Back to the old days - 9 in Gujarati Fiction Stories by Dhamak books and stories PDF | પાછા વળ્યા પાછલા દિવસો - 9

The Author
Featured Books
Categories
Share

પાછા વળ્યા પાછલા દિવસો - 9

આપણે આગળ જોઈ ગયા કે..

પણ જાનવીની નજર જેવી જતીનના લોહીલુહાણ હાથ પર પડી, તેનું દિલ ધબકારો ચૂકી ગયું. જાનવી મનોમન જતીનને ખૂબ પ્રેમ કરતી હતી, તેથી જતીનને આ હાલતમાં જોઈને તેનાથી રહેવાયું નહીં.

તે આંખમાં આંસુ સાથે તરત જતીનની નજીક ગઈ અને તેનો હાથ પકડીને ચિંતાભર્યા અવાજે બોલી, "જતીન... જતીન! તને કેટલું વાગી ગયું છે! ચાલો, આપણે પહેલાં હોસ્પિટલ જઈએ."

મનોજે પરિસ્થિતિ અને જાનવીની ચિંતા સમજી લીધી. તેણે જાનવીને કહ્યું, "એક કામ કરો, અમે લોકો પોલીસ સ્ટેશન જઈને કમ્પ્લેઈન અને આગળની કાર્યવાહી પતાવીએ છીએ. જાનવી, તું જતીનને લઈને તરત જ હોસ્પિટલ પહોંચ."

જાનવીએ હા પાડી અને પોતાના ગળામાં પડેલા સ્કાફ વડે જતીનના ઘા પર મજબૂતીથી પટ્ટી બાંધી દીધી જેથી લોહી વહેતું અટકે. પછી બંને બહાર નીકળ્યા, તો સેજલે પોતાની સ્કૂટીની ચાવી આપતા કહ્યું, "જાનુ, તું જતીનને પહેલા સારવાર માટે હોસ્પિટલ લઈ જા, આપણે બંને પછી પોલીસ સ્ટેશને મળીએ."

જાનવી કહે છે, "તું ચિંતા કર માં, હું હમણાં જ આને બેન્ડેજ કરાવીને તરત જ પોલીસ સ્ટેશને પહોંચું છું." એમ કહી જાનવીએ સ્કૂટી ચાલુ કરી અને કહ્યું, "જતીન, પાછળ બેસી જા."

જતીન પાછળ બેસી જાય છે અને અચકાતા એક હાથે જાનવીનો ખભો પકડે છે. જાનવીએ દર્પણમાં જોઈને કહ્યું, "સરખી રીતે કમર પકડી લે, નહીંતર પડી જઈશ! ચક્કર નથી આવતા ને?" જતીને કહ્યું, "ના," અને ધીમેથી જાનવીની કમર ફરતે હાથ વીંટાળી લીધો. જાનવીએ ઝડપથી સ્કૂટી હોસ્પિટલ તરફ દોડાવી મૂકી.

હૉસ્પિટલ પહોંચતાં જ જાનવી તેને ઈમરજન્સી વોર્ડમાં લઈ ગઈ. ડ્રેસિંગ ટેબલ પર જતીનને બેસાડીને જ્યારે ડૉક્ટરે તેના ઘા પરથી સ્કાફ હટાવ્યો અને ઘા સાફ કરવા માટે ડેટોલ લગાવ્યું, ત્યારે જતીનના મોંમાંથી દર્દભરી સિસકારી નીકળી ગઈ. તેણે દર્દના માર્યા આવેશમાં આવીને જાનવીનો હાથ મજબૂતીથી પકડી લીધો. જાનવીએ પણ પોતાના બીજા હાથથી જતીનના હાથને વહાલથી દાબી રાખ્યો અને તેની આંખોમાં આંસુ સાથે બોલી, "બસ થોડીવાર સહન કરી લે, જતીન..."

જતીન દર્દ વચ્ચે પણ જાનવીની આકુળ-વ્યાકુળ આંખોમાં પોતાના માટેનો છૂપો પ્રેમ જોઈ રહ્યો હતો. ડૉક્ટરે ઘા પર પાંચ-છ ટાંકા લીધા અને વ્યવસ્થિત બેન્ડેજ કરી આપ્યું. બેન્ડેજ પતાવીને ડૉક્ટરે સૂચના આપી, "ઘા ઊંડો હતો એટલે ટાંકા લેવા પડ્યા છે. થોડા દિવસ હાથને પાણીમાં પલાળતા નહીં અને કોઈ પણ ભારે વજન કે એક્સરસાઈઝ બિલકુલ ન કરતા."

