"માની યાદો અને ક્યારેય ન પૂરાતી ખોટ..." ❤️ in Gujarati Anything by T joshi books and stories PDF | "માની યાદો અને ક્યારેય ન પૂરાતી ખોટ..." ❤️ - "માની યાદો અને ક્યારેય ન પૂરાતી ખોટ..."

The Author
Featured Books
Categories
Share

"માની યાદો અને ક્યારેય ન પૂરાતી ખોટ..." ❤️ - "માની યાદો અને ક્યારેય ન પૂરાતી ખોટ..."

માની ખોટ ક્યારેય પૂરી થતી નથી... ❤️

જીવનમાં અમુક પ્રસંગો એવા હોય છે, જ્યાં આપણે કોઈના દુઃખમાં સહભાગી થવા જઈએ છીએ, પરંતુ ત્યાંથી પાછા ફરતી વખતે આપણી પોતાની જૂની યાદો તાજી થઈ જાય છે. ક્યારેક કોઈનું દુઃખ આપણને આપણા જીવનની એવી વ્યક્તિની યાદ અપાવી જાય છે, જે આજે આપણી વચ્ચે નથી.

આજે આવો જ એક પ્રસંગ બન્યો.

આજે એક ઊઠમણામાં જવાનું થયું હતું. સામાન્ય રીતે આવા પ્રસંગોમાં વાતાવરણ શાંત અને ગંભીર હોય છે. દરેક વ્યક્તિના ચહેરા પર દુઃખની લાગણી દેખાતી હોય છે. કોઈ પરિવારને સાંત્વના આપવા આવ્યું હોય છે, તો કોઈ પોતાની યાદોમાં ખોવાયેલું હોય છે.

એવામાં ત્યાં 'મા મીઠા મધુના...' ગીત વાગતું હતું.

ગીતના શબ્દો કાનમાં પડ્યા અને જાણે વાતાવરણમાં એક અલગ જ લાગણી પ્રસરી ગઈ. એ ગીત સાંભળતાં જ મારી મમ્મીની આંખો ભીની થઈ ગઈ. કદાચ એ ગીતના શબ્દોએ એમના હૃદયમાં વર્ષોથી સાચવી રાખેલી પોતાની મમ્મીની યાદોને ફરી જીવંત કરી દીધી હતી.

હું મારી મમ્મીને જોઈ રહી હતી. એમની આંખોમાં આંસુ હતાં, પણ એ આંસુ પાછળ કેટલી બધી યાદો છુપાયેલી હશે એ વિચાર જ મને અંદરથી સ્પર્શી ગયો.

મને થયું કે ખરેખર કેટલું અદ્ભુત છે ને આ જીવન!

એક દીકરી જ્યારે નાની હોય છે, ત્યારે એની દુનિયા એની મા હોય છે. ભૂખ લાગે ત્યારે મા યાદ આવે, દુઃખ થાય ત્યારે મા પાસે દોડી જવાય, કોઈ વાત સમજાતી ન હોય ત્યારે મા સમજાવે. બાળપણથી લઈને મોટા થવા સુધી મા દરેક પગલે સાથે રહે છે.

પણ સમયની સાથે એક દિવસ એવો પણ આવે છે, જ્યારે એ જ મા આપણને મૂકીને ભગવાનના ધામે જતી રહે છે.

પછી જીવન તો ચાલતું રહે છે. સવાર પડે છે, સાંજ થાય છે, તહેવારો આવે છે, ઘરમાં પ્રસંગો ઉજવાય છે, લોકો મળે છે, હસવાનું પણ થાય છે. પરંતુ આ બધાની વચ્ચે એક જગ્યા એવી ખાલી રહે છે, જ્યાં માત્ર માની હાજરી જ હોઈ શકે.

ક્યારેક રસોડામાં કોઈ વાનગી બને અને માની યાદ આવી જાય. ક્યારેક કોઈ ગીત સંભળાય અને આંખો ભીની થઈ જાય. ક્યારેક મનમાં કોઈ વાત આવે અને અચાનક થાય કે આજે મા હોત તો એને આ વાત જરૂર કહી હોત.

આ જ તો માની ખોટ છે!

મા દુનિયામાં ન હોય ત્યારે એની સાથેની વાતો યાદ બની જાય છે, એનો અવાજ સ્મૃતિ બની જાય છે અને એનો સ્પર્શ જીવનભરની ઝંખના બની જાય છે.

આજે મારી મમ્મીની ભીની આંખો જોઈને મને સમજાયું કે દીકરી ગમે તેટલી મોટી થઈ જાય, ગમે તેટલી જવાબદારીઓ નિભાવતી થઈ જાય, પરંતુ પોતાની માની સામે તો એ હંમેશાં એક નાનકડી દીકરી જ રહે છે.

મા વગરનું જીવન જીવવું પડે છે, પણ માની યાદ વગરનું જીવન જીવવું શક્ય નથી.

કેટલીક ખોટ એવી હોય છે, જેને સમય પણ ભરી શકતો નથી. સમય માત્ર એ ખોટ સાથે જીવતાં શીખવે છે.

કારણ કે જન્મ આપનારી જનની જ્યારે આ દુનિયા છોડીને જાય છે, ત્યારે માત્ર એક વ્યક્તિ નથી જતી, પણ એની સાથે આપણા બાળપણનો એક હિસ્સો, નિઃસ્વાર્થ પ્રેમની એક દુનિયા અને હૂંફ આપતું એક આખું સરનામું પણ જતું રહે છે.

એટલે જ કદાચ કહેવાય છે કે દુનિયામાં દરેક સંબંધની જગ્યા કોઈ ને કોઈ લઈ શકે, પણ માની જગ્યા કોઈ ક્યારેય લઈ શકતું નથી.

મા હોય ત્યારે એની કદર કરજો, એની સાથે થોડી વધુ વાતો કરજો, એના ખોળામાં થોડો વધુ સમય વિતાવજો. કારણ કે એક દિવસ એવો પણ આવશે જ્યારે એની સાથે વાત કરવાની ઇચ્છા હશે, પણ એનો અવાજ સાંભળવા નહીં મળે.

મા એટલે માત્ર એક સંબંધ નહીં, મા એટલે આખી જિંદગીની એવી હૂંફ, જેની ખોટ જીવનભર સાલે છે.

— કાગળ વગરની તૃપ્તિ