એપિસોડ ૨૫: કેફેની મુલાકાત, અણધાર્યો ભેટો અને મનોજ અને જાનવી નો નવો ઓફિસમાં દિવસ તથા વંશિકાની તીક્ષ્ણ નજર
સુમિત શેઠ અને શ્રદ્ધા એક સુંદર કાફેમાં સાથે બેસીને સાંજનો ગુણવત્તાસભર સમય વિતાવી રહ્યા હતા. વાતો વાતોમાં સુમિત શેઠે જાનવીના આયોજન, તેની ગણતરી અને મહેનતના મુક્તમને ખૂબ જ વખાણ કર્યા. સુમિત શેઠે ઉત્સાહમાં આવીને શ્રદ્ધાને કહ્યું, "શ્રદ્ધા, જાનવીમાં અદભુત ટૅલેન્ટ છે. હું ઈચ્છું છું કે તે મારી મુખ્ય ફર્મમાં જ એક સારી પોસ્ટ પર કામ કરવાનું શરૂ કરે. હું તેને એક બહુ મોટી ઓફર આપવા માગું છું."
શ્રદ્ધાએ આ સાંભળીને સુમિતને હળવા સ્મિત સાથે રોકતા કહ્યું, "સુમિતજી, તમારો વિચાર ખૂબ સરસ છે, પણ જાનવીને તમે હજી પૂરી નથી ઓળખતા. તે ખૂબ જ સ્વાભિમાની છે. જો તમે તેને સીધી આવી મોટી ઓફર આપશો તો તેના સ્વાભિમાનને ઠેસ પહોંચશે અને તે તરત જ ના પાડી દેશે. તેને અત્યારે પોતાની રીતે આગળ વધવા દો, મને થોડો સમય આપો, હું યોગ્ય સમયે તેની સાથે વાત કરીશ." સુમિત શેઠ શ્રદ્ધાની વાત સમજી ગયા અને તેમણે માથું હલાવીને સંમતિ આપી.
બીજી તરફ, જાનવીને સુમિતના કાકાએ પોતાની પાર્ટનરશિપ વાળી ફર્મમાં ઇન્ટર્ન તરીકે જોડાવા માટે જે ઓફર આપી હતી, તેના વિશે તે હજી વિચારતી હતી. આટલી સારી તક જતી કરવી કે નહીં તે નક્કી કરવા માટે જાનવીએ પોતાની ખાસ બહેનપણી સેજલને એક કેફેમાં મળવા બોલાવી. જાનવીએ કાકાએ જણાવેલી ફર્મનું નામ સેજલને કહ્યું અને તેના વિશે તપાસ કરવા માટે જણાવ્યું.
સેજલે નામ સાંભળતા જ ઉત્સાહથી કહ્યું, "અરે જાનવી! આ ફર્મને તો હું બહુ સારી રીતે ઓળખું છું. આ શહેરની બહુ જૂની અને પ્રતિષ્ઠિત કંપનીઓમાંની એક છે. ત્યાં કામ કરવાનો અનુભવ તારા માટે બહુ શ્રેષ્ઠ રહેશે અને વાતાવરણ પણ એકદમ સેફ છે. જાનવી, તારે બિલકુલ વિચાર્યા વગર આ તક ઝડપી લેવી જોઈએ!"
સેજલની વાત સાંભળતા સાંભળતા જાનવી તેની વાત પર સહમત થાય છે.
