ભાગ ૧૪
સેજલે સિવિલ હોસ્પિટલની પોતાની ફેમિલી ડૉક્ટર ફ્રેન્ડ સાથે વાત કરીને બધી માહિતી જાનવીને આપી દીધી હતી. સરકારી યોજના હેઠળ મમ્મીનું ઓપરેશન ખૂબ જ ઓછા ખર્ચે થઈ શકે તેમ હતું, પરંતુ દવાઓ, સ્પેશિયલ બ્લડ બેગ અને સર્જરીના અમુક સાધનોનો ખર્ચ હજુ પણ મોટો હતો.
બીજી તરફ, મનોજે જાનવી પાસેથી મમ્મીના બધા જ મેડિકલ રિપોર્ટ્સની ઝેરોક્ષ મંગાવી લીધી હતી. મનોજ આ વાતમાં બિલકુલ સમય બગાડવા નહોતો માંગતો. તેણે શહેરના બે મોટા બિઝનેસમેન અને ટ્રસ્ટીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી, જેઓ જરૂરિયાતમંદ દર્દીઓને ઈલાજ માટે ડોનેશન આપતા હતા. મનોજે જાનવીના ઘરની આર્થિક સ્થિતિ અને મમ્મીની ગંભીર બીમારી વિશે એવી રીતે રજૂઆત કરી કે બંને બિઝનેસમેન તરત જ ઓપરેશન માટેનું ડોનેશન મંજૂર કરવા તૈયાર થઈ ગયા.
રાતના સમયે જાનવી જ્યારે પોતાની બહેનપણી સેજલને મળીને ઘરે પાછી ફરી રહી હતી, ત્યારે અચાનક રસ્તા પર એક મંડપ અને સ્ટેજ ઈવેન્ટનું કામ ચાલી રહ્યું હતું ત્યાં તેની નજર ગઈ.
ત્યાં ભારે સામાન ઊંચકીને મજૂરી કરી રહેલા માણસોમાં જાનવીએ પોતાના ભાઈ રોહનને જોયો!
જે રોહને ક્યારેય ઘરમાં એક ગ્લાસ પાણી પણ જાતે લઈને નહોતું પીધું, તે રોહન અત્યારે પરસેવે રેબઝેબ થઈને ભારે કટઆઉટ્સ અને લોખંડના પાઈપો ઊંચકી રહ્યો હતો. કામ પૂરું થયા પછી જ્યારે કોન્ટ્રાક્ટરે તેના હાથમાં રોકડા રૂપિયા આપ્યા, ત્યારે રોહને એ કમાણી પોતાના હાથમાં લીધી. તેની આંખોમાંથી ખુશીના આંસુ સરી પડ્યા. પોતાની મહેનતની પહેલી કમાણીથી મમ્મીના ઈલાજમાં મદદ કરી શકાશે એ વાતનો તેને ગર્વ હતો.
આ દ્રશ્ય દૂરથી જોઈ રહેલી જાનવીની આંખો પણ ભરાઈ આવી. તેને લાગ્યું કે આ મુશ્કેલ સમયમાં તેનો ભાઈ ખરા અર્થમાં એક જવાબદાર માણસ બની ગયો હતો.
બીજે દિવસે સવારે મમ્મીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જાનવીની બહેન રિયાએ પણ આ મુશ્કેલ ઘડીમાં બહુ મોટી જવાબદારી ઉપાડી લીધી હતી. તેણે સવારથી જ મમ્મી માટે ડોક્ટરે બતાવેલું પરેજીવાળું હળવું ખાવાનું, કપડાં અને હોસ્પિટલ માટે જરૂરી તમામ સામાન ઘરેથી વ્યવસ્થિત પેક કરીને તૈયાર કરી આપ્યો હતો. એટલું જ નહીં, ઘરમાં બધું સાચવીને રિયા પણ પપ્પા અને રોહન સાથે વહેલી સવારે જ હોસ્પિટલ પહોંચી ગઈ હતી.
બધી તૈયારીઓ પૂરી થયા પછી મમ્મીને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા.
જેવો ઓપરેશન થિયેટરનો લાલ બલ્બ ચાલુ થયો, જાનવીના દિલના ધબકારા અચાનક વધી ગયા. ભૂતકાળની કડવી સ્મૃતિઓ તેના માનસપટલ પર છવાઈ ગઈ. પૂર્વજન્મમાં આ જ ૪ તારીખે સમયસર ઈલાજ ન મળવાને કારણે તેણે પોતાની મમ્મીને કાયમ માટે ખોઈ દીધી હતી. આજે બધી વ્યવસ્થા હોવા છતાં તેને અંદરથી એક અજાણ્યો ભય સતાવી રહ્યો હતો કે રખેને ઓપરેશનમાં કંઈક અણબનાવ બની જાય તો?
