Featured Books
Categories
Share

અપેક્ષાઓના પિંજરામાં સ્ત્રી: સતત મૂલ્યાંકન અને જજમેન્ટ વચ્ચે ખોવાયેલું અસ્તિત્વ

એક સ્ત્રીના જીવનની સૌથી મોટી કરુણતા એ છે કે તેનો જન્મ થાય ત્યારથી લઈને આયુષ્યના અંત સુધી તેને એક સ્વતંત્ર જીવ તરીકે ઓછી અને 'બીજાના માપદંડો પર ખરા ઉતરવાના સાધન' તરીકે વધુ જોવામાં આવે છે. પિયર હોય કે સાસરી, દીકરી હોય કે પત્ની, એક સ્ત્રીનું મન શું ઈચ્છે છે, તેની ભાવનાઓ શું કહે છે, એ જાણવા કરતાં તે સમાજ અને પરિવારના ચોકઠામાં બરાબર બેસે છે કે નહીં, એનું જ સતત મૂલ્યાંકન (Judge) કરવામાં આવે છે.
પિયરમાં માતા-પિતાના આંગણે મોટી થતી દીકરીને પણ ડગલે ને પગલે સલાહો અને તુલનાઓનો સામનો કરવો પડે છે. "મોટેથી ન હસાય", "આમ ન બેસાય", "પડોશીની દીકરીને જો, કેટલી શાંત અને ગુણિયલ છે, રસોઈમાં બધું આવડે છે"—આવા વેધક વેણ સાથે તેના મન પર નિયમો થોપી દેવામાં આવે છે. મા-બાપના ઘરે પણ તેને પોતાની મરજીથી જીવવાની પૂરી મોકળાશ નથી મળતી; તેને સતત યાદ અપાવાય છે કે "તારે પારકે ઘેર જવાનું છે, ત્યાં લોકો શું કહેશે?"
પછી આવે છે લગ્ન પછીનો તબક્કો. સ્ત્રી પોતાનું આખું અસ્તિત્વ, પિયર અને ઓળખ છોડીને એક અજાણ્યા ઘરમાં પત્ની બનીને પગ મૂકે છે. તેને એમ હોય છે કે હવે તેને પોતાનું એક ઘર મળશે, એક સાથી મળશે જે તેની ભાવનાઓને સમજશે. પરંતુ વાસ્તવિકતા સાવ અલગ હોય છે.
સાસરે પગ મૂકતાં જ જજમેન્ટનો બીજો અને વધુ કઠોર દોર શરૂ થાય છે. જરાક મોડું ઊઠાય તો આળસુ, પોતાની વાત સ્પષ્ટ કહે તો તોછડી, થોડી શાંત બેસી રહે તો ઘમંડી, અને પોતાની ખુશી માટે કંઈક કરે તો સ્વાર્થી! વહુની તુલના તરત જ ઘરની દીકરી સાથે કે પાડોશની કોઈ વહુ સાથે થવા લાગે છે: "અમારી દીકરી તો આટલું સરસ કામ કરે છે", "ફલાણાની વહુ કેટલી સાચવે છે". કોઈ એ વિચારતું નથી કે દરેક વ્યક્તિનો સ્વભાવ, ક્ષમતા અને લાગણીઓ અલગ હોય છે.
સૌથી વધુ દર્દ ત્યારે થાય છે જ્યારે તેનો પોતાનો જીવનસાથી, તેનો પતિ પણ આ જજમેન્ટની ભીડનો હિસ્સો બની જાય છે. જ્યારે પત્ની આખો દિવસ કામ કરીને થાકી જાય કે માનસિક રીતે ભાંગી પડે, ત્યારે તેને સાંભળવાને બદલે ઉપદેશ આપવામાં આવે છે: "મારી મમ્મી પણ આટલું કરતી હતી, એમાં તું શું નવું કરે છે?" સ્ત્રીની અંદર ચાલતી ઘમસાણ, તેનો થાક, તેના દબાયેલા અરમાનો કે તેની આંખના ખૂણે અટવાયેલાં આંસુ કોઈને દેખાતાં નથી. બસ બધાને એક 'પરફેક્ટ પત્ની' અને 'પરફેક્ટ વહુ' જોઈએ છે, પણ કોઈને એ સંવેદનશીલ માણસ નથી જોઈતો જેની અંદર પણ એક ધબકતું હૃદય છે.
આમ કરો તો આમ કેમ કર્યું? અને તેમ કરો તો તેમ કેમ કર્યું? બંને બાજુ માત્ર શરતો, બંધનો અને ટીકાઓ! સ્ત્રી પોતાના આખા જીવનમાં માત્ર બીજાને ખુશ કરવામાં જ હોમાઈ જાય છે, છતાં દિવસના અંતે તેને અસંતોષ અને દોષારોપણ સિવાય કશું મળતું નથી.
સમાજે અને પરિવારે હવે એ સમજવાનો સમય આવી ગયો છે કે સ્ત્રી કોઈ પરીક્ષાનું પ્રશ્નપત્ર નથી જેને આખી જિંદગી માત્ર માર્ક્સ આપીને તપાસ્યા કરવી. એ એક જીવતી-જાગતી વ્યક્તિ છે. તેને સલાહો અને તુલનાઓ કરતાં વધુ જરૂર પ્રેમ, સમજણ અને તેના અસ્તિત્વના નિખાલસ સ્વીકારની છે. જ્યારે એક સ્ત્રીને જજ કર્યા વગર માત્ર સાંભળવામાં આવશે, ત્યારે જ તે ખરા અર્થમાં મુક્ત શ્વાસ લઈ શકશે.
કોઈકે સાચું જ કહ્યું છે:

"તુલનાઓના ત્રાજવે તોળાઈને થાકી ગઈ છે એ સ્ત્રી,
જેને માત્ર પ્રેમ જોઈતો હતો અને મળ્યા ફક્ત નિયમોના દસ્તાવેજ!"

ક્યારેક દીકરી બનીને માપી મને,
ક્યારેક વહુ કહીને ત્રાજવે તોળી મને.

આમ કરું તો ખોટી, તેમ કરું તો વાંક,
હર પળે ચીંધ્યો મારો જ એક આંક.

નથી જોઈતી મારે કોઈ ઊંચી પદવી,
બસ સમજો મારા મનની નાની વેદના હળવી.

હું પણ લોહી-માંસનો એક માણસ છું,
માત્ર અપેક્ષાઓનું પૂતળું નથી,
મને પણ જિંદગી જીવવાની એક મોકળાશ આપો!