Empty sky – a sound that kept echoing. books and stories free download online pdf in Gujarati

ખાલી આકાશ - એક અવાજ જે ગૂંજતો રહ્યો

પ્રકરણ ૧૦
મોટીવેશનલ સ્પીકર તરીકેની નવી ઓળખ

એજન્સીના હેડક્વાર્ટરની એ ગ્લાસ-વોલ પાછળ આખું શહેર ચીતરેલું દેખાતું હતું, પણ અંદરની હવા સાવ અલગ જ હતી. આધુનિક સ્થાપત્ય અને મિનિમલિસ્ટિક ઈન્ટિરિયર ધરાવતા એ રૂમમાં એર-કંડિશનરનો સતત ચાલતો ધીમો અવાજ પણ આજે કોઈના શ્વાસના ધબકારા જેવો ભારે લાગતો હતો. મીટિંગરૂમની મધ્યમાં રહેલા ડિજિટલ બોર્ડ પર નીયોન બ્લુ અક્ષરે ચમકતું હતું:

"બ્રાન્ડ આર્યન: મિશન ૨૦૨૪"

એ શબ્દો કોઈ પ્રોજેક્ટનું નામ નહીં, પણ એક જીવતા જાગતા માણસના અસ્તિત્વની હરાજીની જાહેરાત જેવા લાગતા હતા.

આર્યન રૂમના એક ખૂણે પડેલા મોંઘા ઇટાલિયન લેધર સોફા પર બેઠો હતો. સોફાનું નરમ પડ તેને આરામ આપવાને બદલે જાણે ચૂસી રહ્યું હતું. તેની આસપાસ છ-સાત માર્કેટિંગ એક્સપર્ટ્સ અને પીઆર મેનેજરો લેપટોપ અને ટેબ્લેટ્સ સાથે ગોઠવાયેલા હતા. કોઈના હાથમાં મોંઘી કોફીના મગ હતા, તો કોઈ સતત ગ્રાફ અને ડેટા એનાલિસિસની વાતો કરી રહ્યું હતું. તેમની ચર્ચાઓમાં આર્યન વ્યક્તિ મટીને માત્ર એક પ્રોડક્ટ બની ગયો હતો!

"આપણે તેના બાળપણના કોઈ કિસ્સાને દર્દનાક અને ઇમોશનલ એંગલ આપવો પડશે." એક એક્સપર્ટે ટેબલ પર હાથ પછાડતા કહ્યું.

"જો આપણે તેના પિતા સાથેના વિખવાદને રેડેમ્પ્શન સ્ટોરી તરીકે રજૂ કરીએ, તો યુથમાં તેની લોકપ્રિયતા ૧૫% વધી શકે છે." બીજાએ ગણતરી માંડી.

આર્યનને સતત એવો ભાસ થતો હતો કે, તે સોફા પર નહીં, પણ અદાલતના કોઈ ઠંડા કઠેડામાં ઊભો છે. પેલી ગ્લાસ-વોલની પેલે પાર જતી ભીડ તેને આરોપીની નજરે જોઈ રહી હોય તેવું તેને લાગતું હતું.

જે યાદોને તેણે હૃદયના ઊંડા ખૂણે ધરબી દીધી હતી, જે આંસુઓ તેણે ક્યારેય કોઈને બતાવ્યા નહોતા, તે આજે આ એસી રૂમમાં ચીરીને બહાર કાઢવામાં આવતા હતા.

તેના જીવનની અત્યંત ખાનગી અને દર્દભરી ક્ષણો અત્યારે કોઈ સેલ્સ પિચની જેમ ઘડાઈ રહી હતી. તેના ઘા પર મલમ લગાવવાને બદલે, આ માર્કેટિંગ ગુરુઓ એ ઘાને કેટલા ગ્લેમરસ રીતે બતાવી શકાય તેની બ્લુપ્રિન્ટ તૈયાર કરી રહ્યા હતા...!! તેને લાગ્યું કે, તેની લાચારી પણ હવે માર્કેટમાં વેચાતી કોઈ મોંઘી ચીજ બની ગઈ છે.

"આર્યન, તારા આ જૂના અને મેલા કપડાં હવે મ્યુઝિયમમાં રાખવા જેવા છે," મિસ્ટર ખન્નાએ પોતાના ચશ્મા સાફ કરતા હસતા હસતા કહ્યું. 

"જો ભાઈ, આપણે તને એક સાવ નવી અને તેજસ્વી ઓળખ આપવાની છે. તું હવે માત્ર આર્યન નથી, તું હવે 'ધ રિયલ મોટીવેટર' છે. લોકો તને જોવા નહીં, પણ તારા સંઘર્ષના એ જાદુને ખરીદવા આવશે જે અમે તારા નામે વેચીશું."

