“મમ્મી... હું તમારી દીકરી નથી ને?”પ્રિયાંશીના આ એક જ સવાલે માયાબેનના પગ નીચેથી જાણે ધરતી સરકી ગઈ.થોડી ક્ષણો માટે માયાબેન કંઈ બોલી જ ન શક્યા.તેમની આંખો સામે માત્ર પ્રિયાંશીનો ચહેરો હતો... એ જ ચહેરો જેને તેમણે જન્મ આપ્યો નહોતો, પરંતુ છેલ્લા બાવીસ વર્ષથી પોતાના હૃદયના ટુકડા કરતાં પણ વધારે સાચવી હતી.માયાબેનના હોઠ ધ્રૂજ્યા.“પ્રિયાંશી... તું... તું શું બોલી રહી છે બેટા?”પ્રિયાંશીની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા.“મમ્મી, મને ખોટું ન કહેશો... આજે પહેલી વાર મારા જીવનમાં મને એવું લાગી રહ્યું છે કે કદાચ હું તમને ઓળખતી જ નથી.”“એવું કેમ કહે છે બેટા?”“કારણ કે મેં બધું સાંભળી લીધું છે.”માયાબેનના ચહેરા પરનો રંગ ઊડી ગયો.“શું... શું સાંભળ્યું?”પ્રિયાંશીએ પોતાની મમ્મીની આંખોમાં આંખો નાંખીને પૂછ્યું, “તમે મિલાપની મોમને કહ્યું કે... હું તમારી સગી દીકરી નથી.”માયાબેનની આંખો બંધ થઈ ગઈ.તેમને સમજાઈ ગયું કે હવે તે વાતને છુપાવવી શક્ય નહોતી.થોડી ક્ષણો સુધી બંને વચ્ચે માત્ર નિઃશબ્દતા છવાયેલી રહી.પ્રિયાંશી રડતાં રડતાં બોલી,“મમ્મી... મને એક વાતનો જવાબ આપો. મેં એવો શું ગુનો કર્યો હતો કે તમે આટલાં વર્ષોથી મારાથી આ વાત છુપાવીને રાખી..?”“ના બેટા... ના!”માયાબેન તરત જ પ્રિયાંશીની નજીક આવ્યા અને તેને પોતાની છાતી સરસી ચાંપી લીધી..“તું આમ કેમ વિચારે છે બેટા..? અમે તારી સાથે કોઈ છેતરપિંડી કરી નથી.”“તો પછી સાચું શું છે મમ્મી?”પ્રિયાંશીનો અવાજ હવે ભાંગી પડી હતી..“હું કોની દીકરી છું?”માયાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.“તું મારા ભાઈની દીકરી છે.”પ્રિયાંશી એક ક્ષણ માટે સ્થિર થઈ ગઈ.“એટલે...?”“હા બેટા... તારો જન્મ મારા ભાઈના ઘરે થયો હતો.”પ્રિયાંશી ધીમેથી પાછળ હટી.“તો પછી... મારા સાચા મમ્મી-પપ્પા કોણ?”માયાબેનના ગળામાંથી અવાજ નીકળ્યો નહીં.પ્રિયાંશીએ ફરી પૂછ્યું,“મમ્મી, મને બધું જાણવું છે. આજે જ. અત્યારે જ.”માયાબેને તેની આંખોમાં જોયું.“બેટા, તે જે સાંભળ્યું છે તે સત્ય જ છે. પણ એ વાતમાં એક વાત તું સમજી નથી.”“કઈ વાત?”“તું અમારી સગી દીકરી નથી... પરંતુ તું ક્યારેય અમારે માટે પારકી પણ નહોતી.”પ્રિયાંશીની આંખોમાંથી આંસુ વહેતા જ રહ્યા.“પણ તમે મને ક્યારેય કહ્યું કેમ નહીં?”“કારણ કે અમને ડર હતો...”“શેનો ડર?”“કે એક દિવસ જો તને ખબર પડશે કે તું અમારા ઘરમાં જન્મી નથી, તો તું અમને તારા મમ્મી-પપ્પા માનવાનું બંધ કરી દેશે.”આ સાંભળીને પ્રિયાંશી ચૂપ થઈ ગઈ.માયાબેને તેના માથા પર હાથ ફેરવતાં કહ્યું,“તને યાદ છે બેટા, જ્યારે તને પહેલી વાર તાવ આવ્યો હતો ત્યારે આખી રાત હું તારી પાસે બેસી રહી હતી?”પ્રિયાંશીએ ધીમેથી માથું હલાવ્યું.