Tuj Sangathe in Gujarati Love Stories by RaviKumar Aghera books and stories PDF | તુજ સંગાથે... - 4

Featured Books
Categories
Share

તુજ સંગાથે... - 4

Msg વાંચીને બેદરકારીથી ફોન ગૌતમના હાથમાં સહેજ જોરથી પકડાવી "હંહ..." એવું બબડીને પોતાની ખુરશી પર બેઠો. ગૌતમ કંઈ પ્રતિક્રિયા આપે છે કે કેમ તેની પરવાહ કર્યા વગર ફ્રેન્ચ ફ્રાઈસને સોસમાં જબોળીને તે મોંમાં ઓરવા લાગ્યો. ગૌતમને માટે આ પ્રતિક્રિયા કંઈ નવી ન હતી. સામે પડેલ ટોસ્ટનું પહેલું બટકું ભરીને ચાવતા ચાવતા મલય ગડબડીયા શબ્દોમાં બોલ્યો."આમાં વળી નવું શું છે?"

"એટલે??" ગૌતમ મલયનો અર્થ ન સમજ્યો.ટોસ્ટની અડધી સ્લાઇસ પતાવ્યા બાદ, અડધી સ્લાઇસ ગૌતમને ધરતાં મલય બોલ્યો,"મળવા બોલાવ્યો એમાં નવું શું છે! મળી આવવાનું અને રાખડી બંધાવી આવવાનું..."

"શું બોલે છે તું યાર..." ટોસ્ટની ના ઈશારાથી કરતાં ગૌતમ બોલ્યો.બાકીની અડધી ટોસ્ટને ન્યાય આપ્યા બાદ કોકનો પહેલો ઘૂંટડો ઉતારીને ગહન ચિંતન કરતો હોય તે રીતે ગૌતમની સામે તે જોઈ રહ્યો હતો. આ તરફ ગૌતમની મુંઝવણ વધતી જતી હતી. જોશમાં આવીને તેણે શાયમાને કહી તો દીધું કે 'બધા છોકરા સરખા ન હોય.' પણ હવે સાંજે શાયમા પોતાની સાથે શું વાત કરશે તે જાણવાની એક વિચિત્ર તાલાવેલી જાગી ગઈ હતી. Msg પણ સેંકડો વાર વાંચી અને તેના અલગ અલગ અર્થઘટન કરી જોયા પણ પોતાના મનને સંતોષ ન મળવાથી પોતાની વાત મલયને જણાવી. પણ અહીંયા પોતાનો જ મિત્ર તેને વધુ પજવે છે.

"જો ભાઈ છોકરી મળવા બોલાવે તો જરૂરી નથી કે તે પ્રેમમાં પડી ગઈ હોય, એવું પણ બને કે એને તારામાં એનો ભાઈ દેખાતો હોય." કોકનો છેલ્લો ઘૂંટડો ગળે ઉતારીને ગૌતમ સામે હસતા હસતા મલય બોલ્યો. અને પોતાની ખુરશી પરથી ઉઠીને ચાલતો થયો. પોતાની મુંઝવણને જરાપણ ગંભીરતાથી ન લીધી હોય તેમ છતાં આ મુંઝવણ માટે એનો અભિપ્રાય જાણવા ગૌતમ ફરીથી ધુંધવાયો.

"ભાઈ હું મળવા જાવ કે ન જાવ એ તો કહે?"

"મળવા તો જશું જ ને." પાછળ ફર્યા વગર મલય બોલ્યો. તેના છેલ્લા વાક્યનું અર્થઘટન કરતાં કરતાં ગૌતમ પણ પાર્કિંગ તરફ આગળ વધ્યો અને મલયની પાછળ બાઈક પર ગોઠવાયો. કેન્ટિન માં તો એ વાત મજાક માત્ર જ લાગી હતી, પણ ઘરે આવ્યાં પછી એ વાતમાં પણ એક તર્ક લાગ્યો. હવે ગૌતમની શંકા ડરમાં બદલાતી જતી હતી. માનવમનનો સ્વાભાવ જ છે જે વસ્તું આપણે જાણતાં નથી એ ઘણીવાર ડરાવે છે. પણ એમ ડરીએ ક્યાં ચાલવાનું હતું?! મળવાં તો જવાનું જ હતું તો જે થશે એ સારું જ થશે એ સ્વીકારીને આગળ વધવાનું નક્કી કર્યું. ફરી સાંજની રાહ જોવાવા લાગી. વધુંમાં હવે તો મલય પણ પોતાની સાથે આવવાનો છે એ જાણીને હિંમત થોડી વધી હતી. સવાલ હતો તો હવે માત્ર સમયનો જે ખૂબ ધીમે ધીમે વહી રહ્યો હતો.

