Ramayana in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | રામાયણ

Featured Books
Categories
Share

રામાયણ

રામાયણ
રાકેશ ઠક્કર

        જ્યારે ભારતીય સિનેમાના ઇતિહાસમાં કોઈ ફિલ્મ પાછળ રૂ. 4000 કરોડ રૂપિયાનું ધન પાણીની જેમ વહાવવામાં આવે અને કાગળ પર નિર્દેશક તરીકે નિતેશ તિવારીનું નામ હોય ત્યારે થિયેટરની ટિકિટ ખરીદતી વખતે દર્શકોના પેટમાં થોડી ફાળ પડવી સ્વાભાવિક છે કે ક્યાંક ‘રામાયણ’ ની આ પૌરાણિક ગાથા ફરીથી ‘આદિપુરુષ’ જેવી કરૂણાંતિકા તો નહીં બની જાય ને?! પરંતુ IMAX થિયેટરમાં આ મેગ્નમ ઓપસ ફિલ્મ જોઈને બહાર નીકળેલો કોઈપણ સિનેમાપ્રેમી પોતાની જાતને સીટ પરથી ઊભા થઈને તાળીઓ પાડતા રોકી શકે તેમ નથી. નમિત અને નિતેશની અતૂટ મહેનતે સાબિત કરી દીધું છે કે જો સાચી નિયત અને દાનત સાથે ભારતીય સંસ્કૃતિના ઇતિહાસને મોટા પડદા પર ઉતારવામાં આવે તો હોલીવુડના જાણીતા યુનિવર્સ પણ પાણી માંગવા લાગે છે.

          ફિલ્મ શરૂ થતાં જ પંદર-વીસ મિનિટમાં રાવણના પાત્રનું જે ધમાકેદાર આગમન થાય છે ત્યાં જ અંદાજ આવી જાય છે કે આ ફિલ્મ કોઈ સામાન્ય મનોરંજન નથી પરંતુ એક અદભુત સિનેમેટિક અનુભવ છે, જે થિયેટરના પડદા ફાડી નાખવા માટે તૈયાર બેઠો છે. આ ફિલ્મે કાલકારોની પસંદગીમાં સો ટકા સચોટ નિશાન સાધ્યું છે. રણબીર કપૂર જ્યારે ભગવાન શ્રી રામના રૂપમાં મંદ-મંદ મુસ્કુરાતા, અત્યંત શાંત, સૌમ્ય અને ગૌરવશાળી અંદાજમાં મોટા પડદા પર દેખાય છે, ત્યારે તેમના ચહેરા પરની શાલિનતા દર્શકોનો હીરો પ્રત્યેનો આદર અનેક ગણો વધારી દે છે. માતા સીતાના પવિત્ર અને દિવ્ય પાત્રમાં સાઈ પલ્લવીએ પોતાની અદાકારીથી એક અલગ જ તાજગી ભરી દીધી છે, જ્યારે રવિ દુબેએ લક્ષ્મણના પાત્રમાં પોતાની કુશળ અભિનયશૈલીથી દર્શકોના ચેહરા પર સતત સ્મિત જાળવી રાખ્યું છે. શૂર્પણખાના રોલમાં રકુલપ્રીત સિંહનું કામ પણ પ્રશંસનીય છે અને પરશુરામના પાત્રની ઝલક પણ રૂંવાડા ઊભા કરી દે છે.

        પરંતુ આખી ફિલ્મમાં જો કોઈ એકમાત્ર કલાકાર સૌથી મોટો સાબિત થયો હોય તો તે લંકાપતિ રાવણના ભયાનક અને પ્રભાવશાળી રોલમાં યશ છે. યશની સ્ક્રીન પ્રેઝન્સ, તેમની આંખોનો ઘાતક ઓરા અને ચાલવાનો એવો અંદાજ છે કે દર્શકો એક પળ માટે એ દ્વિધામાં મુકાઈ જાય છે કે આ નકારાત્મક પાત્ર માટે સિનેમાઘરમાં સીટીઓ વગાડવી કે નહીં. તેમાં પણ સોનામાં સુગંધ ત્યારે ભળે છે જ્યારે શરદ કેલકરનો ગંભીર, પહાડી અને ભારેખમ અવાજ યશના પાત્રની પાછળ ડબિંગ તરીકે ગુંજે છે. શરદના અવાજની જાદુગરી રાવણના પાત્રને એટલું કદાવર રૂપ આપે છે કે થિયેટરની દીવાલો પણ ધ્રૂજી ઉઠે છે. ફિલ્મનું ટેકનિકલ પાસું અને વીડિયોગ્રાફી પણ એટલી જ કાબિલે તારીફ છે.

