Back in the days - 22 in Gujarati Fiction Stories by Dhamak books and stories PDF | પાછા વળ્યા પાછલા દિવસો - 22

The Author
Featured Books
Categories
Share

પાછા વળ્યા પાછલા દિવસો - 22

 

:ભાગ ૨૨: હોટલની ચમક-દમક, સગાઈનો હિસાબ અને દરિયા કિનારાનું રહસ્ય

પાર્ટીમાં જવા માટે તૈયાર થતા પહેલાં, સુમિતે શ્રદ્ધાને હોટલના તે રૂમમાં બોલાવી હતી જ્યાં શ્રદ્ધા આરામ કરી રહી હતી અને પાર્ટી માટે તૈયાર થઈ રહી હતી. શ્રદ્ધા જ્યારે રૂમમાં સુમિતને મળે છે, ત્યારે તેનું હૃદય જોર-જોરથી ધબકી રહ્યું હતું. એક તરફ અજાણ્યું જગત અને બીજી તરફ સુમિતની નજીક હોવાનો અહેસાસ તેને અજીબ દુવિધામાં મૂકી રહ્યો હતો.

સુમિત હળવા પગલાં ભરીને શ્રદ્ધાની નજીક ગયો અને તેનો હાથ પોતાના હાથમાં લીધો. પ્રેમથી શ્રદ્ધાના ચહેરા પર નજર નાખતા સુમિતે ધીમા અને હૂંફાળા અવાજે કહ્યું, "શ્રદ્ધા... તું આજે આ પોશાકમાં એટલી બધી અદ્ભુત લાગી રહી છે કે મારી નજર તારા પરથી હટતી જ નથી. આ દુનિયાની ભીડમાં તું મારા માટે સૌથી ખાસ છે."

શ્રદ્ધા થોડી શરમાઈ ગઈ અને પોતાની નજર નીચે ઝુકાવી દીધી. તેની આંખોમાં થોડો ડર અને ઘણો બધો વિશ્વાસ સ્પષ્ટ દેખાતો હતો. તેણે ધીમેથી કહ્યું, "સુમિત... મને ખબર નથી કે હું આ બધું સંભાળી શકીશ કે નહીં. મને આ મોટી હોટલો, આ મોટા લોકો અને આ હાઈ સોસાયટીની ચમક-દમકથી ડર લાગે છે. જો મારાથી કોઈ નાની ભૂલ થઈ ગઈ તો બધા શું કહેશે? મને આવા મોટા સ્થળોએ રહેવાનો કે વર્તવાનો કોઈ અનુભવ નથી."

સુમિતે તેના બંને હાથ પકડીને તેને ધીરજ અને હિંમત આપી, "પાગલ! તું ડરે છે કેમ? હું છું ને તારી સાથે. બસ, તારે એટલું જ કરવાનું છે કે મારી પડખે રહેવાનું છે અને હું જે શીખવું તે ધ્યાનથી સ્વીકારવાનું છે. રહી વાત આ હાઈ સોસાયટીની, તો અહીં કેવી રીતે રહેવું અને કેવું શિષ્ટાચાર રાખવું એ તારે શીખવું પડશે. આપણે તેના માટે ખાસ ક્લાસ પણ ગોઠવીશું, જેથી તું આ બધું સરખી રીતે આત્મસાત કરી શકે."

શ્રદ્ધાએ અચકાતા પૂછ્યું, "પણ સુમિત, શું આ બધું કરવું ખરેખર જરૂરી છે?"

સુમિતે ગંભીરતાથી સમજાવ્યું, "હા, શ્રદ્ધા, આ બધું શીખવું ખૂબ જ જરૂરી છે કારણ કે હવે આપણે આ જ ઉચ્ચ વર્ગના લોકો વચ્ચે રહેવાનું છે. તું ચિંતા ન કરીશ, ધીરે ધીરે તું બધું જ શીખી જઈશ. આ બધું એટલા માટે જરૂરી છે જેથી કોઈ તારી તરફ આંગળી ન ચીંધી શકે કે તને કોઈ નીચી ન ગણે. ચાલ હવે, આપણે આ રૂમમાંથી બહાર પાર્ટી હોલમાં જવાનું છે, એટલે તૈયાર થઈ જા."

આટલી વાતચીત પછી બંને હોટલના રૂમમાંથી બહાર નીકળીને પાર્ટી હોલની અંદર ગયા. જેવું એમનું આગમન થયું, હોલની તમામ નજરો એકાએક શ્રદ્ધા પર જ અટકી ગઈ. તે એટલી આકર્ષક અને ગ્રેસફુલ લાગતી હતી કે ઉપસ્થિત સૌની નજર તેના પર જ મંડાયેલી રહી. કેટલાક લોકો તો એ વાતથી ઈર્ષા પણ અનુભવી રહ્યા હતા કે આટલી અદભુત અને સુંદર પાર્ટનર સુમિત શેઠને ક્યાંથી મળી ગઈ! પાર્ટીમાં આ ચમક-દમક અને ઈર્ષાળુ નજરો વચ્ચે એક અલગ જ રોમાંચ છવાઈ ગયો હતો.

