Serious - 8 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ધીરગંભીર - ૮

Featured Books
Categories
Share

ધીરગંભીર - ૮

મામા ગાર્ડેનથી ઘરે આવતી વખતે એજ વિચારમાં રહ્યા કે, કુમારે કેમ ફોન ન ઉપાડ્યો? ક્યાંક હું કુમારને પણ સમજવાની ભૂલ નથી કરતો ને!! મામાનું મન ચકરાવે ચડ્યું હતું, આજ સુધી એમને કોઈ વ્યક્તિને ઓળખવામાં ભૂલ થઈ ન્હોતી, આજ પોતાના મનમાં રહેલ કુમાર માટેની છબી પર એમને પહેલીવાર શંકા જન્મી!


*************************************


આ તરફ ચેતના મોહિતને લઈને ટ્રેનમાં બેસી ગઈ પણ અશોક ખૂબ ભાંગી પડ્યો. પુત્ર સામે થયેલ પડોશી સાથે ઝઘડો, ચેતનાનું ડબલ સ્વરૂપ અને એ પછી પુત્રને રોકવામાં પોતાની થયેલ હાર!!!! આ બધું એને ખૂબ ચૂર ચૂર કરી રહ્યું હતું. એને થયું ઘરે જાઉં તો પણ કોના માટે? અને ઘરે ગયા બાદ પણ મનમાં શાંતિ હશે એની કોઈ ખાતરી નથી. ઘણા સમયથી પોતાના માતાપિતા કે જે ઓખા રહેતા હતા એમને ત્યાં જવાનું આજે અશોકને મન થયું. મીઠાપુરથી ઓખા એકદમ નજીક અડધી કલાકમાં તો વ્યક્તિ ચાલતું પણ પહોંચી જાય.

અશોક ચાલતા જઈ રહ્યો હતો. મન ખૂબ નિરાશ અને લાચાર હતું. મન શાંત નહોતું આથી બધા જ બનાવો વારંવાર એના માનસપટલ પર એક ચિત્ર જેમ પસાર થઈ રહ્યા હતા. ચેતના કઈ ખોટું ન કરે એ વિશ્વાસ હતો પણ આટલા બધા લોકો ખોટા ન હોય એ પણ એક સત્ય જ હતું! અશોક એક એવી જગ્યાએ હતો જ્યાં હાર ફ્કત અશોકની જ હતી. જીવનમાં આટલો નિરાશ એ ક્યારેય નહોતો થયો.

અશોક ઘરે પહોંચ્યો ત્યારે એના કપડાં પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. તે અત્યંત થાકી ગયો હતો. અત્યંત તાપ ના લીધે એનો ચહેરો પણ લાલ થઈ ગયો હતો. અશોકે દરવાજે ટકોરા કર્યા. 

અશોકના મમ્મી દીનાબેને દરવાજો ખોલ્યો. સામે અશોકને ઊભો જોઈ ખુશ થયા પણ બીજી જ સેકન્ડે એની હાલત પર ધ્યાન જતા તુરંત પૂછ્યું, શું થયું બેટા? ચેતના અને મોહિત ક્યાં છે? આ તે તારું શું હાલત કરી? બધું ઠીક તો છે ને? લાગણીવશ એમણે પ્રશ્નનો મારો ચાલુ કર્યો.

"તું અંદર તો આવવા દે! પછી કહું ને!" સહેજ સુષ્ક અને ગંભીર અવાજે અશોકે દીનાબેનને કહ્યું.

અશોકના પપ્પા કિશનભાઈ આરામ કરી રહ્યા હતા. દીનાબહેને એમને જગાડ્યા અને અશોક આવ્યો એ જાણ કરી. તેઓ તરત બહાર આવ્યા, અને દીનાબેન પાણીનો ગ્લાસ ભરીને આવ્યા અને અશોકને ધર્યો. એક શ્વાસે બધું જ પાણી અશોકે પીધું. હવે એના જીવમાં જીવ આવ્યો. સહેજ નિરાંતનો શ્વાસ લીધો અને સોફા પર આરામથી ટેકવીને બેઠો. 

