Chand Bawdi, Rajasthan in Gujarati Travel stories by SUNIL ANJARIA books and stories PDF | ચાંદ બાવડી, રાજસ્થાન

Featured Books
Categories
Share

ચાંદ બાવડી, રાજસ્થાન

ચાંદ બાવડી

રાજસ્થાનમાં બાવડી એટલે વાવ. આપણે ત્યાં અડાલજની વાવ કે પાટણની રાણકી વાવ છે તેવી  વાવ.

અ સ્થળ દૌસા જિલ્લાના આભાનેરી ગામ પાસે આવેલું છે. નિકુંભ વંશના રાજા ચંદા કે  મિહિર ભોજ દ્વારા આ વાવ બાંધવામાં આવેલી.

આ જગ્યા ASI એટલે ભારતીય પુરાતત્વ ખાતાં દ્વારા સુરક્ષિત સ્મારક છે.

કહે છે કે આ વિશ્વની સહુથી ઊંડી  વાવો પૈકી એક અને સહુથી વધુ,3500 પગથિયાં વાળી જગ્યા છે. તેનું નિર્માણ 8 કે 9મી સદીમાં  થયેલું એટલે 1300 ઉપરાંત વર્ષ જૂનું બાંધકામ છે. હજી ખૂબ સારી હાલતમાં છે, પુરાતત્વ ખાતાંએ જાળવી છે.

રાજસ્થાનની એક ભૂતિયા જગ્યા તરીકે જાણીતાં સ્થળ ભાણગઢ  જ્યાં  કોઈ કહે છે કે  તાંત્રિક નો શ્રાપ, કોઈ કુદરતી આફત કહે છે, એવાં કારણે રાતોરાત આખું વિકસિત નાનું શહેર હિજરત કરી ગયેલું એ જગ્યા. એને વિશે પછી વાત. એની નજીક, 47 કિમી દૂર એ જગ્યા છે.

અમે ગુડગાંવથી 243 કિમી એટલે સમજો, અમદાવાદથી રાજકોટ ક્રોસ કરી ગોંડલ કે અંબાજી પાસેથી આબુરોડ પહોંચીએ એટલું અંતર બેય બાજુ ફોર લેન રસ્તે  ફક્ત 3 કલાકમાં કાપ્યું.  ભાણગઢ પહોંચી તે સ્થળ જોયું. ત્યાંથી નજીકમાં એક કલાકના રસ્તે , ગામડાંઓમાં થઈને જતા સાંકડા રસ્તે થઈને જ જવાય છે. આ બાવડી જવાના રસ્તે નારાયણી માતાનું સ્થાનક છે જે ગ્રામ્ય રાજસ્થાનમાં ખૂબ જાણીતું છે.

ચાંદ બાવડી જોવા આવેલ બીજાં રાજ્યોના પાસિંગ વાળી  કારો અને વિદેશી મુલાકાતીઓ જોઈ આશ્ચર્ય થયું.

ટિકિટ લઈ અંદર જાઓ એટલે સામે પક્ષીની પાંખો કે V આકારે અસંખ્ય પગથિયાં ચારે તરફ દેખાય.  ઝીગઝેગ આકારે ઊંધા પિરામિડ આકારમાં અસંખ્ય સીડીઓ ચારે તરફ દેખાય જે બધી જ એક સરખાં પરિમાણની હોઈ નજારો વાહ બોલાવી દે એવો છે. એના પથ્થરો અડાલજ કે રાણકી વાવમાં જોઈએ છીએ એવા પીળા રેતીના પથ્થરો નહીં પણ કળશ પડતા રાખોડી હતા. ચાંદની રાતે આ પથ્થરો એકદમ દૂધ જેવા સફેદ દેખાય છે. એનું એક નામ અંધેરા ઉજાલા બાવડી પણ એ જ કારણે છે.

જાણ્યું કે વાવ 100 ઉપર ફૂટ ઊંડી, 13 માળની અને બધાં મળી 3500 પગથિયાં ધરાવે છે જે વિશ્વમાં કદાચ સહુથી વધુ સંખ્યા છે!

કિંવદંતી છે કે આ બાવડી માત્ર એક રાતમાં બંધાયેલી, રાજાએ ભૂતો (કે જેમનું મગજ સ્વતંત્ર કામ ન કરતું હોય તેવા ઝોમ્બીઓ?) દ્વારા બનાવેલી.

આ વાત સાચી  હોય એ જરૂરી નથી પણ કોઈ  પણ મશીનરી કે મિઝરમેન્ટ ના આધુનિક સાધનો વગર આવું સ્થાપત્ય બાંધવું એક મોટો ચમત્કાર છે.

વિકિપીડિયા પર વાંચ્યું કે કોઈ એક જગ્યાએથી પગથિયાં ઉતરતી વ્યક્તિ ગમે તે કરે, એ જ જગ્યાએથી  ચડી શકતી નથી, તેણે બીજી સીડીનો  જ ઉપયોગ કરવો પડે છે.

કહે છે કે આ ખૂબ ઊંડી વાવ પોતે 13 માળ અને 100 થી વધુ ફૂટ નીચે છે અને એની અંદરનું પાણી તો હજી માપી ન શકાય એટલું ઊંડું છે. એક વખત કોઈ વસ્તુ આ પાણીમાં પડી ગઈ તો એને બહાર કાઢવી અસંભવ છે. 

કોઈ જગ્યાએથી એક છૂપી સુરંગ પણ છે જેનો ઉપયોગ આપાતકાલીન સ્થિતિમાં રાજા અને એનું સૈન્ય કરતા હતા.

હંમેશ મુજબ અંદર કોણ જાણે ક્યારથી, કદાચ એ તેર સદીઓથી ઉપયોગ વગરનું બંધિયાર લીલું પાણી હતું પણ ઘણે ઊંડે હતું. પગથિયાંની બધી હારો પણ બહારથી જોવા જ મળતી હતી. અંદર ઉતરી ન શકો એટલે લોખંડની પાઇપોની રેલીંગ હતી.

અંદર મોગલ અને રાજસ્થાની શૈલીના મિશ્રણ વાળા થાંભલાઓની હાર વાળા પેસેજમાં દેવ દેવીઓની પ્રાચીન મૂર્તિઓ હતી જે ખોદકામ દરમ્યાન મળી આવેલી. નંદી પર બેઠેલ શિવ પાર્વતી, ગણેશ,  મહિષાસુર મર્દીની, ખડગ સાથે યોદ્ધો, શૃંગાર કરતી સ્ત્રી વગેરે મૂર્તિઓ હતી જે  થોડી ખંડિત હતી પણ સુરક્ષિત રાખેલી.

ત્યાં પોપટ ઘણા  હતા. કબૂતર એક પણ નહીં. સ્વચ્છતા ઘણી સરસ હતી. ઠંડાં પાણી માટે  કૂલર પણ ચાલુ હતું. 

આ જગ્યા પણ ભૂતિયા ગણાય છે. સૂર્યાસ્ત પછી કોઈને અંદર રહેવા દેવાતા નથી. કિવદંતીઓ છે કે રાત્રે રાણી પગથિયાં ઉતરતી દેખાય છે કે ઝાંઝરો નો ઝણકાર સંભળાય છે.

બાવડીની સામે નજીકમાં જ હર્ષદી માતાનું મંદિર છે.

અનેક સાચી ખોટી માન્યતાઓ ધરાવતી આ જગ્યા એનું વાહ પોકારી જાય એવું અદ્ભુત બાંધકામ જોવા ક્યારેક જરૂરથી જવા જેવી.

**