Dhirgambhir in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ધીરગંભીર - ૧૩

Featured Books
Categories
Share

ધીરગંભીર - ૧૩

મોહિતની તંદ્રા મમ્મીનાં શબ્દો થકી તૂટી. એને વર્તમાન પરિસ્થિતિ ખૂબ દર્દ આપી રહી હતી. પોતાનો પહેલા પ્રેમનો એકરાર પણ એ નહી કરી શકે એ વાત એને ખૂબ દુઃખી કરી રહી હતી. બધી જ રીતે એ સુહાની માટે યોગ્ય હતો છતાં સુહાનીને પોતાના જીવનમાં આવવા આવકાર આપી શકે એવી એની સ્થિતિ ન્હોતી એ વાત એને એક ધારદાર શૂળ ખૂંપે એવું દર્દ આપી રહી હતી. જે કલ્પના માત્રથી એ ખૂબ શાંતિ અને સુખ મહેસુસ કરી શકતો હતો એને ક્યારેય ખરી સાબિત નહી કરી શકે એ વાત એણે કોઈ પણ કારણ વગર સ્વીકારવી જ પડશે એ દુઃખ એને ખૂબ થઈ રહ્યું હતું.



*************************************



અશોકકુમાર આખી રાત પડખા જ ફરી રહ્યા ઊંઘ આજ એમને આવી જ નહી. સવારે એના મમ્મી જ્યારે જાગ્યા એમણે જોયું કે, અશોક જાગી રહ્યો છે. તેઓ એમની પાસે ગયા અને એમણે પ્રેમથી પૂછ્યું, " બેટા તું જાગી ગયો?"

"હા, મા હું હવે જ તો જાગ્યો!" કટાક્ષ ભર્યા શબ્દોથી અશોકે પ્રત્યુતર આપ્યો.

"અરે બેટા! તું આવું ન બોલ દીકરા! આજ આખી રાત મને ખૂબ દુઃખ થયું, છાતીમાં અત્યંત દુખાવા સાથે માંડ મારી રાત વીતી. મારાથી તારા આવા શબ્દો સહન થતા નથી."દીનાબહેન આટલું માંડ બોલી શક્યા. પોતાનું સંતુલન ગુમાવી જમીન પર પડી જ જાત જો અશોકે એમને પોતાના હાથનો ટેકો આપ્યો ન હોત! એમનું શરીર એકદમ પાણી પાણી થઈ ગયું, આંખો પણ એમનાથી માંડ ખુલી રહી હતી. અસ્પષ્ટ શબ્દોમાં એમણે મોહિત નામનું ઉચ્ચારણ કર્યું. પોતાના હાથમાં અશોકનો હાથ લઈને જાણે એ વચન માંગી રહ્યા હોય એવું અશોક સમજી રહ્યો. અશોક શું બોલે કે કહે એ એને સમજાય એ પહેલા મમ્મીની આંખો ઢળી પડી! 

અશોકના મોઢેથી મા નામની ચીસ નીકળી ગઈ! કિશનભાઈ એ ચીસ સાંભળી સફાળા જાગી ગયા! જ્યાંથી અવાજ આવ્યો એ દિશામાં તરત દોડી આવ્યા, પોતાની પત્ની અને પુત્રને જોઈને એ પરિસ્થિતિ પામી ગયા. એમણે તુરંત ૧૦૮ નંબર ડાયલ કર્યો. તેઓ એમ્યુલન્સ થકી હોસ્પિટલ પહોંચ્યા. 

ડોક્ટરે  દીનાબહેનને ચેકઅપ કરતા અમુક પ્રશ્ન પૂછ્યા, અશોકે એમના શાંતિથી જવાબ આપ્યા. ખૂબ અફસોસ સાથે  ડોક્ટરે કહ્યું, દીનાબહેન હવે આપણી વચ્ચે રહ્યા નથી. એ હાર્ટએટેક આવવાથી મૃત્યુ પામ્યા છે.

અશોકને ખૂબ આઘાત લાગ્યો. એ ખૂબ દુઃખી થઈ ગયો. એને મનમાં થયું મમ્મી અંત સમયે મોહિત માટે તરફરડી રહ્યા હતા. મારા લીધે મમ્મી કેટલા દુઃખી થયા એ અફસોસ એને ભીતર સુધી ડંખી રહ્યો. 