બીજી બાજુ, રાત્રે મોડેથી જાનવી ટ્યુશન પૂરું કરીને પોતાના ઘરે પાછી આવી. ઘરના બધા સભ્યો ડાઈનિંગ ટેબલ પર બેસીને શાંતિથી રાત્રિભોજન કરી રહ્યા હતા. જાનવીએ ડાઇનિંગ ટેબલ પર આવતાની સાથે જ પૂછ્યું, "શ્રદ્ધાબેન હજી કેમ નથી દેખાતા? એ ક્યાં ગયા છે?" પરિવારમાંથી કોઈએ જવાબ આપ્યો, "એ એક ખાસ પાર્ટીમાં ગયા છે, એટલે કદાચ રાત્રે મોડા આવશે."

જાનવીએ જમી લીધા બાદ પોતાના રૂમમાં પ્રવેશ કર્યો. તેણે કપડાં બદલીને આરામદાયક કપડાં પહેરી લીધાં અને પોતાના જૂના હિસાબોની બુક બહાર કાઢી. તે ટેબલ પર બેસીને એક પછી એક પાનાં ફેરવવા લાગી અને મનોમન વિચારવા લાગી, "આ બધા જ જૂના હિસાબો મારે વ્યવસ્થિત રીતે એરેન્જ કરવા જ પડશે. અને સગાઈ નો પણ મારે આ તમામ હિસાબ સુમિત શેઠને પણ સોંપવાના છે, એટલે કામમાં કોઈ કાચી કડી ન રહેવી જોઈએ." બધા બિલ વ્યવસ્થિત કરવા પડશે  મનોજ અને સેજલ તથા બીજા લોકો પાસેથી બધા બિલ કલેક્ટ કરવા પડશે.

તે એકાગ્રતાથી કામમાં પરોવાઈ ગઈ અને અડધો મલાકમાં પોતાનું કામ પૂરું કરી દીધું. કામ પૂરું થતાં જ તેના મગજમાં વિચારોનું ચક્ર શરૂ થઈ ગયું. તે સારી રીતે જાણતી હતી કે તે ભવિષ્યમાંથી પાછી ભૂતકાળમાં આવી છે. તેને બરાબર યાદ હતું કે ભૂતકાળમાં આ સમયગાળા દરમિયાન શું-શું ઘટિત થયું હતું. કેલેન્ડર સામે જોતા તેને ખ્યાલ આવ્યો કે હવે માત્ર બે મહિના અને સાત દિવસ જ બાકી રહ્યા છે—ખાસ કરીને પેલી ૧૫ ડિસેમ્બરની ભયાનક તારીખ, જે તેના જીવનની સૌથી મોટી કરુણતા સમાન હતી જ્યારે તેના અને જતીનના લગ્ન થયા હતા!

આ સમય કેમ પસાર થશે અને આ મુશ્કેલ સમયનો તે કેવી રીતે સામનો કરશે, એ ચિંતામાં જાનવી ગહન વિચારોમાં ડૂબી ગઈ. આ ભયાનક ભવિષ્યને બદલવા માટે તેણે કોઈક રસ્તો શોધવો જ પડશે. આ વિચારોની ભારે ઉથલપાથલ અને ચિંતાના લીધે તેને અચાનક અંદરથી ભારે બેચેની અને ગૂંગળામણ અનુભવાવા લાગી. રૂમમાં શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેમ લાગતાં તેને ત્યાં એક ક્ષણ પણ ઊભું રહેવું અશક્ય લાગ્યું.

તેણે તરત જ પોતાની શાલ ઓઢી, પર્સ હાથમાં લીધું અને ઝડપથી રૂમમાંથી બહાર નીકળી ગઈ. રસોડામાં કે હોલમાં બેઠેલી તેની મમ્મી પાસે જઈને તેણે સહેજ ઉતાવળા અવાજે કહ્યું, "મમ્મી, હું અહીં નજીકમાં કેફે સુધી જઈ રહી છું. મારે થોડું કામ છે, હું હમણાં પંદર જ મિનિટમાં પાછી આવી જાઉં છું." મમ્મી કંઈ બોલે તે પહેલાં જ તે ઘરના દરવાજામાંથી બહાર નીકળી ગઈ અને ચાલવા લાગી.

જાનવી જ્યારે રસ્તા પર ચાલી રહી હતી, ત્યારે તેને અંદરથી એક અજીબ અહેસાસ થયો કે કોઈક પડછાયો તેની પાછળ-પાછળ તેનો પીછો કરી રહ્યો છે. જોકે તે કોઈ જતીન નહોતો, છતાં કોઈ અજાણી વ્યક્તિ પોતાની પાછળ હોવાનો ભાસ થતાં તેના હૃદયના ધબકારા વધી ગયા. થોડી શંકા જતા તેણે ધીમેથી પાછળ વળીને નજર દોડાવી, પણ રાતના અંધારામાં તેને આસપાસ કોઈ દેખાયું નહીં. છતાં પણ તેના મનની અંદરનો ડર અને બેચેની ઓછી થઈ નહીં, અને તે ઝડપથી દરિયા કિનારા તરફ આગળ વધી.

