Sat Samandar par bhag-16 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | સાત સમંદર પાર - ભાગ 16

Featured Books
Categories
Share

સાત સમંદર પાર - ભાગ 16

હાથમાં રહેલો એ ફોટો જાણે અચાનક ભારે બની ગયો હતો...તે ફરીથી ફોટાને નજીક લાવીને જોવા લાગ્યો.ત્રણ મહિનાની નાનકડી બાળકી...તેની બાજુમાં ઊભેલી એક સ્ત્રી...અને સ્ત્રીના હાથમાં રહેલી હોસ્પિટલની ફાઇલ...ફાઇલ ઉપર સ્પષ્ટ લખેલું હતું—“પ્રિયાંશી.”મિલાપના મનમાં સવાલોનું વાવાઝોડું ઊઠી ગયું.“આ ફોટો બાવીસ વર્ષ જૂનો છે... એટલે આ સમયે પ્રિયાંશી માત્ર ત્રણ મહિનાની હતી.”તેણે ફોટાને ઝૂમ કરીને જોયો.સ્ત્રીનો ચહેરો થોડો ધૂંધળો હતો, પરંતુ તેની આંખોમાં કંઈક એવું હતું જે મિલાપને વિચલિત કરી રહ્યું હતું.“આ સ્ત્રી કોણ છે?”તે ફરી ફોટાની પાછળ લખેલી તારીખ જોવા લાગ્યો.તારીખની નીચે હાથથી માત્ર ચાર શબ્દો લખેલા હતા—“સત્ય અહીંથી શરૂ થાય છે...”મિલાપના શરીરમાંથી જાણે વીજળી પસાર થઈ ગઈ.“આ કોણે લખ્યું હશે?”તે તરત જ એ અજાણ્યા નંબર પર પાછો ફોન કરવા લાગ્યો.એક વાર...બે વાર...ત્રણ વાર...પરંતુ ફોન સ્વિચ ઓફ હતો.મિલાપે તરત જ પ્રિયાંશીને ફોન કરવાનો વિચાર કર્યો.પરંતુ પછી તે અટકી ગયો.“ના... પહેલાં મારે આ ફોટા વિશે કંઈક જાણવું પડશે.”તેણે ફોટો પોતાના ફોનમાં સેવ કર્યો અને એ જ સમયે તેને કંઈક યાદ આવ્યું.પ્રિયાંશીએ કહ્યું હતું—“મારા જન્મ પછી ત્રણ મહિના સુધી હું મારા સાચા માતા-પિતા સાથે રહી હતી.”મિલાપની આંખો અચાનક પહોળી થઈ ગઈ.“એટલે આ ફોટો એ જ સમયનો હોઈ શકે છે!”તેણે તરત જ પ્રિયાંશીને ફોન લગાવ્યો.આ વખતે પ્રિયાંશીએ તરત ફોન ઉપાડ્યો.“હેલો મિલાપ?”“પ્રિયાંશી... તું અત્યારે ક્યાં છે?”“ઘરે જ છું.”“તારી મમ્મી-પપ્પા સાથે વાત થઈ?”“હા. અને... તેમણે મને ઘણી એવી વાતો કહી જે મને આજ સુધી ખબર નહોતી.”“શું વાત?”પ્રિયાંશી થોડી ક્ષણ ચૂપ રહી.“મિલાપ... મારા સાચા પપ્પા ઉપર કોઈ મોટો આરોપ મૂકાયો હતો.”“કેવો આરોપ?”“એ મને પણ ખબર નથી. પપ્પા કહે છે કે એ આરોપ પછી મારા સાચા પપ્પા ક્યાંક ગાયબ થઈ ગયા.”મિલાપ થોડા સમય માટે મૌન રહ્યો.તેના હાથમાં રહેલો ફોટો જાણે તેને સત્ય તરફ ખેંચી રહ્યો હતો.“પ્રિયાંશી... હું તને એક વાત બતાવવા માગું છું.”“શું?”“મને હમણાં જ એક ફોટો મળ્યો છે.”“કેવો ફોટો?”મિલાપે ફોન પર ફોટો મોકલી દીધો.