The whole sky in the window in English Short Stories by writer ni safar books and stories PDF | બારીમાં આખું આકાશ

Featured Books
Categories
Share

બારીમાં આખું આકાશ

            સાંજનો સમય થયો હતો.ઘરની બારી પાસે બેસી હું પુસ્તક વાંચી રહી હતી. આકાશ માં વાદળાં ફેલાય રહ્યા હતા. રસ્તામાં છોકરાઓ રમી રહ્યા હતા.વાહનો નો અવાજ કાનમાં ખૂબ જ અસર કરતો હતો. એટલા માં ધીમો-ધીમો વરસાદ મારા હાથને સ્પર્શ કરી રહ્યો હતો.વરસાદ આવવાથી વૃક્ષો જાણે ફરી જન્મા હોય તેમ ખીલી ઉઠ્યા. સામેના ઘરમાં રહેલી ભેંસ પોતાના માલિકનો અવાજ સાંભળી બૂમો પાડતી હતી. દરેક લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા પરંતુ વરસાદે તેમને થોડી વાર માટે ઊભા રાખી દિધા. વરસાદ આવવાથી દરેક વ્યક્તિ પોતાનું કામ છોડી વરસાદ નો આનંદ લેવા લાગ્યા. બજારમાં રમતા છોકરાઓ તો ખૂબ જ ખુશ થઈ નાચવા લાગ્યા. પક્ષીઓ એક સાથે મધૂર અવાજે કલરવ કરવા લાગ્યા. બારી પાસે બેસીને હું જાણે કોઈ મનપસંદ સ્થળ પર ખોવાયેલ હોવ તેમ સ્તબ્ધ થઈ તે દ્રશ્યોનો અનુભવ કરતી હતી. એટલા માં જ વરસાદ જતો રહ્યો. વરસાદ જવાથી ફરી પેલો સમય શરૂ થયો.લોકો ફરી ભાગદોડ કરવા લાગ્યા. છોકરાઓ નિરાશ થઈ ગયા. પક્ષીઓ પોતાના માળામાંથી બહાર આવ્યા.વૃક્ષો નિર્જીવ થઈ ગયા હોય તેમ શાંત થઈ ગયા. વરસાદના આવવાથી જે લોકો કુદરતનો આનંદ માળી રહ્યા હતા તે ફરી આ સંસારની મોહમાયા માં ભરાય ગયા. જાણે તે વરસાદ પેલા ભાગદોડ કરતા લોકોને જીવન જીવવાની રીત શીખવી ગયો હોય તેમ આવીને જતો રહ્યો. કુદરત માં સમાવેશ પામતા દરેક તત્વો માનવીના જીવનમાં એક શિક્ષકની ભૂમિકા ભજવે છે. જ્યારે માણસ આ ભાગદોડથી થાકી જાય છે ત્યારે કુદરત પાસે આવે છે.કુદરતની તે હવા, પથ્થર, વૃક્ષો, પાણી વગેરે માણસના ભાવોને સમજી શકે છે. જે શાંતિ લોકો પાસે નથી તે શાંતિ મનુષ્યને આ કુદરત પાસે મળે છે. જ્યારે માનવી કુદરતના તત્વોની જોડે વાતો કરે છે ત્યારે સમગ્ર દુનિયાનો ભાર તેના માથા પરથી ઉતરી જાય છે. કુદરતના ખોળે જીવવા છતાં તેનો આનંદ ન માળતા પેલા લોકો પોતાના કામમાં ફરી વ્યસ્ત થઈ ગયા. બારી પાસે બેસી તે દ્રશ્યોને હું મારા કોરા કાગળ પર છાપી રહી હતી. નાના એવા ઓરડાની બારીમાં આખું આકાશ દેખાતું હતું. રસ્તા પર દોડતા લોકો, મીઠી એવી માટીની સુગંધ, સ્વસ્છ એવી હવા, લીલાછમ વૃક્ષો વગેરેનો અનુભવ મેં મારી પેલી નાની એવી બારીમાંથી કર્યો હતો. બારીમાંથી દેખાતું આકાશ વાદળોથી ઘેરાયેલ હતું. વરસાદ આવવાથી આખું આકાશ એકદમ શાંત થઈ નિર્જીવ બની ગયું હતું.વરસાદ જવાની સાથે જ પેલા પક્ષીઓના કલરવથી, મીઠી હવાથી આકાશને ફરી જીવંત કરી નાખ્યું હતું. વરસાદના ટીપાં વૃક્ષોના પાન પર પડતાં જ તે ફરી જીવંત થયા હતા. વરસાદ જવાથી તે વૃક્ષો થોડા શાંત થયા પરંતુ તે વરસાદનો આભાર માનતા હોય તેમ પવનની સાથે નાચવા લાગ્યા. જાણે વૃક્ષો વરસાદને ફરી આવવા માટે નોરતા હોય એમ તેનો આભાર માનતા હતા. થોડી વારમાં જ આખું આકાશ પીળા રંગથી ઘેરાય ગયું. ઘરમાં જેમ એક દિવાનો પ્રકાશ આખા ઘરને પીળા રંગથી પ્રકાશિત કરી દે છે તેમ વરસાદ પછી એકદમ પીળા રંગની તીખી તડકી ધીમે- ધીમે વધારે તેજ બની રહી હતી. તે તડકાની સાથે-સાથ મીઠો પવન પણ અનુભવાતો હતો. જેમ મનુષ્યનું જીવન સુખ અને દુઃખથી ચાલે છે તેમ મેં પેલી બારીમાંથી તડકો અને છાયાનો અનુભવ કર્યો હતો. 4/4 ની બારીમાંથી આખા આકાશનું વર્ણન હું મારી નરી આંખે કરી રહી હતી. હું જ્યારે આકાશ તરફ જોતી ત્યારે મારા હાથમાં રહેલી કલમ જાણે પોતે જ ચાલતી હોય તેમ મારા મનના વિચારો શબ્દ રૂપે આલેખતી હતી. કુદરતનો અનુભવ ખૂબ જ મીઠો હોય છે. તેમાં પ્રેમ, હુંફ અને લાગણીઓ સંતાયેલી હોય છે.મારા ઓરડાની બારી કદાચ નાની હતી પણ તેમાંથી દેખાતું આકાશ તો વિશાળ હતું.                                     - પરમાર ખુશી