(થોડાં કલાક પછી)

રાજકોટ નું હૃદય કહેવાતા રેસકોર્સ ગાર્ડન પાસે સાંજના સમયે વધુ પડતી જ ચહલ પહલ જોવા મળતી હતી. ગાર્ડનની સામેની તરફ આવેલી ખાણી પીણી ની દુકાનો તથા રેસ્ટોરન્ટ ના માણસો રોજની સાફસફાઈ તથા તૈયારીમાં લાગી ગયા હતાં. બાલભવન ની પાસેથી પસાર થતા રેસકોર્સ ગાર્ડન ની બાજુના રસ્તા પર પણ ઘણા લોકો ગાડી પાર્ક કરીને ગપ્પા મારી રહ્યા હતાં. ગાર્ડન ની અંદર વચ્ચે વચ્ચે આરસથી બનેલા બાંકડા મુકેલા હતાં. તેમાંના એક બાંકડા પર બેસીને ગૌતમ શાયમાના આવવાની રાહ જોઈ રહ્યો હતો. એજ બાંકડાના બીજા છેડે બેઠેલો મલય હાથમાં રહેલ એક પડીકા માંથી ચનાચોર ગરમનો આનંદ લઈ રહ્યો હતો.

ઘડીયાળ માં 7:30 થયાં એ જોઈને અધીરાઈ થી પોતાના મોબાઈલનો ઇનબોક્સ ખોલી ને શાયમાના કોઈ નવો મેસેજ નથી આવેલ કે કેમ તે તપાસી ગૌતમ ગાર્ડન ના બધા દરવાજા પર રસ્તા પર વારંવાર નજર કરી રહ્યો હતો.ચનાચોર પતાવ્યા બાદ કાગળ નો ડૂચો પાસે પડેલી કચરાપેટીમાં નાંખી મલયે ગૌતમને પુછ્યું:"કયારે આવશે તારી આ શાયમા ??"

"સાંજે મળશું એવું કહ્યું હતું."

"સાંજની રાત થઈ જશે. તું એક કોલ કરીલે તેણીને."

એજ તો વિટંબણા હતી. જ્યારે ગૌતમે શાયમા પાસેથી તેના ફોન નંબર માંગ્યા હતા ત્યારે શાયમા એ ચોખ્ખાઈ થી કહી દીધું હતું કે આ નંબર મારા જરૂરી કામ માટે જ આપું છું. આપણ ફક્ત મેસેજ દ્વારા જ વાતચીત માટે અને તારે સામેથી ક્યારેય મેસેજ કરવો નહી. કેમકે આ ફોન મારા પપ્પા પાસે પણ હોય શકે. આથી અત્યારે મલયે કોલ કરવાનું કહ્યું ત્યારે ગૌતમે મંદ સ્મિત આપ્યું અને ફરી દરવાજા સામે જોવા લાગ્યો.

આમજ બીજો દોઢ કલાક પસાર થઈ ગઈ. મલયે બીજા બે ચનાચોર ગરમ પણ આ સમય દરમિયાન ઝાપટી લીધાં. ગૌતમ અધીરાઈ હવે વધતી જતી હતી આતરફ મલય ની ધીરજ ખુટતી જતી હતી. વારંવાર ગૌતમને ઘડીયાળ બતાવીને ઈશારાથી ખીજવી રહ્યો હતો. એટલામાં આ અકળામણ નો અંત આવ્યો. ગેટ પાસે ગાર્ડન ની આગળ કોઈ બુરખાધારી છોકરી લેડીબર્ડ સાઈકલ પાર્ક કરતી દેખાઈ. ગૌતમે શાયમાને પંજાબી ડ્રેસ - સલવાર કુર્તામાં તો ઘણી વખત જોઈ હતી પણ આજે અલગ અંદાજ હતો. તે નજીક પહોંચવા આવી ત્યાં સુધીમાં પોતે સ્વસ્થતા મેળવી મલયને ઈશારાથી કહ્યું કે 'આવી ગઈ છે.'

"Hii..."- હળવું હાંફતાં હાંફતાં ચહેરા પરથી બુરખો હટાવીને ગૌતમની પાસે યોગ્ય અંતર જાળવીને બેસતા બેસતા બોલી.

