Astitva in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | અસ્તિત્વ - 20

Featured Books
Categories
Share

અસ્તિત્વ - 20

આસ્થા પોતાના મનમાં ચાલતા દરેક વિચારોના વમળમાં ખુદને સપડાયેલ જોઈ રહી હતી. દર્દ અત્યંત થઈ રહ્યું હતું. ભૂતકાળની એ ગોજારી રાતનો એકદમ તાજો જ અનુભવ આંખ સામે તરવરી રહ્યો હતો. અચાનક એને બાબુભાઈના એ શબ્દો યાદ આવ્યા, "મારે આનો ચહેરો તેજાબથી ધોવો છે. આથી એ જ્યારે એનો ચહેરો પોતાના અરીસામાં જોવે ત્યારે એને આ રાત યાદ આવે!"

આસ્થા તરત ઊભી થઈ અને જ્યાં અરીસો રાખ્યો હતો એ દિશા તરફ એ ધીમા પગલે આગળ વધી. અનુરાધા કોઈ જ પ્રશ્ન વગર મૌન રહી આસ્થાની સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

આસ્થા એક રજવાડી સુંદર લાકડાના નક્શીકામ કરેલ અરીસા સામે જઈને ઊભી રહી. પોતાનો ચહેરો એ અરીસામાં નિરખી રહી. પોતાના જ ચહેરાથી અજાણ એ ખુદને વધુ નિરખીને જોવા લાગી! મન એનું વિચારોમાં ડૂબી ગયું. આ અજાણ્યા ચહેરાને એણે પોતાના હાથ વડે કપાળથી ગરદન સુધી અડ્યો, દર્દ ન ચામડી પર હતું કે ન કોઈ ડાઘ, એકદમ સુંદર અને નમણો ચહેરો જે ICU માં એણે પહેલીવાર જોયો હતો!! હા... આ એજ ચહેરો હતો જેને બધા આસ્થાનું સંબોધન આપી રહ્યા હતા!! પણ હું તો રાધિકા છું, મારો ચહેરો મારું નામ... ક્યાં છે મારું અસ્તિત્વ!!! એ આ ચહેરાને જોઈ દુઃખી થઈ એને એનો જૂનો ચહેરો જે એની ખરી ઓળખ હતો એ પોતે ગુમાવી ચૂકી છે એ જાણી આસ્થા ફરી જોરદાર રુદન કરવા લાગી! એણે પોતાના બંને હાથ વડે ચેહરાને ઢાંકી દીધો અને ઘૂંટણિયા ભર બેસી અત્યંત આક્રંદ રુદન કરવા લાગી.

અનુરાધાને હવે સમજતા વાર ન લાગી કે, આસ્થાને એનો ભૂતકાળ યાદ આવી રહ્યો છે! એ અત્યંત ડરી ગયા. પોતાના ભૂતકાળને જાણ્યા બાદ શું એ મારો સ્વીકાર કરશે? એ આ ચહેરા સાથે પોતાના જીવનને અપનાવી શકશે? એ એની ખરી ઓળખ ગુમાવ્યા બાદ શું અનુભવતી હશે??? અનુરાધાનું મન પણ વિચારોમાં ગરકાવ થઈ ગયું. તેઓ અત્યંત દુઃખી થવા લાગ્યા. એમના મન પર વિચારો એટલા હાવી થઈ ગયા કે તેઓ આસ્થાને આશ્વાસન આપે એ પહેલાં જ પોતે ચક્કર ખાઈ ને નીચે પડ્યા. 

ધડામ અવાજ થતા આસ્થા વાસ્તવિક પરિસ્થિતિમાં આવી, એણે મોઢા પરથી હાથ હટાવ્યા અને જે તરફથી અવાજ આવ્યો એ તરફ જોયું. આસ્થાના મોઢામાંથી "મમ્મીમી.." ના સંબોધનની ચીસ નીકળી ગઈ. એને અંદાજો આવ્યો કે મમ્મી પોતાનું સંતુલન ગુમાવી દેવાથી પડ્યા અને પડતી વખતે એમનું માથું ટેબલના ખૂણામાં ભટકાયું. ત્યાંથી એમને લોહી વહેવા લાગ્યું હતું. 

