4. જીવ સટોસટ નો જંગ
સળગતી ડાળી સીધી નિશાન તાકીને ફેંકાયેલી. હું ઉપર જોતો એકદમ બાજુએ ખસી ગયો. આ જેને પ્રતિક્ષિપ્ત ક્રિયા કહીએ છીએ તેવું થયું. મારાથી ખસી જવાઈ ગયું. ફિલ્ડર કેચ કરવા ઊંચું જોઈ દોડે તેમ દોડતો હું બાજુએ ખસી ગયો અને સળગતી લાકડી બરાબર એ શ્રબ પર પડી. એ કાંટાળું સૂકું ઘાસ તડતડ કરતું સળગવા લાગ્યું. તરત ફરી મારાં મગજે મને સંજ્ઞા કરી. મેં નીચે સૂઈ જઈ તે રેતી અને પથરાળ જમીન પર ડાઇવ મારી અને શ્રબની બહાર દેખાતા એ કાળા પગ પકડી ખેંચ્યા. તે ખેંચાઈ આવી. મેં એમ જ તેના પગ પકડી તેને ઢસડી. કેટલા ફૂટ એ ખબર નથી પણ સરખું એવું દૂર.
એ કાંટાળું જાળું સળગ્યું અને જોતજોતામાં રાખ થઈ ગયું. તેની પાસે એ અંગ્રેજી Y આકારની ડાળી, ઉપર કાઈંક તેલ જેવું લગાવેલું સળગતું કપડું પડેલું. તે મારા ઢસડવાથી બચી ગયેલી.
હું તાત્કાલિક તેની ઉપર સુઈ ગયો.
વિકરાળ પુરુષો એકદમ દોડતા આવ્યા અને તેમાંનો એક અંધારામાં દેખાયું નહીં તેથી ઊંધા સૂતેલા મારી પીઠ સાથે અથડાયો. સરખી એવી ઝડપથી દોડતો હોઈ આ ઠોકરે તે ઉછળીને પડ્યો અને ઘસડાયો. મારી પીઠે તેની જોરદાર લાત વાગેલી પણ પેલી સ્ત્રી બચી ગયેલી.
મારી પીઠે બાંધેલું ટ્રીપોડ જેવું સાધન ઉછળીને પડ્યું.
હું ઊભો થયો. પેલો દોડતો વિકરાળ માણસ તેને કાઈં પણ ખબર પડે તે પહેલાં એવી રીતે ઊંધો પડી ઘસડાએલો કે તેની કોણી, ગોઠણ, દાઢી, કદાચ પાંસળીઓ ને પણ ઇજા થએલી. ચંદ્રના પ્રકાશમાં જોયું કે તે તરત ઊભો થઈ વિકરાળ અવાજ કરી મારી સામે રાની પશુની જેમ દાંતિયા કરવા લાગ્યો. નવાઈ એ લાગી કે તે મારી સામે ખાલી ઘૂરક્યો પણ ચત્તી પાટ પડેલી પેલી સ્ત્રી તરફ તેણે પોતે વીંટેલા વસ્ત્રમાંથી કાઈંક છૂટું કરી ફેંક્યું. મેં એકદમ મારી ટ્રિપોડ એ તરફ ઊંચી કરી વીંઝી. ઘા ખાલી ગયો પણ હવામાંથી તે વસ્તુ નીચે પડી. બાપરે! તે એક સાપ હતો જે પેલા પુરુષ, જે હવે ખ્યાલ આવ્યો, એક નગ્ન સન્યાસી હતો, તેની કમરે વિંટેલો. આ સાપ મને વીંટળાઈ વળેલો તેવો અજગર જેવો નહોતો પણ એકદમ પાતળો, લાંબો હતો. એ અમારી તરફ સરકવા લાગ્યો.
ત્યાં એકાએક વરસાદ તૂટી પડ્યો. જંગલમાં એનો અવાજ પણ ખૂબ ભયંકર હતો.