થોડી જ સેકન્ડમાં પ્રિયાંશીના મોબાઇલમાં ફોટો આવી ગયો.તેણે ફોટો ખોલ્યો.અને ફોટો જોતા જ તેની આંખો સ્થિર થઈ ગઈ.“મિલાપ...”“હા.”“આ... આ ફોટો...”“તું આ સ્ત્રીને ઓળખે છે?”પ્રિયાંશી ફોટાને ધ્યાનથી જોવા લાગી.“ના... પણ...”“પણ શું?”“મને ખબર નથી કેમ... પણ આ સ્ત્રીને જોઈને મને કંઈક ઓળખાણ જેવી લાગણી થાય છે.”મિલાપનું હૃદય જોરથી ધબકવા લાગ્યું.“પ્રિયાંશી, ફોટાની પાછળ જે લખેલું છે એ પણ મેં તને નથી કહ્યું.”“શું લખ્યું છે?”“‘સત્ય અહીંથી શરૂ થાય છે.’”પ્રિયાંશી થોડી ક્ષણ માટે ચૂપ રહી.પછી ધીમેથી બોલી,“મિલાપ... આ ફોટો તને કોણે મોકલ્યો?”“મને ખબર નથી.”“એ જ અજાણ્યા નંબર પરથી?”“હા.”“અને તેણે તને શું કહ્યું હતું?”મિલાપે થોડું વિચારીને બધું કહી દીધું.“તેણે કહ્યું હતું કે જે માણસને તું પોતાના પિતા સમજીને શોધી રહી છે... તે કદાચ તારા વિચારો કરતાં પણ નજીક છે.”પ્રિયાંશીના હાથમાંથી મોબાઇલ લગભગ છૂટી ગયો.“મિલાપ...”“હા?”“એનો અર્થ શું થાય છે?”“મને ખબર નથી.”“પણ જો મારા પપ્પા જીવતા હોય તો?”મિલાપે ધીમેથી કહ્યું,“તો આપણે તેમને શોધીશું.”પ્રિયાંશીની આંખોમાં આંસુ આવી ગયા.“પણ ક્યાંથી?”“સૌથી પહેલાં... તારા જન્મના હોસ્પિટલના રેકોર્ડમાંથી.”પ્રિયાંશી એકદમ શાંત થઈ ગઈ.“હોસ્પિટલ...”“હા. તારી મમ્મીએ તને કઈ હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો એ કહ્યું છે?”“ના.”“તો પહેલાં એ જાણવું પડશે.”પ્રિયાંશીએ તરત જ કહ્યું,“હું હમણાં જ મમ્મીને પૂછું છું.”“પ્રિયાંશી, એક વાતનું ધ્યાન રાખજે.”“શું?”“આ વાત હાલ કોઈ ત્રીજા માણસને ન કહેશ. જે વ્યક્તિ આપણને ફોટો મોકલી રહી છે તે કદાચ આપણાથી એક પગલું આગળ છે.”“તું સાચું કહે છે.”“અને જો ફરી કોઈ અજાણ્યો ફોન આવે તો મને તરત જણાવજે.”“ઓકે.”ફોન મૂક્યા પછી પ્રિયાંશી સીધી માયાબેન પાસે ગઈ.માયાબેન રસોડામાં ઊભાં હતાં.“મમ્મી...”માયાબેને પાછળ ફરીને જોયું.“શું થયું બેટા?”“મારો જન્મ કઈ હોસ્પિટલમાં થયો હતો?”માયાબેનના હાથમાંથી ચમચી નીચે પડી ગઈ.પ્રિયાંશીએ એ જોઈ લીધું.“મમ્મી?”માયાબેનનો ચહેરો પીળો પડી ગયો.“તું અચાનક આ કેમ પૂછે છે?”“મને જાણવું છે.”“બેટા... એ વાતનો હવે શું મતલબ..?”“મતલબ છે મમ્મી.. મતલબ છે.‌."હસમુખભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા.“શું થયું?”