આર્યનની કાયાપલટની પ્રક્રિયા કોઈ ફેક્ટરીમાં બનતા ઉત્પાદન જેવી હતી. તેને મુંબઈના સૌથી મોંઘા સલૂનમાં લઈ જવામાં આવ્યો. તેના વિખરાયેલા, ધૂળિયા વાળને એક સ્ટાઇલિશ 'સેલિબ્રિટી લુક' આપવામાં આવ્યો. જે ચહેરા પર અત્યાર સુધી ભૂખ અને લાચારીની ઘેરી રેખાઓ હતી, તેને મોંઘા ફેસિયલ અને મેકઅપથી ચમકાવવામાં આવ્યો. જે હાથમાં સિમેન્ટના ડાઘા હતા, ત્યાં હવે મેનીક્યોરની ચમક હતી.

તેને હવે જીન્સ અને ફાટેલા શર્ટને બદલે મોંઘા ટ્રેન્ડી કોટ, બ્રાન્ડેડ ઘડિયાળ અને લાખોની કિંમતના જૂતા પહેરાવવામાં આવ્યા. અરીસામાં જ્યારે આર્યને પોતાની જાતને જોઈ, ત્યારે તે ખરેખર ડરી ગયો. તેને પોતાનો જ ચહેરો કોઈ અજાણ્યા મોડેલ જેવો કે પ્લાસ્ટિકના પૂતળા જેવો લાગ્યો.

"આ હું નથી સાહેબ... આમાં તો હું મારો અસલી ચહેરો જ નથી શોધી શકતો," તે ધીમેથી બોલ્યો. તેનો અવાજ થોડો ધ્રૂજતો હતો.

"ના આર્યન, આ જ 'નવો તું' છે. દુનિયાને તારી 'સ્ટ્રગલ' ગમે છે, પણ તારો 'ગરીબ દેખાવ' નહીં." એજન્સીના પીઆર મેનેજરે તેના ખભા પર હાથ મૂકતા સમજાવ્યું, "લોકો ઈચ્છે છે કે તેમનો હીરો નરકમાંથી નીકળીને રાજકુમાર જેવો દેખાય! જો તું ગરીબ દેખાઈશ તો તને કોઈ સાંભળશે નહીં.. તને માત્ર દયા જ મળશે પણ જો તું અમીર થઈને ગરીબીની વાત કરીશ, તો લોકો તને પૂજશે. આ જ આજના જમાનાની વરવી વાસ્તવિકતા છે."

તેની નવી ઓળખ માત્ર બાહ્ય દેખાવ પૂરતી મર્યાદિત નહોતી. તેની બોલવાની કુદરતી શૈલીને પણ હવે 'મોલ્ડ' કરવામાં આવી રહી હતી. તેને 'પબ્લિક સ્પીકિંગ' અને 'વોઈસ મોડ્યુલેશન'ના ખાસ ક્લાસ આપવામાં આવ્યા.

ટ્રેનર્સે તેને શીખવ્યું કે, કયા શબ્દ પર ભાર મૂકવો, ક્યારે રહસ્યમય રીતે અટકવું, અને સ્ટેજ પર કઈ ક્ષણે આંસુ લાવવા જેથી આખું સ્ટેડિયમ ઇમોશનલ થઈ જાય. 

જે વાતો તે કુર્લાના સ્ટેજ પર દિલથી, રડતા રડતા બોલ્યો હતો, હવે તેને યોગ્ય રીતે સ્ક્રિપ્ટેડ કરવામાં આવી. તેની પીડાને ત્રણ માર્કેટિંગ પોઈન્ટ્સમાં વહેંચી દેવામાં આવી:

૧. ગરીબીનો પ્રહાર (The Hit of Poverty)

૨. આત્મહત્યાનો વિચાર (The Dark Moment)

૩. જીતવાની જીદ (The Ultimate Victory).

એજન્સીએ તેને એક લક્ઝરી સેડાન કાર અને પર્સનલ ડ્રાઈવર પણ આપ્યો હતો. હવે તે મુંબઈની ટ્રાફિક ભરેલી ગલીઓમાં ચાલતો નહીં, પણ હાઈવે પર ફાસ્ટ લેનમાં કાચ બંધ કરીને એસીમાં દોડતો હતો. તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ હવે ચોવીસ કલાક પ્રોફેશનલ ટીમ સંભાળતી હતી. 

દર કલાકે એક નવો 'ઇન્સ્પિરેશનલ કોટ' તેની સ્ટુડિયોમાં પડાવેલી સુંદર તસવીર સાથે અપલોડ થતો. જે આકાશ સામે જોઈને તે એક સમયે લાચારીથી રડતો હતો, હવે એ જ આકાશના સુંદર ફિલ્ટર્ડ બેકગ્રાઉન્ડ સાથે તેની તસવીરો પર હજારો 'લાઈક્સ' અને 'લવ' રિએક્શન આવતા હતા.

