કિશનભાઇને હવે પરિસ્થિતિ વધુ ગંભીર થઈ રહી હોય એવું લાગ્યું, દીકરાના આંખમાં રહેલ રોષ એમનાથી હવે સહન થતો નહોતો, હા.. એ વાત પણ ખરી કે એમને અફસોસ હજુ થતો નહોતો.
દીનાબહેને દીકરાના આંસુ લૂછતાં કહ્યું, "બેટા, તું જે સમજે છે એટલું અમે કઈ ખોટું કર્યું નથી. તું પહેલા શાંત થા અને આખી વાત શાંતિથી સાંભળ!"
"હા બેટા! તું પાણી પીલે અને પછી શાંતિથી મારી વાત સાંભળ." વાતનો દોર કિશનભાઈ એ પોતાના હાથમાં લેતા કહ્યું.
અશોકે પાણી પીધું. પોતાનું મોઢું ધોયું અને એ બેઠો શાંતિથી હકીકત જાણવાની આશમાં.
કિશનભાઇ એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, " ચેતનાને પ્રેગ્નેન્સી ક્ન્સીવ થતી ન્હોતી, આથી મેં અને તારા મમ્મીએ સંજયભાઈને વાત કરી હતી. સંજયભાઈએ કહ્યું એક મહારાજને હું ઓળખું છું એ જેમ કહે એમ જો ચેતના કરે તો અવશ્ય એ મા બની શકશે! બસ થોડી પૂજા અને અમુક નિયમ પાળવાના એટલે માતાજી અવશ્ય ખુશ થશે. અને એની કૃપા તમારી ચેતના પર થશે."
"ક્યાં મહારાજ? અને શુ કરવાનું? ને..નિયમ કેવા?? આ બધું શું કહો છો? મને તો કઈ સમજાતું જ નથી."
"અરે તું આમ ઉતાવળો થાય તો કેમ ચાલે કહું તો છું બધું તને!" સહેજ અકળાઈને કિશનભાઇ બોલ્યા.
"સંજયભાઈ મને અને તારા મમ્મીને એ મહારાજ પાસે લઈ ગયા હતા, એ મહારાજનું નામ ઋષિબાપુ હતું."
"ઓહ પપ્પા! એ ઋષિબાપુ જેની ચર્ચા હમણાં રોજ પેપરમાં પહેલા પાને હોય છે???"
"હા બેટા!" નીચી નજર રાખી કિશનભાઇ બોલ્યા.
"અરે રે.... હે ભગવાન! તું ક્યાં જન્મનો બદલો મારી સાથે લઈ રહ્યો છે.? મેં શું કર્મ કર્યું જેની સજા મને આમ મળી રહી છે?" અશોકથી એક ઊંડો નિઃસાસો છૂટી ગયો. આંખમાંથી ફરી રોષ અને પારાવાર વેદના આંસુ બની સરવા લાગી!
"તું હજુ અધૂરી વાતથી જ બોલવા લાગ્યો! તું સાંભળતો તો ખરા આખી વાત." દીનાબહેને હવે પોતાનું મૌન તોડ્યું.
"હું અને તારા મમ્મી ઋષિબાપુને મળ્યા. અમે એમને અમારી ઈચ્છા જણાવી એ જાણી એમણે થોડીવાર આંખ બંધ રાખી અને કંઈક માળા ફેરવી પછી કહ્યું, ત્રણ દિવસ પછી આવજો અને સાથે ચેતનાને પણ લાવજો. જેમ બાપુ એ કહ્યું એ વાત માન્ય રાખી અમે ઘરે આવ્યા. મોકો જોઈને તારા મમ્મીએ બધી જ વાત ચેતનાને કરી. અને કહ્યું કે અશોકથી આ વાત છુપાવવાની છે, કેમકે એ ક્યારેય આવું માનતો નથી. ચેતના આ જાણીને ખુશ થવાને બદલે ગુસ્સે થઈ અને બોલી, હું પણ નથી માનતી હું આવીશ નહી."