સારવાર પૂરી થયા પછી જાનવીએ ચિંતાભર્યા અવાજે કહ્યું, "ચાલ જતીન, હું તને તારા ઘરે મૂકી જાઉં, તારે આરામની જરૂર છે."

પરંતુ જતીને મક્કમતાથી ના પાડતા કહ્યું, "ના જાનવી, અત્યારે મારો આરામ નહીં પણ શ્રદ્ધાને ન્યાય અપાવવો જરૂરી છે. આપણે અત્યારે જ સીધા પોલીસ સ્ટેશને જવું જોઈએ."

જાનવી તેની જિદ્દ સામે નમી ગઈ, "ઠીક છે, પણ પહેલાં હું નીચે મેડિકલ સ્ટોરમાંથી તારી દવાઓ લઈ લઉં." જાનવીએ મેડિકલમાંથી પેઈનકિલર અને એન્ટિબાયોટિક્સ લીધી, જતીનને પાણી સાથે દવા આપી અને બંને સ્કૂટી પર બેસીને સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા.

પોલીસ સ્ટેશનમાં મનોજ અને સેજલ પહેલાથી જ હાજર હતા. પોલીસે જતીન અને જાનવીની હાજરીમાં કડક પૂછપરચ શરૂ કરી. જેમ જેમ તપાસ આગળ વધી તેમ ચોંકાવનારો ખુલાસો થયો. આ માત્ર કોઈ સામાન્ય હુમલો કે ઝઘડો નહોતો, પરંતુ એક બહુ મોટું ઘડાયેલું ષડયંત્ર હતું. શ્રદ્ધાને આ કાવતરામાં માત્ર એક મહોરું બનાવીને ફસાવવામાં આવી હતી. આ કેસના તાર શહેરના કેટલાક મોટા માથા અને પ્રભાવશાળી લોકો સાથે જોડાયેલા નીકળ્યા.

મામલાની ગંભીરતા જોઈને ઈન્સ્પેક્ટરે ચિંતાભર્યા સ્વરે ચેતવણી આપતા કહ્યું, "આ કોઈ નાની-મોટી વાત નથી. આપણે જે બે જણાને પકડ્યા છે, તે તો માત્ર પ્યાદાં છે. આ કાવતરા પાછળ બહુ મોટા માથાં છે અને તેઓ ખૂબ પહોંચ વાળા લોકો છે. તમે હજી કોલેજના સ્ટુડન્ટ છો, એટલે તમે આ લોકોને સીધી રીતે પહોંચી ન શકો. બને તો એમની સાથે કોઈ માથાકૂટમાં ન પડતા."

ઈન્સ્પેક્ટરે એક કાગળ પર પોતાનો પર્સનલ નંબર લખીને જતીનના હાથમાં આપ્યો અને આગળ કહ્યું, "તમારામાંથી કોઈને પણ કોઈ નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે. એટલે જ્યાં પણ જાઓ બધા સાથે જ રહેજો અને એકલા-અટૂલા ક્યાંય ન નીકળતા. ક્યાંય પણ સહેજ પણ એવું લાગે કે શંકાસ્પદ પરિસ્થિતિ છે, તો તરત જ આ નંબર પર સંપર્ક કરજો."

પછી ઈન્સ્પેક્ટર ખાસ જાનવી તરફ જોઈને બોલ્યા, "જાનવી, તું ખાસ ધ્યાન રાખજે! તેં આ લોકોનો આખો પ્લાન બગાડી નાખ્યો છે અને એ લોકોને જે કરવું હતું તે કરવા નથી દીધું. એટલે એ લોકોને તારા પર ભારે ખીજ તો હશે જ. જરૂર ન હોય તો મોડે સુધી ક્યાંય બહાર ન નીકળતી અને એકલા જવાનું બિલકુલ ટાળજે."

જાનવીએ ગંભીરતાથી હા પાડતા કહ્યું, "ઠીક છે ઈન્સ્પેક્ટર, હું મારું પૂરેપૂરું ધ્યાન રાખીશ."

