Artificial Intelligence - 4 in Gujarati Motivational Stories by Ramesh Desai books and stories PDF | કુત્રિમ બુદ્ધિમતા - 4

Featured Books
Categories
Share

કુત્રિમ બુદ્ધિમતા - 4

                             :  પ્રકરણ - 4 :

         અનન્યાએ સીધો જ મારા પર વાક પ્રહાર કર્યો હતો.. સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો હતો.

         મેં કદી સજાગપણે અનન્યા માટે આવો વિચાર મનમાં આણ્યો નહોતો.

         મેં જે કાંઈ જોયું હતું, તેનું અજાણપણે મારાથી પુનરાવર્તન થઈ ગયું હતું. આને માટે તેમનો દ્વિરંગી વ્યવહાર જ નિમિત્ત બની ગયો હતો. મારા મામલામા તેઓ મારા શિક્ષક હતાં. તેમણે મને ખોટો પાઠ ભણાવ્યો હતો.

          મને અનન્યા પ્રત્યે અજીબો ગરીબ લગાવ થઈ ગયો હતો. હું તેને મળ્યા વગર, તેની સાથે બોલ્યા વગર રહી શકતો નહોતો.

          એક દિવસ સવારથી જ મેં અનન્યાને જોઈ નહોતી. આ વાતે હું અત્યંત બેચેન હતો. તે બહાર ગઈ હતી. મને તેની ખબર નહોતી. તેનો એક ગોડ ફાધર  દિવ્યેશ હતો. તેને બધી જાણ હતી.. અનન્યા તેને પૂછ્યા વિના પાણી પણ પીતી નહોતી.

           તે મારો પણ દોસ્ત હતો.. આખો વખત મારા ઘરે ઉઠતો બેસતો હતો. આ નાતે સ્વભાવિક મેં તેને પૃચ્છા કરી હતી. પણ તેણે મને કોઈ જવાબ આપવાની પરવા કરી નહોતી..અને મેં આખો દિવસ  તેની રાહ જોવામાં પસાર કરી દીધો હતો.

           સમી સાંજે તે પાછી ફરી હતી.. તેણે જાંબલી રંગની સાડી પરિધાન કરી હતી.. આ પરિવેશમાં તે સ્વર્ગ ની અપ્સરા જેવી લાગતી હતી.

           હું ત્યારે દિવ્યેશના ઘરે બેઠો હતો.. તે સીધી જ ત્યાં આવી હતી. મારી હાજરીની પરવા કર્યા વિના  દિવ્યેશ જોડે વાતો કરવામાં મશગૂલ  બની ગઈ હતી.

           તેને જોઈ હું મુગ્ધ થઈ ગયો હતો. ખૂબ જ ભાવુક બની ગયો હતો. તેનું દયાન મારી તરફ આકર્ષિત કરવા માટે મેં તેની સાડીનો છેડો હળવેથી ખેંચ્યો હતો,  તેને સવાલ કર્યો હતો.

           " આજે આખો દિવસ ક્યાં હતી? "                   મારા આવા વર્તનથી ક્ષણિક તેના ચેહરા પર અણગમો છવાઈ ગયો હતો. પણ તે કાંઈ જ બોલી નહોતી.                 મારા વ્યવહારની અવગણના કરતા તેણે દિવ્યેશ જોડે વાતો કરવી જારી રાખી હતી.                આથી મને માઠું લાગ્યું હતું.                બે પાંચ મિનિટ વાત કરી તે પોતાને ઘરે ચાલી ગઈ હતી.                 અને હું કાંઈ પણ વિચાર કર્યા વિના તેની પાછળ  તેના ઘરે પહોંચી ગયો હતો.

           તેણે મને આવકાર આપ્યો હતો. મારી કેડે હાથ રાખી મને કિચનમાં લઈ હતી. ભેળ પૂરીની ડીશ મારા હાથમા થમાવી દીધી હતી.