જાનવી ઓપરેશન થિયેટરના દરવાજા બહાર ધ્રૂજતા પગે ઊભી હતી. તેની હિંમત સાવ તૂટી રહી હતી અને તે એકદમ પડી ભાંગી હતી.
એ જ સમયે મનોજ ત્યાં દોડી આવ્યો. જાનવીની આ હાલત જોઈને તે તેની પાસે ગયો અને તેના ખભા પર હાથ મૂકીને અત્યંત લાગણીસભર અવાજે બોલ્યો, "જાનવી... પ્લીઝ, તું હિમ્મત ન હાર. તું આટલી નબળી ક્યારેય નથી પડી. તું ચિંતા ન કર, મમ્મીને કંઈ જ નહીં થાય... ઓપરેશન બિલકુલ સફળ રહેશે."
મનોજના મુખેથી આશ્વાસનના આ શબ્દો સાંભળતા જ જાનવી પોતાની જાતને રોકી ન શકી. તેનો ભય આંસુ બનીને વહી નીકળ્યો. તેણે મનોજના ખભા પર માથું રાખી દીધું અને ડૂસકે-ડૂસકે રોવા લાગી. મનોજે પણ તેને સાંત્વના આપતા હોસ્પિટલમાં પડછાયાની જેમ સાથ આપ્યો.
બરાબર એ જ સમયે, હોસ્પિટલના લાંબા કોરિડોરમાંથી હાથમાં સુંદર ફૂલોનો ગુલદસ્તો લઈને જતીન આવી રહ્યો હતો.
તેણે દૂરથી જાનવીને મનોજના ખભા પર માથું રાખીને રોતી જોઈ. જતીનના પગ ત્યાં જ થંભી ગયા. તેના હાથમાં રહેલા ફૂલો સહેજ ધ્રૂજી ગયા. તેના ચહેરા પર એક અજીબ મૌન અને દર્દ છવાઈ ગયું. પણ તેણે એક પણ શબ્દ ન બોલ્યો. તે ત્યાંથી સહેજ પણ નજીક આવ્યા વગર, એક ખૂણામાં શાંતિથી ઊભો રહી ગયો.
બે કલાકના લાંબા સમય પછી ઓપરેશન થિયેટરનો દરવાજો ખૂલ્યો. ડૉક્ટર બહાર આવ્યા અને સ્મિત સાથે બોલ્યા, "કોંગ્રેચ્યુલેશન્સ! ઓપરેશન બિલકુલ સક્સેસફુલ રહ્યું છે. પેટમાંથી ગાંઠ પૂરેપૂરી કાઢી લેવામાં આવી છે. મમ્મી હવે સંપૂર્ણપણે ખતરા બહાર છે."
આ સાંભળીને જાનવીના જીવમાં જીવ આવ્યો. પપ્પા, રિયા અને રોહનની આંખોમાંથી પણ રાહતના આંસુ નીકળી ગયા.
સાંજના સમયે મમ્મીને સ્પેશિયલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા ત્યારે જાનવીના બધા જ મિત્રો – સેજલ, મનોજ અને કોલેજના અન્ય ફ્રેન્ડ્સ મમ્મીની ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ આવ્યા. મમ્મી હવે ભાનમાં હતા અને બધા સાથે સ્મિત સાથે વાત કરી રહ્યા હતા. રિયા પણ મમ્મી પાસે બેસીને તેમની સંભાળ રાખી રહી હતી.
જતીન પણ વોર્ડના દરવાજા પાસે આવીને ઊભો રહ્યો. તેણે મમ્મીને સાજા થવાની શુભેચ્છા આપી અને ફૂલોનો ગુલદસ્તો ટેબલ પર મૂકીને વોર્ડની બહાર નીકળી ગયો.
થોડીવાર પછી બધા મિત્રોએ જાનવી અને તેના પરિવાર પાસેથી વિદાય લીધી. જાનવી પોતાના બધા મિત્રોને હોસ્પિટલના મુખ્ય દરવાજા સુધી મૂકવા માટે બહાર આવી.
દરવાજે પહોંચીને બધાએ જાનવીને આશ્વાસન આપતા કહ્યું, "જાનવી, તું હવે જરાય ચિંતા ન કરતી. મમ્મી હવે બિલકુલ સાજી થઈ જશે."
