Hu j Mari Bhagyvidhata in Gujarati Women Focused by Rakesh Thakkar books and stories PDF | હું જ મારી ભાગ્યવિધાતા - 7

Featured Books
Categories
Share

હું જ મારી ભાગ્યવિધાતા - 7

હું જ મારી ભાગ્યવિધાતા 7
-રાકેશ ઠક્કર
સૂર્યોદય સાતમો
 
         મેઘા પરંપરાગત મૂલ્યો અને સંસ્કારો સાથે ઉછરેલી એક આર્કિટેક્ટ હતી. તેના લગ્ન સાત વર્ષ પહેલાં આકાશ સાથે થયા હતા, જે એક મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર હતો. આકાશ દેખાવે અત્યંત મોર્ડન અને લિબરલ હતો. મેઘા હંમેશાં એવું વિચારતી કે તેનો પતિ ખૂબ જ પ્રોગ્રેસિવ (પ્રગતિશીલ) વિચારો ધરાવે છે, અને તે પણ આકાશની આ લાઈફસ્ટાઈલ સાથે એડજસ્ટ થવાનો પૂરો પ્રયત્ન કરતી.
 
         એક શનિવારે આકાશ મેઘાને શહેરથી દૂર આવેલા એક આલીશાન રિસોર્ટમાં લઈ ગયો. ત્યાં આકાશના જ સર્કલના બીજા છ હાઈ-પ્રોફાઈલ કપલ્સ ભેગા થયા હતા. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું. મ્યુઝિક, વાઈન અને હસી-મજાક. મેઘાને લાગ્યું કે આ માત્ર એક વીકેન્ડ ગેટગેધરિંગ (પાર્ટી) છે.
 
         રાતના બાર વાગ્યા અને હોલની લાઈટો ડીમ થઈ ગઈ. સેન્ટર ટેબલ પર એક મોટો કાચનો બાઉલ મૂકવામાં આવ્યો. મેઘાએ જોયું કે બધા પુરુષોએ પોતાની લક્ઝરી કાર અને રિસોર્ટના રૂમની ચાવીઓ એ બાઉલમાં નાખવાનું શરૂ કર્યું. મેઘા અસમંજસમાં હતી. તે કશું સમજે એ પહેલાં આકાશે તેની નજીક આવીને વ્હિસ્કીનો ગ્લાસ હાથમાં પકડાવ્યો.
 
         મેઘાએ ધીમેથી પૂછ્યું, "આકાશ, આ બધું શું ચાલી રહ્યું છે? આ ચાવીઓ કેમ ભેગી કરવામાં આવે છે?"
 
         આકાશે એક કુટિલ સ્મિત સાથે મેઘાના ખભા પર હાથ મૂક્યો અને પિયર ગ્રુપની સામે વટ મારતા મોટેથી બોલ્યો: "ડોન્ટ બી ઓર્થોડોક્સ, મેઘા! (આટલી જૂની પુરાણી વિચારધારાવાળી ન બન!) આપણે બધાં અહીં ‘ફન’ માટે ભેગાં થયાં છીએ. આ એક ગેમ છે- 'વાઈફ સ્વેપિંગ'. આ ટોપલીમાં સાત ચાવીઓ રાખવામાં આવશે. દરેકની વાઇફ એક-એક રૂમમાં જશે... અને જે પુરુષના હાથમાં જે ચાવી આવશે, તે એ રૂમની વાઈફ સાથે રાત વિતાવશે! કમોન, લાઈફને એન્જોય કરતા શીખ!"
 
         આકાશના આ શબ્દો મેઘાના કાનમાં કોઈએ ધગધગતું સીસું રેડ્યું હોય તેમ વાગ્યા. તેના આખા શરીરમાંથી ધ્રુજારી પસાર થઈ ગઈ. તેની નજર સામે અંધારું આવી ગયું. જે પતિને તે પોતાનું સર્વસ્વ, પોતાનો રક્ષક માનતી હતી, તે આધુનિકતા અને 'ફન' ના નામે પોતાની પત્નીને જ જુગારની વસ્તુની જેમ ટેબલ પર મૂકી રહ્યો હતો!
 
         આસપાસ ઊભેલા બીજા પુરુષો અને સ્ત્રીઓ આ વાત પર હસી રહ્યા હતા, જાણે આ બહુ સામાન્ય બાબત હોય. મેઘાનો શ્વાસ રૂંધાવા લાગ્યો.
 
         તેણે આકાશનો હાથ ઝાટક્યો અને કડક અવાજે કહ્યું, "આકાશ, તું હોશમાં તો છે ને? તું શું બોલી રહ્યો છે એનું તને ભાન છે? હું તારી પત્ની છું, કોઈ બજારુ વસ્તુ નથી કે તું કાનૂની લાયસન્સના નામે મારી બોલી લગાવે!"
 
         આકાશનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેના અહમને ઠેસ પહોંચી હતી કારણ કે બધાની સામે મેઘાએ તેનો વિરોધ કર્યો હતો. તેણે મેઘાનો હાથ પકડીને ખૂણામાં લઈ જઈને ધીમેથી ધમકાવી: "મેઘા, મારું નાક ન કપાવ! તારી આ મિડલ ક્લાસ મેન્ટાલિટી ઘરમાં રાખજે. આ હાઈ સોસાયટી છે, અહીં આ બધું નોર્મલ છે. જો તું આ ગેમ નહીં રમે, તો આ સર્કલમાં મારી કોઈ ઈજ્જત નહીં રહે. શાંતિથી એ રૂમમાં જા, સવાર સુધીમાં બધું પૂરું થઈ જશે."
 
         મેઘાએ આકાશની આંખોમાં જોયું. ત્યાં કોઈ પ્રેમ નહોતો, કોઈ આદર નહોતો; ત્યાં માત્ર વાસના, ઘમંડ અને આધુનિકતાનો સડેલો ચહેરો હતો. મેઘાની અંદર રહેલી અબળા તે જ ક્ષણે મરી ગઈ અને એક સબળાનો જન્મ થયો. તેણે નક્કી કરી લીધું કે હવે તે આ નરકમાં એક સેકન્ડ પણ નહીં રહે.
 
         મેઘા પાછી સેન્ટર ટેબલ પાસે ગઈ, જ્યાં ચાવીઓનો બાઉલ પડ્યો હતો. બધા કપલ્સ તેની સામે જોઈ રહ્યા હતા. મેઘાએ પૂરા આત્મવિશ્વાસથી એ કાચનો બાઉલ ઉપાડ્યો અને જોરથી જમીન પર પછાડ્યો!
 
         કાચ તૂટવાનો ભયંકર અવાજ આખા હોલમાં ગુંજી ઉઠ્યો અને સાતેય ચાવીઓ જમીન પર વેરવિખેર થઈ ગઈ.
 
         "મેઘા! આ શું બકવાસ છે?" આકાશ ચીસ પાડી ઉઠ્યો.
 
         મેઘાએ પોતાની પર્સમાંથી પોતાનો સ્માર્ટફોન કાઢ્યો. "આકાશ મહેતા, તને લાગ્યું કે તું આધુનિક છે? તો જરા આ પણ જોઈ લે."
 
         તેણે ફોનની સ્ક્રીન બધાની સામે ફેરવી. હોલમાં રહેલા તમામ લોકોના હોશ ઊડી ગયા. મેઘાએ આકાશના એ શરમજનક ડાયલોગથી લઈને ચાવીઓ નાખવા સુધીની આખી ઘટના પોતાના ફોનમાં 'લાઈવ વિડીયો' રેકોર્ડ કરી લીધી હતી અને તે વિડીયો તેણે સીધો પોલીસ કંટ્રોલ રૂમના ઓફિશિયલ પોર્ટલ પર અને મહિલા હેલ્પલાઈન પર અપલોડ કરી દીધો હતો!
 
         "તેં મને ઓર્થોડોક્સ કહી ને?" મેઘાનો અવાજ રણચંડી જેવો ગાજ્યો. "તમારી આ સો-કોલ્ડ આધુનિકતા વાસના અને ગુનાખોરીનો અડ્ડો છે. પત્નીઓને સ્વેપ કરવી એ માત્ર અનૈતિક નથી, પણ કાનૂની રીતે પણ ગુનો છે. મેં પોલીસને આ લોકેશન સાથે લાઈવ લોકેશન મોકલી દીધું છે."
 
         બરાબર એ જ સમયે રિસોર્ટના મેઈન ગેટ પર પોલીસ સાયરનનો અવાજ સંભળાયો. લક્ઝરી કપલ્સમાં નાસભાગ મચી ગઈ. જે પુરુષો અત્યાર સુધી 'ફન' ની વાતો કરતા હતા, તેઓ મોઢા છુપાવવા લાગ્યા.
 
         પોલીસની ટીમ હોલમાં દાખલ થઈ. મહિલા ઇન્સ્પેક્ટરે મેઘા પાસે આવીને પૂછ્યું, "મેડમ, તમે જ કમ્પ્લેઈન કરી છે?"
 
         "હા ઓફિસર," મેઘાએ અડગ અવાજે કહ્યું. "આ સાત પુરુષો અહીં હાઈ-પ્રોફાઈલ રેકેટ અને મહિલાઓનું શોષણ કરી રહ્યા છે. આ રહ્યો પુરાવો." તેણે ફોન પોલીસને સોંપ્યો.
 
         આકાશ ધ્રૂજતો ધ્રૂજતો આગળ આવ્યો, "મેઘા, પ્લીઝ... પોલીસને પાછી મોકલી દે. આપણું ઘર બરબાદ થઈ જશે. તું મારી વાઈફ છે!"
 
         મેઘાએ આકાશ સામે અત્યંત નફરતથી જોયું, "હું તારી વાઈફ ત્યારે જ મટી ગઈ હતી આકાશ, જ્યારે તેં મારી આબરૂની કિંમત એક લોખંડની ચાવી બરાબર કરી નાખી હતી. તારા જેવા વિકૃત માણસ સાથે મારું કોઈ ઘર નથી."
 
         તેણે પોતાની આંગળીમાંથી લગ્નની વીંટી કાઢીને જમીન પર ફેંકી દીધી. "આજથી આપણો સંબંધ ખતમ. તારી આધુનિકતાનો અસલી સ્વાદ હવે તને જેલના સળિયા પાછળ મળશે."
 
         પોલીસે આકાશ સહિત સાતેય પુરુષોની ધરપકડ કરી અને તેમને ગાડીમાં બેસાડ્યા. રિસોર્ટની બહાર મીડિયાના કેમેરા પણ આવી ચૂક્યા હતા. આ હાઈ-સોસાયટીના કાળા કારનામા આખા શહેર સામે આવી ગયા હતા.
 
         મેઘા એકલી જ રિસોર્ટની બહાર નીકળી. રાતનો અંધકાર ઓગળી રહ્યો હતો અને પૂર્વ દિશામાં સવારનો પહેલો સૂરજ ઊગી રહ્યો હતો. મેઘાના ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો પણ પોતાની જાતને એક નરકમાંથી બચાવી લેવાનો અને આત્મસન્માન જાળવી રાખવાનો અદભુત સંતોષ હતો. તેણે સાબિત કરી દીધું હતું કે સ્ત્રી ગમે તેટલી એડજસ્ટિંગ હોય પણ જ્યારે વાત તેના ચારિત્ર્ય અને સ્વાભિમાન પર આવે ત્યારે તે આધુનિકતાના નામે ચાલતા કોઈપણ સડાને મૂળમાંથી ઉખાડીને ફેંકી દેવાની તાકાત રાખે છે.

*