ઈન્સ્પેક્ટરની આ વાત સાંભળીને જાનવીના દિલમાં એક નવો ડર પેસી ગયો, પણ જતીને જાણે આશ્વાસન આપતો હોય તેમ જાનવીનો હાથ હળવેથી પકડી લીધો. જાનવી અને જતીન વચ્ચેની આ પળ અને તેમની વચ્ચેનો આ ભાવ મનોજ પોતાની નજરે જોઈ રહ્યો હતો. મનોજને તરત જ ખ્યાલ આવી ગયો કે જાનવી પણ હવે જતીનને પસંદ કરવા લાગી છે. મનોજને પહેલાથી ખબર હતી કે જતીન તો જાનવીને પ્રેમ કરે જ છે, પણ જાનવી અત્યાર સુધી જતીનથી દૂર-દૂર રહેતી હતી તે વાત પણ તેના ધ્યાનમાં હતી. આજે આ પરિસ્થિતિ બદલાયેલી જોઈને મનોજ કાંઈ બોલ્યો નહીં અને મનોમન મુસ્કુરાઈને ચૂપ રહ્યો.

ત્યારબાદ જાનવીની બહેનપણીએ કહ્યું, "ચાલો હવે આપણે બધાએ ઘરે જવું જોઈએ. આજે આખો દિવસ બહુ લાંબો અને મુશ્કેલીઓથી ભરેલો રહ્યો છે."

બધા પોલીસ સ્ટેશનની બહાર આવ્યા અને સાથે જ ઘરે જવા નીકળ્યા. મનોજ જાનવી અને શ્રદ્ધાને તેમના ઘર સુધી મૂકવા આવ્યો. ઘર પાસે પહોંચીને મનોજે જાનવીને કહ્યું, "જાનવી, તું બિલકુલ ચિંતા ન કરતી, હું જતીનને તેના ઘરે એકદમ વ્યવસ્થિત અને સલામત રીતે મૂકી આવીશ."

જાનવીએ પોતાના હાથમાં રહેલી દવાઓ અને ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જતીનના હાથમાં સોંપતા ચિંતાભર્યા સ્વરે કહ્યું, "લે આ તારી દવાઓ. યાદ રાખજે, તારો હાથ પાણીમાં પલાળતો નહીં, ચાર-પાંચ દિવસ કોઈ ભારે વજન ન ઉપાડતો અને એક્સરસાઈઝ બિલકુલ ન કરતો!"

જતીને સામે સ્મિત આપતા કહ્યું, "ઠીક છે જાનવી, હું મારું પૂરેપૂરું ધ્યાન રાખીશ." પછી મનોજ જતીનને લઈને તેને ઘરે મૂકવા નીકળી ગયો.

બીજી તરફ, ઘરે પહોંચતા જ જાનવી અને શ્રદ્ધાના ઘરમાં આખા દિવસની ઘટનાઓ અંગે ચર્ચા શરૂ થઈ. શ્રદ્ધા કેવી રીતે એક મોટા કાવતરામાં ફસાતા-ફસાતા માંડ બચી ગઈ અને જતીને કેવી રીતે પોતાનો જીવ જોખમમાં મૂકીને તેને બચાવી, તે બધી વાત સાંભળીને માતા-પિતા ખૂબ જ ચિંતામાં પડી ગયા.

જાનવીની મમ્મી તો ખૂબ જ ગભરાઈ ગઈ અને ચિંતાતુર થઈને બોલી, "હવેથી તમે બંને બહેનો ક્યાંય એકલી ન નીકળતા! જ્યાં પણ જવું હોય ત્યાં તમારા ભાઈને સાથે લઈ જજો અથવા તો તમારા પપ્પાને સાથે રાખજો. આવા ગુંડાઓ અને બદમાશ લોકોનો કોઈ ભરોસો ન કરાય. કાલે કોલેજે જાવ તો પણ ભાઈને કહેજો કે તને મૂકી જાય. એકલા જવાનું સાવ બંધ કરી દો અને પોતાનું ખૂબ ધ્યાન રાખો!"

ચર્ચા પૂરી થયા પછી જાનવી પોતાના રૂમમાં ગઈ. તે થાકેલા પગે ખુરશી પર બેઠી અને ઊંડો શ્વાસ લીધો. તેનું મગજ શાંત થવાનું નામ નહોતું લેતું. તે વિચારવા લાગી કે માત્ર છેલ્લા ત્રણ દિવસમાં કેટકેટલી ઘટનાઓ બની ગઈ! સમય જાણે કેટલી ઝડપથી ભાગી રહ્યો હતો અને એક પછી એક મુશ્કેલીઓ સામે આવી રહી હતી, કંઈ ખબર જ ન પડી.

