છુટકીને એમ લાગ્યું કે દીદીને મિસ્ટર સમીરથી દૂર કરવા માટે મારે કોઈ બીજો જ કીમિયો અજમાવવો પડશે...અને તે પોતાના હેન્ડ વોશ કરવા માટે ઉભી થઈ અને હેન્ડ વોશ કરીને રેસ્ટોરાંનું બિલ ચૂકવીને "ચાલ દીદી આપણે નીકળીશુ?" તેમ બોલીને.. પરી પોતાની પાછળ આવે છે કે નહીં તેની પરવા કર્યા વગર જ સડસડાટ રેસ્ટોરાંના પગથિયાં ઉતરવા લાગી...પરીને કવિશાનો ઈરાદો શું છે તે વિશે જાણ નહોતી પણ તેનું મન તો વિચારે ચડી જ ગયું હતું આખા રસ્તે બંનેએ પોતાની ખામોશી અકબંધ રાખી...થોડી વારમાં ઘર આવી ગયું એટલે કવિશા ઓટો માંથી નીચે ઉતરી અને કંઈ પણ બોલ્યા વગર ફટાફટ લીફ્ટ તરફ દોડી ગઈ..પરીએ ઓટોના પૈસા ચૂક્તે કર્યા અને તે પણ લીફ્ટની રાહ જોતી ઉભી રહી ગઈ.થોડી વાર પછી પરી ઉપર પોતાના ઘરમાં પ્રવેશી અને પોતાના રૂમમાં ગઈ તો તેણે જોયું કે કવિશા ચૂપચાપ પોતાના બેડમાં આડી પડી ગઈ છે અને કંઈક વાંચવાની કોશિશ કરી રહી છે, તેણે વિચાર્યું કે અત્યારે કવિશાને ડિસ્ટર્બ કરવી નથી..અને તે હાથ પગ મોં ધોઈને ફ્રેશ થઈ અને પોતાના મોમ અને ડેડના બેડરૂમમાં તેમની સાથે વાત કરવા માટે ચાલી ગઈ.મોમ અને ડેડ પરીને પોતાના રૂમમાં આવેલી જોઈને ખુશ થઈ ગયા...પરી પોતાના ડેડને વળગી પડી..."બોલ બેટા, કેવો ગયો આજનો તારો ઈન્ટરવ્યુ ?" શિવાંગે પોતાની લાડલી પરીના હાથ ઉપર પ્રેમથી હાથ ફેરવતાં ફેરવતાં પૂછ્યું."બસ સરસ ગયો ડેડ..""તું સિલેક્ટ થઈ કે નહીં બેટા?""સિલેક્ટ થઈ ગઈ છું ડેડ. બસ હવે સ્ટાર્ટ ક્યારથી કરવું તે જ નક્કી કરવાનું છે."અને પરી પોતાના ડેડની બાજુમાં આવીને બેસી ગઈ."તો ક્યારથી સ્ટાર્ટ કરે છે બેટા?""ત્રણ દિવસ પછી પહેલી તારીખથી સ્ટાર્ટ કરી દઈશ ડેડ.."ક્રીશા ક્યારની બાપ બેટીની વાતો સાંભળી રહી હતી તે વચ્ચે જ બોલી કે, "શિવાંગ, મેં એને સમજાવ્યું કે તું આગળ સ્ટડી ચાલુ રાખ પણ એ ના જ પાડે છે.""કેમ બેટા?"શિવાંગે પરીને પૂછ્યું."બસ ખાલી ડેડ એમ જ, હમણાં થોડો ટાઈમ તો હું પ્રેક્ટિસ જ કરવા ઈચ્છું છું પછી ફ્યુચરમાં જોઈશ શું કરવું તે..""ઓકે, તારી જેમ ઈચ્છા હોય તેમ જ કર બેટા.."અને પરી એટલી વાત કરીને પોતાના બેડરૂમમાં પ્રવેશી..નાની માં તેની રાહ જોઈને જ બેઠા હતા..પરી નાનીમાના પગ પાસે આવીને બેસી ગઈ.તેની ઉદાસીને પારખતાં હોય તેમ નાનીમા તેને કહેવા લાગ્યા કે, "કંઈ પ્રોબ્લેમ થયો છે બેટા તું કેમ આમ ચિંતામાં દેખાય છે?""નાનીમા, મોમ ક્યારે બોલતી થશે?""થઈ જશે બેટા.. થઈ જશે.. ઈશ્વરે આટલું તો આપણી સામે જોયું છે હવે થોડી વધારે રાહ જોઈશું એટલે એ પણ થઈ જશે મને મારા કાના ઉપર પૂરેપૂરો વિશ્ર્વાસ છે તે નક્કી કોઈ ચમત્કાર કરશે."પરી નાનીમાને વળગી પડી અને તેની આંખ ભરાઈ આવી.ગાય પોતાના વાછરડાને પંપાળે તેમ નાનીમા પરીને પંપાળી રહ્યા હતા.કવિશા તો ઘસઘસાટ ઊંઘી જ ગઈ હતી.કદાચ એ બે દિવસની ઊંઘ આજે પૂરી કરી રહી હતી..કારણ કે જ્યારનું તેણે પરી અને સમીરનું મધુર મિલન જોયું હતું ત્યારની એની તો ઊંઘ જ હરામ થઈ ગઈ હતી.થોડી વારમાં પરીએ ઉભા થઈને રૂમની લાઈટ્સ ઓફ કરી અને તે અને નાનીમા બંને પણ સૂઈ જવાની કોશિશ કરવા લાગ્યા.બીજે દિવસે સવારે કવિશા થોડી વહેલી જ ઉઠી ગઈ હતી અને પરીને પોતાની સાથે બહાર આવવા ફોર્સ કરવા લાગી હતી...કવિશાના અચાનક આવા વર્તનથી પરી થોડી વિચારમાં પડી ગઈ હતી કે, આ છુટકીને આજકાલ થયું છે શું..?"