જ્યાં અહંકાર પોતે જ પોતાને 'શ્રેષ્ઠ' સાબિત કરવા ભટકતો રહ્યો,ત્યાં સાચી વિનમ્રતાએ એક આખા ગામને ઈશ્વરનું સરનામું બનાવી દીધું!
એક સમયની વાત છે. આકાશેથી વરસી રહેલા સૂર્યના તેજ જેવો જ ઓજસ્વી અને મનથી ગંગાના જળ જેવો પવિત્ર એક વૈષ્ણવ હતો. તેનું જીવન અત્યંત સરળ, સાત્ત્વિક અને સુવાસિત હતું. તેના હૃદયમાં કરુણાનો મહાસાગર ઘૂઘવતો હતો. તે કદી કોઈનું અહિત નહોતો ઈચ્છતો અને અન્યોના દુઃખે સદાય દુઃખી થઈ તેમની સેવામાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દેતો હતો.
પરંતુ, માનવસહજ નબળાઈ કહો કે અજ્ઞાનની અદ્રશ્ય રેખા, તેના મનમાં એક સૂક્ષ્મ અહંકાર ઘર કરી ગયો હતો. તેને પોતાના પરમ વૈષ્ણવ હોવા પર, પોતાના સદાચાર પર અને પોતાની ભક્તિ પર ભારે ગર્વ હતો. તે માનતો હતો કે મારા જેવો શ્રેષ્ઠ હરિભક્ત આ સંસારમાં બીજો કોણ હોઈ શકે? શાસ્ત્રોમાં પણ કથિત છે કે મિથ્યા અભિમાન મનુષ્યના જ્ઞાનને પણ ઢાંકી દે છે:
यस्यास्ति वित्तं स नरः कुलीनः स पण्डितः स श्रुतवान् गुणज्ञः।
स एव वक्ता स च दर्शनीयः सर्वे गुणाः काञ्चनमाश्रयन्ति॥ — નીતિશતક ભર્તૃહરિ
જેની પાસે ધન (કે પોતાના સદ્ગુણોનું અભિમાન) હોય છે, તે જ પોતાની જાતને કુલીન, પંડિત, ગુણવાન અને વક્તા માની બેસે છે; પરંતુ વાસ્તવિક ગુણો તો વિનમ્રતામાં જ વસે છે.
એકવાર આ વૈષ્ણવ હરિનામનું સ્મરણ કરતો કરતો પવિત્ર ધામ મથુરા તરફ પ્રયાણ કરી રહ્યો હતો. પંથ કાપતા કાપતા ક્યારે દિવસ આથમી ગયો અને સંધ્યાકાળના અંધકારે પૃથ્વીને પોતાના ખોળામાં લઈ લીધી, તેની તેને ખબર જ ન રહી. ચારેતરફ અંધકાર ઘેરાવા લાગ્યો હતો અને સામે જ એક અજાણ્યું નાનકડું ગામડું દેખાયું. વૈષ્ણવે મનોમન સંકલ્પ કર્યો કે રાત્રિ વિશ્રામ આ ગામમાં જ કરવો.
એ જમાનામાં માણસ પગપાળા જ યાત્રા નો પ્રવાસ કરતો. વાહન વ્યવહાર ના સાધનો કે હોટેલો ના હતી. મંદિર કે પછી કોઈ ધર્મશાળા માં ઉતારો કરવો પડતો અને એ પણ જો ગામમાં હોય તો.
પરંતુ તેના મનનો અહંકાર હજી જાગૃત હતો. તેણે વિચાર્યું, "હું કોઈ સામાન્ય સંસારીના ઘરે ન રોકાઈ શકું. હું તો પરમ વૈષ્ણવ છું, એટલે કોઈ વૈષ્ણવના દ્વારે જ આશ્રય લઈશ."