પોતાના વિચારોને શાંત કરવા તેણે ટેબલ પરથી પોતાની ડાયરી ખોલી અને પેન હાથમાં લઈને લખવા બેઠી. પણ જેવી તેણે પેન કાગળ પર ટેકવી, તેની આંખો સામે જતીનનો લોહીલુહાણ હાથ અને હોસ્પિટલમાં તેની દર્દભરી સિસકારી તરવરી ઊઠી. જાનવીનું દિલ ભારે થઈ ગયું. તેને મનોમન ખૂબ દુઃખ થવા લાગ્યું કે બિચારા જતીનને અત્યારે કેટલો અસહ્ય દુખાવો થતો હશે! તે રાત્રે સરખી રીતે ઊંઘી પણ શકશે કે નહીં? તે જતીન વિશે ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ.

પણ અચાનક જ જાનવી ચમકી! તેણે ઝાટકા સાથે પેન બાજુ પર મૂકી દીધી અને મન સાથે લડતા બોલી, "ના... ના! હું આ શું કરી રહી છું? હું શા માટે જતીન વિશે આટલું બધું વિચારી રહી છું? મારે તેનાથી દૂર રહેવાનું છે... એકદમ દૂર! ભૂતકાળમાં જે ભૂલ થઈ ગઈ છે, તે મારે ફરીથી નથી દોહરાવવી."

તેણે પોતાનું મન કઠણ કરવાનો પ્રયત્ન કર્યો. પણ ક્ષણવારમાં જ તેના મનમાંથી બીજો અવાજ આવ્યો, "પણ એમાં જતીનનો શો વાંક? બિચારાને મારા અને શ્રદ્ધાના લીધે જ હાથમાં છરી વાગી ગઈ. મારે આટલું સ્વાર્થી ન બનવું જોઈએ, એટલી માનવતા તો હોવી જ જોઈએ ને! જતીન તો સાવ બેદરકાર અને તોફાની છે, તે પોતાનું ધ્યાન જરાય નહીં રાખે. કાલે જ મારે તેની ખબર કાઢવી પડશે, અથવા તો કોઈને તેના ઘરે મોકલવો પડશે જે તેનું ધ્યાન રાખી શકે."

આ વિચાર-વંટોળ વચ્ચે રાત ઊંડી થતી ગઈ. જાનવી સુવા માટે પથારીમાં ગઈ, પણ તેનું મન અશાંત હતું. મોડી રાત્રે તેને અચાનક અકળામણ અને ગભરામણ થવા લાગી. આખી કાયા પરસેવે રેબઝેબ થઈ ગઈ. ઊંઘમાં તેને વિચિત્ર અને ડરાવના સપ્નાઓ આવવા લાગ્યા. તેને સમજાતું નહોતું કે તે સપ્નામાં શું જોઈ રહી છે. એવામાં તેને એક દ્રશ્ય સ્પષ્ટ દેખાયું—એક નાનું મનોહર બાળક ચાર પગે ચાલી રહ્યું હતું, તે ખિલખિલાટ હસી રહ્યું હતું અને જાનવી તરફ આવવા મથી રહ્યું હતું.

આ દ્રશ્ય જોતાં જ જાનવી અચાનક ડરીને પથારીમાંથી જાગી ગઈ અને આંચકા સાથે બેઠી થઈ ગઈ! તેનું દિલ જોરજોરથી ધબકી રહ્યું હતું. તેને કંઈ સમજાતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે! પરસેવાથી લથબથ જાનવીએ બાજુના સાઇડ ટેબલ પરથી પાણીનો ગ્લાસ ઉપાડ્યો, કંપતા હાથે પાણીના બે ઘૂંટડા પીધા અને ઊંડો શ્વાસ લઈને મનને શાંત કરવા પ્રયત્ન કરવા લાગી.

એ જ સમયે, રૂમની બહારથી નીકળતી જાનવીની મમ્મીએ દરવાજા નીચેથી લાઈટ ચાલુ જોઈ. તે ચિંતાતુર થઈને રૂમમાં આવી. જાનવીને પથારીમાં પરસેવે રેબઝેબ બેઠેલી જોઈને મમ્મી તરત જ તેની નજીક આવી. તેમણે પ્રેમથી જાનવીના માથા પર હાથ મૂક્યો તો ચમકી ગયા!

જાનવીનું શરીર તાવથી તપી રહ્યું હતું. મમ્મીએ ચિંતાભર્યા અવાજે કહ્યું, "જાનવી! તને તો કેટલો બધો સખત તાવ છે! ચાલ ઊભી થા..."

Tu bhi continue.....