એ સ્ત્રી ત્વરાથી ઊભી થઈ. કોઈક રીતે તેણે રેતી અને પોતાનાં શરીરે લગાવેલ પદાર્થ ભેગા કરી એક ફૂંક સાપ તરફ મારી. સાપ અટકી ગયો. તે મારો હાથ પકડી હું વરસાદમાં આશ્રય લઈ ઊભેલો તે ખડકની વિરુદ્ધ ખુલ્લામાં દોડવા લાગી.
અમે દૂર જઈ શક્યાં નહીં. બીજા પાંચ સાધુઓ અમને ઘેરીને ઊભા રહી ગયા.
પેલો ખૂબ મોટી દાઢીવાળો પઠ્ઠો સાધુ મારી તરફ વિકરાળ અવાજે કોઈ મંત્ર બોલતો ધસ્યો. મારી પાછળ લપાએલી સ્ત્રીએ એકદમ મને ધક્કો માર્યો. હું અનાયાસે એક નમેલાં ઝાડ પર ટિંગાઈ ગયો. મારાથી હવામાં લટકતા પગ ઝુલાવાઈ ગયા અને મારી તરફ ધસતા સાધુની છાતીએ જોરથી વાગ્યા. તે આના માટે તૈયાર નહોતો. તે ચત્તો પછડાયો. પોતાની જ અતિ ઝડપને કારણે, માત્ર મારા પગ વાગવાને કારણે તે ઊંધો ફંગોળાયો.
હું લટકાએલો તે ડાળી એકદમ નીચી થઈ મૂળ સ્થિતિમાં આવવા ઊંચી થઈ એટલે હું હવામાં ઊંચકાયો. મારા પગ પકડી પેલી સ્ત્રી પણ ઉંચકાઈ.
વાંદરા હિંચકા ખાય એમ મેં અને મારા પગ પકડેલી તેણે હિંચકા ખાધા પણ વાંદરા તો પાંચ સાત ફૂટના હિંચકા ખાય, આ તો કેટલા ઊંચા હશે! પચીસ ત્રીસ ફૂટ ખરા. સાચે મને આકાશમાં તારા મારી સામે દેખાયા. ડાળી મારાથી છૂટી ગઈ અને અમે બે હવામાં કેટલું? નહીં નહીં તો ચાલીસ ફૂટ જેવું પાછળ ફંગોળાયાં. એટલા જ વેગથી નીચે પડ્યાં પણ નીચે કાદવ અને ઘાસ હતું તેમાં અર્ધા શરીર સુધી ખૂંપી ગયાં. અમને કોઈ ઇજા ન થઈ.
પેલા સાધુઓ મરણિયા બની ચારે બાજુથી કુદેલા. આપણે માત્ર બ્રુસ લી ની ફિલ્મોમાં માણસોને આટલું હવામાં કુદતા જોયા છે, આ લોકો સાચે કુદયા. પેલું ઝાડ એકદમ નમેલું તે ઊભું થતાં એક સાધુ તેની સાથે અથડાયો. ઝાડ બીજી બાજુ નમતું નીચે પોચી જમીન હશે તે મૂળમાંથી ઉખડી પડ્યું અને સાધુઓ માટે બેરીકેડ બની ગયું.
ફરી તે બોલી, 'ચાલ્યા આવો.' અને ચંદ્રના પૂર્ણ પ્રકાશમાં અમે દોડયાં.
હવે જમીનનો છેડો આવી ચૂકેલો. સામે છેડે મોટો ધોધ દેખાતો હતો અને વચ્ચે મોટી નદી વહેતી હતી. સારી એવી પહોળી. બ્રહ્મપુત્રા હશે? અત્યારે પૂછવાનો સમય નહોતો.
મેં પાછળ જોયું. આ તો સાધુઓ હતા કે કોઈ માયાવીઓ! તેઓ પાછળ દોડતા આવતા હતા. હવે તેમણે વ્યૂહ બનાવેલો. પાછળથી થોડે થોડે દૂર અમને ઘેરતા દોડતા આવતા હતા એટલે સાઈડમાં દેખાતા ખડકો પાછળ દોડીને છુપાઈ જવાય એવી તક નહોતી. અહીં અમે દોડતાં હતાં તે મેદાનમાં ઝાડ હતાં પણ ઘટાદાર નહીં, સીધાં બસો ત્રણસો ફૂટ ઊંચાં અને કાંટાળાં. તેનો આશ્રય લેવાય એમ નહોતું.