"Hii... આવવામાં કોઈ તકલીફ તો નથી પડીને?"

"ના"

"તારું આ રૂપ કંઈક અલગ જ લાગે છે."

"આ વખાણ છે કે...??"

"અરે... મારો મતલબ..." ખસિયાણો પડતા ગૌતમ શબ્દ શોધી રહ્યો હતો ત્યાં જ શાયમા હસી પડી. પાછળ બેઠેલા મલયને હવે લાગ્યું કે તેને વચ્ચે આવવું પડશે બાકી પોતાનો મિત્ર કંઈક બાફશે.

"શાયમા, તને તરસ લાગી હશેને?"

"અરે, મલય તું પણ છે" આશ્ચર્ય સાથે શાયમાએ તેની નજર કરી.

"હા, ગૌતમ એ બહુ જીદ કરી તો હું પણ આવ્યો છું. તને તરસ લાગી છે?"

"હા, થોડીક."

જવાબ સાંભળીને મલય ત્યાંથી ઊભો થઈને રોડની તરફ આંટા મારતા ફેરિયાવાળા તરફ આગળ વધ્યો. હવે ગૌતમ અને શાયમા બંને એકલાં હતાં. વચ્ચે એક જણ બેસી શકે એટલું અંતર. ગૌતમના મનમાં ઘુમરાતો સવાલ - 'શાયમાનો પોતાનો કયો પ્રોબ્લેમ તેણીને મને શેર કરવા અહીં સુધી ખેંચી લાવ્યો? એવું તો વળી શું હશે?' આવા સવાલના જવાબ તે શાયમાની આંખોમાં શોધવા મથતો હતો. ત્યાં જ મલય એ શાયમાની સામે પાણીની બોટલ ધરી દીધી.

"ઓહ, thanks.." બોલી તેણી બોટલની કેપ ખોલી પાણી પીવાં લાગી. આ ખલેલ માટે ગૌતમે મનોમન મલયને ગાળો ભાંડી અને તેના સામે ગુસ્સાથી જોયું. આ પ્રતિભાવ શાયમાથી અજાણ્યો ન રહ્યો અને તેનાથી હસી જવાયું.

મલયે તેના હાથમાંથી પાણીની બોટલ લીધી અને પાછળ દૂર આવેલ આરસના બાંકડા પર બેસી ગયો.

"તું કંઈ પ્રોબ્લેમ વિશે કહેવાની હતી?" પોતાના મોબાઈલમાં શાયમાનો મેસેજ બતાવતા ગૌતમે પૂછ્યું.

"હા, વાત એવી છે કે.." બે શ્વાસ લેવા રોકાઈને -"આજે તે નોટિસબોર્ડ તો વાંચ્યું જ હશે. આપણી કોલેજમાંથી પ્રવાસ જવાનો છે."

"હા." ગૌતમ આગળ બોલવા જતો હતો પણ તેને લાગ્યું કે વાત હજુ અધૂરી છે તેથી તે ચૂપ થઈ ગયો.

"આપણી કોલેજમાંથી દિલ્હી પ્રવાસ જવાનો છે. રાષ્ટ્રપતિભવનમાં એક કલ્ચરલ ફેસ્ટ છે. બધા રાજ્યો પોતાના સાંસ્કૃતિક કૃતિઓ કરવાના છે. ગુજરાતમાંથી ૪ કોલેજ ત્યાં પર્ફોર્મ કરવાની છે જેમાં આપણી કોલેજનું ગ્રૂપ સ્પેશિયલ ગરબા એક્ટ કરવાનું છે. આ એક્ટ માટે ખાસ એક ડાન્સ ટીચર પણ રાખવામાં આવવાના છે." એક સાથે આટલું બોલી તેણે શ્વાસ માટે વિરામ લીધો અને ગૌતમ ના ચહેરા પર રહેલો પ્રશ્નાર્થભાવ વાંચ્યો. "આપણા ક્લાસ કોઓર્ડિનેટર સરલા મેડમે મને પણ આ એકટના રિહર્સલમાં આવવા કહ્યું હતું. બાળપણથી જ મને ગરબાનો ખૂબ શોખ હતો. ૨ તાળી, ૩ તાળી, દોઢિયા - ટીંબલી એવા બધાં સ્ટેપ્સ હું જાતે શીખી હતી. એ એક્ટમાં આવુજ કંઈક તાલબદ્ધ ફ્યુઝન કરવાનું હતું. સ્પેશિયલ અપોઇન્ટેડ ગરબા ટીચર માધવી મહેતા એ અમને બધાને સૌ પ્રથમ આ ફ્યુઝનની થીમ સમજાવી અને પછી તેમણે કંપોઝ કરાવેલ સોંગ સંભળાવી અને રિહર્સ કરવા કહ્યું. એમના ઓબ્સર્વેસન મુજબ હું એ ગ્રુપને લીડ કરી શકું એમ છું આથી તેમણે અને સરલા મેડમે મને ખાસ આ એક્ટમાં ભાગ લેવા કહ્યું છે."