તેની ખાસ બહેનપણી સેજલે જાનવીનો હાથ પકડીને કહ્યું, "જો તારે રાત્રે કોઈ પણ કામ હોય તો મને અત્યારે જ કહી દે, હું તારી સાથે રોકાઈ જાઉં." પણ જાનવીએ સ્મિત સાથે ના પાડી દીધી કે હવે બધું બરાબર છે.
ત્યારબાદ મનોજે પણ જાનવી સામે જોઈને કહ્યું, "જાનવી, કોઈ પણ કામ કે જરૂર હોય તો મને કહેજે. આપણે પાકા મિત્રો છીએ!"
જાનવીએ અત્યંત આદર અને ભાવુકતાથી મનોજ સામે જોયું અને બોલી, "પાકા મિત્રો કરતાં પણ તું તો મારા માટે બહુ વિશેષ છે મનોજ... આ મુશ્કેલ સમયમાં તે મારી જે મદદ કરી છે એ હું ક્યારેય નહીં ભૂલું."
આ સાંભળીને બધા મિત્રો સ્મિત આપીને ત્યાંથી વિદાય થયા.
બધાના ગયા પછી જાનવી હોસ્પિટલમાં પાછી ફરવા માટે ફરી રહી હતી, ત્યાં જ નજીકના એક પિલર પાછળ સંતાયેલો જતીન બહાર આવ્યો. તે બધા ગયા પછી જાનવીની સામે આવીને ઊભો રહ્યો.
જાનવીએ જતીનને હજુ પણ ત્યાં જોઈને આશ્ચર્યથી પૂછ્યું, "જતીન? તું કેમ હજી અહીં જ રહ્યો? તું ગયો નથી?"
જતીને ઘડીક જાનવીની આંખોમાં જોયું અને ધ્રૂજતા અવાજે પૂછ્યું, "જાનવી... તેં મને એકવાર કહ્યું હતું કે જો હું આ પરીક્ષામાં સારા માર્ક્સ લાવીને પાસ થઈશ અને કંઈક બનીને બતાવીશ, તો તું મારા વિશે વિચારીશ... શું એ વાત સાચી હતી?"
જાનવીએ ગંભીર થઈને કહ્યું, "હા, સાચી હતી. પણ તું અત્યારે અચાનક આ વાત શું કામ પૂછી રહ્યો છે?"
જતીનનો અવાજ ભરાઈ આવ્યો, "આજે મેં તને અને મનોજને બહુ નજીક જોયા. તે તને સાંત્વના આપતો હતો અને તું તેના ખભે... મને એ જરાય ન ગમ્યું જાનવી."
આ સાંભળીને જાનવીના ચહેરા પર ગંભીરતા આવી ગઈ. તેણે સ્પષ્ટ અને મક્કમ અવાજે સમજાવતા કહ્યું, "જતીન! મનોજ મારો સારો ફ્રેન્ડ છે. તેણે આ મુશ્કેલ સમયમાં મને જેટલી મદદ કરી છે, એટલી મદદ તો મારો સગો ભાઈ પણ નથી કરી શક્યો. હું તેને ફક્ત એક પાકા ફ્રેન્ડની નજરે જ જોઉં છું, એનાથી વધારે કંઈ નહીં."
જાનવીની આ વાત સાંભળીને જતીનના મન પરનો મોટો ભાર હળવો થઈ ગયો. તેને થોડી રાહત થઈ, પણ સાથોસાથ તેને એ અહેસાસ પણ થયો કે તેણે જાનવી માટે કંઈ જ નથી કર્યું.
જાનવીએ જતીન સામે એકટક જોઈને આગળ ઉમેર્યું, "અને એક વાત સાંભળી લે જતીન... હું તને કોઈ પણ સ્પષ્ટતા આપવા માટે મજબૂર નથી. મારો તારી સાથે એવો કોઈ સંબંધ કે હક્ક નથી કે હું તને મારી દરેક વાતની સ્પષ્ટતા આપ્યા કરું. છતાં પણ મેં આ વાત આજે ક્લિયર કરી દીધી છે. હવે પછી બીજી વાર મને આવો સવાલ ક્યારેય ન પૂછતો, હું તને તેનો જવાબ નહીં આપું. સમજાયું?"
જતીન સાવ ઝંખવાણો પડી ગયો. તેણે મોઢું નીચું કરી લીધું અને ધીમેથી કહ્યું, "હા... સમજાયું. હું જાઉં છું..." એમ કહીને તે નીચી નજરે ત્યાંથી નીકળી ગયો.
