ધર્મના શાસ્ત્રોમાં પુણ્ય કમાવાના અનેક રસ્તાઓ દર્શાવ્યા છે, જેમાંનો એક રસ્તો છે દાન.
દાન એટલે પારકાંને આપણું પોતાનું કંઈક પણ આપીને તેને સુખ આપવું તે.
બાળપણથી જ મનુષ્યને દાનના સંસ્કાર મળતાં જ હોય છે. બાળક નાનું હોય ત્યારથી મા-બાપ તેને મંદિર કે ધર્મસ્થાનકોમાં ગરીબોને પૈસા કે ભોજન અપાવડાવે છે કે દાનની પેટીમાં પૈસા નખાવડાવે છે. દાન જુદા જુદા પ્રકારે થતું હોય છે. જરૂરિયાતવાળા લોકોને પૈસા, ખાવાનું, પહેરવા-ઓઢવાનું, દવા આપવા; મૂક પશુઓના રક્ષણ ને ધર્મના કાર્યો માટે ખર્ચ ઉપાડવો; સ્કૂલ કે હોસ્પિટલ બંધાવીને ગરીબોને રાહતદરે સહાય આપવી વગેરે દાનમાં સમાય છે. પોતાના ઘર કે કુટુંબીજનો સિવાય, પારકાંના સુખ માટે જે કંઈ કરવામાં આવે છે તે બધું જ દાન છે.
દાન એ માનસિક શાંતિ મેળવવાનો અનોખો રસ્તો છે. આપણને માનસિક શાંતિ જોઈતી હોય તો આપણી ચીજ બીજાને ખવડાવી દેવી. ક્યારેક આઈસ્ક્રીમ લાવીને ગરીબ બાળકોને ખવડાવીએ, કબૂતરોને ચણ નાખીએ, કોઈ જાનવરને ખવડાવીએ ત્યારે આપણી વસ્તુ આપી દેવા છતાં આપણને આનંદ થાય છે.
કારણ કે, બીજાને સુખ આપ્યું એટલે એના 'રિએક્શન'માં આપણને સુખ જ આવે, એ પણ તરત જ ઘેરબેઠાં! દાનમાં પોતાની વસ્તુ, પૈસા, બધું બીજાને આપી દઈએ તો પણ અંદર સુખ ઊભું થાય, કારણ કે આપણે સારું કામ કર્યું. જે આપીએ તે મળે એવો નિયમ છે. બીજી બાજુ, કોઈનું પડાવી લઈએ તો આપણું પણ જતું રહે.
દાન એટલે આપીને લેવું. આ જગત પડઘા સ્વરૂપ છે. એટલે આપણે જે કરીએ તે આપણને પડઘારૂપે પાછું મળે છે, તે પણ વ્યાજ સાથે, અનેકગણું થઈને પાછું આવે છે.
દાનથી લક્ષ્મી સવળે રસ્તે વળે છે. લક્ષ્મીનો સ્વભાવ ચંચળ છે. એક દિવસ આવે, અને કોઈ એક દિવસ બધી લક્ષ્મી જતી રહે. માટે, લક્ષ્મીને ધર્મમાં વાળવી કારણ કે, મુશ્કેલીના સમયે ધર્મ જ આપણને ધરી રાખશે. નિયમ એવો છે કે આપણે જતા રહીશું, ત્યારે કમાણીના રૂપિયા અહીંના અહીં જ રહેશે. પણ આપણે જીવતેજીવ જે લક્ષ્મી ધર્મના કે સત્કાર્યોમાં ખર્ચી નાખી હોય, તે આવતા ભવના ખાતામાં જમા થશે. પરિણામે લક્ષ્મીની કોઈ અડચણ પડશે નહીં.
લક્ષ્મીનો કાયદો એવો છે કે જેમ બધાને આપ આપ કરે, તેમ નાણું વધ્યા કરે. નાણાંનો સ્વભાવ એવો છે કે જો કદી સારી જગ્યાએ નાણું દાનમાં જાય તો પાર વગરનું વધે. પણ જો ચોરી કે અનીતિથી નાણું મેળવે તો એ ટકે નહીં.
આપણે લક્ષ્મી લોકોના હિત માટે વાપરી હોય તો આપણી મુશ્કેલીના સમયમાં, પૂર્વે લોકોને જે મદદ કરી હશે તે કર્મનું ફળ મદદ કરશે. જો લક્ષ્મીને સારા રસ્તે નહીં વાપરીએ તો જીવનમાં મોજશોખ માટે કે અવળે રસ્તે વપરાયેલી લક્ષ્મી અંતે ગટરમાં જશે.
જે સાચો દાની છે તેને ત્યાં લક્ષ્મી ક્યારેય ખૂટે નહીં, પછી એ પાવડેથી ખોપી ખોપીને દાન કરે તો પણ. સાચો દાની એટલે વર્ષમાં બે દિવસ ધર્માદા કરે એ નહીં, પણ આખી જિંદગી લોકોની મદદ જ કર્યા કરે તે. કેટલાક એવા દાતાર હોય છે, જેઓ સાત પેઢીઓથી લોકોને પૈસા આપ્યા જ કરતા હોય. જેમ કે, કોઈને ત્યાં દીકરીના લગ્ન હોય, કોઈ જરૂરિયાતવાળો માંગતો આવે, કોઈને ઘર બનાવવા પૈસા જોઈતા હોય, સાધુ-સંતો માટે આશ્રમ બનાવવો હોય, ગરીબોને ભોજન આપવું હોય, એ બધા સત્કાર્યોમાં અઢળક દાન આપ્યા જ કરે, તે દાતાર કહેવાય.
જો કે, આપણે ત્યાં ધનના ઢગલા હોય તો દાતાર થવાય. આપણા જ ઘરમાં પૈસાની મુશ્કેલી હોય તો દાન આપવા ન ફરવું. ત્યારે આપણો ભાવ દાન આપવાનો રાખવો, અને ઘરમાં બધાની સંમતિ હોય ત્યારે જ આપવું. પરિવારને કોઈ અડચણ પડતી નથી ને, એ તપાસ કર્યા પછી જ દાનમાં પૈસા ખર્ચવા.
જેને લક્ષ્મી આપવાની ઈચ્છા છે, જે બીજા માટે ઘસાઈ છૂટે, નોબિલિટી દાખવે, તેને ત્યાં લક્ષ્મી સામેથી આવે. માટે, આપણે નક્કી કરવું આવકનો થોડો ભાગ યથાશક્તિ દાનમાં વાળવો.