"તો તમે ચેતનાની મંજૂરી વગર એને ત્યાં ઋષિબાપુ પાસે લઈ ગયા? તમને અમારી લાગણીની કોઈ કિંમત જ નથી?" અધૂરી વાતે ફરી ઉશ્કેરાટમાં અશોક બોલી ઊઠ્યો.
કિશનભાઇ જવાબ આપતા તરત બોલ્યા,"ના બેટા! તું વાત તો સાંભળ આખી! ચેતના સાથે તારા મમ્મીને એ દિવસે ખૂબ રકઝક થઈ, તારા મમ્મી અંતે ચેતનાને મનાવી શક્યા નહી. આમ જ ત્રણ દિવસ વીતી ગયા. અંતે હું અને તારા મમ્મી બે જ ઋષિબાપુ પાસે ગયા. એમણે તરત પૂછ્યું, 'પુત્રવધુ ને ન લાવ્યા?' અમારા ઊતરેલા ચહેરા જોઈ એ કદાચ સમજી ગયા, એમણે કહ્યું, 'તમે ચિંતા ન કરો તમને માતાજી પર વિશ્વાસ છે ને?' એમ કહી અને એક નાની બોટલમાં જળ આપ્યું. એ જળ ફ્કત ચેતનાને જ પીવડાવવા કહ્યું હતું. અને જ્યારે માતાજીની તમારા પર કૃપા થાય અને તમારી પુત્રવધૂ ગર્ભ ધારણ કરે ત્યારે આવજો. અને અમે ખુશ થતા ઘરે આવ્યા. બાપુએ કહ્યું એમ કરવામાં અમે સફળ રહ્યા હતા. ચેતનાને અમે એ જળ પીવડાવી દીધું હતું. અને બે મહિનામાં જ ચેતના ગર્ભવતી બની એ તે સમાચાર આપ્યા હતા."
"અરે રે પપ્પા! ચેતનાને એ જળથી ગર્ભ ધારણ નહી થયું, પરંતુ એને એક નાની સર્જરી કરાવી હતી, એની નસ પર ગાંઠ હતી એ દૂર કરી એટલે એ ગર્ભવતી બની હતી. એને ડોક્ટરે ઘણા સમય પહેલા જ કહ્યું હતું પરંતુ ચેતના ખૂબ ડરતી હતી, આથી એ સર્જરી કરવા તૈયાર નહોતી થતી! કદાચ તમારી આવી પહેલ ન લીધે જ એ સર્જરી કરાવવા તૈયાર થઈ હશે! એ સર્જરી કરી એટલે એ ગર્ભવતી બની હતી. અને આ વાત તમને બંને ને પણ ખબર જ હતી ને! અમે બન્નેએ ક્યાં કશું છુપાવ્યું હતું."
"તારી વાત સાચી છે બેટા! પણ ત્યારે અમે એ ઋષિબાપુના એટલા પ્રભાવમાં હતા કે અમને એમ જ હતું કે, માતાજીની જ આ કૃપા છે. એ પછી અમે ઋષિબાપુ પાસે ગયા, એમને ખુશી સમાચાર પણ આપ્યા. એ સમાચાર સાંભળી તેઓ બોલ્યા, 'સરસ ખૂબ ખૂબ વધામણા! હવે મારે એક વિધિ કરવી પડશે એ વિધિ માટે તમારે મને એકાવન હજાર આપવા પડશે!' હું અને તારી મા એકબીજા સામે જોઈ રહ્યા, આટલા બધા રૂપિયા અચાનક ક્યાંથી લેવા? અમે અમુક સમય માંગી ત્યાંથી નીકળી ગયા." કિશનભાઇ થોડા દુઃખી અવાજે બોલ્યા.
