અનિમેષ વિચારોમાં ગરકાવ હતો અને સતત માતાજીને બહેનના કોઈ સમાચાર મળે એવી પ્રાર્થના કરી રહ્યો હતો. શ્રદ્ધાળુઓની ભીડ ખૂબ હતી આથી ટ્રાફિક જામ થઈ ગયો હતો. અનિમેષની કાર અને અનુરાધાની કાર અનાયાસે ટ્રાફિક જામ થવાથી એકબીજાની બાજુમાં આવી ને ઊભી રહી ગઈ હતી. આસ્થા ડ્રાઇવિંગ સીટની બાજુની સીટ પર સૂતી હતી. એને આપેલ ઇન્જેક્શનની અસરના લીધે એ શાંતિથી ઊંઘી રહી હતી. અનિમેષ ટ્રાફીકમાં ફસાયેલ હોય એ પોતાની નજર આસપાસ ફેરવી રહ્યો હતો. એની નજર બાજુમાં ઊભેલ કાર પર પડી. રોલ્સરોય કારમાં આગલી સીટ પર ઊંઘી રહેલ અજાણી છોકરી પર અનિમેષની નજર અટકી.
એ છોકરીને જોઈને અનિમેષને રાધિકા માટે થતી એવી લાગણી જન્મી. અનિમેષ સહેજ કુતૂહલ વશ જાણવા પણ ઇચ્છતો હતો કે એ છોકરી કોણ છે જેને જોઈ રાધિકા માટે જન્મે એવી લાગણી જાગી રહી છે, પણ એમ અજાણ્યા ને કઈ પૂછવું યોગ્ય ન લગતા એ ચુપ રહ્યો. રાધિકાનો જૂનો ચહેરો બદલી ગયો હોય, આ નવો ચહેરો અનિમેષ ઓળખી ન શક્યો પણ આત્મા સાથે જોડાયેલ લાગણી થોડી બદલી શકાય! અનિમેષને એ અજાણી છોકરીમાં પોતાની બહેન માટે થતી એવી જ લાગણી જન્મી રહી હતી. અનિમેષ ખૂબ ભાવુક થઈ ગયો. એની જાણ બહાર આંખમાંથી આંસુ સરી પાંપણની બહાર વહેવા લાગ્યા! એક ઊંડો નિઃસાસો નીકળ્યો, મારી બહેન ક્યાં હશે??
અનુરાધાનું ધ્યાન ટ્રાફિક ક્યારે ક્લિયર થાય એના પર હતું. એને બાજુમાં ઊભેલ કારમાંથી કોઈ પોતાની કારમાં જોઈ રહ્યું છે એ અંદાજ પણ નહોતો. અનુરાધાને ગિરિધરની યાદ આવી, ગિરિધર સાથેની અંતિમ મુસાફરી આજ રોડ પર કરી હતી. એ મનોમન ખૂબ દુઃખ અનુભવી રહી હતી. આજે ફરી ભૂતકાળનું પુનરાવર્તન તો નહી થાય ને!! એ વાતનો ભય એને લાગી રહ્યો હતો. આ જ જગ્યાએ ગિરિધરથી પોતે દૂર થઈ ગઈ અને આજ જગ્યાએ આજે ફરી આસ્થા પણ કંઈક અલગ જ વર્તી રહી છે. ક્યાંક આસ્થાને ભૂતકાળ યાદ આવી જશે અને અનુરાધાનો અસ્વીકાર કરશે તો?? આ વાત અનુરાધાથી સ્વીકારી શકાતી નહોતી. આસ્થા સાથે જીવન જીવવાના અગણિત સપના એ જોઈ ચૂકી હતી, હવે એ સપનાને અધૂરા મૂકી આગળ વધવું એના માટે અશક્ય હતું! મન ખૂબ વિચારોમાં હતું અને હૃદય આશ રાખી આસ્થાના નામે ધબકી રહ્યું હતું. આસ્થા જાગે પછી જ ખરી એના મનની વાસ્તવિકતા સામે આવશે એ જાણવા છતાં અનુરાધા અત્યંત વ્યથિત થઈ રહ્યા હતા.