ગામના પાદરે પહોંચી તેણે રસ્તામાં મળેલા એક વટેમાર્ગુને પૂછ્યું. વટેમાર્ગુએ હસીને કહ્યું, "અરે પથિક! આ તો આખું ગામ જ વૈષ્ણવોનું છે. તમે ગમે તે દ્વારે ટકોરો મારો, તમને નિરાશા નહીં મળે." આ સાંભળી વૈષ્ણવ હરખાયો. તે ગામના પહેલા જ ઘરના આંગણે ગયો અને દ્વાર ખખડાવીને સસ્વર સાદ દીધો: "મેં સાંભળ્યું છે કે આ ગામમાં બધા જ વૈષ્ણવ છે. હું પણ એક ઉચ્ચ કોટિનો વૈષ્ણવ છું અને મથુરા જઈ રહ્યો છું. રાતવાસો કરવા માટે મને આપના ઘરે આશ્રય મળી શકે?"
તે જ ક્ષણે ઘરનો નમ્ર માલિક બહાર આવ્યો. તેણે વૈષ્ણવના ચરણોમાં વંદન કર્યા અને અત્યંત મધુર વાણીમાં કહ્યું, "હે આદરણીય પથિકજી! આપ અમારા દ્વારે પધાર્યા, એ અમારા અહોભાગ્ય. આપનું હાર્દિક સ્વાગત છે. પરંતુ, આપ માત્ર વૈષ્ણવના ઘરે જ રોકાવા ઈચ્છો છો, તેથી મારું કર્તવ્ય છે કે આપને સત્ય જણાવી દઉં— આખા ગામમાં મને છોડીને બાકીના બધા જ સાચા વૈષ્ણવ છે. હું તો એક સામાન્ય જીવ છું. આપ કોઈ પવિત્ર વૈષ્ણવના ઘરે પધારો તો વધુ યોગ્ય રહેશે."
વૈષ્ણવ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે તે ગૃહસ્થને નમસ્કાર કર્યા અને આગળ વધ્યો.
તે બીજા ઘરના દ્વારે પહોંચ્યો. ત્યાં પણ તેણે એ જ રાગ આલાપ્યો કે પોતે વૈષ્ણવ છે અને કોઈ વૈષ્ણવના ઘરે આશ્રય ઝંખે છે. આશ્ચર્ય વચ્ચે, ત્યાંના ગૃહસ્થ પણ હાથ જોડીને બોલ્યા:
"હે મહાત્મન! આપનું સ્વાગત છે, પણ આ ગામમાં માત્ર હું જ અધમ છું, બાકી આખું ગામ વૈષ્ણવ ભક્તોથી ભરેલું છે. આપ કોઈ સજ્જનના ઘરે આશ્રય લો તો આપની પવિત્રતા જળવાઈ રહેશે."
ત્યારબાદ ત્રીજા, ચોથા, પાંચમા... એમ કરતાં કરતાં વૈષ્ણવ આખા ગામના ઘરે-ઘરે ભટક્યો. ગામના છેલ્લા ઘરના માલિકે પણ અત્યંત વિનમ્રતાપૂર્વક નમન કરીને એ જ ઉત્તર આપ્યો:
"હું જ આ ગામમાં એકમાત્ર અપવિત્ર જીવ છું, બાકી આખું ગામ પરમ વૈષ્ણવ છે."
હવે વૈષ્ણવ ભારે મૂંઝવણમાં મુકાયો. તેના માથા પર જાણે આભ તૂટી પડ્યું. તેની બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ. જે ગામ માટે એવું સાંભળ્યું હતું કે 'બધા જ વૈષ્ણવ છે', ત્યાં પ્રત્યક્ષ જોયું તો કોઈ પોતાને વૈષ્ણવ કહેવા તૈયાર જ નહોતું!