ચંપાબેન એને ઊભા કરવાની કોશિશ કરતા હતા, આસ્થા એમની પાસે દોડી બંનેએ ભેગા મળી એમને પથારી પર ઉંઘાડ્યા. આસ્થા મમ્મીને જગાડવાનો નિરર્થક પ્રયાસ કરી રહી હતી, પરંતુ ચંપાબેન અનુરાધાની પરિસ્થિતિ તુરંત પામી ગયા. એમણે તુરંત ફાર્મહાઉસના ફેમિલી ડોક્ટરને ફોન કરી અનુરાધાની સારવાર કરવા બોલાવ્યા.

આસ્થા ખૂબ ડરી રહી હતી. એને પોતાનું દુઃખ ભુલાઈ ગયું અને મમ્મીને કઈ થઈ જશે તો એ ડર મનમાં પેસી ગયો. ચંપાબેને અનુરાધાના માથામાંથી નીકળતું લોહી અટકાવવા ત્યાં એક કોટનનો દુપટ્ટો બાંધ્યો. આસ્થાએ ચંપાબેનને ગંભીર અવાજ સાથે પૂછ્યું, "મમ્મીને ખૂબ લોહી નીકળ્યું, ડોક્ટર ઝડપથી આવી તો જશે ને??"

"હા બેટા! તું ચિંતા ન કર." થોડા ચિંતિત સ્વરે ચંપાબેને જવાબ આપ્યો. એ કંઈક ઊંડા વિચારમાં હોય એવું આસ્થાને લાગ્યું.

"શું થયું? તમે ક્યાં વિચારોમાં છો?" આસ્થાએ સંદેહ જતા પૂછ્યું.

"બેટા. મને અનુરાધા માટે ખૂબ ચિંતા થઈ રહી છે. એનું વર્ષો પહેલા એક્સિડન્ટ થયું હતું, અને ત્યારે પણ આજ જગ્યાએ લાગ્યું હતું. એ વખતે અનુરાધાને માથામાં ઊંડી ઈજા થવાથી એ બે મહિના કોમામાં જતા રહ્યા હતા. ડોક્ટરે ત્યારે કહ્યું હતું કે, 'અનુરાધાને ફરી ક્યારેય માથામાં ઈજા ન થાય એનું ખાસ ધ્યાન રાખજો નહી તો એના જીવનું જોખમ રહેશે.' બેટા ડોક્ટરના એ શબ્દો મને યાદ આવ્યા આથી મને ખૂબ ચિંતા થઈ રહી છે. અત્યારે જે ડોક્ટરને ફોન કર્યો એ ડૉ.મનીષે જ ત્યારે અનુરાધાની સારવાર કરી હતી. એ ડોક્ટર ખૂબ હોશિયાર છે."

ચંપાબેન બોલી રહ્યા હતા પણ આસ્થાનું મન ફક્ત એક જ વાક્ય પર અટકી ગયું, 'અનુરાધાને જો ફરીથી માથામાં ઈજા થશે તો એના જીવને જોખમ રહેશે.' આ શબ્દો આસ્થાના મનમાં ખૂંપી ગયા. એ અત્યંત દુઃખી થઈ ગઈ. એ અનુરાધાથી આટલા સમયમાં એટલી જોડાય ગઈ કે એ ખરા અર્થમાં એને પોતાના મમ્મી જ સમજી રહી હતી. પોતાના મમ્મી પપ્પાને તો એ ગુમાવી ચૂકી હતી, હવે અનુરાધાને એ ગુમાવવા ઇચ્છતી નહોતી. એના મનમાં અનેક પ્રશ્નોએ ધમાલ મચાવી! મમ્મીને કઈ થઈ જશે તો?? પપ્પા ક્યારેય ફરી નોર્મલ નહી થાય!!

ડૉ.મનીષ આવી ગયા. એમણે અનુરાધાની પૂરી તપાસ કરી. ત્યારબાદ એને અનુરૂપ એની સારવાર પણ શરૂ કરી. 

આસ્થા ડૉ.મનીષ શું ટ્રીટમેન્ટ આપે છે એ ધ્યાનથી જોઈ રહી હતી. આ ક્ષણ એને ભૂતકાળમાં ખેંચી ગઈ.