પ્રિયાંશીએ બંને તરફ જોયું.“મારે મારી જન્મની હોસ્પિટલનું નામ જોઈએ છે.”હસમુખભાઈ થોડી ક્ષણ માટે ચૂપ રહ્યા.પછી ધીમેથી બોલ્યા,“સિવિલ હોસ્પિટલ.”“અમદાવાદ સિવિલ?”“હા.”પ્રિયાંશીનું હૃદય ધબકવા લાગ્યું.“મારા જન્મદાતા પપ્પાનું નામ?”હસમુખભાઈએ આંખો નીચે કરી.“વિજયભાઈ.”પ્રિયાંશી અટકી ગઈ.“વિજયભાઈ...?”“હા.”“અને મારી જન્મદાતા મમ્મી?”માયાબેને ધીમેથી કહ્યું,“નીલાબેન.”પ્રિયાંશીએ તરત જ પોતાના મોબાઇલમાં નામો લખી લીધાં.વિજયભાઈ... નીલાબેન...પછી તેણે એક વધુ સવાલ કર્યો.“મારી બે બહેનોનાં નામ?”માયાબેન અને હસમુખભાઈ ફરી એકબીજા સામે જોવા લાગ્યા.“મમ્મી... નામ શું છે?”હસમુખભાઈએ ધીમેથી કહ્યું,“એકનું નામ રીના... અને બીજીનું નામ રાધિકા.”પ્રિયાંશીએ ત્રણેય નામ ફરી વાંચ્યાં.વિજયભાઈ નીલાબેન રીના રાધિકાતેના મનમાં એક અજાણી લાગણી ઊઠી.“આ લોકો આજે ક્યાં રહે છે?”આ વખતે કોઈ જવાબ ન આવ્યો.“પપ્પા?”હસમુખભાઈએ ધીમેથી કહ્યું,“અમને માત્ર એટલું જ ખબર છે કે બાવીસ વર્ષ પહેલાં તેઓ ભાડજમાં રહેતા હતા.”“અને પછી?”“પછી...”હસમુખભાઈ અટકી ગયા.“પછી શું?”“તેમણે ઘર બદલી નાખ્યું હતું.”“ક્યાં ગયા હતા?”“એ અમને ખબર નથી.”પ્રિયાંશીનું મન ભારે થઈ ગયું.“મમ્મી... તમે મને જે કંઈ ખબર છે એ બધું કેમ નથી કહેતા?”માયાબેનની આંખોમાં આંસુ આવી ગયા.“કારણ કે કેટલીક વાતો એવી છે જે તને ખબર પડશે તો કદાચ તું અમને પ્રશ્નો પૂછતી જ રહેશે.”“હું પ્રશ્નો પૂછવા તૈયાર છું.”હસમુખભાઈએ ગંભીર અવાજે કહ્યું,“તો એક વાત સાંભળ બેટા... તારા જન્મના ત્રણ મહિના પછી તને અમને સોંપવામાં આવી હતી.”“હા.”“પરંતુ એ દિવસે માત્ર તું જ અમને સોંપાઈ નહોતી.”પ્રિયાંશી ચોંકી ગઈ.“તો?”હસમુખભાઈએ ધીમેથી કહ્યું,“તારી સાથે એક નાનકડું કવર પણ અમને આપવામાં આવ્યું હતું.”“કવર..?”“હા.”“એમાં શું હતું?”હસમુખભાઈએ માયાબેન તરફ જોયું.માયાબેનની આંખોમાં ભય સ્પષ્ટ હતો.“માયા... હવે એ પણ કહેવું પડશે.”માયાબેને ધ્રૂજતા અવાજે કહ્યું,“એ કવર આજે પણ અમારી પાસે છે.”પ્રિયાંશીના હૃદયની ધડકન વધી ગઈ...“ક્યાં છે..?”માયાબેન થોડા સમય માટે ચૂપ રહ્યા.પછી ધીમેથી બોલ્યા,“મારા જૂના કપડાંની પેટીમાં.”“મારે એ હમણાં જોઈએ છે.”માયાબેન કંઈ બોલ્યા નહીં.તેઓ ધીમેથી પોતાના રૂમ તરફ ચાલ્યા.થોડી જ ક્ષણોમાં તેઓ એક જૂની લોખંડની પેટી લઈને પાછા આવ્યા.