Incomplete Breath in Gujarati Drama by Ashish Dalal books and stories PDF | અધૂરા શ્વાસ - ભાગ ૬

Featured Books
Categories
Share

અધૂરા શ્વાસ - ભાગ ૬

અધૂરા શ્વાસ - ભાગ ૬ 

લાગણીઓના તાણાવાણા અને અતૂટ સમર્પણની અભય અને સિયા ની પ્રેમકથા

ઘર હવે માત્ર એક મકાન બની ચૂક્યું હતું જ્યાં ત્રણ માણસો સાથે રહેતાં પણ દિલો વચ્ચે જોજનોનું અંતર હતું. બા હવે આ પીડા સહન ન કરી શક્યાં એટલે એમણે કુટુંબના મોભી મોટા જેઠ-જેઠાણી (મોટા બાપુજી અને મોટી બા) ને ઘરે બોલાવ્યાં.

બપોરે બધાં હોલમાં બેઠાં. અભય ઓફિસથી આવ્યો ત્યારે પંચાયત જોઈ સમજી ગયો. મોટા બાપુજીએ કહ્યું, “અમે કોઈનો પક્ષ લેવા નથી આવ્યા, સમસ્યા શું છે એ જાણવા આવ્યા છીએ. લગ્ન એ કોઈ રમત નથી.” 

સિયાએ થાકેલા અવાજે કહ્યું, “મને ખબર છે આ રમત નથી, એટલે જ બધું અસહ્ય લાગે છે.” અભયે સાફ કહી દીધું, “સમસ્યા સીધી છે... આ સંબંધ માત્ર કાગળ પર છે. અમારા બંનેમાંથી કોઈ આ સંબંધમાં જીવતું નથી.”

બાએ રડતાં પૂછ્યું, “તારી તરફથી પણ નહીં અભય?” 

અભયે ધીમેથી કહ્યું, “હા બા... હવે મારી તરફથી પણ નહીં.” 

મોટી બાએ સિયાને પૂછ્યું ત્યારે સિયાએ નીચું જોઈ કહ્યું, “હું તો પહેલા દિવસથી જ આ સંબંધમાં નહોતી.” આખું ઘર સ્તબ્ધ થઈ ગયું. 

અભયે કહ્યું, “તો વાત અહીં જ પૂરી થઈ ગઈ.” બાએ કહ્યું, “આટલી સહેલાઈથી સંબંધ તૂટતા નથી.” અભયે આક્રોશમાં કહ્યું, “તો શું એકતરફી ઘસાઈને સંબંધ ચાલે? હું થાકી ગયો છું.” સિયાએ પણ કહ્યું, “અને હું પ્રયાસ કરવા નથી માંગતી.”

મોટા બાપુજી નિરાશ થઈને ઊભા થઈ ગયા, “જ્યાં બંનેએ જ દરવાજા બંધ કરી દીધા હોય ત્યાં અમે શું કરી શકીએ?” 

એમના ગયા પછી બા ભગવાન સામે રડી પડી. તે રાત્રે ત્રણેય પોતપોતાના રૂમમાં જાગતાં રહ્યાં. બંનેએ સંબંધનો અંત સ્વીકારી લીધો હતો, અને એ મૌન સ્વીકાર કોઈપણ ઝઘડા કરતાં વધુ દર્દનાક હતો.

xxxxxx

તે દિવસ પછી સિયા સાવ એકલી પડી ગઈ. રવિવારે બપોરે તે રૂમમાં માથું પકડીને બેઠી હતી. એના મનમાં એ જૂનો ચહેરો, કોલેજના દિવસો અને એ જૂઠો પ્રેમી તાજો થયો – જેણે કહ્યું હતું કે ‘હું તને ક્યારેય નહીં છોડું’ અને છેલ્લે મોં ફેરવી લીધું હતું કે ‘આ તો ખાલી ટાઈમપાસ હતો.’

સિયા દર્પણ સામે ઊભી રહીને રડી પડી. એને સમજાયું કે એ દગાબાજે એના આત્માને કચડી નાખ્યો હતો. પણ એ જ ક્ષણે એના મનમાં અભયનો શાંત, સમર્પિત ચહેરો ઊભરી આવ્યો. એણે વિચાર્યું, ‘મેં અભય સાથે શું કર્યું? એ મને સજા નહોતો આપતો, એ તો મને સમજવાની કોશિશ કરતો હતો... અને મેં એની સાથે એ જ વ્યવહાર કર્યો જે પેલાએ મારી સાથે કર્યો હતો! હું પણ એવી જ નિર્દય બની ગઈ.’

આ પશ્ચાત્તાપ એના હૃદયને વલોવી રહ્યો હતો. એના અહંકાર અને અપરાધભાવ વચ્ચે યુદ્ધ જામ્યું. એક અવાજ કહેતો હતો, ‘જા, અભયની માફી માંગી લે.’ બીજો અહંકાર કહેતો હતો, ‘ના, જો એણે ઠુકરાવી દીધી તો?’ એ દરવાજા સુધી ગઈ પણ પગ થંભી ગયા. તે પાછી વળી પલંગ પર બેસી ગઈ. તે પોતાના જ અતીત અને વર્તમાનના વંટોળમાં ડૂબી રહી હતી.

શું થશે હવે ?

શું ખરેખર સિયા અભય ને સોરી કહેશે? જો આમ થશે તો આ વાર્તા અહીં જ પૂર્ણ થઈ જશે. એવું પણ થાય કે અભય સામે થી સિયા ની મૂંજવળ જાણી ને સિયા ને એક ચાંસ આપે.

થવાનું તો કઈ પણ થઈ શકે છે પણ જે થવાનું છે એ ઈશ્વર ની મરજી વિના ના થઈ શકે. ઈશ્વર ની મરજી શું હશે એ જાણવાં નેક્સ્ટ અધ્યાય ....