગી ડરતો રહ્યો, જેનાથી દૂર ભાગવા માટે તેણે પોતાના જ હાથે પોતાના ઘરને આગ લગાડી હતી. આશુની સન્નાટાભરી ઉપસ્થિતિ અને આ આધ્યાત્મિક મિલને બંનેને એવા સત્યથી રૂબરૂ કરાવ્યું, જ્યાં નફરત રાખવા માટે હવે કોઈ શ્વાસ બાકી નહોતો રહ્યો, માત્ર બે આત્માઓનું પરમ સમર્પણ બાકી હતું.
અચાનક મનુની આંખો ખૂલી ગઈ. તે પરસેવે રેબઝેબ થઈને પલંગ પર બેઠો થઈ ગયો. શ્વાસ ઝડપથી ચાલતો હતો અને છાતીમાં કોઈ અજાણ્યો ડર બેસી ગયો હતો. ચારેય તરફ શાંતિ હતી; બહાર અંધારું હતું અને દીવાલો પર ઘડિયાળના કાંટા ટિક-ટિક અવાજ કરી રહ્યા હતા.
મનુએ ડરતા-ડરતા નજર ઘડિયાળ પર નાખી—સવારના બરાબર ૫:૦૯ થયા હતા.
સમય જોતા જ તેની કરોડરજ્જુમાં ધ્રુજારી છૂટી ગઈ. કૅલેન્ડર પર નજર પડી તો ખબર પડી કે થોડા જ દિવસોમાં ૫ સપ્ટેમ્બર આવવાની હતી—એ જ તારીખ, જે આશુનો જન્મદિવસ હતો.
આખી રાત સપનામાં જે ભયાનક તૂટાપો, વિરહ, હોસ્પિટલના મેણાં-ટોણાં, આશુનું હિમાલય તરફ ચાલ્યા જવું અને પોતાનું આધ્યાત્મિક માર્ગ પર ભટકવું—આ બધું જ માત્ર એક ભ્રમણા, એક ડરાવનું સપનું હતું! હકીકતમાં તો એવું કશું જ બન્યું નહોતું. આશુ અને મનુ હજુ પણ એકબીજાના પ્રેમીઓ હતા, પતિ-પત્ની પણ નહોતા, અને એમના સંબંધોમાં થોડી કડવાશ અને દૂરી આવી નહોતી.પણ મનુ ના દિલમાં પ્રેમ થોડોય ઓછો નહતો થયો....
છતાં, એ સપનું એટલું જીવંત અને પીડાદાયક હતું કે મનુના રૂંવાડા ઊભા થઈ ગયા હતા. તે સમજી નહોતો શકતો કે આ માત્ર વહેમ હતો કે કોઈ ભવિષ્યની ઝાંખી, પણ એ સપનાએ તેને હચમચાવી દીધો હતો. શંકા, અહંકાર અને નફરતથી સંબંધો કેવી રીતે રાખ થઈ જાય છે, એનો અસહ્ય ડંખ તેના આત્માને સ્પર્શી ગયો હતો.
તેણે તરત જ ફોન હાથમાં લીધો અને આશુનો નંબર ડાયલ કરવા ગયો, પણ હાથ ધ્રૂજી રહ્યા હતા. આંખોમાં આંસુ હતા અને હોઠ પર માત્ર એક જ અહેસાસ હતો—જીવનમાં ભલે ગમે તેટલા મતભેદો થાય, પણ ક્યારેય અવિશ્વાસ અને શંકાને પ્રેમની વચ્ચે ન આવવા દેવી. એ સપનાએ ભલે તેને ડરાવી દીધો હતો, પણ સાથેસાથે પ્રેમનો સાચો અને પવિત્ર અર્થ સમજાવી દીધો હતો કે સાચો પ્રેમ એટલે શંકાનો અંત અને માત્ર ને માત્ર અતૂટ વિશ્વાસ.
સોલંકી મનોજભાઈ
(8401523670)