થાકેલો, હારેલો અને તરસ્યો વૈષ્ણવ હવે ક્યાં જાય? ત્યારે જ અંધકારમાં તેને દૂર એક મંદિરના શિખર પર લહેરાતી ધ્વજા અને ટમટમતો દીવો દેખાયો. તે આશાભેર ચરણો ઉપાડી મંદિર તરફ દોડ્યો.
મંદિરમાં એક વયોવૃદ્ધ, તેજસ્વી પૂજારીજી ભગવાનની સેવામાં લીન હતા. વૈષ્ણવે તેમની સમક્ષ જઈ સાષ્ટાંગ પ્રણામ કર્યા અને અત્યંત વ્યાકુળ હૃદયે પોતાની સમગ્ર કથા કહી સંભળાવી અને પૂછ્યું, "હે દેવ! આ કેવું રહસ્ય છે? આખું ગામ બીજાને વૈષ્ણવ કહે છે, પણ કોઈ પોતાને વૈષ્ણવ સ્વીકારવા તૈયાર નથી! શું આ ગામમાં કોઈ સાચો વૈષ્ણવ નથી?"
પૂજારીજીના ચહેરા પર એક પવિત્ર, મંદ હાસ્ય રેલાઈ ગયું. તેમણે પથિકના માથા પર હાથ મૂક્યો અને શાસ્ત્રોક્ત વાણીમાં જીવનનું પરમ સત્ય સમજાવતા કહ્યું:
तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना।
अमानिना मानदेन कीर्तनीयः सदा हरिः॥ — શ્રી ચૈતન્ય ચરિત્રામૃત
જે મનુષ્ય ઘાસના તણખલા કરતાં પણ પોતાને નાનો (વિનમ્ર) માને છે, વૃક્ષ સમાન સહનશીલ બને છે, પોતાના માટે કોઈ સન્માનની અપેક્ષા નથી રાખતો પરંતુ અન્યોને આદર આપે છે, તે જ સદા હરિનામ લેવાને લાયક બને છે અને તે જ સાચો વૈષ્ણવ છે.
गृहीतविष्णुदीक्षाको विष्णुपूजापरो नरः ।
वैष्णवोऽभिहितोऽभिज्ञैरितरोऽस्मादवैष्णवः ॥ હરિભક્તિવિલાસ -પદ્મપુરાણ
જે વ્યક્તિએ વિષ્ણુ મંત્રની દીક્ષા લીધી હોય અને વિષ્ણુની પૂજામાં સંપૂર્ણપણે તલ્લીન હોય, તેને જ્ઞાનીઓ વૈષ્ણવ કહે છે. બીજા (જે આવું નથી કરતા) તે અવૈષ્ણવ છે.
दिवाकराभं सगुणं मुकुन्दं, भजन्ति ये वै प्रणतार्तिहरम्।
परदुःखदुःखी परमार्थसाधकः, स एव लोके स्मृत वैष्णवो जनः॥
બીજાના દુઃખો જોઈ પીગળનાર, નિઃસ્વાર્થ ભાવે પરોપકાર કરનાર અને સૂર્ય સમાન તેજસ્વી તેમજ શરણાગતવત્સલ ભગવાન વિષ્ણુની આરાધના કરનાર મનુષ્ય જ સાચો વૈષ્ણવ છે.
હવે વિષ્ણુ મંત્ર શું છે તે કહું.
विश् + णु (વિશ્ ધાતુ + ણુ પ્રત્યય)
· વિશતિ = વ્યાપે છે, પ્રવેશ કરે છે.
· વિષ્ણુ = સર્વવ્યાપક (સમગ્ર વિશ્વમાં વ્યાપી રહેલા), જે સર્વત્ર વ્યાપે છે.
विशं व्याप्नोति इति विष्णुः
જે સમગ્ર વિશ્વમાં વ્યાપી રહ્યા છે, તે વિષ્ણુ છે.
