shram ane vishram nu jivan darshan in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | શ્રમ અને વિશ્રામ નું જીવન દર્શન

Featured Books
Categories
Share

શ્રમ અને વિશ્રામ નું જીવન દર્શન

શ્રમ અને વિશ્રામ નું જીવન દર્શન

શું આધુનિક સુવિધાઓ અને મશીનોએ ખરેખર આપણી ઊંઘ છીનવી લીધી છે? ૯૦ વર્ષના શ્રમજીવી વૃદ્ધ અને મહાન વિચારક કન્ફ્યુશિયસ વચ્ચેનો આ રોમાંચક સંવાદ તમારી 'આરામ' કરવાની વ્યાખ્યાને કાયમ માટે બદલી નાખશે!

ચીનના પ્રાચીન ઇતિહાસના પાનાઓમાંથી આવતી આ એક અત્યંત માર્મિક અને હૃદયસ્પર્શી કથા છે. આ માત્ર એક વાર્તા નથી, પરંતુ માનવ જીવનની સુખાકારીનું અમૂલ્ય તત્વજ્ઞાન છે.

વાત જાણે એમ છે કે, મહાન ચીની તત્વચિંતક લાઓત્સેના વિચારોને પોતાના જીવનમાં ઉતારનાર એક નેવું (૯૦) વર્ષનો વૃદ્ધ પોતાના બગીચામાં કામ કરી રહ્યો હતો. સાથે તેનો ત્રીસ (૩૦) વર્ષનો યુવાન દીકરો પણ હતો. જ્યાં કૂવામાંથી પાણી ખેંચવા માટે બળદ કે ઘોડાને જોતરવા જોઈએ, ત્યાં આ બાપ-દીકરો બંને જાતે જ કૂવાના રહેંટ (મોટ) સાથે જુતાયેલા હતા. પ્રખર તાપ હતો, બંનેના શરીરેથી પરસેવાની ધારાઓ વહી રહી હતી, છતાં તેમના મુખ પર એક અજબની શાંતિ અને સંતોષ હતો.

 

उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः।

न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः॥ પંચતંત્ર

ઉદ્યમ એટલે કે મહેનત કરવાથી જ કાર્યો સિદ્ધ થાય છે, માત્ર મનમાં ઈચ્છાઓ કરવાથી નહીં. સૂતેલા સિંહના મોઢામાં હરણ જાતે આવીને પ્રવેશ કરતા નથી, તેણે પણ શિકાર માટે ઉભા થવું જ પડે છે.

બરાબર એ જ સમયે ત્યાંથી મહાન વિદ્વાન કન્ફ્યુશિયસ પસાર થયા. કન્ફ્યુશિયસ અને લાઓત્સેની વિચારધારામાં આસમાન-જમીનનો તફાવત હતો. કન્ફ્યુશિયસ બુદ્ધિવાદી અને આધુનિકતાના હિમાયતી હતા, જ્યારે લાઓત્સે પ્રકૃતિ સાથે રહેવામાં માનતા.

કન્ફ્યુશિયસે બગીચા પાસે આ દૃશ્ય જોયું. નેવું વર્ષનો વૃદ્ધ અને ત્રીસ વર્ષનો યુવાન પરસેવે રેબઝેબ થઈને પશુઓની જેમ પાણી ખેંચી રહ્યા છે! કન્ફ્યુશિયસના હૃદયમાં દયાનો ભાવ જાગ્યો. તેમની પાસે જઈને તેમણે સહાનુભૂતિપૂર્વક કહ્યું, "અરે પાગલ! શું તને દુનિયાદારીની ખબર નથી? હવે તો શહેરોમાં આપણે પાણી ખેંચવા માટે ઘોડાઓ, બળદો અને નવી મશીનોનો ઉપયોગ શરૂ કરી દીધો છે! અને તમે બંને માણસ થઈને આમાં શા માટે જુતાયેલા છો?"

વૃદ્ધે કામ અટકાવ્યું. કન્ફ્યુશિયસની નજીક આવીને તેણે ધીમા અવાજે કહ્યું, "ભાઈ, જરા ધીરે બોલો! મારો જુવાન દીકરો સાંભળી જશે."