એક તૂટીને આડાં પડેલાં ઝાડનાં થડ પર તે સ્ત્રી બેસી ગઈ.
અત્યાર સુધીની મારી ઘણી ખરી ક્રિયાઓ આપોઆપ થઈ ગયેલી, મેં સભાન પણે કરેલી નહીં. એકદમ હવે મેં સભાનપણે લડી લેવા તૈયારી કરી. પીઠે ઉપાડેલ, હવે તૂટી ગયેલી ટ્રીપોડ ઊંચકી ગોળ ફેરવી નજીક આવી ગયેલા એક સાધુ તરફ ધરી ઊભો રહ્યો. આ વખતે તે પણ દોડતો આવી ટ્રીપોડના પાયાની અણીમાં ભરાઈ ગયો હોત તો સારું હતું. મેં ઉગામેલી ટ્રીપોડ સામે તેણે તાત્કાલિક તોડેલી એક ડાળી પોતાની આડી ધરી. તેણે કોઈ વસ્તુનો છુટ્ટો ઘા કર્યો જે મેં મારી પીઠેથી પટ્ટો ખેંચી મારું બેકપેક ઘુમાવી ચૂકાવ્યો. તે વસ્તુ અથડાઈને પડી અને તૂટી ગઈ. કોઈ અહીં મરી ગયેલાં પ્રાણીની ખોપરી હતી. તૂટે એટલે તેની કાચલી કેવી અણીદાર હોય? એ મેં બીજા હાથમાં રાખી. મેં એક હાથે મારું બેકપેક ચારે બાજુ વિંઝયે રાખ્યું અને બીજે હાથે એ તૂટેલી ખોપરીની કાચલી ઢાલની જેમ ધરી રાખી. મારી સાથે તે પઠ્ઠો સાધુ લડવા લાગ્યો અને મેં પ્રતિકાર ચાલુ રાખ્યો.
એક સાધુ બે હાથ પહોળા કરી તે સ્ત્રી તરફ કૂદ્યો અને મોટેથી રાડ પાડતો પછડાયો. સ્ત્રીએ પોતાની માળા કાઢી બે ઝાડ વચ્ચે કમર જેટલી ઊંચે આટલી વારમાં ગાંઠ મારી લટકાવી દીધેલી. તેમાં પોતાના જ વેગથી દોડતો આવતો સાધુ પેટ પાસેથી ભરાઈ ગયો. તે સાધુ જોરથી પડ્યો અને કોઈ અણીદાર પથ્થર કે પેલી ખોપરીનું શિંગડાં જેવું તેના પેટમાં ઘૂસી ગયું.
મેં એકદમ મારો પટ્ટો કાઢ્યો અને એ સ્ત્રી તરફ ફેંક્યો. તેણે પટ્ટો હવામાં ઘુમાવવા માંડ્યો.
કોઈ રાની પશુની જેમ ખ્રી ખ્રી .. કરતાં પઠ્ઠો મારી તરફ આવ્યો અને ઇશારાથી મને હટી જવા કહ્યું. હું ત્યાં જ ઊભો રહ્યો. તે મારી તરફ ધસ્યો. મારાં માથાં સાથે તેનું માથું અથડાવવા જતો હતો ત્યાં મેં મારું ટેબ્લેટ જેવું સાધન જોરથી આંખ મીંચી આડું ધરી દીધું અને પાછળ ટ્રીપોડનો બચેલો પાયો રાખ્યો. એ કોઈ ઢોરની જેમ ઢિંક મારે ત્યાં તો એ સાધન તેનાં માથા સાથે અથડાયું અને તેના પાયાની જમીનમાં ખોસવાની અણી તેના માથામાં ઘૂસી ગઈ. તે વેગથી ચીસ પાડી ઉઠ્યો.
ક્રમશ: