Hrudayasth bhagvananao sparsh in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | હૃદયસ્થ ભગવાન નો સ્પર્શ

Featured Books
Categories
Share

હૃદયસ્થ ભગવાન નો સ્પર્શ

"જો પરમાત્માને માત્ર પોતાની પસંદગીના પાત્રમાં જ શોધશો તો છેતરાઈ જશો; સાચો ભક્ત એ જ છે જે ક્રોધિત આખલાની ટક્કર પહેલાં, બચાવવા આવેલા બાળકમાં પણ રામને ઓળખી લે!"
 

 

 

 

 

શ્રી રામકથાના અમૃતરસથી સમગ્ર ભારતવર્ષને સરોબોર કરનાર અમર સંત કવિ ગોસ્વામી તુલસીદાસજી પૂર્ણ નિષ્ઠા અને ભક્તિભાવથી 'રામચરિતમાનસ'ની રચના કરી રહ્યા હતા. વાતાવરણમાં એક અદભુત દિવ્યતા હતી. કલમના દરેક ઘૂંટડા સાથે રામનામનો જપ થઈ રહ્યો હતો. એ જ ભાવવિભોર અવસ્થામાં તુલસીદાસજીના હૃદયમાંથી એક અદ્ભુત ચોપાઈ પ્રગટી:

 

सिय राम मय सब जग जानी।

करहु प्रणाम जोरी जुग पानी॥

આ સમગ્ર સંસારમાં સીતારામજીનો જ વાસ છે. સૃષ્ટિના કણેકણમાં પરમાત્મા વ્યાપ્ત છે, તેથી આપણે સૌને બે હાથ જોડીને પ્રણામ કરવા જોઈએ.

 

આ સુંદર ચિંતન લખ્યા પછી, કવિશ્રી થાક ઉતારવા અને વિશ્રામ કરવા પોતાના ઘર તરફ ચાલ્યા. બપોરનો સમય હતો, સૂર્યદેવ તપી રહ્યા હતા અને તુલસીદાસજી ભક્તિના આનંદમાં લીન થઈને આગળ વધી રહ્યા હતા.

 

ત્યાં જ રસ્તામાં એક નાનો બાળ ગોવાળિયો દોડતો આવ્યો. તેના ચહેરા પર ભય અને કાળજીના ભાવ હતા. તેણે તુલસીદાસજીને અટકાવતા કહ્યું, "ઓ મહારાજ! આગળના રસ્તેથી ના જશો! એક પાડા જેવો કાળઝાળ આખલો પાગલ થઈને લોકોને શિંગડે ચડાવી રહ્યો છે! અને તમે તો વળી ભગવાં વસ્ત્રો પહેર્યાં છે, રાતો રંગ જોઈને એ વધુ ભડકશે. કૃપા કરીને આ રસ્તે ના જશો, પાછા ફરી જાઓ!"

પરંતુ તુલસીદાસજીના મનમાં તો હજી હમણાં જ લખેલી ચોપાઈનો ભાવ  હ્રદયમાં સ્થિર થઇ ગયો હતો. તેમણે મનોમન વિચાર્યું, "આ કાલનો બાળક મને બોધ આપવા નીકળ્યો છે! મને ખબર છે કે સૃષ્ટિના અણુ-અણુમાં રામ વસે છે. જો એ આખલામાં પણ રામ છે, તો હું એને હાથ જોડીશ, રામનામનું સ્મરણ કરીશ અને એ શાંત થઈ જશે."

 

અહીં તુલસીદાસજી અતિ-આત્મવિશ્વાસમાં આવીને આગળ વધી ગયા. જેવો તેમણે આખલા સામે હાથ જોડી પ્રણામ કરવાનો પ્રયત્ન કર્યો, ત્યાં જ ક્રોધે ભરાયેલા આખલાએ એક જોરદાર ટક્કર મારી! તુલસીદાસજી જમીન પર પટકાઈ પડ્યા, કપડાં ધૂળધાણી થઈ ગયાં અને શરીર દર્દથી કણસી ઊઠ્યું.