કેફેની કાચની મોટી બારીમાંથી બહાર રસ્તા પરનું દ્રશ્ય જોવામાં જાનવી ખોવાયેલી હતી. કોફીનો સિપ લેતાં લેતાં... સેજલ જાનવીના શાંત અને સુંદર ચહેરાને જોઈ રહી. અચાનક સેજલના મનમાં એક વિચાર ઝબક્યો—'અરે, આ તો મનોજના પપ્પાની જ કંપની છે! જો જાનવીને આની ખબર પડી જશે, તો મારે મનોજને આના વિશે સજાગ કરવો જોઈએ જેથી તે થોડોક સજાગ રહે, કારણ કે જાનવીને ખબર નથી કે મનોજ મોટા બિઝનેસમેનનો દીકરો છે અને તે સાધારણ જીવન જીવી રહ્યો છે.' પછી તે બંને માટે વિચારવા લાગી—'જાનવી અને મનોજ સાથે કેટલા સરસ લાગે છે! બંનેની જોડી એકદમ પરફેક્ટ જામશે. મનોજના મનમાં જાનવી માટે કેટલી ઊંડી અને સાચી લાગણીઓ છે એ હું સારી રીતે જાણું છું... પણ શું મારે આ વાત અત્યારે જાનવીને કહેવી જોઈએ? ના, હજી યોગ્ય સમય નથી આવ્યો.' સેજલ મનોમન આ વિચાર વાગોળતી રહી.
બીજે દિવસે સવારે જાનવી ટ્યુશન પતાવીને સુમિતના કાકા પાસે પહોંચી. કાકાએ સ્મિત સાથે કહ્યું, "જાનવી, તું મારી સાથે ગાડીમાં ચાલ. હું તને મારી એ ફર્મની બ્રાન્ચ બતાવી દઉં. ત્યાંના મેનેજર કાકા તારું ઇન્ટરવ્યુ પણ લઈ લેશે. મારી પાસે બીજી પણ ઘણી ફર્મ છે એટલે હું રોજ એક જ જગ્યાએ વિઝિટ નથી કરી શકતો, પણ અઠવાડિયામાં એક-બે વાર ત્યાં ચોક્કસ જાઉં છું." જાનવી તેમની સાથે ગાડીમાં રવાના થઈ.
બ્રાન્ચમાં પહોંચ્યા પછી જાનવીએ મેનેજર કાકા સામે ઇન્ટરવ્યુ આપ્યો. બિઝનેસ મેનેજમેન્ટનો તેનો અભ્યાસ અને વિષય પરની પકડ જોઈને મેનેજર કાકા અત્યંત પ્રભાવિત થઈ ગયા. જાનવી ઇન્ટરવ્યુમાં ઝળહળતી સફળતા સાથે પાસ થઈ ગઈ અને તેને 'બિઝનેસ એડવાઈઝર' તરીકેની ઇન્ટર્ન પોસ્ટ સોંપવામાં આવી. મેનેજર કાકાએ જાનવીને ઓફિસના તમામ સહકર્મચારીઓ સાથે મુલાકાત કરાવી, પરંતુ તે સમયે જતીન ત્યાં હાજર નહોતો. જાનવીને પોતાની ફાળવેલી ડેસ્ક આપી દેવામાં આવી અને તે મન લગાવીને કમ્પ્યુટરમાં પોતાનું કામ કરવા લાગી.
બપોર પછી જતીન ફર્મમાં દાખલ થયો. જેવો તે પોતાની કેબિન તરફ જતો હતો, ત્યાં જ તેની નજર એક નવી ડેસ્ક પર બેસીને કમ્પ્યુટરમાં ખોવાયેલી જાનવી પર પડી. જતીનના પગ ત્યાં જ થંભી ગયા! તેને આશ્ચર્યનો આંચકો લાગ્યો—'જાનવી અહીં ક્યાંથી?' તે ચૂપચાપ પોતાની ડેસ્ક તરફ ગયો. બાજુમાં બેઠેલા એક કર્મચારીએ હસીને કહ્યું, "જતીન, આ આપણી નવી ઇન્ટર્ન છે, આજથી જ જોઈન કર્યું છે." આ સાંભળીને જતીનના મનમાં હરખનો પાર ન રહ્યો, તે મનોમન ખૂબ રાજી થઈ ગયો, પરંતુ જાનવી તેનાથી તદ્દન અજાણ હતી.
થોડીવાર પછી કામ કરતાં કરતાં જાનવીનું ગળું સુકાતું હોવાથી તેને તરસ લાગી. તે પોતાની ચેર પરથી ઊભી થઈ અને ઓફિસના કોર્નર પર મૂકેલા વોટર કૂલર પાસે ગઈ. તેણે ઠંડા પાણીનો ગ્લાસ ભર્યો. જેવી તે પાણી પીવા માટે પાછળ ફરી, ત્યાં જ તેની બિલકુલ પાછળ જતીન હાથમાં ગ્લાસ લઈને ઊભો હતો!
જતીનને અચાનક પોતાની સામે જોતાં જ જાનવી એ હદે આઘાત અને આશ્ચર્યમાં સરકી ગઈ કે તેના હાથમાંથી પાણીનો ગ્લાસ સરીને પડતાં પડતાં માંડ રહી ગયો! તે હબકાઈને અવાચક થઈ ગઈ.
તેના મનમાં વિચારોનું તૂફાન શરૂ થઈ ગયું—'અરેરે! ભૂતકાળની એ બધી ઘટનાઓ બદલવા માટે હું આટલી મહેનત કરી રહી છું... લગ્નની એ તારીખ આવવામાં હજી દોઢ મહિનો બાકી હતો અને હું ઈચ્છતી હતી કે આ સમય દરમિયાન હું જતીનથી શક્ય એટલી દૂર રહું, જેથી મારું ભવિષ્ય અને મારો ભૂતકાળ બંને સુધારી શકાય! પણ આ અહીં મારી સામે ક્યાંથી આવી ગયો? હવે આ સ્થિતિમાં હું તેનાથી દૂર કેવી રીતે રહી શકીશ?' તે વિચારના વંટોળમાં ગરકાવ થઈને એકીટશે જતીન સામે જોઈને જડ બનીને ઊભી રહી ગઈ.
જતીને તેના ચહેરાના આઘાતભર્યા ભાવ પારખીને હળવા સ્મિત સાથે પૂછ્યું, "શું વિચારી રહી છે, જાનવી?" જાનવી કંઈપણ બોલ્યા વિના ચૂપચાપ ગ્લાસ લઈને પોતાની ડેસ્ક તરફ જતી રહી અને પોતાનું કામ કરવા લાગી.
બીજી તરફ, મનોજ પોતાની મોટી બહેન વંશિકાના આદેશથી અકળાઈને ઉપલા ફ્લોરની કેબિનમાં બેઠો હતો. તેનું કામમાં બિલકુલ મન નહોતું લાગી રહ્યું. એ જ સમયે મનોજની મોટી બહેન વંશિકા ઓફિસમાં પ્રવેશે છે. વંશિકાની એન્ટ્રી થતાં જ આખી ઓફિસના કર્મચારીઓ પોતપોતાની જગ્યાએ શિસ્તબદ્ધ રીતે ઊભા થઈને માથું નીચું રાખીને તેને માન આપે છે. વંશિકા અત્યંત કડક અને આ કંપનીની મુખ્ય બોસ છે તે વાતાવરણ પરથી જ સ્પષ્ટ થતું હતું.
વંશિકા સીધી ઉપર મનોજની કેબિનમાં દાખલ થાય છે. તે જુએ છે કે લંચ ટાઈમ પૂરો થવા આવ્યો છે પણ મનોજે હજી જમવાનું અડ્યું પણ નથી. તે સીધો મનોજને પ્રશ્ન કરે છે, "મનોજ, લંચ ટાઈમ પૂરો થવા આવ્યો છે અને તું અહીં શું કરી રહ્યો છે? તું જમ્યો કેમ નથી?"
મનોજ પોતાની બહેન સામે અકળાઈને જોઈ રહે છે અને કહે છે, "દીદી, મારે અહીં નથી રહેવું! મારે આ કામ નથી કરવું."
વંશિકા તેની સામે જોઈને કહે છે, "મને આનું એક યોગ્ય અને ઠોસ કારણ આપ, તો હું માનું!"