"અરે.. વાહ.. આતો સારી વાત છે."

"હા.. પણ એક પ્રોબ્લેમ છે."

"શું?"

"આપણો પ્રવાસ દિલ્હી જવાનો છે. પ્રવાસ ફીસ આશરે ૧૫૦૦૦₹ છે."

"ઓહ."

"મારી ઘરની સ્થિતિ એવી નથી કે હું મારા શોખ ખાતર આટલા પૈસા ખર્ચી શકુ. અને સરલા મેડમે પણ જીદ પકડી છે. હવે હું મારી સ્થિતિ મેડમને તો ન સમજાવી શકી એટલે મને એમ થયું કે હું તને વાત કરું. ખબર નહીં શું કારણ હોય પણ તારા પર મેડમ વધુ મહેરબાન છે."

"એનું કારણ મારા પપ્પાનું આર્મી બેકગ્રાઉન્ડ છે."ગૌતમે ગર્વ લેતા કહ્યું.

"હમ્મ..."

"તો હું કંઇ મદદ કરી શકું?"

"આમ તો હા અને આમ ના."

"એટલે હું કંઇ સમજ્યો નહીં!"

"મદદ તો એ રીતે થઈ કે તે મારી મનનો બળાપો સાંભળ્યો, અને એવી આશા છે કે સરલા મેડમ પણ કાલે મારી વાત આ રીતે જ સાંભળે અને મારી મજબુરી સમજે."

"એટલે તું મારી પાસે આવી વાત કેમ કરવી એનું રિહર્સલ કરતી હતી એમ?"

"હા, થોડુંક થોડુંક..." આટલું બોલી શાયમા હસી પડી. તે જ્યારે હસતી હતી ત્યારે તેના ગાલ પર ખંજન પડતાં હતા. ગૌતમે પણ રાહત થઈ કે કોઈ મોટી પ્રોબ્લેમ ન નીકળી જેના તેને ઓવરથિન્કિંગ કર્યા હતાં. 

"થેન્ક્સ યાર, તારી સામે વાત કર્યા પછી મને થોડીક હિંમત મળી છે. કદાચ કાલે હું મેડમને પણ નિઃસંકોચ આ વાત કહી શકીશ."

"અરે એમાં શું..." અચાનક યાદ આવ્યું કે તેને શાયમા આવી ત્યારથી ખાલી પાણી જ ઓફર કર્યું હતું. "તું આઇસક્રીમ તો ખાતી જ હશે." જવાબની રાહ જોયા વગર તેણે મલયને પહેલાથી જ નક્કી રાખેલ ઈશારા મુજબ આઇસક્રીમ લાવવા માટે કહ્યું. થોડીવારમાં મલય ૩ કપ રાજભોગ વિથ રોયલ વેનીલા આઇસક્રીમ લઈને આવ્યો. ત્રણેય જણ વાતો કરતાં કરતાં આઇસક્રીમને ખતમ કર્યો અને છુટા પડ્યા.

બીજા દિવસે સવારે શાયમાના ચહેરા પર અલગ આત્મવિશ્વાસ અને નિઃસંકોચ હતો. "મેં આઈ કમ?" કહી તે સરલા મેડમની ઓફિસમાં પ્રવેશી અને મેડમ સામે ચુપચાપ ઊભી રહી ગઈ. મેડમએ બુકની બહાર ચેહરો કરીને તેને બોલવા કહ્યું.

"મેડમ હું તો તમને એમ કહેવા આવી હતી કે મારા ઘરની સ્થિતિ... એટલી... સારી નથી કે હું..."

વાક્ય પૂરું કરે તે પહેલાં સરલા મેડમે તેને અટકાવીને કહ્યું,- "શાયમા, તું દિલ્હી આવી રહી છે. તારી ફીસ કોલેજ તરફથી માફ કરવામાં આવી છે. હવે પુરી તૈયારીથી લાગી જા આ ફેસ્ટ માં આપણી કોલેજને જીતવાનું છે."


(ક્રમશઃ)