         જોકે કેટલાક ચોક્કસ સીન્સમાં VFX માં સહેજ કચાશ કે કાર્ટૂનિશ ઝલક અનુભવાય છે, અને ક્યારેક રિયલ અને કમ્પ્યુટર-જનરેટેડ તત્વો વચ્ચેનો ભેદ નજરે ચડે છે, પરંતુ એ નાની-સૂની ખામીઓ ફિલ્મની ભવ્યતા સામે સંપૂર્ણપણે ઓગળી જાય છે. એ.આર. રહેમાન અને હંસ સિમેરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક જ્યારે થિયેટરમાં ગુંજે છે, ત્યારે રોમાંચની એક અદભુત લહેર આખા શરીરમાં દોડી જાય છે. ખાસ કરીને જટાયુ સાથેનું યુદ્ધ દ્રશ્ય અને ઇન્ટરવલ પોઇન્ટ પર રણબીર કપૂરના ચહેરા પરના ભાવો અને આંખોમાં છવાયેલા આંસુ દર્શકોને અંદરથી હચમચાવીને મૂકી દે છે. ક્લાઇમેક્સ પહેલા આવતા એક્શન સિક્વન્સમાં લોહી અને શૌર્યનો જે અદભુત સંગમ જોવા મળે છે, તે આજના જમાનાના કોઈપણ સુપરહીરો ડ્રામાને પાછળ છોડી દે તેવો છે. ફિલ્મ પૂરી થયા બાદ આવતા પોસ્ટ-ક્રેડિટ સીનમાં જ્યારે સની દેઓલના ગર્જના જેવા અવાજમાં હનુમાનજીની ઝલક દેખાય છે અને પૃષ્ઠભૂમિમાં હનુમાન ચાલીસા વાગે છે, ત્યારે આખું થિયેટર 'જય શ્રી રામ'ના નારાઓથી ગુંજી ઉઠે છે.

        આટલી મોટી ભવ્યતા અને ક્રાફ્ટ ધરાવતી આ ફિલ્મની એડવાન્સ બુકિંગ રિપોર્ટ અને બોક્સ ઓફિસ કમાણીની સંભાવનાઓ પણ એટલી જ ધમાકેદાર છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ ભળે રણવીર સિંહની ‘ધુરંધર 2’ થી અડધું પણ નથી છતાં એ બોક્સ ઓફિસ પર દિવાળીમાં મોટા રેકોર્ડ તોડવાની ક્ષમતા ધરાવે છે.

        ફિલ્મ માત્ર તેના મોટા સ્કેલ કે બજેટ પૂરતી મર્યાદિત નથી પરંતુ થિયેટરમાં જોયા પછી જે ઓવરઓલ સિનેમેટિક અનુભવ મળે છે તે અદભુત છે. આ માત્ર એક ફિલ્મ નથી પરંતુ ભારતીય સિનેમાનો અહંકાર અને આત્મવિશ્વાસ છે, જેને બોક્સ ઓફિસ પર ભવ્ય સફળતા મળવી અનિવાર્ય છે જેથી ભવિષ્યમાં મહાભારત જેવા અન્ય મોટા પ્રોજેક્ટ્સ બનાવવાની કોઈ નિર્માતા હિમ્મત કરી શકે.

       પ્રથમ ભાગના અંતે જે શાનદાર સેટ-અપ આપવામાં આવ્યું છે, તેનાથી દર્શકોમાં બીજા ભાગ માટેની ઉત્સુકતા ચરમસીમા પર પહોંચી ગઈ છે. મોટી ઓપનિંગ અને સ્ટ્રોંગ વર્ડ ઓફ માઉથ પછી આગામી ભાગો માટે બોક્સ ઓફિસ પર પહેલાથી જ એક સુરક્ષિત અને વિશાળ બજાર તૈયાર થઈ ગયું છે, જે બિઝનેસના તમામ જૂના રેકોર્ડ્સ તોડવા માટે સક્ષમ બનશે. રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી જેવા જુદા-જુદા ઉદ્યોગોના દિગ્ગજ કલાકારોનું એક જ પ્લેટફોર્મ પર આવવું એ દર્શાવે છે કે હવે ભાષા કે રાજ્યોની સીમાઓ ઓગળી ચૂકી છે. આ ફિલ્મે 'પાન-ઇન્ડિયા' કલ્ચરને સાચા અર્થમાં સાર્થક કર્યું છે, જે ભવિષ્યની મલ્ટી-સ્ટારર ફિલ્મો માટે એક નવું મોડેલ પૂરું પાડશે. OTT પ્લેટફોર્મના વધતા પ્રભાવ વચ્ચે 'રામાયણ' એ સાબિત કરી દીધું છે કે જો સિનેમાઘરોમાં અદભુત વિઝ્યુઅલ અને જકડી રાખતી વાર્તા મળે તો દર્શકો IMAX અને 3D ફોર્મેટ્સમાં પરિવાર સાથે થિયેટર સુધી જરૂર દોડી આવે છે. આ ટ્રેન્ડ સિનેમા હોલ ઇન્ડસ્ટ્રી માટે એક સંજીવની સમાન સાબિત થશે.