મનોજ કશું બોલતો નથી. અકળાઈને તે પોતાની ચેર પરથી ઊભો થાય છે અને કેબિનની મોટી કાચની બારી પાસે જઈને નીચેના ફ્લોર તરફ જોવા લાગે છે. તેની નજર નીચે બધા કર્મચારીઓ પર પડે છે જેઓ પોતાનું લંચ કરી રહ્યા હોય છે. ત્યાં જ તેની નજર ખૂણાની એક ડેસ્ક પર પડે છે.
ત્યાં જાનવી બેઠી હતી. તે ઘરેથી લાવેલો પોતાનો સાદો ટિફિન બોક્સ ખોલીને ખૂબ જ સાદગી અને પ્રેમથી જમી રહી હતી. તેનું આ આકર્ષક અને પ્રભાવશાળી વ્યક્તિત્વ જોઈને વંશિકાની નજર પણ એક ક્ષણ માટે ત્યાં અટકી જાય છે. પણ મનોજ તો જાનવીને ત્યાં જોઈને સજ્જડ થઈ જાય છે—'અરે, આ જાનવી અહીં!'
પરંતુ એ જ ક્ષણે, જાનવીથી થોડે દૂર મનોજ જુએ છે કે જતીન પોતાનો ખાલી ટિફિન બોક્સ લઈને ધુવા-ધાવા કે પાણી પીવા માટે જઈ રહ્યો હોય છે. જતીનને જોઈને મનોજનો ચહેરો બદલાઈ જાય છે! તેના મનમાં વીજળીનો ચમકારો થાય છે—'આ જતીન અહીં ક્યાંથી? જો જાનવીને ખબર પડશે કે આ અમારી ફર્મ છે, તો એને ખૂબ ખોટું લાગશે... પણ જો હું અહીંથી જતો રહીશ, તો જાનવીને રોજ આ જતીનનો સામનો કરવો પડશે! ના, મારે જાનવીને સપોર્ટ આપવા માટે અહીં રહેવું જ પડશે. મારે જાનવીની સુરક્ષા કરવી પડશે!'
આ વિચારોમાં મનોજ બે ક્ષણ માટે ખોવાઈ જાય છે અને શાંત થઈ જાય છે.
વંશિકા મનોજ સામે જોઈને કડક અવાજે કહે છે, "કેમ કોઈ જવાબ નથી આપતો? મને કારણ આપ!"
મનોજ તરત જ પોતાનો વિચાર બદલી નાખે છે અને તેવર બદલીને કહે છે, "હવે શું જવાબ આપું? તમે મારી પાસે મને ન ગમતું કામ કરાવો છો... પણ કાંઈ વાંધો નહીં, છતાંય તમે કહો છો તો હું એક મહિનો અહીં આવવા તૈયાર છું!"
વંશિકા મનોજનો આ અચાનક બદલાયેલો તેવર જોઈને આશ્ચર્યમાં પડી જાય છે. તે મનોમન વિચારે છે—'જે મનોજ કોઈ દિવસ કોઈની વાત સહજતાથી ન માને, તે આટલી ઝડપથી કેમ માની ગયો?'
વંશિકા ફરીથી મનોજ તરફ જુએ છે. મનોજની નજર હજી પણ નીચે કાચમાંથી એકીટશે જાનવી પર જ ચોંટેલી હોય છે. વંશિકા મનોજની નજરની દિશામાં નીચે જુએ છે અને તે નવી ઇન્ટર્ન જાનવીને જોતી જ મનોમન બધું સમજી જાય છે. તેના ચહેરા પર એક નાનકડું ગુપ્ત સ્માઈલ આવી જાય છે.
વંશિકા મનોમન હસીને હળવા અવાજે કહે છે, "હુંઅઅઅ... મને લાગે છે કે તને અહીં કંઈક વધુ જ ગમવા લાગ્યું છે!"
મનોજ તરત જ સજાગ થઈને પોતાની બહેન સામે જુએ છે અને કવર-અપ કરતાં કહે છે, "એવું કંઈ નથી! એવું બિલકુલ નથી!"
વંશિકા સ્મિત સાથે પૂછે છે, "એવું નથી તો તું પેલી નવી ઇન્ટર્નને આટલી એકીટશે કેમ જોઈ રહ્યો છે?"
મનોજ ચમકી જાય છે અને ગભરાઈને બોલે છે, "કઈ નવી ઇન્ટર્ન? શું, તમે શું વાત કરી રહ્યા છો દીદી?" આટલું કહીને તે પોતાની ગભરામણ છુપાવવા તરત જ ટેબલ પર જઈને ફટાફટ ખાવા લાગે છે.
વંશિકા પોતાના ભાઈના સ્વભાવને રગેઅરગથી ઓળખતી હોય છે. તે બધું જ મનોમન સમજી જાય છે પણ કશું વધારે બોલતી નથી. તે વિચારે છે—'કાંઈ વાંધો નહીં, ગમે તે કારણ હોય પણ એ અહીં એક મહિના માટે રોજ ઓફિસે આવવા તૈયાર તો થયો! જો આ જ બહાને એ રોજ ઓફિસે આવશે, તો ધીમે ધીમે તેને અહીં કામમાં પણ મન લાગવા માંડશે.'
પછી વંશિકા વિચારે છે કે મારે આ છોકરીને મળવું જોઈએ. તે તરત જ મેનેજર કાકાને કેબિનમાં બોલાવે છે અને કાચમાંથી હાથની પેન વડે જાનવી તરફ પોઈન્ટ કરતા પૂછે છે, "કાકા, આ નવી ઇન્ટર્ન કોણ છે?"
મેનેજર કાકા વિગતવાર માહિતી આપતા કહે છે, "મેડમ, આ આજે જ જોઈન થયેલી નવી ઇન્ટર્ન છે." એમ કહીને તેઓ જાનવીની ફાઇલ અને રિઝ્યુમે વંશિકાના હાથમાં સોંપે છે.
વંશિકા રિઝ્યુમે વાંચવા લાગે છે. એક જ સેકન્ડમાં તેની તીક્ષ્ણ નજર કોલેજના નામ પર પડે છે. કોલેજનું નામ જોતાં જ તેને તુરંત ખ્યાલ આવી જાય છે કે આ તો મનોજ જે કોલેજમાં ભણતો હતો એ જ કોલેજની છોકરી છે! વંશિકા મનોમન આખો ખેલ સમજી જાય છે.
બીજી તરફ મનોજ પણ વંશિકાના હાથમાં જાનવીની ફાઇલ જોઈને ચિંતામાં મુકાઈ જાય છે—'અરેરે! દીદી જાનવીની ફાઇલ જોઈ રહી છે, એમને ખબર પડી જશે કે અમે બંને એક જ કોલેજમાં ભણતા હતા!' મનોજ ઊભો થઈને કંઈક બહાનું બતાવવા જાય છે, તે પહેલાં જ વંશિકા મેનેજર કાકાને કહે છે, "કાંઈ વાંધો નહીં કાકા, એકવાર આ છોકરીને મારી કેબિનમાં મોકલો. હું તેની સાથે રૂબરૂ વાતચીત કરવા માંગું છું."
મેનેજર કાકા કહે છે, "હા મેડમ, હું હમણાં જ તેને મોકલું છું." એમ કહીને કાકા બહાર જાય છે.
મેનેજર જતાં જ મનોજ તરત જ ઊભો થાય છે અને વંશિકાને કહે છે, "દીદી, એક કામ કરો... તમે એનું ઇન્ટર્વ્યુ લો, હું થોડીવાર માટે બહાર જાઉં છું!"
વંશિકા મનોજ સામે એક તિરછી નજર નાખીને મનોમન વિચારે છે—'નક્કી કંઈક ગડબડ છે!'
મનોજ વંશિકાની શંકાને પારખી જાય છે અને તરત બોલી ઉઠે છે, "શું? વૉટ..! હું વૉશરૂમ પણ ન જઈ શકું?"
ક્રમશ.........