કિશનભાઈની આંખો સામે અંધકાર છવાઈ ગયો. તેમને સમજાયું કે માત્ર એક નાનકડી વાત જાણીને જો અશોકનો ગુસ્સો અસહ્ય હોય, તો જ્યારે હકીકત તેની સામે આવશે ત્યારે શું થશે? એ ભયાનક કલ્પના અને અશોકના આક્રોશના ડર માત્રથી જ દીનાના શ્વાસ થંભી ગયા! દીનાનો જીવ અશોકના ગુસ્સાના ફડકાએ જ હરી લીધો.
આજે કિશનભાઈનું હૈયું અફસોસના ભાર નીચે દબાઈ રહ્યું હતું. જે સ્વમાનને તેઓ અત્યાર સુધી પંપાળતા રહ્યા, તે આજે "ખોટો દંભ" સાબિત થયો હતો. પોતાના અહંકાર અને કહેવાતા સ્વમાનના નામે તેમણે જે દીવાલ ચણી હતી, તે આજે તેમની જ ધર્મપત્નીની ચિતા બની ગઈ.

અશોક અને કિશનભાઇએ ભારે કલેજે બધાંને આ દુઃખદ સમાચાર જણાવ્યા! વાત ધીરે ધીરે બધે પ્રસરી રહી અને સમાચાર ચેતનાના ઘર સુધી પહોંચ્યા. મામાને એક નાતભાઇએ આ દુઃખદ વાત કહી. ચેતના માટે નવા દિવસનો સૂર્યોદય એના અંધકારમય જીવનમાં ઉજાસની કિરણ લાવશે એ આશા જે મામાને હતી એ ખોટી ઠરી. મામાએ આ સમાચારની જાણ થતા તરત ઘરમાં બધાને કહ્યું. મોહિત હજુ ઊઠીને દૂધ અને નાસ્તો કરી રહ્યો હતો. પોતાના દાદી હવે હયાત નથી એ વાત એને સમજાણી નહી પણ એટલું અવશ્ય એ તારણ કાઢી શક્યો કે દાદી કોઈ મુશ્કેલીમાં છે. એણે પોતાના હાથમાં રહેલ કોળિયો સાઈડમાં મૂક્યો અને તરત પૂછ્યું,"મામા મારા દાદીને શું થયું?"

મામા હજુ આગળ કઈ કહે ત્યાં જ અશોકકુમારનો ફોન આવ્યો, એમણે ભારે હૃદયે જે બીના બની એ બધી જણાવી. અને મોહિત તથા ચેતનાને તુરંત લઈને આવવા કહ્યું.

મામા ખૂબ મૂંઝવણમાં મુકાયા, અધૂરી જાણકારીએ ચેતના અને મોહિતને આ સમયે ત્યાં ન મોકલે તો એ માનવતા વિરુદ્ધનું કૃત્ય ગણાય! અને શું ચેતના ત્યાં જવા રાજી થશે! મામાનું મન વિચારોમાં હતું એની તંદ્રા મોહિતના શબ્દોએ તોડી, "મામા બોલોને દાદીને શું થયું?"

"બેટા હું શું કહું તને... બસ એટલું સમજ તારા દાદી હવે ભગવાન પાસે જતા રહ્યા!" મામાએ અંતે મૌન તોડ્યું.

"મમ્મી કહે છે, જે ભગવાન પાસે જાય એ ફરી ક્યારેય આવતું નથી. મારા દાદી પણ હવે ક્યારેય નહી આવે?" ધીરા પણ ગંભીર અવાજે સીધું જ મોહિતે પૂછ્યું.

"હા, બેટા!" આટલું તો માંડ મામથી કહેવાયું.

મોહિત ચુપ રહ્યો પણ એની આંખમાંથી ટપાટપ આંસુ સરવા લાગ્યા. મનમાં એ ક્ષણ યાદ આવી જ્યારે દાદી હંમેશા પોતાના તોફાન વખતે પણ મોહિતના પક્ષમાં રહેતા, નતનવીન વાર્તાઓ કહેતા અને ખાસ એ વાક્ય જે એના દરેક જન્મદિવસે કહેતા, બેટા! તું આપણા કુળનો વંશજ છે, કુળનું નામ રોશન કરે એવા દિલથી આશીર્વાદ. દાદી સાથેની બધી ક્ષણ એને એકાએક યાદ આવવા લાગી.

"તું શું રડે છે? સારું એ ગઈ, એકથી તો જાન છૂટી! મારા દીકરાને મારાથી દૂર કરવો હતો!" ચેતનાના દંભ ભરેલા અને કર્કશ અવાજે મોહિતની વિચારધારા તોડી.

"શું આવું બોલે છે? એ બાળક શું સમજે? તું અત્યારે કંઈ બોલીશ નહી. સોગીયા કપડાં પહેર અને ચાલ આપણને નીકળવું પડશે." નાનીએ થોડા ગુસ્સામાં ચેતનાને હુકમ કર્યો. 

મામી મનમાં જ પ્રભુને પ્રાર્થના કરી રહ્યા, "હે ભગવાન! ચેતનાને સાચી સમજ અને બુદ્ધિ આપજો, મોહિત માટે વિચારો ભગવાન.. આ બાળક નહીતો અગ્નિદાહ પહેલા છેલ્લી વાર એના દાદીનું મોઢું જોઈ શકશે નહી! આ બાળકને માટે તમે બધું સંભાળજો ભગવાન!"

ચેતના કોઈ જ જવાબ આપ્યા વગર રૂમમાં તૈયાર થવા જતી રહી. મામીએ મનોમન પ્રભુનો આભાર માન્યો, જાણે તુરંત મામીની પ્રાર્થના ફળી હોય એવો અહેસાસ મામીને થયો. 

મોહિત મામીના ખોળામાં જઈને બેસી ગયો. એનું વ્યાકુળ મન કદાચ માની હુંફ ઇચ્છતું હતું. મામીએ ખૂબ પ્રેમથી એને પોતાના ખોળામાં લીધો અને કહ્યું, "બેટા! જે લોકો ભગવાન પાસે જાય એ ક્યારેય પાછા આવી ન શકે, પણ એમની નજર ખૂબ સરસ થઈ જાય. એ ત્યાં હોય તો પણ તું શું કરે એ જોઈ શકે, આથી હવે રડીશ નહી. જો તારા દાદી તને રડતા જોશે તો એમને પણ દુઃખ થાય ને?? અને એ ત્યાં એકલા હોય તો એમને દુઃખ થાય એવું આપણે કરાય?"

"ના મામી!"એમ કહી મોહિતે પોતાના આંસુ લૂછી નાખ્યા.

મામીએ પ્રેમથી મોહિતને એનો અધુરો નાસ્તો પણ પૂરો કરાવ્યો. અને એ બધા ટેક્સી કરી ઓખા જવા નીકળ્યા.

ચેતના સહિત બધા આખે રસ્તે ચુપ જ રહ્યા. એક મોહિત અને વિભા જ એમની મસ્તીમાં વાતો કરતા હતા. થોડી કલાકોમાં એ લોકો ત્યાં પહોંચી ગયા.

મોહિત જેવો ટેક્સી માંથી ઉતર્યો એ સીધો આસપાસનું અવલોકન કરવા લાગ્યો, બધા લોકોના સફેદ કપડાં, ઊતરેલા ચહેરા અને રૂમમાં અંદરથી આવતા રડવાના જોર જોરથી અવાજ! મોહિત આ વાતાવરણ જોઈને ગભરાઈ ગયો. એનું હૃદય ખૂબ જોર જોરથી ધબકી રહ્યું, એ પોતાના પપ્પાને શોધવા લાગ્યો. ત્યાં જ એની નજર પપ્પા પર સ્થિર થઈ. એના પપ્પા પણ એને જોતા હતા. આજ પહેલીવાર એણે નોંધ્યું કે પપ્પા મને જોઈને તેડવા દોડ્યા નહી. છતાં પોતે એમની તરફ દોડતા જોરથી બોલ્યો, "પપ્પા હું આવી ગયો!" 

નમસ્તે વાચકમિત્રો. મારી ધારાવાહિક "ધીરગંભીર" ને વાંચી આપના અમૂલ્ય પ્રતિભાવ અવશ્ય આપજો. મોહિતના સફરમાં જોડાવવા માટે હું આપ સર્વનો દિલથી આભાર માનું છું. ફરી મળશું નવા પ્રકરણ સાથે. જય શ્રી રાધે કૃષ્ણ.