          તે બહું જ ખુશ દેખાઈ રહી હતી. તેના અનેક કારણો હોઈ શકે જેમાં સગાઈ, લગ્નની વાત પણ શામેલ થઈ શકે. કદાચ તેની સગાઈ થઈ હોય એ પણ બની શકે.. પણ તેણે પોતે તે કેમ આટલી ખુશ હતી? આ વાત મારાથી  છુપાવી હતી. અને હું પૂછવાની હિંમત તો શું પૂછવાનો ખ્યાલ પણ મનમાં આણ્યો નહોતો.                  અને જો આ વાત સાચી હોય તો શું તેને ડર હતો? હું આ મંગલ કાર્યમાં વિઘ્ન ઊભું કરીશ!                  તે હમેશા પોતાના માસીને ઘરે જતી હતી. તેમનો દીકરો અનન્યાનો હમ ઉમ્ર હતો. કદાચ તેની સગાઈ વિધિમાં તે તેના ઘરે ગઈ હશે . આવું માની મેં ગાડું ગબડાવ્યું હતું. અને તેના વિશે વધારે વિચારવાનુ છોડી દીધું હતું.

          તેણે મારી સાથે સારો વ્યવહાર કર્યો હતો. તે મારે માટે મહત્વની વાત હતી અને હું સતત તેને રાતભર વાગોળતો રહ્યો હતો.

          બીજે દિવસે બપોરે દિવ્યેશે અચાનક મારા આનંદ પર તરાપ મારી હતી.

          તેણે અનન્યાની સાડીનો છેડો પકડવા બદલ મારો ક્લાસ લેવાની ચેષ્ટા કરી હતી. અને મને સવાલ કર્યો હતો.

         " કાલે અનન્યા સાથે તેં શું કર્યું હતું? "

         હું તેના સવાલથી ભોઠો પડી ગયો હતો. મારે તેનો જવાબ આપવાની કોઈ જરૂર નહોતી. છતાં મેં તેને ટાળતા કહ્યું હતું.

         " તારા આવા સવાલનો જવાબ આપવા હું બંધાયો નથી. "

          મારી વાત સાંભળી તેના અહમને ચોટ વાગી હતી. તેણે મારી નિયત પર શક કર્યો હતો. આ વાત મારે માટે અસહનીય નીવડી હતી.

          મેં રોકડુ પરખાવી  તેની બોબડી બંધ કરી દીધી હતી

         તેણે આ વાતનો મારી સાથે બદલો લીધો હતો. તેણે અનન્યાને મારી વિરુદ્ધ ભડકાવી હતી. હું આલોકનો પ્રતિસ્પર્ધી હતો. તે વાત તેના મગજમાં ઘુસાડવાની ચેષ્ટા કરી હતી. મેં જ તે કારણે મારા મિત્રોને તેની ધુલાઈ કરવા તૈયાર કર્યા હતાં. આવું પણ તેના મનમાં ઠસાવવાનો પ્રયાસ કર્યો હતો..                અનન્યા એ મારી જોડે અબોલા લીધા હતાં. તેથી દુઃખી થઈ મેં નાનકડી ચિઠ્ઠી ભાવિકા જોડે તેને મોકલાવી હતી જેનો તેણે ખોટો અર્થ કરી સીધો જ મારા પર આક્ષેપ કર્યો હતો.

        " I am not your lover!! "

         તેના આ શબ્દો મારી છાતીને વીંધીને આરપાર નીકળી ગયા  હતાં.

         ભગવાન સાક્ષી હતાં. મેં કદી સજાગ પણે અનન્યાને મારી પ્રેમિકા તરીકે જોઈ નહોતી. છતાં તેણે મારા પર આવો વાહિયાત આક્ષેપ મુક્યો હતો.

         તે સાંભળીને મારી આંખો સામે અંધાર પટ છવાઈ ગયો હતો. હું અસમંજસ અનુભવી રહ્યો હતો..

         તે વખતે દિવ્યેશ પણ ઘરમાં હતો. મેં પગે પડી અનન્યાની માફી માંગી હતી.

         તે વખતે દિવ્યેશે મારાથી બદતર વ્યવહાર તેની સાથે કર્યો હતો. તે બદલ અનન્યાએ અણગમો વ્યક્ત કરતા તેની આકરી ટીકા કરી હતી!!

          મેં પણ તેનો ઉંઘડો લીધો હતો. ત્યારે તેની પાસે કોઈ જવાબ નહોતો. તેણે મારી વાત ઉડાડી દીધી હતી..

          અનન્યાનો ચરણ સ્પર્શ કરી હું તેના ઘરમાંથી મારે ઘરે આવ્યો હતો. જે કાંઈ થયું હતું, તેનાથી મને મોટો ઝટકો લાગ્યો હતો.

          મારી કોઈ ભૂલ નહોતી. છતાં તેની વાતે મને ગુન્હેગાર હોવાની પ્રતીતિ કરાવી હતી. તેનો પસ્તાવો કરતાં મેં મારો હાથ બાળવાનો પ્રયાસ કર્યો હતો.

          ગીતા બહેન તે વખતે અનન્યાના ઘરે હતાં. તેણે તેમને બોલાવ્યા હતાં. તેને વિશે પણ મેં તર્ક બાંધ્યો હતો. જરૂર તેણે મારો ખ્યાલ રાખવાનું કહેવા માટે જ તેમને બોલાવ્યા હશે.

          દિવ્યેશના ઈરાદા વિશે પણ મેં કોઈ શંકા મનમાં મનમાં આણી નહોતી.

           હું મારો હાથ બાળી રહ્યો હતો. તે જોઈ ભાવિકા તરત જ  દોડીને ગીતા બહેનને બોલાવી લાવી હતી.

           તેમની સાથે અનન્યા પણ મારે ઘરે આવી હતી. તેણે પોતાના હાથે મને બરનોલ લગાડ્યું હતું. પણ મારી ભીતર સળગી રહેલી આગને બુઝાવવા  માટે કોઈ અગ્નિ શામક ઉપકરણ ઉપલબ્ધ નહોતું.

           હું દિવસો સુધી ગુમસુમ રહ્યો હતો.

           તે વખતે શાળામાં ઉનાળાની રજા ચાલુ હતી. 

            તેથી મારા ભણતર પર તેની કોઈ અસર થઈ નહોતી.                      અમે લોકો પિતાજીના ફઈબાની દીકરીના લગ્ન માટે માંકવા ગયા હતાં. ઈશ્વરે વાતાવરણ બદલવાનો મોકો  પ્રદાન કર્યો હતો.                       આ વાત મારે માટે વરદાન રૂપ સાબિત થઈ હતી.

             પણ તે દરમિયાન એક દુર્ઘટના ઘટી હતી.

             ફઈબાના જેઠનું અવસાન થયું હતું.. તેથી લગ્ન મોકૂફ રાખવા પડ્યા હતાં. અમે નિયત સમયે માંકવા પહોંચી શકીએ તે કારણે આ વાત અમારાથી છુપાવી હતી..

              સચ્ચાઈ જાણી અમે શોકગ્રસ્ત બની ગયા હતાં.

              અમને પડખે જોઈ ફઈબાને એક જાતની શાતા વળી હતી.

              તેમણે અમને રોકી લીધા હતાં.

              તેમના પરિવારને ઊંડો આઘાત સહન કરવાની ક્ષમતા આપે તે માટે પિતાજીએ પ્રાર્થના કરી હતી.

              તેમનું વિશાળ પરિવાર હતું. તેમને છ છોકરી હતી. જેમાથી ચારના લગ્ન થઈ ગયા હતાં. પાંચમી છોકરીના લગ્ન નિર્ધાર્યા હતાં. અને તે વખતે આ વિઘ્ન ઊભું થયું હતું. તેના પછી એક છોકરી હતી. તેનું નામ નીલા હતું. તે સિવાય અંકલના ત્રણ દીકરા હતાં.

             હું અને નીલા હમ ઉમ્ર હતાં.. બહું જલ્દી અમારી વચ્ચે દોસ્તી થઈ ગઈ હતી.                     ગરમીના દિવસોમાં ઘરના બધા સભ્યો નદીએ સ્નાન કરવા જતાં હતાં. તે જોઈ જાણીને મને પણ નદીએ ન્હાવા જવાની ઈચ્છા જાગી હતી.

             મેઁ મારા પિતાજીને અંકલની હાજરીમા આ વાત કરી હતી.

             તે સાંભળીને અંકલે નીલાને પોતાની પાસે બોલાવી હતી. અને આદેશ આપ્યો હતો.

                 00000000000   ( ક્રમશ : )