"શું થયું અશોક? કંઈક કહે તો સમજાય." અત્યાર સુધી મૌન રહેલ કિશનભાઈએ પોતાનું મૌન તોડ્યું.

જે પણ બીના થોડા સમયથી થઈ રહી હતી એ બધી જ વિગતવાર અશોકે એના માતાપિતાને કહી. આખી વાત સાંભળ્યા બાદ દીનાબહેને પોતાના પતિ કિશનભાઇ સામે જોયું અને બોલ્યા, "એ દિવસે તમે મારી વાત માનતા ન્હોતા, જોયું ને એ તમારી કરતૂતનું પરિણામ." ખૂબ ગુસ્સામાં અને આવશેમા આવીને દીનાબહેનના મોઢે વર્ષોથી છુપાવેલી વાત આવી.

મમ્મીનાં મોઢે આવા શબ્દો સાંભળીને અશોક એકદમ સ્તબ્ધ થઈ ગયો. ઘડીક એ ચૂપ જ રહ્યો. આ શબ્દો પોતાના જ ઘરમાં પોતાને અજાણ્યા રાખવાની ચાડી ખાઈ રહ્યા હતા. પપ્પા શું જવાબ આપે એ રાહ જોવી એને યોગ્ય લાગી.

કિશનભાઈ પોતાના દીકરાની નજરમાં સાવ પડી જશે એ વિચારી એમણે હકીકત સ્વીકારી પોતાને ખરા સાબિત કરવા કહ્યું, "કયો પિતા એવો હોય જે પોતાના પુત્રના પુત્રને રમાડવા આતુર ન હોય?!! બધા દાદાની જેમ મને પણ ઇચ્છા હતી કે અશોકનો પુત્ર મને દાદા કહી બોલાવે! મેં એમાં શું ખોટું કર્યું? અશોકના લગ્ન જીવનને પાંચ વર્ષ વીતી ગયા છતાં સંતાન એમને ન્હોતું તો મેં મારા બનતા પ્રયાસ માતાજી પાસે કર્યા. મેં એમાં શું ભૂલ કરી એ મને કહે?."

પપ્પાના શબ્દો તીર જેમ વાગ્યા. અશોકને થયું મારા જીવન માટેના નિર્ણય અને મને જ એ વીશે અજાણ્યો રાખ્યો. આક્રોશ અને હિનભાવના મિશ્ર ભાવ સાથે અશોક બોલ્યો, "તમે શું એવું કર્યું જે મમ્મીને એ સમયે અયોગ્ય લાગ્યું અને એમણે તમને એ સમયે ટોક્યા હતા. મને સાચી હકીકત જણાવો આમ ગોળ ગોળ વાત ન કરો. અને જે કહો એ સાચું કહેજો કારણકે મારો પરિવાર તમે મને જે અજાણ રાખ્યો એમાં ખૂબ દુઃખી છે."

"અરે દીકરા તને કીધું તો ખરા કે ફ્કત માતાજીને પ્રાર્થના કરી! બસ એ જ. બીજું કંઈ જ નથી કર્યું." કિશનભાઈ હજુ વાતને છુપાવવાની કોશિશ કરી રહયા હતા.

"તમે હજુ કેટલું ખોટું બોલશો? તમને કાલે તમારા મિત્ર એ પણ આપણી પુત્રવધુ વિશે સમાચાર આપ્યા ત્યારે પણ મેં તમને કહ્યું હતું કે આપણા પુત્રને હવે તો બધી હકીકત જણાવો. તમને આપણા દીકરાના દીકરાની ચિંતા હતી તો હવે આપણા દીકરા પર જ સંકટ છે એની ચિંતા નથી થતી??? તમે કેવા પિતા છો??"