કન્ફ્યુશિયસ આશ્ચર્યચકિત થઈ ગયા. વૃદ્ધે આગળ કહ્યું, "તમે થોડીવાર પછી આવજો, જ્યારે મારો દીકરો જમવા માટે ઘરમાં જાય. ત્યારે આપણે નિરાંતે વાત કરીશું."

થોડીવાર પછી, જ્યારે યુવાન પુત્ર ઘરમાં ગયો, ત્યારે કન્ફ્યુશિયસ પાછા આવ્યા અને પૂછ્યું, "તેં તારા પુત્રને મારી વાત કેમ સાંભળવા ન દીધી?"

ત્યારે તે અનુભવી  વૃદ્ધે હસીને કહ્યું, "અરે ભાઈ! મારી ઉંમર નેવું વર્ષ છે, છતાં મારા કાંડામાં એટલી તાકાત છે કે હું ત્રીસ વર્ષના જુવાન સાથે મલ્લયુદ્ધ કરી શકું. જો હું કૂવે ઘોડાઓ કે મશીનો જોડી દઉં, તો નેવું વર્ષની ઉંમરે મારું શરીર જેવું ખડતલ છે, તેવું સ્વાસ્થ્ય મારા દીકરા પાસે ક્યારેય નહીં રહે! શક્તિ ઘોડાઓ અને મશીનો પાસે હશે, પણ મારા દીકરાનું શરીર સાવ ખોખલું થઈ જશે."

"પહેલું સુખ તે જાતે નર્યા!" જો શરીર જ સાથ નહીં આપે, તો બધી જ સુવિધાઓ ધૂળ સમાન છે.

પરસેવાનું બિંદુ જ્યાં ધરતી પર છલકાય છે,

ત્યાં જ સાચા સ્વાસ્થ્યનો ખજાનો મલકાય છે.

સુવિધાના મોહમાં જેણે કાયાને કોમળ કરી,

એની જિંદગી પછી રોગોના ઓછાયામાં રળવળાય છે.

વૃદ્ધે પોતાની વાત પૂરી કરતા કહ્યું, "અમને ખબર છે કે શહેરોમાં મશીનો આવી ગયા છે. પણ જો મશીન કૂવામાંથી પાણી ખેંચશે, તો મારો દીકરો શું કરશે? તેના શરીરનું શું થશે? જો તે સાંભળી જશે તો તે પણ મશીન લાવવાની જીદ કરશે હમેશા મહેનત ઓછી થાય એવા વિચારોનો અમલ કરશે અને તેનું આખું જીવન, તેનું સ્વાસ્થ્ય નષ્ટ થઈ જશે!"

આ છે લાઓત્સેનું તત્વજ્ઞાન! આપણે ભૌતિક સુવિધા માટે જે કંઈ પણ કરીએ છીએ, તેનું તત્કાળ બીજું પરિણામ આપણા શરીર અને મન પર પડે છે.

આપણે સૌ ગાઢ અને મીઠી ઊંઘ લેવા માંગીએ છીએ. જે વ્યક્તિ સારી ઊંઘ ઈચ્છે છે, તે સ્વાભાવિક રીતે આરામનો પ્રેમી છે. અને જે આરામનો પ્રેમી છે, તે મહેનત કરવાથી ભાગે છે. પણ પ્રકૃતિનો નિયમ કેવો અદભુત છે! જે મહેનત નહીં કરે, તેને ક્યારેય ગાઢ ઊંઘ નહીં આવે. લાઓત્સે કહે છે કે, શ્રમ અને વિશ્રામ બંને એકબીજાના વિરોધી નથી, પણ સિક્કાની બે બાજુ જેવા છે, એકબીજાના પૂરક છે.

नियतं कुरु कर्म त्वं कर्म ज्यायो ह्यकर्मणः।

शरीरयात्रापि च ते न प्रसिद्धयेदकर्मणः॥ (ભગવદ્ ગીતા ૩.૮)

તું તારું નિયત કર્મ (ફરજ/શ્રમ) કર, કારણ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું વધારે શ્રેષ્ઠ છે. કર્મ (શ્રમ) કર્યા વિના તો તારા શરીરનો નિર્વાહ પણ શક્ય નથી થવાનો.