*************************************


"અરે વાહ રાધિકા... મારી બેની તારું આજે રિઝલ્ટ આવી ગયું. તું આખા ગુજરાતમાં પ્રથમ આવી છે. આજે ખરેખર તે મમ્મી પપ્પાનું નામ રોશન કર્યું છે." એમ કહી અભિનંદન આપતા અનિમેષ બહેનને ભેટી પડ્યો.

"ભાઈ આ મારું રિઝલ્ટ એ તારા દ્વારા મને મળેલ હિંમત અને આશ્વાસનનું જ પરિણામ છે. હું તો પરીક્ષાના બે મહિના પહેલા મમ્મી પપ્પાનું અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારે જ બિલકુલ હિંમત હારી ગઈ હતી. તારા દ્વારા મળેલ હિંમતથી જ હું આ મુકામ સુધી પહોંચી શકી. કાશ!! એ બંને આજ આપણી વચ્ચે હયાત હોત!" રાધિકાએ દિલગીર સ્વરે કહ્યું.

"અરે મારી બહેન!! આજ આટલા સુંદર દિવસે ઉદાસ થાય છે?? ચાલ એક સુંદર સ્મિત આપી દે!! તારો ઉદાસ ચહેરો જરાય જોવો ગમતો નથી." અનિમેષે બહેનને ફરી નોર્મલ કરવાના હેતુથી કહ્યું.

"હા ભાઈ!" ટૂંકમાં જ જવાબ આપી રાધિકાએ એક સુંદર સ્મિત ભાઈ તરફ નજર કરતા કર્યું.

"તારે આગળ શું કરવું છે? તારે જેમાં એડમિશન લેવું હોય એ પ્રોસીઝરની બધી માહિતી હું ભેગી કરું." અનિમેષે મહત્વની વાત કહી.

"પપ્પાની ઇચ્છા હતી કે હું ડૉક્ટર બનું તો હું એ જ બનવા ઇચ્છું છું. પપ્પા કહેતા હતા, 'અત્યારના ડૉક્ટરો દર્દીને પોતાના લાભ માટે ગેરમાર્ગે દોરે છે. બેટા તું ફક્ત કેરિયરને જ નહી પણ માનવતાને પણ આગળ ધપાવજે.' બસ.. મારે એમ જ એમની ઇચ્છા મુજબનું જીવન જીવવું છે." ધીરા તથા ગંભીર અવાજે રાધિકાએ પોતાની ઇચ્છા જાહેર કરી.

"હા તું બિલકુલ ચિંતા ન કરીશ હું છું ને!! તારી બધી જ ઇચ્છા આપણે સાથે મળી પૂરી કરશું."


*************************************


ડૉકટરના ફોનની રિંગ વાગી અને આસ્થા ભૂતકાળની યાદોમાંથી બહાર આવી.

આસ્થાએ જોયું મમ્મીને માથામાં પાટો બાંધી આપ્યો હતો. લોહી નીકળતું બંધ થઈ ગયું હતું. એમને અમુક ઇજેક્શન આપ્યા અને બોટલ ચડાવવાની શરૂ કરી. અનુરાધા સામે એક નજરે જોઈ રહેલ અજાણી વ્યક્તિ તરફ જોઈ ડૉ.મનીષ બોલ્યા, "આપને મેં પહેલીવાર જોયા. આપ કોણ છો?"

રાધિકા ડૉકટરના પ્રશ્નનો જવાબ આપવા જઈ રહી હતી ત્યાં જ એને યાદ આવ્યું, હું શું નામ કહું? આસ્થા કે રાધિકા?? મારું ખરું અસ્તિત્વ કે મારું એ વ્યક્તિત્વ જે અત્યારે મારા જીવનમાં મારી જાણ બહાર જ એક નામ પામી ચૂક્યું છે. એ આ વિચારના લીધે કઈ જ બોલી શકી નહી. 

આસ્થાને મૌન જોઈ ચંપાબેન બોલ્યા, "એ આસ્થા છે. અનુરાધાની દીકરી."

મારી ધારાવાહીક "અસ્તિત્વ" ની સફરમાં જોડાવા બદલ વાચક મિત્રોનો દિલથી આભાર. આપના પ્રતિભાવો મને લખવા માટે ખૂબ પ્રોત્સાહીત કરે છે, ધારાવાહિકને અનુરૂપ પ્રતિભાવ જણાવશો. ફરી મળીશું નવા પ્રકરણમાં. જય શ્રી રાધેકૃષ્ણ.🙏🏻