“યાદ છે.”“તને યાદ છે, તું પહેલી વાર સ્કૂલમાં ગઈ ત્યારે તું મારો હાથ છોડવા તૈયાર નહોતી?”પ્રિયાંશીની આંખોમાં ફરી આંસુ આવી ગયા.“યાદ છે મમ્મી... મને બધું જ યાદ છે.”“તો પછી એ યાદોમાં ક્યાંય તને એવું લાગ્યું કે હું તારી મમ્મી નથી?”પ્રિયાંશી પાસે કોઈ જવાબ નહોતો.માયાબેન બોલ્યા,“માતૃત્વ માત્ર બાળકને જન્મ આપવાથી નથી મળતું બેટા... માતૃત્વ તો બાળક માટે જીવવાથી મળે છે.”આ શબ્દો સાંભળીને પ્રિયાંશી ફસડાઈને પોતાની મમ્મીના પગ પાસે બેસી ગઈ.“મમ્મી...”અને તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.માયાબેને તેને ઊભી કરીને પોતાની બાહોમાં ભરી લીધી.બંને મા-દીકરી લાંબા સમય સુધી રડતાં રહ્યાં.થોડીવાર પછી પ્રિયાંશીએ આંખો લૂછતાં પૂછ્યું,“મારા સાચા મમ્મી-પપ્પા ક્યાં છે?”માયાબેન ફરી થોડી ક્ષણ માટે ચૂપ થઈ ગયાં.“તારા પપ્પા હસમુખભાઈ અને હું જ તારા મમ્મી-પપ્પા છીએ.”“ના મમ્મી... હું જન્મ આપનારા મમ્મી-પપ્પાની વાત કરું છું.”માયાબેનના ચહેરા પર ફરી ગંભીરતા છવાઈ.“એ લોકો...”તેમણે વાત અધૂરી રાખી.પ્રિયાંશીએ તરત જ પૂછ્યું,“એ લોકો શું?”“આ વાત બહુ જૂની છે બેટા.”“તો મને આજે બધું જાણવું છે.”“તું કદાચ આ વાત સાંભળવા તૈયાર નહીં હોય.”“મમ્મી, આજે હું કંઈપણ સાંભળવા તૈયાર છું. બસ મારે સત્ય સાંભળવું છે.”માયાબેને ઊંડો શ્વાસ લીધો.“તારા જન્મ પછી ત્રણ મહિના સુધી તું તારા જન્મદાતા માતા-પિતા સાથે જ હતી. ત્યારબાદ અમે તને અહીં લઈ આવ્યા.”“પણ શા માટે?”“કારણ કે...”માયાબેન ફરી અટકી ગયાં.“કારણ કે શું?”“એ સમયે તારા મામાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. તારી બે બહેનો પણ હતી. ત્રીજી દીકરી તરીકે તારો જન્મ થયો હતો. અને...”“અને?”“એ લોકો તને અમને સોંપવા તૈયાર થઈ ગયા.”પ્રિયાંશી એકદમ ચૂપ થઈ ગઈ.તેના ચહેરા પર દુઃખ કરતાં પણ વધારે એક અજાણ્યો ખાલીપો હતો.“એટલે મને... આપી દીધી?”માયાબેનના હૃદયમાં છરી ફરી ગઈ.“એવું ન બોલ બેટા.”“પણ સાચું તો એ જ છે ને મમ્મી?”“ના. તારા મામા-મામી માટે એ નિર્ણય સરળ નહોતો. તેમણે તારા સારા ભવિષ્ય માટે વિચાર્યું હતું.”“પણ મને કેમ કોઈએ પૂછ્યું નહીં?”આ સવાલનો જવાબ માયાબેન પાસે નહોતો.પ્રિયાંશી ધીમેથી ઊભી થઈ.“મમ્મી, મને થોડો સમય એકલી રહેવું છે.”“બેટા...”“પ્લીઝ મમ્મી.”માયાબેન તેને જતી જોઈ રહ્યા.પ્રિયાંશી ભારે હ્રદયે પોતાના રૂમમાં ચાલી ગઈ અને તેણે દરવાજો અંદરથી બંધ કરી દીધો.પલંગ પર બેસીને તેણે પોતાની બાળપણની તસવીરો કાઢી.એક પછી એક તસવીર સામે આવતી ગઈ.ક્યાંક તે માયાબેનના ખોળામાં હતી.ક્યાંક હસમુખભાઈના ખભા પર બેઠી હતી.ક્યાંક સ્કૂલના ડ્રેસમાં હતી.ક્યાંક કોલેજના પહેલા દિવસે માયાબેને તેની આરતી ઉતારી હતી.