અનિમેષ પોતાના મનમાં જાગતા પ્રશ્નોને મનમાં જ થામી ને બેસી ગયો. અજાણ્યા કોઈ પણ વ્યક્તિને કઈ પૂછવું એટલે પોતાના કાર્યમાં જ ખલેલ પહોંચાડવી! અહીં એને ક્યાં કોઈ ઓળખે છે! જે ઓળખે છે એ લોકો તો એને મૃત્યુ પામેલો જ સમજે છે! કારણ કે, જ્યારે એનું એક્સિડન્ટ થયું હતું ત્યારે એ બચી શકે એ ક્યાં શકય જ હતું!!
રસ્તા પરનો ટ્રાફિક ધીરે ધીરે હળવો થઈ રહ્યો હતો. પૂનમના દિવસે કદાચ રાધિકા અંબાના દર્શને આવશે જ એ અનિમેષની આશ ફરી તૂટી. એ પારાવાર દર્દ સાથે પોતાની મંઝિલ તરફ આગળ વધી ગયો.
અનુરાધા આસ્થાને લઈને પોતાના ફાર્મ હાઉસ પહોંચી ગઈ હતી. ફાર્મહાઉસની દેખરેખ રાખતા ચંપાબેનની મદદથી આસ્થાને રૂમમાં ઊંઘાડી દીધી હતી. આસ્થા બે કલાકથી વધુ સમય થયો છતાં હજુ જાગી નહોતી. અનુરાધા એની પાસે બેઠા બેઠા એના ચહેરાને જોઈ રહ્યા હતા.
આસ્થા ત્રણ કલાક બાદ સહેજ સળવળી! અનુરાધા એની પાસે જ એ જાગે એ રાહમાં જ બેઠા હતા. આસ્થાએ આંખ ખોલી એ એકદમ બેઠી થઈ અને આસપાસ નજર કરી જોવા લાગી! એનું માથું અસહ્ય ભારે હતું. બધું જ જુદુ દેખાઈ રહ્યું હતું. એના મનમાં વિચારોએ જોર પકડ્યું, "એ જ્યારે બેભાન થઈ પડી ત્યારે અનેક ગુંડાઓ એને પીખી રહ્યા હતા. એના શરીરને ચામાચીડિયાં જેમ મૃત શરીરને વિખે એમ અનેક જણા પીખીને પોતાની વાસના તૃપ્ત કરી રહ્યા હતા. પોતે જોર જોરથી પોતાના ભાઈને બૂમ પાડી રહી હતી! એ જેટલી જોરથી બૂમ પાડતી એટલી જ મજા એ બાબુભાઈ સહિત એના બધા જ માણસો લઈ રહ્યા હતા.
રાધિકાના શરીરે અનેક ઉઝરડા નખથી થયા હતા, હોઠ અને દાંત દ્વારા રીતસર એના ગળા અને શરીર પર અસંખ્ય જગ્યાએ ચાઠા પડી ગયા હતા. જ્યાં સુધી બધાના મનમાં પૂરો સંતોષ ન થયો ત્યાં સુધી એને બધાએ ખૂબ હેરાન કરી. બાબુભાઈએ એક માણસને કહ્યું, "એક તેજાબની બોટલ લાવો આના ચહેરાને મારે તેજાબથી ધોવો છે. જીવનભર આને એનો ચહેરો જોવે ત્યારે આ રાત યાદ આવવી જોઈએ!!! એના ભાઈએ જે મારા વિરુદ્ધ સબૂત ભેગા કરવા હતા ને.. એ એની બેનને પણ સબૂત તરીકે આપણે ધરીએ!!!" નશાની દુર્ગંધ અને કેફી દ્રવ્યથી લથપથ બધા નરાધમ વિકૃતિની ચરમસીમા પાર કરી ચૂક્યા હતા.
રાધિકા એકદમ અશક્ત થઈ ચૂકી હતી, ભાગવાની વાત તો દૂર એ ત્યાંથી એક દોરા જેટલી પણ હલી શકે એવી શકતી એનામાં નહોતી. એ આ વાત સાંભળીને ખૂબ ડરી ગઈ! આ વાતનો વિરોધ એ કરી શકે એટલી ક્યાં એનામાં શકતી જ હતી!! એણે બસ પોતાની આંખો મીચી, અને અમુક જ મિનિટમાં એના ચહેરા પર એક અત્યંત જલદ પ્રવાહી પડ્યું! પોતે અંતિમ વખત અનિમેષ નામની બૂમ પાડી અને કોઈકે એના માથા પર જીવલેણ હુમલો કર્યો કે એ તરત બેભાન થઈ ગઈ!! કદાચ કુદરતને પણ એની દયા આવી હોય એમ એને ગાઢ નિંદરમાં ઊંઘાડી દીધી!!!