જો તમે આરામ ચાહતા હો, તો સખત પરિશ્રમ કરો. એટલો પરિશ્રમ કરો કે આરામ જાતે જ તમારા પર ઉતરી આવે. વિશ્રામને કમાવો પડે છે, તે મફતમાં મળતો નથી (It has to be earned).

પરંતુ આજે આપણે આધુનિકતાના ચક્કરમાં ફસાઈ ગયા છીએ. જે આરામનો પ્રેમી છે, તે આખો દિવસ સોફા પર કે એર-કન્ડિશન્ડ રૂમમાં બેસી રહે છે, પરિણામે તે રાતની ઊંઘ ગુમાવી બેસે છે. રાત્રે ઊંઘ ન આવવાથી, બીજે દિવસે તે એવું વિચારીને વધુ આરામ કરે છે કે 'રાતનો ઉજાગરો છે, થોડો આરામ કરી લઉં'. આ દુષ્ચક્ર ચાલ્યા જ કરે છે અને અંતે એક દિવસ એવો આવે છે કે જ્યારે તેના માટે આરામ કે ઊંઘ સાવ અશક્ય બની જાય છે.

 युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु।

युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा॥ (ભગવદ્ ગીતા ૬.૧૭)

 જેનો આહાર અને વિહાર યોગ્ય છે, કર્મોમાં જેની મહેનત યોગ્ય છે, અને જેનું ઊંઘવું તથા જાગવું સંતુલિત છે, તેને જ સાચી શાંતિ મળે છે અને તેના દુઃખોનો નાશ થાય છે.

લાઓત્સેનો સ્પષ્ટ સંદેશ છે કે, જો તમે ખરેખર વિશ્રામ ઈચ્છતા હો, તો તેનાથી ઉલટી દિશામાં જાવ - શ્રમ કરો! જેટલો ઊંડો શ્રમ કરશો, તેટલા જ ઊંડા વિશ્રામમાં તમે સરી પડશો. અને જેટલી ગાઢ ઊંઘ લેશો, બીજે દિવસે સવારે બમણી ઊર્જા અને શ્રમ કરવાની ક્ષમતા લઈને જાગશો.

विश्रामकामो यो मर्त्यो, दिवा शेते निरन्तरम् ।तस्य रात्रौ विनश्यन्ति, निद्रासौख्यानि सर्वशः ॥ १ ॥

श्रमो विश्राम एतौ हि, अन्योन्यस्य च साधकौ ।तीव्रश्रमात् परा शान्तिः, शान्त्या श्रमबलं नवम् ॥ २ ॥

"જે આરામનો પ્રેમી છે, તે આખો દિવસ આરામ કરે છે અને રાતની ઊંઘ ગુમાવી બેસે છે. અને રાત્રે જેટલી ઊંઘ ગુમાવે છે, બીજા દિવસે તે એટલો જ વધારે આરામ કરે છે, એવું વિચારીને કે ઊંઘની કમી પૂરી કરી લઉં. તે જેટલી કમી પૂરી કરવાનો પ્રયાસ કરે છે, રાતની ઊંઘ એટલી જ વધુ નષ્ટ થતી જાય છે. એક દિવસ તેને સમજાય છે કે તે એક એવા વિષચક્રમાં ફસાઈ ગયો છે, જ્યાં સાચો આરામ અશક્ય બની ગયો છે.

જો તમે ખરેખર વિશ્રામ ઈચ્છતા હો, તો વિપરીત દિશામાં જાઓ—શ્રમ (મહેનત) કરો. કારણ કે, શ્રમ અને વિશ્રામ એકબીજાના વિરોધી નથી, પરંતુ સહયોગી, સંગી અને સાથી છે. તમે જેટલો કઠોર શ્રમ કરશો, તેટલા જ ઊંડા વિશ્રામમાં સરી પડશો. અને આનાથી ઊલટું પણ એટલું જ સાચું છે; તમે જેટલો ઊંડો વિશ્રામ કરશો, બીજા દિવસે એટલી જ પ્રચંડ શ્રમ કરવાની ક્ષમતા (ઊર્જા) સાથે જાગૃત થશો."