સપના.... અધુરા તોય મધુરાં...??મેઘધનુષ નો અધૂરો રંગ ??- પ્રકરણ 1 in Gujarati Love Stories by Vishakha Bhatt books and stories PDF | સપના.... અધુરા તોય મધુરાં.... મેઘધનુષ નો અધૂરો રંગ - પ્રકરણ 1

Featured Books
Categories
Share

સપના.... અધુરા તોય મધુરાં.... મેઘધનુષ નો અધૂરો રંગ - પ્રકરણ 1

Hello મારા પ્રિય વાચકો આજ થી 80 થી 2000 ના દાયકાની વાર્તા ઓ શરૂ કરું છું
સપના ......અધૂરા તોય મધુરાં......

ટાઇટલ નીચે 


મારી પહેલી જો કે બીજી વાર્તા છે.....

🌈મેઘધનુષ નો અધૂરો રંગ....,🌈

પ્રકરણ -1

ભાગ -1. એક અંણધારી ટક્કર

કોલેજમાં ફ્રેશર્સ પાર્ટીનો દિવસ હતો. નવા આવેલા વિદ્યાર્થીઓના સ્વાગત માટે આખી કોલેજ સજીધજીને તૈયાર હતી. ચારે તરફ ઉત્સાહ, ઉમંગ અને ખુશીનો માહોલ છવાયેલો હતો. સિનિયર્સ પણ પોતાના નવા સાથીઓને આવકારવા માટે તૈયારીઓમાં વ્યસ્ત હતા.
ક્યાંક સ્ટેજની સજાવટ થતી હતી, તો ક્યાંક ખુરશીઓ ગોઠવાતી હતી. વિદ્યાર્થીઓ એકબીજાની મદદ કરતાં દોડાદોડી કરી રહ્યા હતા. આખી કોલેજ જાણે કોઈ ઉત્સવ ઊજવી રહી હોય એવું લાગતું હતું.
એ એંસીના દાયકાની કોલેજ હતી. હાથમાં પુસ્તકો, ખભા પર કપડાની થેલીઓ, છોકરાઓનાં સાદાં શર્ટ-પેન્ટ અને છોકરીઓનાં સુંદર સલવાર-કમીઝ. મિત્રો સાથેની મસ્તી, હાસ્ય અને નિર્દોષ વાતોથી કોલેજનું વાતાવરણ જીવંત બની ગયું હતું.
મૌસમી પણ પોતાની ફ્રેન્ડ્સ અને તેની સાથે કોલેજમાં આવેલી એકાદ બે સ્કૂલ ફ્રેન્ડ્સ સાથે વાતો કરતી કરતી કોલેજના એ સુંદર માહોલનો આનંદ માણી રહી હતી.
મૌસમી દેખાવમાં ખૂબ જ આકર્ષક હતી. ઘઉંવર્ણો ચહેરો, મોટી અને ભાવવાહી આંખો, લાંબા કાળા વાળ અને ચહેરા પર છલકાતી નિર્દોષતા તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવતાં હતાં. તેના વ્યક્તિત્વમાં યુવાવસ્થાનો ઉત્સાહ અને નિખાલસતા બંને હતાં.
વાતો કરતાં કરતાં અને આજુબાજુનો માહોલ જોવામાં મૌસમી એટલી મશગૂલ થઈ ગઈ કે તેને સામે કોણ આવી રહ્યું છે એનું ધ્યાન જ ન રહ્યું.
અને અચાનક...
તે સામેથી આવતા એક છોકરા સાથે જોરથી અથડાઈ!
છોકરાના હાથમાં રહેલી કેટલીક વસ્તુઓ નીચે પડી ગઈ. મૌસમીને પણ ટક્કરનો ઝટકો લાગ્યો. તેણે ગુસ્સાથી છોકરા સામે જોયું અને બોલી,
“એક્સક્યુઝ મી! તમને દેખાતું નથી? સામે જોઈને ન ચાલી શકાય?”
છોકરાએ પણ તરત જવાબ આપ્યો,
“એક્સક્યુઝ મી! તમને પણ દેખાતું નથી કે હું અહીં સામાન લઈને તમારી પાર્ટીની તૈયારીમાં દોડાદોડી કરી રહ્યો છું?”
મૌસમી તેની વાત સાંભળીને થોડી અકળાઈ.
“તમારા લોકો માટે એટલે?”
છોકરાએ જવાબ આપ્યો,
“અરે, તમે બધા ફ્રેશર્સ છો ને? તમારી ફ્રેશર્સ પાર્ટીની તૈયારી કરવા માટે અમે સિનિયર્સ સવારથી દોડાદોડી કરી રહ્યા છીએ!”