તે દરિયા કિનારાની એક જાણીતી કેફે પાસે પહોંચી. ત્યાં તેણે અંદર જવાના બદલે કેફેની સાઈડની બારી પાસેના એક ખૂણાના ટેબલ પર શાંતિથી બેસવાનું પસંદ કર્યું. એ જગ્યા એવી સરસ હતી કે જ્યાંથી બહારનો દરિયો અને આકાશમાં ચમકતો ચંદ્ર એકદમ સ્પષ્ટ દેખાતા હતા. તે શાંતિથી બેસીને દરિયાની સુંદર લહેરો અને તેના અવાજને નિહાળવા લાગી. થોડી જ વારમાં કેફેના કાકા તેની પાસે આવ્યા અને તેને અચાનક રાત્રે ત્યાં બેઠેલી જોઈને નવા પામતા બોલ્યા, "અરે જાનવી બેટા! તું અત્યારે આ સમયે અહીં?"

જાનવીએ થોડું હસીને જવાબ આપ્યો, "બસ કાકા, ઘરમાં થોડું બેચેની જેવું થતું હતું એટલે થોડી વાર શાંતિથી બેસવા માટે અહીં આવી છું." કાકાએ પ્રેમથી પૂછ્યું, "સારું બેટા, બોલ, તારે અત્યારે શું ખાવું છે કે શું પીવું છે? હું લઈ આવું." જાનવીએ શાંતિથી કહ્યું, "કાકા, ખાવામાં તો અત્યારે કાંઈ નથી જોતું, બસ એક ગરમ કોફી લઈ આવો." કાકાએ સ્મિત આપતા કહ્યું, "ભલે બેટા, હમણાં જ ગરમાગરમ કોફી મોકલું છું." કાકા કોફી લેવા ગયા અને જાનવી ફરીથી પોતાની નજર દરિયાની અનંત ઊંડાણો અને આકાશના ચંદ્ર પર કેન્દ્રિત કરીને શાંતિથી બેસી રહી.

જાનવી કોફીના ચૂસ્કા લેતી-લેતી દરિયાની અનંત ઊંડાણો સામે જોઈ રહી હતી, પણ તેનું મન વિચારોના વંટોળમાં હજી પણ અટવાયેલું હતું. તે મનોમન ગણતરી કરતી રહી કે સમય ખૂબ ઝડપથી સરકી રહ્યો છે હવે માત્ર બે મહિના અને સાત દિવસ બાકી રહ્યા છે અને જો સમયસર પગલાં નહીં ભરાય, તો તે ફરીથી એ જ નરક જેવી જિંદગીમાં ફસાઈ જશે.

આવા ગાઢ અને ચિંતાજનક વિચારોમાં ડૂબેલી જાનવીએ અચાનક ઊંચે આકાશ તરફ નજર કરી. આકાશનું વાતાવરણ પણ જાણે તેની મનોદશા સાથે વણાયેલું હતું. દૂર ઉપર આકાશમાં કાળા વાદળોની વચ્ચે ચંદ્ર ક્યારેક છુપાતો અને ક્યારેક બહાર ડોકાતો હતો. અચાનક આકાશમાં તેજ ચમકારો થયો અને એક તારો ખૂબ જ ઝડપથી નીચે તરફ તૂટીને અદ્રશ્ય થઈ ગયો.

આકાશની આ રહસ્યમય અને વિચિત્ર હિલચાલ જોઈને જાનવીના દિલમાં એક અજાણ્યો ડર અને સાથે જ એક નવો સંકેત અનુભવાયો. તેણે તરત જ આંખો બંધ કરી લીધી અને દિલથી એક ગાઢ ઈચ્છા માંગી લીધી કે હવે પછીના ભવિષ્યમાં ક્યારેય પણ તેનો સંબંધ જતીન સાથે ન જોડાય અને તેને આ શેતાનથી હંમેશ માટે કાયમ માટે છુટકારો મળી જાય.

 

આ બધું દ્રશ્ય કેફેની બરાબર બહાર, બહુ દૂર પણ નહીં અને નજીક પણ નહીં, એવી જગ્યાએ એક દીવાલ પાછળ અંધારામાં છુપાઈને ઊભેલો જતીન નિહાળી રહ્યો હતો. તે અંધારામાં જાનવીને સતત જોઈ રહ્યો હતો. દરિયા કિનારે પવનની લહેરોમાં જાનવીના વાળ ઉડી રહ્યા હતા, અને તેનો ચહેરો આછા પ્રકાશમાં ખૂબ જ સુંદર લાગતો હતો.

​જતીન પોતાના મનમાં વિચારી રહ્યો હતો, "જાન, હું તને આટલી સરળતાથી નહીં જવા દઉં, હું તને પામીને જ રહીશ." આવા વિચારો સાથે તે પોતાની ઝેરી નજરોથી બધું જ જોઈ રહ્યો હતો!..

​અચાનક પાછળથી એક હાથ જાનવીના ખભા પર આવે છે.....

​ક્રમશ.....