રમેશભાઈ ખૂબ જ સીધા, મહેનતુ અને શાંત સ્વભાવના માણસ હતા. આખું જીવન પરિવાર માટે મહેનત કરી. પત્ની શાંતાબેન, બે દીકરીઓ—મોટી કવિતા અને નાની રીના, રમેશભાઈની એક જ કમજોરી હતી—ઘરમાં તેમની વાતનું કોઈ મહત્વ નહોતું. પત્ની શાંતાબેન જે કહે તે જ અંતિમ નિર્ણય ગણાતો. નાની દીકરી રીના પણ પોતાની માની દરેક વાતમાં સાથ આપતી. રમેશભાઈ કંઈ કહેવા જાય તો શાંતાબેન તરત જ કહી દેતા, "તમારે વચ્ચે બોલવાની જરૂર નથી."
સમય આવ્યો અને મોટી દીકરી કવિતાના લગ્ન રાજેશ સાથે થયા. રાજેશનો પરિવાર સંસ્કારી હતો. શરૂઆતના થોડા મહિના કવિતા ખૂબ ખુશ હતી.
પણ પછી શાંતાબેન અને રીનાએ દરરોજ કવિતાને ફોન કરવાનું શરૂ કર્યું.
"તારી સાસુએ આવું કેમ કહ્યું?"
"તું શા માટે બધાનું કામ કરે છે?"
"તું જવાબ કેમ નથી આપતી?"
" આપણે જે કહીયે તે જ થવું જોઈએ"
"તું વધારે નમ્ર રહેશે તો લોકો તને દબાવી દેશે."
ધીમે ધીમે કવિતાના મનમાં પોતાના સાસરિયા પ્રત્યે શંકા ભરાતી ગઈ. જ્યાં પહેલાં તે વાતચીતથી પ્રશ્ન ઉકેલતી હતી, ત્યાં હવે નાની-નાની વાતમાં ઝઘડો થવા લાગ્યો.
રમેશભાઈ ઘણી વખત પત્નીને સમજાવતા, "આપણું કામ દીકરીનું ઘર તોડવાનું નથી, તેને ઘર ચલાવવાનું શીખવવાનું છે."
પણ શાંતાબેન હસીને કહેતી, "તમે ચૂપ રહો. તમને દુનિયાની સમજ નથી."
રીના પણ કહેતી, "મમ્મી સાચું જ કહે છે."
દિવસો પસાર થયા. હવે કવિતા દર અઠવાડિયે પિયર આવવા લાગી. સાસરિયાં સાથેનો સંબંધ ખરાબ થતો ગયો. પતિ રાજેશ પણ વારંવાર સમજાવતો, "કવિતા, દરેક વાતમાં બહારના લોકોની સલાહ ન સાંભળ. આપણે બેસીને વાત કરીએ."
પણ કવિતા જવાબ આપતી, "મારી મમ્મી અને બહેન ક્યારેય ખોટું નહીં કહે."
એક દિવસ નાની વાત પર મોટો ઝઘડો થયો અને કવિતા ગુસ્સામાં પિયર આવી ગઈ.
શાંતાબેન ખુશ થઈને બોલી, "સારું કર્યું. હવે તેઓ જ આવીને લઈ જાય."
રમેશભાઈનું હૃદય કંપી ઊઠ્યું. તેમણે કહ્યું, "દીકરીનું ઘર તોડવું સરળ છે, પણ ફરી જોડવું ખૂબ મુશ્કેલ છે."
કોઈએ તેમની વાત સાંભળી નહીં.
મહિના વીતી ગયા. બંને પરિવાર વચ્ચે અંતર વધતું ગયું. આખરે વાત છૂટાછેડા સુધી પહોંચી.
કોર્ટની બહાર રાજેશે માત્ર એક જ વાત કહી:
"કવિતા, મેં તારી સાથે નહીં, પરંતુ દરરોજ તારા ઘરમાંથી આવતા ઝઘડા સાથે લગ્ન કર્યા હતા."
આ શબ્દો સાંભળીને કવિતા તૂટી પડી.
તેને યાદ આવ્યું કે કેટલી વખત રાજેશે શાંતિથી વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને કેટલી વખત તેના પિતાએ પોતાની માને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.
કવિતા દોડતી પોતાના પિતાને ભેટી પડી અને રડતાં બોલી:
"પપ્પા... તમે સાચા હતા. જો હું તમારી વાત સાંભળી હોત તો આજે મારું ઘર બચી જાત, મેં તમારી વાત ક્યારે પણ ન સાંભળી એ વાતનું મને કાયમ માટે દુઃખ રહેશે છે"
રમેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા અને બાપ અને દીકરી બંને ભેટીને રડી પડ્યા.
તેમણે ધીમેથી કહ્યું:
"બેટા, મા-બાપનું કામ દીકરીને દરેક ઝઘડામાં આગ લગાડવાનું નથી, પરંતુ જ્યાં આગ લાગે ત્યાં પાણી બનીને પહોંચવાનું છે. સંબંધો સલાહથી ટકે છે, ઉશ્કેરણીથી નહીં."
શાંતાબેન અને રીના પણ આ બધું જોઈને પસ્તાવામાં ડૂબી ગયા. તેમને સમજાયું કે દરેક નાની વાતમાં હસ્તક્ષેપ કરીને તેમણે પોતાની જ દીકરીનું સુખ છીનવી લીધું.
તે દિવસ પછી રમેશભાઈએ પહેલી વાર પોતાના ઘરમાં સ્પષ્ટ અવાજે કહ્યું:
"આ ઘર હવે કોઈનો અહંકાર નહીં, પરંતુ સમજણથી ચાલશે."
ઘરમાં પહેલી વાર તેમની વાતને મહત્વ મળ્યું.
બોધ:
લગ્ન પછી દીકરીને પ્રેમ અને સહારો આપવો જરૂરી છે, પરંતુ દરેક નાની વાતમાં હસ્તક્ષેપ કે ઉશ્કેરણી કરવાથી સંબંધો નબળા પડી શકે છે. એ જ રીતે, પિતાનો અવાજ સતત દબાઈ જાય તો તેઓ સમયસર સંતુલિત સલાહ આપી શકતા નથી. સુખી પરિવાર માટે માતા, પિતા અને સંતાનો—બધાની સમજણ અને પરસ્પર સન્માન જરૂરી છે.