"विशति इति विष्णुः"
સંસ્કૃતનું એક પ્રમાણિત વ્યુત્પત્તિ સૂત્ર (શબ્દની ઉત્પત્તિ દર્શાવતું સૂત્ર)
"જે (સૃષ્ટિના કણ-કણમાં અને દરેક જીવની અંદર) પ્રવેશ કરે છે, તે જ વિષ્ણુ છે."
· વિશતિ: પ્રવેશ કરે છે (સંસ્કૃતની 'વિશ્' ધાતુ પરથી, જેનો અર્થ સમાઈ જવું કે પ્રવેશ કરવો થાય છે).
· ઇતિ: આ પ્રકારે / તેને જ.
· વિષ્ણુઃ: વિષ્ણુ કહેવામાં આવે છે.
ઈશ્વર સંસારથી અલગ ક્યાંય બહાર નથી બેઠા, પરંતુ તેઓ આ બ્રહ્માંડની દરેક સજીવ અને નિર્જીવ વસ્તુની અંદર ઊર્જા અને આત્માના રૂપમાં રચેલા-સમાયેલા) છે.
વિષ્ણુ એ સર્વવ્યાપી, સર્વસમર્થ, સૃષ્ટિના પાલક પરમાત્મા છે. તેઓ સત્ત્વગુણના અધિષ્ઠાતા છે અને રામ-કૃષ્ણ જેવા અવતારો ધારણ કરીને ધર્મનું સંરક્ષણ કરે છે.
આવા વિષ્ણુ ને જે ધારણ કરે છે તે વૈષ્ણવ છે.
પૂજારીજી આગળ બોલ્યા, "બેટા! તું હજી વૈષ્ણવતાનો સાચો અર્થ સમજ્યો જ નથી. આ સંસારમાં જે ભલો માણસ છે, જે વિનમ્રતાની મૂર્તિ છે, તે જ સાચો વૈષ્ણવ છે. સાચો વૈષ્ણવ ક્યારેય પોતાના મુખેથી પોતાની મહાનતાની બડાઈ નથી હાંકતો. અરે, સદ્ગુણોની સુવાસ તો આપોઆપ ફેલાય છે, તેને સાબિત કરવાની જરૂર નથી હોતી."
अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च।
निर्ममो निरहंकारः समदुःखसुखः क्षमी॥— श्रीमद्भगवद्गीता (१२.१३)
જે કોઈ જીવ પ્રત્યે દ્વેષભાવ નથી રાખતો, સૌનો મિત્ર અને દયાળુ છે, મમતા અને અહંકારથી રહિત છે, સુખ-દુઃખમાં સમાન રહે છે અને ક્ષમાશીલ છે, તે જ મારો પ્રિય ભક્ત છે.
પૂજારીજીની આ અમૃતવાણી સાંભળતા જ વૈષ્ણવના હૃદયમાં જ્ઞાનનો સૂર્યોદય થયો. તેના મનનો અહંકાર ઓગળીને આંસુ વાટે વહી ગયો. તેને સમજાયું કે ગામના લોકો પોતાની જાતને નાની ગણાવીને જ વાસ્તવમાં કેટલા મહાન હતા!
હું-પણાની રાખ પર જે નમ્રતાની બાગ રોપે,
ઈશના દરબારમાં એ ભક્ત આસન સદા શોભે;
બોલવું ના હોય કંઈ બસ આચરણ બોલી ઉઠે,
એ જ સાચો વૈષ્ણવ જે અહંકારને ક્ષણમાં લૂંટે.
વૈષ્ણવને હવે ગામલોકોની પરમ વૈષ્ણવતા સમજાઈ ગઈ હતી. ગામલોકોના નમ્ર વ્યવહારે વૈષ્ણવના અહંકારના રોગને ક્ષણભરમાં મટાડી દીધો હતો. તે તે જ રાત્રે ગામના એક ઓટલા પર પરમ શાંતિથી સૂઈ ગયો, કારણ કે હવે તેનું મન પણ પવિત્ર અને નિરહંકારી બની ગયું હતું.