જ્યારે પાપના બદલામાં વૈભવ અને પુણ્યના બદલામાં કષ્ટ દેખાય, ત્યારે સમજવું કે પ્રભુની ન્યાયની આખી ગણતરી હજુ બાકી છે; કારણ કે સત્કર્મ તો વિધાતાના મરણતોલ લેખને પણ માત્ર એક નાની ઈજામાં બદલી નાખવાની તાકાત ધરાવે છે.
પરમ શાંતિના ધામ એવા ક્ષીરસાગરમાં, અનંત શયન પર બિરાજમાન સૃષ્ટિના પાલનહાર ભગવાન શ્રીહરિ વિષ્ણુના ચરણોમાં વંદન કરી દેવર્ષિ નારદ પ્રગટ થયા. નારદજીના મુખ પર હંમેશની પ્રસન્નતા ગાયબ હતી, ત્યાં એક ગહન ચિંતા અને પ્રશ્નાર્થ ચિહ્ન અંકિત થયેલું હતું.
જગતગુરુ નારદજીની વ્યાકુળતા જોઈને પ્રભુએ સ્મિત સાથે પૂછ્યું, "હે દેવર્ષિ! વૈકુંઠમાં આપનું સ્વાગત છે. પરંતુ આપના વદન પર આ ચિંતાની રેખાઓ કેમ? મૃત્યુલોકના શું સમાચાર છે?"
નારદજીએ હાથ જોડીને કહ્યું, "પ્રભુ! ક્ષમા કરજો, પણ પૃથ્વીલોક પર હવે કર્મ નો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે. ત્યાં ધર્મના માર્ગ પર ચાલનારાઓને દુઃખ અને કષ્ટ ભોગવવું પડે છે, જ્યારે પાપ આચરનારાઓ વૈભવ અને સુખ ભોગવી રહ્યા છે. નીતિ અને અનિતિનો ભેદ ભૂંસાઈ રહ્યો છે!"
कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः ।
अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः ॥(श्रीमद्भगवद्गीता - अध्याय 4, श्लोक 17)
કર્મનું સ્વરૂપ પણ જાણવા જેવું છે, અકર્મનું (કર્મ ન કરવાના ભાવનું) સ્વરૂપ પણ જાણવા જેવું છે, અને વિકર્મનું (નિષિદ્ધ કે ખોટા કર્મનું) સ્વરૂપ પણ જાણવા જેવું છે; કારણ કે કર્મની ગતિ અત્યંત ગહન (ગૂઢ અને સમજવામાં અઘરી) છે.
ભગવાન વિષ્ણુએ શાંતિથી કહ્યું, "એવું નથી દેવર્ષિ. આ સંસારમાં જે કંઈ પણ ઘટે છે, તે બધું નિયતિ અને કર્મના અટલ સિદ્ધાંતોને આધીન છે. વિધાતાનો ન્યાય ક્યારેય ચૂકતો નથી."
નારદજીએ દલીલ કરી, "ના પ્રભુ! હું અત્યારે જ આંખે જોઈને આવી રહ્યો છું. પ્રત્યક્ષને પ્રમાણની શું જરૂર? જો આપનો ન્યાય સાચો હોય, તો પાપીને દંડ અને પુણ્યશાળીને પુરસ્કાર મળવો જોઈએ. પણ ત્યાં તો ગંગા ઊંધી વહી રહી છે."
શ્રીહરિએ સસ્મિત કહ્યું, "તો વિગતવાર કહો મુનિરાજ, આપે એવું તે શું જોયું જેણે આપની બુદ્ધિને પણ ભ્રમિત કરી દીધી?"