તેનો પહેલો ઓફિશિયલ સેમિનાર મુંબઈના એક ભવ્ય ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયો. હજારોની મેદની 'આર્યન... આર્યન...' ના નારા લગાવી રહી હતી. સ્ટેજની પાછળ આર્યન મોંઘો બ્રાન્ડેડ સૂટ પહેરીને તૈયાર ઊભો હતો. તેના શર્ટમાં કોલર માઈક લગાવેલું હતું. મેનેજરે છેલ્લી ઘડીએ તેને કાનમાં યાદ અપાવ્યું.

"યાદ રાખજો આર્યનભાઈ, દસ મિનિટ પછી જ્યારે મ્યુઝિક ધીમું થાય, ત્યારે જ તમારે પેલી ટ્રેક વાળી વાત કરવાની છે. થોડા વધુ ઇમોશનલ થજો, લોકો એના માટે જ પાંચ-પાંચ હજારની ટિકિટ લઈને આવ્યા છે."

સ્ટેજ પર લાઈટોનો ઝગમગાટ હતો. ધુમાડાના ગોટા વચ્ચે આર્યનનું સ્વાગત કોઈ હોલીવુડ સુપરસ્ટારની જેમ કરવામાં આવ્યું. તે સ્ટેજ પર ગયો, તેણે મશીનની જેમ હાથ હલાવ્યો અને હજારો લોકોએ ઉભા થઈને તાળીઓ પાડી. તેણે બોલવાનું શરૂ કર્યું. 

તે એ જ શબ્દો બોલી રહ્યો હતો જે તેણે પહેલા બોલ્યા હતા, પણ આજે એ શબ્દોમાં પેલી 'ભીનાશ' કે અસલી 'ધ્રુજારી' નહોતી. તે એક માહિર અભિનેતાની જેમ બોલી રહ્યો હતો. તેને બરાબર ખબર હતી કે, કયા વાક્ય પછી ક્યાં અટકવું અને ક્યારે લોકો તાળી પાડશે.

તેને અચાનક અહેસાસ થયો કે, તે એક એવી કઠપૂતળી બની ગયો છે જે પોતાના જ જીવનની કરુણતાનું નાટક સ્ટેજ પર ભજવી રહી છે. લોકો તેને સાંભળીને પ્રેરણા લઈ રહ્યા હતા, પણ આર્યનની અંદર રહેલો પેલો નાનકડો, સાચો આર્યન ગૂંગળાઈને મરી રહ્યો હતો...!!

તે સમજી ગયો હતો કે, તે હવે એક 'પ્રોડક્ટ' બની ગયો છે. એક એવી પ્રોડક્ટ જેનું કામ 'સત્ય વેચવાનું' છે. દુનિયા તેને 'રિયલ' કહેતી હતી, પણ તેને અંદરથી ખબર હતી કે, તે અત્યારે સૌથી મોટું 'જૂઠ' જીવી રહ્યો છે.

સેમિનાર પૂરો થયો. લાખોની કમાણી થઈ. તે ખૂબ થાકી ગયો હતો. તે પોતાના બંગલામાં પાછો આવ્યો. તે પોતાના બેડરૂમની બારી પાસે આવ્યો. રૂમની બારીમાંથી તેણે દૂર દેખાતા અંધારા આકાશ સામે જોયું. આકાશ હજી પણ એવું જ ખાલી હતું. આટલી પ્રસિદ્ધિ, આટલા પૈસા અને આટલી મોટી નવી ઓળખ મળ્યા પછી પણ તેના મનનો ખાલીપો ઓછો થયો નહોતો.

તેને એ જૂની ખોલી યાદ આવી, જ્યાં છત પરથી પાણી ટપકતું હતું પણ ત્યાં 'અસલીયત' હતી. અહીં એસીની ઠંડક હતી, પણ સત્યનો હુંફાળો તડકો ક્યાંય ગાયબ હતો..!

આર્યન હવે એક સફળ 'મોટીવેશનલ સ્પીકર' હતો. લોકો તેને પૂજતા હતા, યુવાનો તેને પોતાનો આદર્શ માનતા હતા. પણ રાત્રે જ્યારે તે અરીસા સામે ઉભો રહીને પોતાનો મોંઘો મેકઅપ ઉતારતો, ત્યારે અરીસામાં દેખાતો પેલો જૂનો આર્યન તેને વેધક પ્રશ્ન પૂછતો, "શું તું ખરેખર ખુશ છે? કે પછી તે માત્ર તારું આકાશ વેચીને આ કૃત્રિમ રોશની ખરીદી છે?"

આ પ્રશ્નનો જવાબ આર્યન પાસે નહોતો. તે હવે એક એવા રસ્તા પર હતો જ્યાંથી પાછા વળવાનો કોઈ માર્ગ નહોતો. 

તે હવે 'The Real Motivator' હતો, જે આખી દુનિયાને રસ્તો બતાવતો હતો, પણ પોતે અંદરથી ક્યાંક બહુ ઊંડે ખોવાઈ ગયો હતો.


Share

NEW REALESED