મમ્મીની વાત સાંભળીને અશોકનો ગુસ્સો ખૂબ વધી ગયો, પહેલા એને ફક્ત પપ્પા પર જ ગુસ્સો આવ્યો હતો પણ હવે મમ્મીનાં શબ્દો સાંભળી થયું, પપ્પા તો ઠીક પણ મમ્મીએ પણ ક્યાં મને કંઈ જણાવ્યું!! અશોકના વિચારો એના ચહેરા પર કિશનભાઇ બખૂબી જાણી ચૂક્યા હતા. અશોકને પોતાના પ્રત્યે ક્રોધ ન ચડે એ હેતુથી એ ફરી બોલ્યા, "જો બેટા! કોઈ માતાપિતા પોતાના બાળકનું ખરાબ ન ઈચ્છે એમ મેં પણ તારા માટે સારું જ વિચાર્યું હતું. પણ..."

"પપ્પા મહેરબાની કરી આમ ગોળ ગોળ વાતો ન કરો, જે પણ વાત છે એ મને સાચી વાત કહો. હવે તમે કઈ ખોટું બોલશો તો હું કાયમ માટે આ ઘરમાં આવીશ નહી. તમે ભૂલી જજો કે તમારો કોઈ અશોક નામનો પુત્ર હતો."

દીનાબહેનની મમતા સફાળી આ શબ્દો સાંભળી જાગી ઊઠી, " અરે દીકરા! તું આમ કેમ બોલે છે? અમારા માટે ત્રણેય દીકરા એક જેવા જ છે. બેટા, રાહુલ ના લગ્ન નથી થયા આથી એમની સાથે રહીએ છીએ, બાકી તું જાણે જ છે તારામાં મારો જીવ અટકેલ જ છે."

"તો પછી તમે પણ કેમ છુપાવ્યું? ક્યાં ગઈ હતી ત્યારે તમારી મમતા? તમે બન્ને મારી સાથે આવું કર્યું એ જાણી ને જ મને ખૂબ તકલીફ થઈ રહી છે. હવે તો હું પણ પિતા છું, હું ક્યારેય આમ તમારી જેમ કોઈ વાત મારા દીકરા મોહિતથી ન છુપાવું." આંખમાં આંસુ સાથે ગમગીન અવાજમાં અશોકે એના મમ્મી સામે જોઈને કહ્યું.

"ના બેટા.. મેં તારાથી કંઈ છુપાવ્યું નહી, મને સોગંધ આપી તારા પપ્પાએ મને સાચી વાત કહેવાની ના પાડી હતી." દીકરાના આકરા ઠપકાથી દીનાબહેને કબૂલ્યું કે, એના પપ્પા વાત છુપાવવા ઇચ્છતા હતા.

"મારા જીવનમાં મને કોઈ પારકાથી પણ આટલી તકલીફ નથી થઈ જેટલી તકલીફ મને આજે તમારા બન્નેથી થઈ રહી છે. મારો આજનો દિવસ જ સાવ ખરાબ છે, જે અત્યાર સુધી મને ખબર નહોતી એ વાત પણ મને આજ ખબર પડી, અરે હજુ તો ક્યાં ખબર જ પડી છે. બસ, તમારા ખરા ચહેરા મારી સામે આવી રહ્યા છે." ખૂબ વ્યાકુળ મનથી અશોક પોતાના મનની ભડાસ કાઢી રહ્યો હતો. એની આંખ માંથી આંસુ નહી લોહી જ ટપકી રહ્યું હોય એટલી વેદના એની આંખમાં કિશનભાઇ જોઈ રહ્યા હતા.

નમસ્તે વાચકમિત્રો. મારી ધારાવાહિક "ધીરગંભીર" ને વાંચી આપના અમૂલ્ય પ્રતિભાવ અવશ્ય આપજો. મોહિતના સફરમાં જોડાવવા માટે હું આપ સર્વનો દિલથી આભાર માનું છું. ફરી મળશું નવા પ્રકરણ સાથે. જય શ્રી રાધે કૃષ્ણ.