નારદજીએ કથા આરંભી: "પ્રભુ, હજુ હમણાં જ હું પૃથ્વીના એક ઘનઘોર જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં મેં જોયું કે એક અસહાય ગાય દલદલમાં ફસાઈ ગઈ હતી. તે તરફડિયાં મારી રહી હતી, પણ તેને બચાવવા વાળું કોઈ નહોતું. એ જ સમયે ત્યાંથી એક રીઢો ચોર પસાર થયો. ગાયને કષ્ટમાં જોઈને પણ તેનું હૃદય ન પીગળ્યું. ઉલટાનું, તેણે ગાયની પીઠ પર પગ મૂક્યો અને દલદલ ઓળંગીને આગળ વધી ગયો! 'જેના ચિત્તમાં ચોરી, તેને ન આવે દયા કોરી' - એ ચોર આગળ વધ્યો તો રસ્તામાં તેને સોનાના સિક્કાઓથી ભરેલી એક કોથળી મળી!"
यस्मिन्नेव कुले जातः कीर्तिं याति नरः स्वकैः।
स कीर्त्या पूज्यते लोके न शरीरमुपचयात्॥
માણસ પોતાના સત્કર્મો અને કીર્તિથી જ લોકમાં પૂજાય છે, શરીરના કદથી નહીં. પરંતુ અહીં તો પાપી પૂજાઈ રહ્યો હોય તેમ લાગ્યું!
નારદજીએ આગળ કહ્યું, "થોડીવાર પછી, એ જ માર્ગ પરથી એક વૃદ્ધ સાધુ પસાર થયા. ગાયને આક્રંદ કરતી જોઈને તેમનું કારુણ્ય સભર હૃદય દ્રવી ઊઠ્યું. 'દયા ધર્મ કા મૂલ હૈ'. સાધુએ પોતાના જીવની પરવા કર્યા વિના, આખા શરીરનું જોર લગાવીને એ ગાયને દલદલમાંથી બહાર કાઢી, નવજીવન આપ્યું. પરંતુ વિડંબના તો જુઓ પ્રભુ! એ પરોપકારી સાધુ જેવા બે ડગલાં આગળ વધ્યા, ત્યાં જ રસ્તામાં એક ઊંડા ખાડામાં પડી ગયા અને ગંભીર રીતે ઘાયલ થયા! પ્રભુ, આ કેવો અન્યાય? ચોરને ચોરીનું ઇનામ અને સાધુને પરોપકારની સજા?"
દેવર્ષિ નારદની વાત સાંભળીને લીલાધર શ્રીકૃષ્ણ-વિષ્ણુ હસ્યા અને બોલ્યા, "હે નારદ! તમે જે જોયું તે અર્ધસત્ય છે, અને અર્ધજ્ઞાન હંમેશા ભ્રમ પેદા કરે છે. હવે તે ઘટના પાછળનું કર્મનું વિજ્ઞાન સાંભળો."
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥ (શ્રીમદ ભગવદ ગીતા)
તારો અધિકાર માત્ર કર્મ કરવામાં જ છે, તેના ફળોમાં ક્યારેય નહીં. તું કર્મના ફળની ઈચ્છા વાળો ન થા, અને કર્મ ન કરવામાં પણ તારી આસક્તિ ન હોવી જોઈએ.
ભગવાને રહસ્યસ્ફોટ કરતા કહ્યું, "તે ચોરે પૂર્વજન્મમાં એવા મહાન પુણ્ય કર્યા હતા કે તેના પ્રારબ્ધમાં (ભાગ્યમાં) આજે એક મોટો ગુપ્ત ખજાનો મળવાનો હતો. પરંતુ, ગાય પ્રત્યેની તેની નિર્દયતા અને તેના પર પગ મૂકવાના મહાપાપને કારણે તેનું પુણ્ય ક્ષીણ થઈ ગયું. પરિણામે, ખજાનાના બદલે તેને માત્ર થોડાક જ સોનાના સિક્કા મળ્યા. તેનું ભાગ્ય તેના પાપકર્મને કારણે સંકોચાઈ ગયું!"
"બીજી તરફ, તે વૃદ્ધ સાધુના પ્રારબ્ધમાં આજે પૂર્વજન્મના કોઈ ભયાનક પાપને કારણે 'મૃત્યુયોગ' લખાયેલો હતો. આજે તેમનું મૃત્યુ નિશ્ચિત હતું. પરંતુ, તેમણે અસહાય ગાયના પ્રાણ બચાવીને જે સર્વોચ્ચ પુણ્ય કમાવ્યું, તેનાથી તેમનું મૃત્યુ એક નાની અમથી ચોટમાં બદલાઈ ગયું! ગાયના આશીર્વાદે તેમના મૃત્યુના પાશને માત્ર એક સાધારણ ખાડાના ઘામાં પરિવર્તિત કરી દીધો."
नमस्यामो देवान् ननु हतविधेस्तेऽपि वशगाः।
विधिवन्द्यः सोऽपि प्रतिनियतकमैकफलदः॥
फलं कर्मायत्तं यदि किममरैः किं च विधिना।
नमस्तत्कर्मभ्यो विधि रपि न येभ्यः प्रभवति॥ ભર્તૃહરિ
અમે દેવોને નમન કરીએ છીએ, પણ તેઓ પણ વિધાતા (ભાગ્ય) ને આધીન છે. જો વિધાતા કર્મોના આધારે જ ફળ આપે છે, તો દેવો કે બ્રહ્માની શું જરૂર? એટલે તે કર્મોને જ નમસ્કાર છે, જેની સામે વિધાતાની સત્તા પણ ચાલી શકતી નથી!
માણસનું ભાગ્ય એ બીજું કંઈ નથી, પણ તેના જ પૂર્વ કર્મોની કમાણી છે. જે લોકો એમ કહે છે કે 'ભાગ્ય જ બધું છે', તેઓ પલાયનવાદી છે. અને જેઓ કહે છે કે 'ભાગ્ય કંઈ નથી', તેઓ વાસ્તવિકવાદી . સત્ય એ છે કે માણસ કર્મ અને ભાગ્ય નામના બે પૈડાંની ધરી પર આખું જીવન વિતાવે છે.
"જેવું વાવશો તેવું લણશો" અને "કર્મની ગતિ ન્યારી". માણસ પોતાના પુરુષાર્થ દ્વારા હાથની રેખા બદલી શકે છે.
કર્મનો દીવો પ્રગટાવીને, ભાગ્યના અંધારા હટાવી શકાય છે,
વાવીને મહેનતના બીજ, પથ્થરમાંથી પણ ઝરણું વહાવી શકાય છે.
રેખાઓ હાથની ભલે ગમે તે કહેતી હોય ઓ મુસાફિર,
પરસેવાની બુંદથી તો વિધાતાનું લખાણ પણ બદલી શકાય છે.
દુનિયાનો નિયમ છે કે એક દિવસ આ જગતને અલવિદા કહીને સૌએ જવાનું જ છે. સાથે માત્ર ધર્મ અને કર્મોનું ભાથું જ આવે છે. તેથી, ફળની ચિંતા છોડીને સતત સત્કર્મ કરતા રહેવું જોઈએ, કારણ કે સત્કર્મમાં એ તાકાત છે જે પ્રારબ્ધના લેખને પણ મેખ મારી શકે છે.
आयुः कर्म च वित्तं च विद्या निधनमेव च।
पञ्चैतानि हि सृज्यन्ते गर्भस्थस्यैव देहिनः॥ચાણક્ય નીતિ
આયુષ્ય, કર્મ, ધન, વિદ્યા અને મૃત્યુ—આ પાંચ વસ્તુઓ જીવ જ્યારે ગર્ભમાં હોય ત્યારે જ નક્કી થઈ જાય છે, પરંતુ વર્તમાનના શ્રેષ્ઠ કર્મો આ પ્રારબ્ધને પણ ભોગવવાની ક્ષમતા અને દિશા બદલી નાખે છે.