 

ક્રોધ અને ક્ષોભથી ભરેલા તુલસીદાસજી પોતાના ઘર જવાને બદલે સીધા કૂટીરે પહોંચ્યા. તેમણે કલમ ઉપાડી અને હમણાં જ લખેલી ચોપાઈવાળું પાનું ફાડવા લાગ્યા. તેમના મનમાં ભારે રોષ હતો કે "જો મારા રામ દરેક જીવમાં છે, તો પછી મને આ દુર્ગતિ શા માટે મળી? આ ચોપાઈ ખોટી છે!"

 

બરાબર એ જ ક્ષણે કૂટીરમાં એક દિવ્ય પ્રકાશ પથરાયો. પવનપુત્ર શ્રી હનુમાનજી પ્રગટ થયા! તેમણે તુલસીદાસજીનો હાથ પકડી લીધો અને સ્નિગ્ધ વાણીમાં પૂછ્યું, "હે કવિશ્રેષ્ઠ! આ શું કરી રહ્યા છો?"

તુલસીદાસજીએ ક્રોધથી ધ્રૂજતા અવાજે આખી ઘટના કહી સંભળાવી અને કહ્યું, "આ ચોપાઈ મિથ્યા છે! જો સર્વત્ર રામ હોય તો મને અહિત કેમ પહોંચ્યું?"

 

હનુમાનજી મંદ-મંદ મલકાયા. તેમની આંખોમાં અમૃત જેવી કરુણા હતી. તેમણે તુલસીદાસજીના ખભા પર હાથ મૂકીને કહ્યું, "હે તુલસીદાસ! તમારી ચોપાઈ સો ટચના સોના જેવી સત્ય છે. પણ તમારી દ્રષ્ટિમાં ચૂક થઈ ગઈ. તમે એ ક્રોધિત આખલામાં તો રામને જોયા, પણ તમને બચાવવા માટે બાળકના રૂપમાં પધારેલા સાક્ષાત્ રામજીને કેમ ના ઓળખી શક્યા? ભગવાને તો એ ગોવાળિયાના રૂપે આવીને તમને પહેલાં જ સાવચેત કર્યા હતા!"

 

આ સાંભળતાં જ તુલસીદાસજીના આંખ પરથી અજ્ઞાનનો પડદો હટી ગયો. તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ. વિવેક વિનાનું જ્ઞાન કેવું નકામું નિવડે છે.

 

अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः।
सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः॥ (ભગવદ્ ગીતા ૧૨.૧૬)

 

જે ભક્ત કોઈપણ પ્રકારની અપેક્ષા રાખતો નથી, અંતઃકરણ અને આચરણથી પવિત્ર છે, પોતાના કર્તવ્યમાં કુશળ છે, પક્ષપાતરહિત અને તટસ્થ છે, સુખ-દુઃખની વ્યથાથી પર છે, તથા અહંકારપ્રેરિત અને સ્વાર્થમૂલક તમામ આરંભો (દેખાડા, અભિમાન અથવા ફળની લાલસાથી કરાતા કાર્યો)નો ત્યાગ કરનાર છે— એવો મારો ભક્ત મને અત્યંત પ્રિય છે.

दक्षः — કર્તવ્યનિષ્ઠ, કુશળ, જાગૃત. ભગવાનને દક્ષ લોકો પસંદ છે.

 

તુલસીદાસજી ભાવમય થી હનુમાનજીના ચરણોમાં ઢળી પડ્યા.

 

રોમ રોમમાં રામ વસે છે, સમજણ વિના ન ભાળી શકાય,

બાળરૂપે આવ્યા કરુણાનિધાન, અહંકારમાં ન ઓળખી શકાય.

મૂર્ખતાના પડદા હટ્યા ત્યારે, પ્રગટી સત્યની જ્યોત અખંડ,

જે વિવેકથી રામને ભજે, તેને ન નડે આ જગત બ્રહ્માંડ.

હનુમાનજીના દિવ્ય બોધથી તુલસીદાસજીનું મન શાંત થઈ ગયું. તેમણે પવિત્ર ભાવથી એ ચોપાઈને પુનઃ હૃદયમાં ધારણ કરી અને ભક્તિના પરમ આનંદમાં લીન થઈ ગયા.