કેટલીક લાગણીઓને શબ્દો નથી મળતા, કેટલાક સંબંધોને નામ નથી મળતાં અને કેટલાક પ્રેમને જીવવા માટે સમાજની મંજૂરી નથી મળતી .
પ્રશ્ન એ છે કે પ્રેમ કરનારનું હૃદય સમાજની પરવાનગી લઈને ધડકે છે ખરું?
આપણે એવા સમાજમાં જીવીએ છીએ, જ્યાં સંબંધોની કિંમત ઘણી વાર લાગણીઓ કરતાં વધારે હોય છે. અહીં લોકોની નજરમાં સારા દેખાવા માટે વ્યક્તિએ પોતાની અંદરના સત્યને કેટકેટલી વાર દફનાવવું પડે છે! પરિવારની આબરૂ, સમાજની મર્યાદા, પરંપરાની સાંકળો અને લોકોની જીભના ડર વચ્ચે ક્યારેક માણસ પોતાનું જ અસ્તિત્વ ભૂલી જાય છે.
લાગણીઓ મરતી નથી...
માત્ર મૌન થઈ જાય છે.
અને જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જ હૃદયમાં રહેલા પ્રેમને સ્વીકારવાનું બંધ કરી દે, પોતાની ઇચ્છાઓને ગુનો સમજીને દબાવી દે અને પોતાની ખુશીને બીજાની ખુશીના બદલામાં કાયમ માટે ત્યજી દે, ત્યારે કદાચ એ જ ક્ષણથી શરૂ થાય છે...
લાગણીઓનું નિર્વાસન.
આ વાર્તા માત્ર પ્રેમની નથી. આ વાર્તા છે સમાજના માપદંડોની, સંબંધોના બંધનોની, લાગણીઓના સંઘર્ષની અને એવા લોકોની, જેઓ બહારથી સામાન્ય દેખાય છે, પણ અંદરથી અનેક અનકહી વાર્તાઓ જીવે છે.
પ્રકરણ-1
મૌન સૂર્ય અને રહસ્યમય કિસ્સો
ભારે શોરબકોર વચ્ચે આજે આખા શહેર માં એક અલગ જ ચહલપહલ છે. હું કસ્તૂરીપુરમાં નવો છું અને પહેલી વાર આવ્યો છું. ખેર! મારી વાત છોડો, હું તો એક લેખક છું. જૂના, આદર્શ અને મહાન વ્યક્તિત્વ વિશે લખવાનો મારો શોખ છે. આથી જ આજની આ ભાગદોડ વચ્ચેથી જ હું મારો આ અંક શરૂ કરું છું.
જાણો છો, આ ભાગદોડ શા કારણે છે? લોકો શા માટે આટલી ઉતાવળે ટાઉનહોલ તરફ જઈ રહ્યા છે?
આજે 'Heart Beat' કંપનીના માલિકનો જન્મદિવસ છે! 'Heart Beat' એક એવી કંપની છે જે આજે સફળતાના ખૂબ જ ઉચ્ચ શિખર પર છે. આ સફળ કંપનીના માલિકનું નામ છે મિસ તાન્યા શાહ.
પણ હા, આ સફળતા અને સુંદરતામાં પણ એક અલગ જ આભાસ છે. તાન્યા એક ખૂબ જ સુંદર અને આકર્ષક યુવતી છે. સૂર્ય પણ શરમાય તેવું તેનું તેજ છે, પણ ક્યાંક ને ક્યાંક તેનું એ તેજ ઝાંખું પડતું જણાય છે. કારણ? કારણ કે આ સૂર્ય એક અકળ ગ્રહણથી ઘેરાયેલો છે અને છતાં મૌન છે!
તેનું સ્મિત ક્યાંક છીનવાઈ ગયું છે. દરેક વ્યક્તિ પૂછે છે કે આટલી મોટી કંપનીની માલિક શા માટે દુઃખી રહે છે, શા માટે હસતી નથી? ઠીક છે, પણ તેનો ઠાઠમાઠ જોતાં યુવાનીમાં તેને કોઈ બાબતની કમી નથી. આખા દેશના ઉચ્ચ યુવાનો તેના પર મરે છે, તેની સાથે લગ્ન કરવા માટે અનેક પ્રયાસો કરે છે. તો પછી શા માટે તે આવી છે?
દરેક વ્યક્તિમાં સોમાંથી એકાદ રહસ્ય તો સામાન્ય હોય જ છે, આથી લોકો આ બાબતે વધુ વિચારતા નથી. પણ હું તમને આ આખું રહસ્ય કહેવા માંગુ છું.
અમારી આ લેખક મંડળીમાં અચાનક એક વ્યક્તિ આવી. તે બધું જ એકી શ્વાસે બોલવા લાગ્યો. અમે તેને આશ્ચર્યથી એકીટશે જોઈ રહ્યા. પાગલ જેવી વાતો કરતો એ યુવાન દેખાવમાં ખૂબ સજ્જન લાગતો હતો. આથી અમે તેને બેસાડ્યો અને પછી તેણે તાન્યા શાહ વિશે વાત શરૂ કરી.
ત્રીસ વર્ષનો એ કદાવર યુવાન ખૂબ જ સુંદર અને મજબૂત બાંધાનો હતો. પણ આ યુવાનીમાં પણ તેની આંખો સમગ્ર સંસારની નિર્દયતાની ચાડી ખાતી હતી. તે ખૂબ જ ઉદાસ અને થાકેલો-હારેલો અમારી પાસે આવ્યો હતો.
અમે તેની એક-એક વાતને ખૂબ જ રસપૂર્વક સાંભળી રહ્યા હતા. તેની વાતોમાં એક એવી જિજ્ઞાસા હતી જે અમને સાંભળવા માટે મજબૂર કરતી હતી. તે બસ બોલતો જ રહ્યો.
એ વાત સાંભળતા એવો અનુભવ થતો હતો જાણે અમે પણ એ સાત વર્ષ જૂની ઘટનાના મૂક-પ્રેક્ષક બની ગયા હોઈએ! આપણને એક-એક ઘટના આપણી નજર સામે બનતી દેખાતી હતી. એ વ્યક્તિની વાતોમાં અનન્ય જાદુ હતો.
તો ચાલો, તમે પણ એ જાદુને પ્રત્યક્ષ નિહાળો...
ક્રમશ: