Episode 10
આગળ આપણે જોઈ ગયા કે જાનવી ડરી અને ઊભી થઈ જાય છે પછી...
જાનવી ઊંઘમાં ડરાવનું સપનું જોઈને પરસેવે લથબથ અચાનક પથારીમાંથી જાગી ગઈ અને આંચકા સાથે બેઠી થઈ ગઈ. તેનું દિલ જોરજોરથી ધબકી રહ્યું હતું. તેણે કંપતા હાથે ટેબલ પરથી પાણીનો ગ્લાસ લઈને બે ઘૂંટડા પીધા.
એ જ સમયે, રૂમની બહારથી નીકળતી જાનવીની મમ્મીએ દરવાજા નીચેથી લાઈટ ચાલુ જોઈ અને રૂમમાં આવી. જાનવીને પરસેવાથી લથબથ બેઠેલી જોઈ મમ્મીએ તેના માથા પર હાથ મૂક્યો તો ચમકી ગઈ! જાનવીનું શરીર તાવથી તપી રહ્યું હતું. મમ્મી ગભરાઈ ગઈ અને તેણે તરત જ જાનવીના માથા પર ઠંડા પાણીની પટ્ટીઓ મૂકવાનું શરૂ કર્યું. પણ તાવ ઓછો થવાનું નામ નહોતો લેતો.
પરિસ્થિતિ ગંભીર જોઈ મમ્મીએ તરત જ પપ્પાના રૂમમાં જઈને તેમને ઉઠાડ્યા અને કહ્યું, જલ્દી ઊઠો! જાનવીને સખત તાવ ચડ્યો છે, માથા પર પટ્ટીઓ મૂકવા છતાં તાવ ઊતરતો નથી. તમે જલ્દી જઈને ફેમિલી ડૉક્ટરને બોલાવી લાવો.
પપ્પા ચિંતામાં ઊભા થયા અને ઉતાવળમાં ઘરનો મુખ્ય દરવાજો ખોલીને બહાર નીકળવા ગયા. મોડી રાતના સન્નાટામાં દરવાજાનો જોરથી અવાજ થયો. દિવસ દરમિયાન બનેલી ઘટનાઓથી ઘરમાં બધા જ ડરેલા હતા. દરવાજાનો અવાજ સાંભળીને જાનવીની નાની બહેન શ્રદ્ધા આંચકા સાથે પથારીમાંથી ઊભી થઈ ગઈ. તે ગભરાયેલી આંખો સાથે રૂમની બહાર દોડી આવી અને બોલી, શું થયું મમ્મી? કોણ આવ્યું? કોઈ ચોર આવ્યું કે પછી પેલા ગુંડાઓ આવી ગયા?
મમ્મીએ તરત જ શ્રદ્ધાને પ્રેમથી પાસે ખેંચી, તેનો હાથ પકડીને શાંત પાડતા કહ્યું, બેટા ગભરા નહીં, કોઈ નથી આવ્યું. જાનવીને બહુ જ તાવ આવ્યો છે એટલે તારા પપ્પા ડૉક્ટરને બોલાવવા ગયા છે.
દરવાજાના અવાજથી અને શ્રદ્ધાના અવાજથી જાનવીનો ભાઈ પણ ઊંઘમાંથી જાગી ગયો. બહાર આવીને જ્યારે તેને ખબર પડી કે જાનવીની તબિયત આટલી ખરાબ છે અને બહાર ગુંડાઓનો ભય પણ છે, ત્યારે તેણે પરિસ્થિતિની ગંભીરતા સમજી લીધી. સામાન્ય રીતે બેદરકાર રહેતો ભાઈ આજે અચાનક ગંભીર થઈ ગયો. તેણે પપ્પાને રોકીને કહ્યું, પપ્પા, તમે આટલી રાતે એકલા ન જાઓ, હું પણ તમારી સાથે આવું છું. એમ કહીને તે પણ ડૉક્ટરને લેવા નીકળી ગયો.
થોડી જ વારમાં પપ્પા અને ભાઈ ફેમિલી ડૉક્ટરને લઈને ઘરમાં દાખલ થયા. ડૉક્ટરે જાનવીના રૂમમાં જઈને તેની તપાસ શરૂ કરી. તપાસ કરતી વખતે જાનવીનો ભાઈ ચિંતાતુર ચહેરે ડૉક્ટરની બાજુમાં જ ઊભો રહ્યો.
ડૉક્ટરે ચિંતાભર્યા અવાજે કહ્યું, જાનવીને બહુ જ સખત તાવ છે. થાક, અશક્તિ અને માનસિક તણાવના લીધે આ તાવ આવ્યો છે. આ તાવમાં તેના હાડકાં અને આખું શરીર ખૂબ દુખશે, એટલે ખાસ ધ્યાન રાખજો કે તે બહુ હલનચલન ન કરે અને ઓછામાં ઓછા બે દિવસ સંપૂર્ણ આરામ કરે. ખોરાકમાં હળવી વસ્તુઓ અને ફ્રૂટ્સ જ આપજો.
મમ્મીએ કહ્યું, હા ડૉક્ટર સાહેબ, તમે બિલકુલ ચિંતા ન કરો, હું તેની પૂરી સંભાળ રાખીશ.
ડૉક્ટરે આગળ કહ્યું,
;દવાઓ નિયમિત પાવી પડશે. પપ્પાએ કહ્યું,
હા ડૉક્ટર, તમે દવાઓ લખી આપો.ડૉક્ટરે પોતાની બેગમાંથી તાવની તાત્કાલિક બે ગોળીઓ કાઢીને આપી અને બાકીની દવાઓનું પ્રિસ્ક્રિપ્શન આપતા કહ્યું, અત્યારે આ દવા આપી દો, અને સવારે મેડિકલ સ્ટોર ખુલતા જ આ બાકીની દવાઓ લઈ લેજો. ત્યારબાદ જાનવીનો ભાઈ ડૉક્ટરને માનપૂર્વક પોતાના વાહન પર તેમના ઘર સુધી મૂકી આવ્યો.
બીજે દિવસે સવારે, તાવ અને અશક્તિ હોવા છતાં જાનવી પથારીમાંથી ઊભી થઈને તૈયાર થવા લાગી. મમ્મીએ તેને રોકતા કહ્યું, જાનુ, તું આ શું કરે છે? ડૉક્ટરે તને આરામ કરવાનું કહ્યું છે! જાનવીએ કહ્યું, મમ્મી, મેં નવું ટ્યુશન શરૂ કર્યું છે. આજે બાળકો માટે મારો પહેલો દિવસ છે, જો હું આજે નહીં જાઉં તો મારી ઈમ્પ્રેશન ખરાબ પડશે. મારે જવું જ પડશે.
જાનવીની આ જિદ્દ જોઈને તેનો ભાઈ એકદમ ખીજાયો. તેણે ગુસ્સામાં આવીને કડક અવાજે કહ્યું, તારું મગજ ઠેકાણે છે કે નહીં? આટલું બધું થઈ ગયું છે, બહાર ગુંડાઓ ફરે છે, તારી તબિયત પણ સારી નથી અને તોય તું આવી રીતે એકલી બહાર જવા માગે છે? બિલકુલ નથી જવાનું, તું ઘરે જ રહે!
જાનવીએ કરગરીને કહ્યું, ભાઈ, પ્લીઝ સમજ, મારે બસ ટ્યુશન લેવા જવું જ પડશે.
ભાઈએ જાનવી સામે જોયું. તેની આંખોમાં બહેન પ્રત્યેનો પ્રેમ અને ચિંતા સ્પષ્ટ દેખાતા હતા. તેણે એક શરત મૂકતા કહ્યું, ઠીક છે, પણ મારી એક શરત છે! તું મારી સાથે જ આવીશ અને મારી સાથે જ પાછી આવીશ. તું ફક્ત ટ્યુશનમાં જ જઈશ, કોલેજમાં બિલકુલ નહીં. ટ્યુશન પતશે એટલે હું તને સીધો ઘરે લઈ આવીશ.
જાનવીના ભાઈના મોંમાંથી આવી જવાબદારી ભરેલી વાતો સાંભળીને ઘરના બધા જ સભ્યો આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યા. અચાનક આટલો સમજદાર બની ગયેલો ભાઈ જોઈને પપ્પા, મમ્મી અને શ્રદ્ધા એકબીજા સામે જોઈને હળવું સ્મિત કરવા લાગ્યા. જાનવીએ પણ હસીને કહ્યું, ઠીક છે બાબા ઠીક છે, હું તૈયાર જ છું.
તેનો ભાઈ વાળ સરખા કરી, ચંપલ પહેરીને દરવાજે ઊભો રહી ગયો અને બોલ્યો, ચાલો, હું તૈયાર છું!મમ્મીએ પાછળથી આવીને બે નાસ્તાના ડબ્બા આપતા કહ્યું, આ લે જાનવી તારો ડબ્બો, અને આ બીજો ડબ્બો તારા ભાઈ માટે છે, એને પણ કંઈક ખવરાવી દેજે.
બંને ભાઈ-બહેન ઘરેથી નીકળીને બસ સ્ટેન્ડે પહોંચ્યા. ત્યાં જ તેમની બહેનપણી સેજલ પોતાની સ્કૂટી લઈને પસાર થઈ રહી હતી. જાનવીને બસ સ્ટેન્ડે ઊભેલી જોઈને સેજલે સ્કૂટી રોકી અને કહ્યું, અરે જાનુ! ચાલ બેસી જા મારી સ્કૂટી પર, આપણે સાથે જ કોલેજ જઈએ.
પણ જાનવી કંઈ બોલે તે પહેલાં તેના ભાઈએ તરત જ ના પાડી દીધી, ના, તે તારી સાથે નહીં આવે. તે મારી સાથે જ આવશે.
સેજલે આશ્ચર્યથી જાનવી સામે જોયું અને ઈશારાથી પૂછ્યું કે આ બધું શું ચાલી રહ્યું છે? જાનવીએ હસતાં હસતાં સેજલને કહ્યું, આજે મારી સાથે મારો પર્સનલ બોડીગાર્ડ છે, અને તે મારો ભાઈ છે! સેજલ પણ હસી પડી અને આગળ નીકળી ગઈ.
ટ્યુશનના ક્લાસમાં પહોંચીને જાનવીએ બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. તાવ હોવા છતાં તે એકદમ સીરિયસ થઈને, પૂરા સમર્પણથી બાળકોને ભણાવી રહી હતી. નાના બાળકોને પણ જાનવી ટીચર તરીકે ખૂબ ગમી ગઈ હતી. જાનવીનો ભાઈ બહાર ઊભો રહીને આ બધું જોઈ રહ્યો હતો. પોતાની બહેનને આટલી ગંભીરતાથી કામ કરતી જોઈને તેના ભાઈના મનમાં વિચાર આવ્યો કે, મારે પણ જિંદગીમાં આમ નકામા ફરવાને બદલે કંઈક સારું કામ કરવું જોઈએ.
ટ્યુશન પૂરું થયું એટલે જાનવી બહાર આવી. ત્યાં સામેથી મનોજ આવતો દેખાયો. મનોજે જાનવી પાસે આવીને તેની તબિયત વિશે પૂછપરછ કરી. જાનવીએ કહ્યું કે તે બરાબર છે. પણ પછી જાનવી મનોજને થોડી દૂર એક તરફ લઈ ગઈ.
તેણે ધીમેથી, સંકોચ સાથે મનોજને પૂછ્યું, મનોજ... જતીનને હવે કેમ છે? તેની તબિયત તો સારી છે ને? શું તું મારા માટે એટલું કરી શકીશ? તું એકવાર એના ઘરે જઈને જોઈ આવીશ કે તે શું કરે છે અને કેમ છે?
મનોજના ચહેરા પર સ્મિત આવી ગયું. તેણે કહ્યું, અરે જાનવી, તું બિલકુલ ચિંતા ન કર! હું સવારે જ એના ઘરે ગયો હતો. તેના મમ્મી-પપ્પા સાથે વાત થઈ ગઈ છે. જતીનને હાથમાં વાગ્યું છે એટલે તેના ઘરે બધા તેની બહુ જ સંભાળ રાખી રહ્યા છે અને તેને પંપાળીને રાખ્યો છે!
મનોજ આટલું કહીને હસવા લાગ્યો. જાનવી સંકોચાઈ ગઈ અને બોલી, ઓહ... ઠીક છે તો, હું હવે જાઉં છુ.
જાનવી પોતાના ભાઈ પાસે ગઈ અને બંને ઘરે જવા નીકળ્યા. મનોજ પાછળ ઊભો રહીને મનોમન હસતો રહ્યો કે જાનવી જતીનની કેટલી ચિંતા કરી રહી છે!
જાનવી અને તેનો ભાઈ પાછા બસ સ્ટેન્ડે આવીને ઊભા રહ્યા. એવામાં જાનવીના ભાઈની નજર થોડે દૂર ઊભેલા બે અજાણ્યા માણસો પર પડી. તે બંને માણસો સતત જાનવી અને તેના ભાઈ સામે જ જોઈ રહ્યા હતા. ભાઈને તરત જ અહેસાસ થયો કે આ બંને માણસો તેમનો પીછો કરી રહ્યા છે!
To be continued...