જતીન બહાર આવીને બસ સ્ટેન્ડ પર ઊભો રહ્યો. બસની રાહ જોતા જોતા તેના મનમાં વિચારોનું વાવાઝોડું ચાલતું હતું. તેને જાનવીના દરેક શબ્દો સાચા લાગી રહ્યા હતા. તે મનોમન પોતાને કોસવા લાગ્યો, "જાનવીની વાત બિલકુલ સાચી છે! હું તો સાવ નકામો અને યુઝલેસ માણસ છું. હું તેને ક્યાંય મદદરૂપ નથી થઈ શકતો. જાનવીની બહેનપણી અને મનોજ બંને જણા જાનવી માટે અને તેના પરિવાર માટે કેટલા દોડધામ કરતા હતા, જ્યારે મેં તેના કે તેના પરિવાર વિશે ક્યારેય કશું વિચાર્યું જ નથી!"
પોતાની આ નકામાપણાની લાગણી જતીનને અંદરથી ખૂબ દુઃખ આપી રહી હતી. એ જ દુઃખી અને ભારે હૈયે તે આવનારી બસમાં ચડી ગયો. પણ તેના મનમાં હવે કંઈક કરી બતાવવાનો અને પોતાનું અસ્તિત્વ સાબિત કરવાનો અંકુર ફૂટી ચૂક્યો હતો.
બીજી તરફ, હોસ્પિટલના વોર્ડમાં જાનવી પોતાની મમ્મીના પલંગ પાસે ખુરશી પર બેઠી હતી. તેણે મમ્મીનો હાથ પકડીને પ્રેમથી કહ્યું, "મમ્મી, હવે તું શાંતિથી સુઈ જા. તારે અત્યારે આરામની બહુ જરૂર છે."
ત્યારબાદ જાનવી પોતાના પપ્પા, રિયા અને ભાઈ રોહન તરફ ફરી અને બોલી, "પપ્પા, રિયા અને રોહન... તમે લોકો પણ હવે ઘરે જાવ અને આરામ કરો. રિયાએ સવારથી ઘરમાં બધું સાચવ્યું છે એટલે એ પણ થાકી ગઈ હશે. કાલે સવારે વહેલા આવજો. આજે આખી રાત મમ્મી પાસે હું જ રોકાઈશ."
પપ્પાએ જાનવીના માથા પર પ્રેમથી હાથ મૂક્યો અને ચિંતાભર્યા અવાજે બોલ્યા, "બેટા, તારે બે દિવસમાં પરીક્ષા છે તો તને અત્યારે આરામની બહુ જરૂર છે. તું ઘરે જા અને શાંતિથી વાંચવા બેસ, તું કહે તો આજે આખી રાત હોસ્પિટલમાં હું જ રોકાઈ જાઉં છું."
પણ જાનવીએ તરત જ સ્મિત સાથે ના પાડી દીધી, "ના પપ્પા, મને આ બધા દોડધામમાં ઘરે વાંચવાનો બિલકુલ ટાઈમ મળ્યો નથી. એટલે હું મારી કોલેજની બુક્સ અને નોટ્સ અહીં હોસ્પિટલમાં સાથે જ લઈને આવી છું. રાત્રે મમ્મી પાસે જાગવાનું તો છે જ, તો જાગતા જાગતા જ મારે વાંચવાનું કામ પણ પૂરું થઈ જશે અને પરીક્ષાની તૈયારી પણ સરસ થઈ જશે. તમે લોકો ઘરે જાવ અને આરામ કરો, પણ કાલે સવારે વહેલા આવી જજો જેથી મારે સવારે કોલેજ જવું હોય તો હું ટાઈમસર નીકળી શકું."
પપ્પા અને રિયાએ જાનવીનો આ વિચાર સાંભળીને રાહતનો શ્વાસ લીધો.
જાનવીની મોટી બહેન રિયાએ તેના ખભા પર હાથ મૂક્યો અને પ્રેમથી કહ્યું, "હા જાનવી, તું બિલકુલ ચિંતા ન કર. તારે સવારે ઘરે આવવાની પણ જરૂર નથી. હું સવારે પપ્પા સાથે આવીશ ત્યારે તારા કોલેજના કપડાં પણ અહીં હોસ્પિટલમાં જ સાથે લેતી આવીશ, જેથી તું અહીંથી જ તૈયાર થઈને સીધી કોલેજ માટે નીકળી શકે. તું અત્યારે શાંતિથી મમ્મીનું ધ્યાન રાખ અને તારો અભ્યાસ કર."
તેના પપ્પા પોતાની દીકરીઓની આટલી સમજદારી અને આખા પરિવારની એકતા જોઈને ગદગદ થઈ ગયા. પપ્પાએ પ્રેમથી જાનવીના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા.
To be continued... (ક્રમશ:)