આ બધું જ યાદ આવતા એ ખૂબ ડરતા ફરી વાર અનિમેષની બૂમ પાડી પોતાના ચહેરાને હાથ વડે ઢાંકીને બેસી ગઈ. પીડા ઘણા સમય પહેલાની હતી પણ દર્દ હજુ એટલું જ અસહ્ય એને થઈ રહ્યું હતું.
આસ્થાએ જેવી અનિમેષની બૂમ પાડી મોઢું ઢાંકીને બેસી કે તરત જ એના માથા પર પ્રેમથી હાથ મૂકી ને અનુરાધા બોલ્યા, "આસ્થા તું ડર નહી. બેટા!! તું અહીં સલામત છે. હું છું ને દીકરા .. તું હિંમત રાખ બેટા તને કઈ જ નહી થાય!!"
"આસ્થા" આ નામના સંબોધનથી રાધિકાના કાન ચમક્યા! એને ICU ના રૂમમાં થયેલ દરેક વાત યાદ આવી! "આ અનુરાધા છે તારી મમ્મી!" કલ્પ અંકલે કહ્યું હતું એ પણ યાદ આવ્યું! એણે માથું ઊંચું કર્યું, અનુરાધાનો એ સુંદર ચહેરો જે ICU માં પહેલીવાર જોયો હતો એ જ ચહેરો અત્યારે એની પાસે હતો. એ અમી નજરે અનુરાધાને જોઈ રહી.
અનુરાધા અત્યંત વ્યાકુળ મનથી એની પાસે ઊભા એને આશ્વાસન આપવા મથી રહ્યા હતા.
"આસ્થા... દીકરા કંઈક તો બોલ બેટા.. તને શું થાય છે? તું ફરી અનિમેષનું નામ બોલી, બેટા તને કોઈ વાત પરેશાન કરે છે??"
રાધિકા આ લાગણીભર્યા શબ્દોમાં જ વહી ગઈ!! આટલા દર્દ પછી આટલો બધો સ્નેહ મેળવી એ રીતસર અનુરાધાને ભેટીને રડી જ પડી! ખૂબ પોક મૂકીને એ રડી. અત્યાર સુધી ક્યારેય એ આમ રડી જ નહોતી. એના આક્રંદ રુદનથી આખો રૂમ ગુંજી રહ્યો. એના મનમાં જે અત્યાર સુધી ડૂમો ભરાયેલ હતો એ મુક્ત રીતે અનુરાધાના સાંનિધ્યમાં છલકી રહ્યો. આંસુઓની ધારથી અનુરાધાનો પાલવ ભીનો થઈ ગયો. અનુરાધા ખુદ પણ આટલા આક્રંદ રુદન માટે આસ્થાને કોઈ આશ્વાસન આપી શક્યા નહી. એ ખુદ એની સાથે ચોધાર આંસુએ રડી પડ્યા!
ચંપાબહેન એ રૂમમાં થતા ભયાવહ રુદનનો અવાજ સાંભળીને ત્યાં ધસી આવ્યા. તેઓ બોલ્યા, "માલકિન લો પાણી પી લો."
આસ્થા ચંપાબેનના શબ્દો સાંભળીને થોડી શાંત થઈ! રુદનનો અવાજ થંભી ગયો પણ આંખમાંથી વહેતા આંસુ એમ જ સરકી રહ્યા હતા. ભીતરની આગને જાણે આંસુ પણ સારવા મથતા હોય એમ એ બંધ થવાનું નામ જ નહોતા લેતા!
મારી ધારાવાહીક "અસ્તિત્વ" ની સફરમાં જોડાવા બદલ વાચક મિત્રોનો દિલથી આભાર. આપના પ્રતિભાવો મને લખવા માટે ખૂબ પ્રોત્સાહીત કરે છે, ધારાવાહિકને અનુરૂપ પ્રતિભાવ જણાવશો. ફરી મળીશું નવા પ્રકરણમાં. જય શ્રી રાધેકૃષ્ણ.🙏🏻