હવે વાતનો દોર દીનાબહેને પકડ્યો,"બે મહિના થયા છતાં બાપુને એ રકમ વિધિ કરવા આપી ન્હોતી, અને ઘરમાં તારા તથા ચેતના સાથે મતભેદ થવા લાગ્યા. ઘરનું વાતાવરણ તંગ થવા લાગ્યું. ઘરની શાંતિ ભંગ થવા લાગી, આથી મેં તારા પપ્પાને ઋષિબાપુએ કહ્યું એ વિધિ કરાવવા ફરી ઉશ્કેરવાનું શરૂ કર્યું. મારા મનમાં એ વાતની ગાંઠ બંધાઈ ચૂકી કે, એ વિધિ નથી કરી એટલે જ માતાજી કોપાયમાન થયા છે. અને આપણા બધા વચ્ચે મતભેદ શરૂ થયા છે."
"તમે એક સ્ત્રી હોવા છતાં પણ એ ન સમજી શક્યા...ચેતના સાચું જ કહેતી હતી, કે મમ્મી મને સાથ આપતા નથી, અને હું એના આવા શબ્દો સાંભળી એને ઠપકો આપતો. ઝઘડો થવાના કારણો જુદા હતા. એ સમયે ચેતનાની તબિયત સારી રહેતી ન્હોતી, એ પહેલા કરી શકે એમ કામ એનાથી થતું ન્હોતું, વળી હિમોગ્લોબિન ઓછું થયું હતું આથી ચક્કર આવતા. ડોક્ટરે એને આરામ કરવા કહ્યું હતું અને તમે એને આરામકરતા જોઈ ઝઘડતા! ખરું કારણ આ હતું મમ્મી!" ખૂબ દુઃખી અને ગુસ્સા સાથે અશોક બોલ્યો.
થોડીવાર બધા મૌન થઈ ગયા. દરેકના શ્વાસની જુદી જુદી ગતિનો અવાજ શાંતિને ભંગ કરતો હતો. કોણ શું બોલે? અને કોને કંઈ સમજાવે. બધા સમજદાર હતા પણ સમયે બધાને પોતાની ભીસમાં જકડી લીધા હતા.
"એ પછી તમે ઋષિબાપુને રૂપિયા આપ્યા કે શું કર્યું?" હકીકત જાણવા અશોકે પૂછ્યું.
"હા, એમને તો અમારી પાસેથી રૂપિયા લીધા અને એમ કહ્યું, જો તમે ચેતનાના ખોળે દીકરો અવતરે એવું ઇચ્છતા હોઉં તો આ વિધિની સાથોસાથ એક બીજી વિધિ છે એ કરી લઈએ? જો તમારી ઇચ્છા હોય તો? એમના આ પ્રશ્નથી મારી ઇચ્છા આપણા કુળનો વંશજ આવે એ વધુ પ્રબળ થઈ અને મેં હા પાડી." જમીન તરફ નીચી નજર કરી દીનાબહેન બોલ્યા.
"ઓહ! તમે આટલી હદ સુધી આગળ વધી ગયા? કેવી વિચારસરણી છે આપ બન્નેની!!"
"દીકરા તું આવું કહી અમારી લાગણી ન દુભાવ! અમે એ સ્વપ્ન પૂરું કરવા બે લાખ રૂપિયા આપ્યા ઋષિબાપુને! આપણા પરિવાર ને વંશજ મળે એ આશા હતી. મોટા પુત્રને બે દીકરીઓ છે, અને ચેતના પણ આટલા વર્ષે ગર્ભવતી બની, નાનો દીકરો હજુ કુંવારો હતો, આ બધું ધ્યાનમાં લઈ અમે નિર્ણય લીધો હતો. તને પણ પુત્રસુખ મળ્યુને! તું આમ બોલી અમારી લાગણીને ઠોકર મારી રહ્યો છે." અત્યારસુધી શાંત બેઠા કિશનભાઇ સહેજ કડક શબ્દોથી બોલ્યા.
નમસ્તે વાચકમિત્રો. મારી ધારાવાહિક "ધીરગંભીર" ને વાંચી આપના અમૂલ્ય પ્રતિભાવ અવશ્ય આપજો. મોહિતના સફરમાં જોડાવવા માટે હું આપ સર્વનો દિલથી આભાર માનું છું. ફરી મળશું નવા પ્રકરણ સાથે. જય શ્રી રાધે કૃષ્ણ.