પરીને લાગ્યું કે પોતાની નાની બહેન છુટકીને કોલેજમાં કોઈ પ્રોબ્લેમ થયો હશે અને કદાચ તેથી જ તે પોતાને તેની સાથે લઈ જઈ રહી છે.પરી પણ ફટાફટ તૈયાર થઈ ગઈ અને બંને બહેનો સાથે જ ઘરેથી નીકળી ગઈ...રસ્તામાં પરીએ કવિશાને પૂછ્યું કે, "શું થયું છે તને કંઈ પ્રોબ્લેમ છે? અથવા તો તને કોઈ હેરાન કરે છે? તને થયું છે શું આમ તારું વર્તન અચાનક બદલાઈ કેમ ગયું છે?"કવિશાએ ટૂંકમાં જ જવાબ આપ્યો કે, "કહું છું હું તને બધું જ કહું છું."અને કવિશાએ પોતાનું એક્ટિવા તેની કોલેજથી નજીકના કેફે પાસે રોકી લીધું...સવારનો સમય હતો એટલે કેફે ઉપર ખાસ કોઈ ભીડ નહોતી..કવિશા બેસવા માટે છેક ખૂણામાં રાખેલ ટેબલ પાસે પોતાની કાયમી જગ્યાએ પહોંચી ગઈ..પરી પણ તેની પાછળ પાછળ એ ટેબલ પાસે પહોંચી ગઈ..બંને સામસામે ગોઠવાઈ ગયા..કવિશાએ પોતાને માટે તેમજ પોતાની દીદી માટે એમ બે હોટ કોફી તેમજ એક ગ્રીલ્ડ સેન્ડવીચનો ઓર્ડર કર્યો..."દીદી, હું તારી સાથે એક ખૂબ જ મહત્વની વાત શેર કરવા માંગુ છું.""હા બોલ ને શું વાત છે..?""સમીર.. મિસ્ટર સમીરને.. હું ચાહું છું."કવિશાના મોંમાંથી આ શબ્દો સાંભળીને પરી તો ચોંકી જ ઉઠી અને તે સફાળી પોતાની જગ્યાએથી ઉભી થઇ ગઈ...કવિશાએ પરીનો હાથ પકડ્યો અને તેને નીચે બેસાડી અને તે આગળ બોલી કે, "દીદી, જો તને વાંધો ન હોય તો હું સમીર સાથે લગ્ન કરવા ઈચ્છું છું...""છુટકી તું શું બોલી રહી છે તેનું તને કંઈ ભાન બાન છે? તું જાણે છે ને કે હું અને સમીર એકબીજાને લવ કરીએ છીએ તો પછી..."પરીના શબ્દો અધૂરા રહ્યા અને કવિશા વચ્ચે જ બોલવા લાગી કે, "શું તું પોતાની બેન માટે આટલો ભોગ નહીં આપી શકે..?""પણ, છુટકી તું મારું સર્વસ્વ માંગી રહી છે.. તને ખબર છે ને કે મારી મોમનો અને મારા ડેડીનો લવ મને મળ્યો નથી અને હવે માંડ જ્યારે મારા નસીબના દરવાજા ઉપર કોઈના પ્રેમના દસ્તક પડ્યા છે ત્યારે તું તે પણ છીનવી લેવા માંગે છે..?""તને મારા મોમ અને ડેડે પોતાની દીકરી કરતાં પણ વિશેષ ગણીને ઉછેરી છે.. તેમણે તારી પાછળ સખત મહેનત કરી છે અને પૈસાની ચિંતા કર્યા વગર તને એમ બી બી એસ બનાવી છે... શું નાતો છે તારો અમારી સાથે.. મારા મોમ ડેડે તને દત્તક ન લીધી હોત તો તો તું ક્યાંય રોડ ઉપર રખડતી હોત..""મારા નસીબમાં જે બનવાનું હોત તે તો બન્યું જ હોત.. પણ હા હું ક્રીશા મોમ અને શિવાંગ ડેડની ખૂબજ આભારી છું કે તેમણે મને ફક્ત પોતાનું નામ જ નથી આપ્યું પરંતુ ખૂબજ સુંદર રીતે મારી પરવરિશ પણ કરી છે પણ તેના બદલામાં હું મારી જિંદગીનો ભોગ કઈ રીતે આપી શકું...?"પરીની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી હતી..પરંતુ હા જો મારી ક્રીશા મોમ અને શીવાંગ ડેડ જો મને સમીરને તારે માટે છોડી દેવા કહેશે તો હું ચોક્કસ એમ કરીશ પણ તું આમ મને મોમ ડેડની પરવરિશની આડ લઈને સમીરને છોડી દેવા કહીશ તો તે નહીં બને... અને હા, મારી બીજી પણ એક વાત સાંભળ હું એકલી જ સમીરને નથી ચાહતી એ પણ મને દિલોજાનથી ખૂબ જ પ્રેમ કરે છે.. શું એ છોડી દેશે પોતાનો પ્રેમ..?"પરી એક જ શ્વાસે બધું બોલી રહી હતી અને છુટકી ચૂપચાપ પરીની વાતો સાંભળી રહી હતી...વધુ આગળના ભાગમાં...~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 21/9/26