પ્રિયાંશીએ એક તસવીર છાતી સાથે લગાવી લીધી અને તે બબડવા લાગી, “જો તમે મારી સગી મમ્મી નહોતા... તો પછી તમે મારા માટે આટલું બધું કેમ કર્યું?”તે રડી પડી.થોડીવાર પછી તેના મનમાં મિલાપનો વિચાર આવ્યો.આજે જ તો તેની અને મિલાપની સગાઈ નક્કી થઈ હતી.માત્ર પંદર દિવસ પછી મિલાપ અમેરિકા જવાનો હતો.અને હવે...“મિલાપને આ વાત ખબર પડશે તો?”તેના મનમાં ભય ઊભો થયો.“શું એ મને એ જ રીતે સ્વીકારશે?”“શું તેના પરિવારને આ વાતથી કોઈ વાંધો હશે?”“શું લગ્ન પછી કોઈ મને દત્તક લીધેલી છોકરી કહીને અપમાન કરશે?”આ વિચારો આવતા જ પ્રિયાંશીનું હૃદય કંપી ઊઠ્યું.તે જ સમયે બહાર હસમુખભાઈએ માયાબેનને પૂછ્યું,“પ્રિયાંશી આમ કેમ રડી રહી છે?”માયાબેન તેમને જોઈને ચૂપ રહ્યા.હસમુખભાઈ બધું સમજી ગયા.“શું એણે બધું સાંભળી લીધું છે..?”માયાબેને આંખોમાં આંસુ સાથે માથું હલાવ્યું.હસમુખભાઈ થોડા સમય માટે સ્થિર થઈ ગયા.“મેં તને કહ્યું હતું માયા... એક દિવસ આ વાત સામે આવશે.”“હા... પણ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આ વાત તેના લગ્નના સમયે જ સામે આવશે.”હસમુખભાઈએ ઊંડો શ્વાસ લીધો.“હવે આપણે એને બધું કહી દેવું પડશે.”“પણ હસમુખ...”“માયા, હવે કંઈ છુપાવવાનું નથી.”"મેં તેને બધું જ જણાવી દીધું છે." માયાબેન રડમસ અવાજે બોલ્યા.આ બાજુ પ્રિયાંશી પોતાના જીવનનું સત્ય સમજવાની અને તેને પચાવવાની કોશિશ કરી રહી હતી.અને બીજી જ ક્ષણે તેના મોબાઇલમાં મિલાપનો ફોન આવ્યો.સ્ક્રીન પર મિલાપનું નામ જોઈને પ્રિયાંશીનું હૃદય વધારે દ્રવી ઊઠ્યું.થોડી ક્ષણો સુધી તે ફોનને જ જોતી રહી.છેવટે તેણે ફોન ઉપાડ્યો.“હેલો...”આ બધી જ વાતોથી અજાણ સામેથી મિલાપનો ખુશખુશાલ અવાજ આવ્યો, “હેલો મારી ફિયાન્સી! શું કરે છે?”પ્રિયાંશીના હોઠ પર સ્મિત આવવાનો પ્રયત્ન થયો, પરંતુ આંખોમાંથી આંસુ સરકી પડ્યાં.“મિલાપ...”“હા બોલ ને.”“મારે તને કંઈક કહેવું છે.”“કહેને.”થોડી ક્ષણો માટે પ્રિયાંશી ચૂપ રહી.પછી તેણે ધીમેથી કહ્યું,“જો હું એ ન હોઉં... જેને તું આજ સુધી પ્રિયાંશી સમજીને પ્રેમ કરતો આવ્યો છે તો?”સામે થોડી ક્ષણો માટે મૌન છવાઈ ગયું.મિલાપ કંઈ સમજી શક્યો નહીં.“પ્રિયાંશી, તું શું બોલી રહી છે?”પ્રિયાંશીએ આંખો બંધ કરી.“મિલાપ... મને આજે ખબર પડી છે કે હું મારા મમ્મી-પપ્પાની સગી દીકરી નથી.”ફોનની બીજી બાજુ ફરીથી શાંતિ છવાઈ ગઈ.અને એ શાંતિમાં જાણે તેમના પ્રેમની સૌથી મોટી પરીક્ષાની શરૂઆત થઈ ગઈ...શું મિલાપ પ્રિયાંશીને તેના ભૂતકાળ સહિત સ્વીકારી શકશે?આ સવાલોના જવાબો હવે પ્રિયાંશીની જિંદગી જ નહીં, પરંતુ મિલાપ અને પ્રિયાંશીના પ્રેમનું ભવિષ્ય પણ નક્કી કરવાના હતા...વધુ આગળના ભાગમાં...~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 6/9/26