પછી તેણે સહેજ ગુસ્સાથી કહ્યું,
“મૌસમી, તને એટલી પણ અક્કલ નથી પડતી?”
પોતાનું નામ સાંભળતાં જ મૌસમી એકદમ ચોંકી ગઈ.
આને મારું નામ કેવી રીતે ખબર? હું તો એને ઓળખતી પણ નથી! કોલેજમાં આવ્યાને હજી પંદર-વીસ દિવસ જ થયા છે અને આ છોકરો મને નામથી બોલાવીને આવી રીતે વાત કરે છે?
મૌસમી ગુસ્સાથી બોલી,
“એક્સક્યુઝ મી, મિસ્ટર! તમે કોણ છો? તમને મારું નામ કેવી રીતે ખબર? મારી સાથે આવી રીતે વાત કરવાની જરૂર નથી. નહીં તો હું પ્રિન્સિપાલને ફરિયાદ કરી દઈશ!”
આ સાંભળીને છોકરો નીચે પડેલી વસ્તુઓ ભેગી કરતાં કરતાં સીધો ઊભો થયો અને ખડખડાટ હસી પડ્યો.
“હાહાહા! તું ફરિયાદ કરીશ મારી?”
મૌસમી તેની સામે ગુસ્સાથી જોઈ રહી.
છોકરાએ હસતાં હસતાં કહ્યું,
“મૌસમી, તને હજી ઓળખાણ નથી પડી કે હું કોણ છું?”
મૌસમીના ચહેરા પર ગુસ્સો હજી પણ દેખાતો હતો.
“કોણ છો એટલે? મારા સિનિયર છો, એટલી ખબર પડી ગઈ! પણ એનો અર્થ એ નથી કે તમે મારી સાથે ગમે તેમ વાત કરો!”
છોકરાએ માથું ધુણાવતાં સ્મિત કર્યું.
“અચ્છા! તો સાંભળ, મૌસમી મેડમ. મારું નામ છે આકાશ!”
આટલું સાંભળતાં જ મૌસમીના મનમાં જાણે અચાનક કોઈ ચમકારો થયો.
તે આશ્ચર્યથી બોલી ઊઠી,
“અરે... ઓ માય ગોડ! તું આકાશ? શાંતિ આન્ટીનો આકાશ?”
આકાશ ફરી ખડખડાટ હસી પડ્યો.
“અચ્છા મેડમ! આખરે યાદ આવી ગયું, હેં? હું તો વિચારતો હતો કે તું મને સાવ ભૂલી જ ગઈ છે!”
મૌસમી તરત બોલી,
“પણ તું પહેલાં જ કેમ ન કહ્યું કે તું આકાશ છે?”
આકાશે હસતાં કહ્યું,
“અરે મૌસમી, લખડીશાની પોળમાં આપણાં ઘર સાવ નજીકમાં જ હતાં. આપણે સાથે કેટલું રમ્યાં છીએ! તારા ઘરે આવવું અને તારી સાથે મસ્તી કરવી તો રોજની વાત હતી. હવે કહે, આકાશને પણ ભૂલી ગઈ?”
મૌસમી હસીને બોલી,
“એવું કંઈ નથી! પણ તું હજી પણ એવો ને એવો જ છે! પહેલાં પણ બહુ બોલતો હતો અને હજી પણ તારા મોઢાને બ્રેક નથી!”
આકાશ હસતાં બોલ્યો,
“અને તું પણ ક્યાં બદલાઈ છે? પહેલાં નાની-નાની વાતમાં મારી સાથે ઝઘડતી હતી, આજે પણ એ જ હાલત છે!”
મૌસમી હસતાં હસતાં બોલી,
“સારું, બહુ થયું! હવે મને જવા દે. મારે મારી ફ્રેન્ડ્સ પાસે જવું છે.”
આકાશે રસ્તો આપતાં કહ્યું,
“જાઓ, મૌસમી મેડમ! પણ એક વાત યાદ રાખજો—આ કોલેજમાં તમારો એક જૂનો પાડોશી પણ છે!”
મૌસમી હસતી હસતી પોતાની ફ્રેન્ડ્સ તરફ ચાલી ગઈ.
આકાશ તેને જતી જોઈને હળવેથી હસી પડ્યો.
આ મૌસમી પણ ખરેખર નથી બદલાઈ
     ક્રમશઃ 
                     II અસ્તુ ll
VISHAKHA BHATT
HCG HOSPITAL 
CARDIAC CO ORDINATOR 
BHAVNAGAR

આ વાર્તા તમને કેવી લાગી તે જણાવશો
સુંદર. ❤️
સારી. 👍
ઠીક. 🙏🏻
રીએકશન આપી ને જરૂર જણાવશો જી....