લેખ:- ગણપતિ બાપ્પાને પત્ર
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
વંદનીય ગણપતિ બાપ્પા,
મારાં પ્રણામ સ્વીકારજો. આશા રાખું કે હેમખેમ ઘરે પહોંચી ગયા હશો. આમ તો જાણું જ છું કે નહીં જ પહોંચ્યા હોવ! જે રીતે આનંદ ચૌદસનાં દિવસે વિસર્જન થઈ ગયા બાદ બીજા દિવસે વિડીયો અને ફોટા આવ્યાં એ જોતાં તો હૈયું કંપી ઉઠે છે. કેટલાંક લોકો તમારી મૂર્તિ કીચડમાં નાંખીને જતાં રહ્યાં હતાં, કેટલાકે મૂર્તિઓ પાણીમાં છુટ્ટી ફેંકી હતી, તો કેટલાંક વીડિયોમાં તો તમારી મૂર્તિનું વજન સહન ન થતાં એને તોડીને પછી એનું વિસર્જન કરતાં હોય એવા વિડીયો પણ જોવા મળ્યાં. ખરેખર, ખૂબ જ દુઃખ અનુભવ્યું.
અન્ય એક વિડીયોમાં તમારુ વિસર્જન કરનાર ભક્ત તમારી જ ઉપર દોડાદોડ કરતો નજરે પડ્યો. જો આ બધાં દ્રશ્યો જોઈને હું આટલી હચમચી ગઈ હોઉં તો તમે તો આ બધું સહન કર્યું છે! તમારી શી હાલત થઈ હશે? મને તો કલ્પના કરતાં ય ધ્રુજારી આવી જાય છે! ચાલો, છોડો આ બધી વાત! આનાથી તમને માંડ માંડ ભૂલવા પ્રયત્ન કરેલી વાતો ફરીથી યાદ આવી જશે.
પણ બાપ્પા, એક વાત તો નક્કી! તમને ચોક્ક્સ હમણાં તમારા ઘરે શાંતિનો અનુભવ થતો હશે. તમારા આગમનથી લઈને વિસર્જન સુધીની પ્રક્રિયામાં જે રીતે બધાં લોકોએ જોરશોરથી ડીજે વગાડી તમારું માથું દુઃખવ્યું એને હવે રાહત મળી હશે. સુંદર મજાનાં કર્ણપ્રિય ભજનો છોડીને કેવાં કેવાં ગીતો તમારાં મંડપમાં વાગ્યા હતાં એ તો તમને ખબર જ છે! છપ્પનભોગમાં તમને થમ્સ અપ, કોકા કોલા, ચાઈનીઝ, મેક્સિકન અને કેવી કેવી વાનગીઓ ધરાવી એ પણ તમને ખબર છે. ખબર નહીં તમને ભાવી પણ હશે કે નહીં? ખાધી હતી ખરી તમે? હવે તો ખુશ હશો ને, માતાનાં હાથનું ભોજન મળતું હશે તમને!
તમારાં નામ પર અને તમારાં તહેવારની ઉજવણીના ભાગરૂપે જેમની આર્થિક તાકાત ન હોય એવા લોકો પાસે પણ પૈસાની ઉઘરાણી કરાઈ હશે. તમને ચોક્ક્સ જ એ ન ગમ્યું હોય! મોટો મોટો દેખાડો કરવાને બદલે સાદાઈથી તહેવાર ઉજવ્યો હોય તો પણ મને નથી લાગતું કે તમને ન ગમે! તમે એમાં ય રાજી જ થઈ જાઓ. મોટા મોટા મંડપો બાંધી, ભવ્ય રીતે અલગ અલગ થીમ પર ડેકોરેશન તો બધાંએ ઘણું કર્યું, પણ તકલીફ એક જ વાતની થઈ કે આમાં તમે તો ક્યાંય પાછળ રહી ગયા! લોકો આખો મંડપ અને એની ભવ્યતામાં જ એવા મંત્રમુગ્ધ થઈ જાય છે કે તમારા સુધી આવીને તો માત્ર હાથ જોડીને નીકળી જાય છે. કેટલાં બધાંને તો તમારી મૂર્તિ કેવી હતી એ પણ યાદ નથી હોતું. મારા જેવા તો માત્ર તમારાં દર્શન કરવા મળે એ હેતુથી જ ફરતાં હોય. એને તો આવા મંડપોથી અકળામણ જ થાય છે. આયોજકો મંડપ અને ડેકોરેશન તો શાંતિથી જોવા દે છે, પણ જેવા અમે તમારાં દર્શન માટે તમારી નજીક પહોંચીએ કે તરત જ "જલદી આગળ વધો" કરીને તમને સરખું નીરખવા દીધાં વગર જ બહાર કાઢી મૂકે છે. આવામાં તમે જ કહો કે હું આ આયોજનને દેખાડો ન કહું તો શું કહું?
હજુ તો ઘણું બધું લખવાની ઈચ્છા છે. પણ પછી થાય છે કે તમને એમ થશે કે, "આણે મને પત્ર લખ્યો છે કે પોતાનો ઉભરો ઠાલવ્યો છે?" એટલે હવે વધારે ન લખતાં પત્ર અહીં જ સમાપ્ત કરું છું.
સમાપનમાં એટલી પ્રાર્થના કરું છું કે ભલે પરિસ્થિતિ ગમે એ હોય, તમે તમારાં આશિર્વાદ તમારાં સાચાં ભક્તોને સદાય આપતાં રહેજો. તમારાં ભક્તોની તકલીફમાં સદાય એમનું માર્ગદર્શન કરતાં રહેજો. એમને ખોટા રસ્તે જતાં અટકાવી સાચો માર્ગ બતાવજો.
લિ.
આદરસહ વંદન સાથે,
આપની ભક્ત સ્નેહલનાં પ્રણામ.