પેટી ઉપર વર્ષોની ધૂળ જામી હતી.માયાબેને કાંપતા હાથથી તાળું ખોલ્યું.અંદર જૂના કપડાં, કેટલાક ફોટોગ્રાફ અને કાગળો હતા.અને સૌથી નીચે...એક પીળું પડી ગયેલું કવર હતું..પ્રિયાંશીની નજર એ કવર ઉપર પડી..તેની ઉપર માત્ર એક જ વાક્ય લખેલું હતું..“પ્રિયાંશી અઢાર વર્ષની થાય ત્યારે જ ખોલવું.”પ્રિયાંશીના શરીરમાંથી જાણે લોહી સુકાઈ ગયું.“મમ્મી... તમે આ કવર આટલાં બધાં વર્ષોથી સાચવીને રાખ્યું છે..?”માયાબેને માથું હલાવ્યું.“હા.”“તો પછી ખોલ્યું કેમ નહીં?”“કારણ કે એ તારા જન્મદાતા પપ્પાએ આપ્યું હતું.. એની ઉપર તારો હક છે તે અમે કઈ રીતે ખોલી શકીએ..?"પ્રિયાંશીએ કાંપતા હાથે એ કવર પોતાના હાથમાં લીધું..તેની આંખોમાં આંસુ હતાં.તે કવરખોલવા જતી હતી...એ જ સમયે મિલાપનો ફોન આવ્યો.પ્રિયાંશીએ ફોન ઉપાડ્યો.“મિલાપ...”સામેથી મિલાપનો અવાજ ખૂબ જ ગંભીર હતો.“પ્રિયાંશી, તું અત્યારે કંઈ ખોલતી નહીં.”“કેમ?”“મને હમણાં જ એ અજાણ્યા નંબર પરથી બીજો મેસેજ આવ્યો છે.”“શું મેસેજ આવ્યો.‌.?”મિલાપ થોડા સમય માટે ચૂપ રહ્યો.પછી ધીમેથી બોલ્યો,“એણે લખ્યું છે કે,‘જે કવર તારા હાથમાં છે, એ ખોલતાં પહેલાં યાદ રાખજે... તેમાં તારા પિતાનું સત્ય નથી, પરંતુ તારા પિતાને બચાવવા માટે કરવામાં આવેલા ગુનાનું રહસ્ય છે..”પ્રિયાંશીના હાથમાંથી કવર છૂટી ગયું..હસમુખભાઈના ચહેરા પર પણ ભય છવાઈ ગયો.અને માયાબેન...તેઓ અચાનક સોફા પર બેસી ગયા.પ્રિયાંશીએ પોતાની મમ્મી તરફ જોયું અને તેનાથી જાણે ચીસ પડાઈ ગઈ,“મમ્મી...”માયાબેનના હોઠ ધ્રૂજવા લાગ્યા.“પ્રિયાંશી...”“શું?”માયાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.“એ કવરમાં જે છે... એ સત્ય તારા પપ્પાને શોધવા કરતાં પણ વધારે ખતરનાક છે.”પ્રિયાંશી એકદમ સ્થિર થઈ ગઈ.હસમુખભાઈએ આંખો બંધ કરી દીધી.બાવીસ વર્ષથી બંધ રહેલું એક રહસ્ય...હવે માત્ર થોડા અંતર જ દૂર હતું.અને કદાચ એ કવર ખૂલશે...ત્યારે પ્રિયાંશીને ખબર પડશે કે તેના જન્મદાતા પિતાને ગુનેગાર કોણે બનાવ્યા હતા...અને સૌથી મોટો સવાલ,શું વિજયભાઈ ખરેખર ગુનેગાર હતા... કે પછી કોઈએ તેમને ફસાવીને તેમની પાસેથી તેમની જ દીકરી છીનવી લીધી હતી?આ સત્યની શરૂઆત હવે માત્ર પ્રિયાંશીના જન્મથી નહીં...પરંતુ બાવીસ વર્ષ જૂના એક ગુનાથી થવાની હતી.વધુ આગળના ભાગમાં...~ જસ્મીના શાહ ‘સુમન’   દહેગામ   5/10/26